ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાનો અમલ એટલે `સ્વ'ના જાગરણ સાથે સમાનતા અને સંવેદનશીલતાનો સૂર્યોદય !

10 Feb 2025 16:04:37

common civil code uttarakhand gujarati
 
 
`સમાન નાગરિક સંહિતા'નો અમલ એ ડૉ. આંબેડકરજીને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ' - પુષ્કરસિંહ ધામી
 
 

બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાના આગ્રહી હતા, છતાં આજે સ્વતંત્રતાના ૭૫ વર્ષ પછી પણ જાણે ડૉ. આંબેડકરજીની અપેક્ષા કદાપિ પૂર્ણ ન થવા દેવી હોય તે રીતે કોંગ્રેસ સતત UCCનો ઉગ્ર વિરોધ કરી રહી છે, પરંતુ સંવિધાનના અમલના અમૃત વર્ષે જ ભાજપ શાસિત ઉત્તરાખંડે ૨૭ જાન્યુઆરીના દિવસથી સમાન નાગરિક સંહિતાનો અમલ કરીને ડૉ. આંબેડકરજીની મહેચ્છા પૂર્ણ કરીને તેમને શ્રેષ્ઠ અંજલિ આપી છે. આવો, સમાન નાગરિક સંહિતા વિશે જાણીએ.
 
 
 
ડૉ. આંબેડકરજી પ્રણિત જે સંવિધાનને આજે કોંગ્રેસે પ્રદર્શનનું માધ્યમ બનાવ્યું છે તે સંવિધાનમાં ધરબાઈ રહેલી ડૉ. આંબેડકરજીની સમાન નાગરિક સંહિતા અમલી બનાવવાની મહેચ્છાને ભાજપ શાસિત ઉત્તરાખંડ રાજ્યે પૂર્ણ કરી છે. ૭૬મા ગણતંત્ર દિનના બીજા જ દિવસથી, એટલે કે ૨૭ જાન્યુઆરી, ૨૦૨૫થી ઉત્તરાખંડ રાજ્યમાં સમાન નાગરિક સંહિતા- UCCના અમલનો આરંભ થઈ ચૂક્યો છે અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી UCCનો અમલ કરનારું ભારતનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યારે ગોવામાં પોર્ટુગલનું શાસન હતું, ત્યારથી જ ત્યાં UCC અમલમાં આવેલ છે.
 
ઉત્તરાખંડમાં UCCનો અમલ એ કંઈ રાતોરાત બનેલી ઘટના નથી. વર્ષ ૨૦૨૨માં રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ સમયે જ ભાજપે તેના ચૂંટણી સંકલ્પ પત્રમાં UCCના અમલનું વચન આપ્યું હતું. ઉત્તરાખંડની પ્રજાએ જાણે કે આ વચનને વધાવી લીધું હોય તેમ રાજ્યમાં ભાજપને ભારે બહુમતીથી સત્તા સોંપી હતી. વચનપૂર્તિ માટે જાણીતા ભાજપે પુષ્કરસિંહ ધામી સરકારની રચનાની સાથે જ UCC માટે સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષસ્થાને પાંચ રાજ્યોની સમિતિની ઘોષણા કરી હતી. લગભગ બે વર્ષની ગહન ચર્ચા-વિચારણા પછી દેસાઈ પંચે જાન્યુઆરી, ૨૦૨૪માં સરકારને પોતાનો અહેવાલ સોંપ્યો હતો. ગત ફેબ્રુઆરીમાં, વિસ્તૃત ચર્ચા પછી રાજ્યની વિધાનસભામાં પ્રચંડ બહુમતીથી આ અહેવાલનો સ્વીકાર થયો હતો. તે પછી લગભગ ૧૧ માસમાં પુષ્કરસિંહ ધામી સરકારે UCC વિશે જાહેર જનતા, તથા ન્યાયવિદો પાસેથી મંતવ્યો-સૂચનો મંગાવ્યાં હતાં, જેના આધારે સમાન નાગરિક સંહિતામાં આવશ્યક પરિવર્તન પણ કરવામાં આવ્યાં હતાં. મા. રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુજીના હસ્તાક્ષર થતાં જ ઉત્તરાખંડમાં UCCના અમલનો માર્ગ મોકળો થયો હતો.
રાજ્યમાં UCCનો અમલ સરળતાથી થાય તે માટે ધામી સરકારે તેના નિયમો ઘડીને તેને પબ્લિક ડૉમેઈનમાં મૂક્યા. UCC સંબંધિત સમસ્યાઓ, પ્રશ્નો કે ફરિયાદોના ત્વરિત નિવારણ માટે સરકારે એક અૉનલાઇન પોર્ટલ પણ બનાવ્યું છે. એટલું જ નહીં આ બાબતો માટે SMSની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. રાજ્યના સંબંધિત વિભાગોના કર્મચારીઓને UCC અંગે પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું છે.
 
ઉત્તરાખંડમાં UCCના અમલની સાથે જ નીચેની બાબતો અમલમાં આવી છે.
 
- UCCના અમલનું ડૉ. આંબેડકરજીનું સ્વપ્ન સાકાર થયું છે.
 
- મુસ્લિમ મહિલાઓ હવે મહિલાઓને મળતા સર્વ અધિકારો ગૌરવપૂર્વક ભોગવી શકશે.
 
- લગ્ન માટેની લઘુતમ વય મહિલા માટે ૧૮ અને પુરુષ માટે ૨૧ વર્ષ રહેશે. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ સમાજમાં કન્યાઓને ૧૩-૧૪ વર્ષે જ પરણાવી દેવાની છૂટ છે.
 
- સ્ત્રીઓને કેવળ ઉપભોગનું સાધન ગણનારા સમાજોમાં ચાર પત્નીની કુપ્રથા હવે બંધ થશે. પુરુષ એક સ્ત્રી સાથે જ લગ્ન કરી શકશે.
 
- કેટલાક પંથોમાં તલાક માત્ર પુરુષનો જ અધિકાર છે. પુરુષના અત્યાચારોથી પીડિત પત્નીઓને તલાકનો અધિકાર ન હતો. UCC આવી પતિથી પીડિત મહિલાઓ માટે આશીર્વાદ સમાન છે, કેમ કે હવે પીડિત પત્નીઓ પણ ન્યાયાલયમાં જઈને `તલાક' માંગી શકે છે!
 
- અત્યાર સુધી મુસ્લિમ મહિલાઓને પૈતૃક સંપત્તિમાં અધિકાર / ભાગ મળતો ન હતો, પરંતુ ઉત્તરાખંડની મુસ્લિમ મહિલાઓ હવે એટલા માટે પ્રસન્ન છે કે હવે તેમને પૈતૃક સંપત્તિમાં પણ અધિકાર પ્રાપ્ત થયો છે.
 
- UCCના અમલથી રાજ્યની મોટા ભાગની મુસ્લિમ મહિલાઓ અત્યંત પ્રસન્ન છે, એનું એક કારણ તેમને હવે હલાલા તથા ઈદ્દત જેવી જંગલી અને પાશવી ગણાતી યાતનાઓમાંથી મુક્તિ મળી છે. કટ્ટરપંથીઓ પાસેથી હલાલાનો ગરાસ વૈધાનિક રીતે જતો રહ્યો હોવાથી, સ્ત્રીને ઉપભોગનું સાધન ગણનારા પંથજનૂની લોકો UCC સામે કાગારોળ મચાવી રહ્યા છે, પરંતુ એક પણ `નારીવાદી સંગઠનો'એ UCCનો વિરોધ કર્યો નથી. આ સત્ય જ જે-તે સમાજની આ ક્રૂર માનસિકતા ઉજાગર કરે છે.
 
- લગ્નની નોંધણી અૉનલાઇન પૉર્ટલ ઉપર ફરજિયાતપણે કરવાની રહેશે. ૨૬ માર્ચ, ૨૦૧૦ પછી થયેલાં સર્વ લગ્નો માટે આ નોંધણી કરવી અનિવાર્ય છે. આમ, લવજેહાદ ઉપર અંકુશ આવી શકશે.
 
- મોટે ભાગે કરુણાંતિકામાં પરિણમતા `Live in Relationship'નું પણ Online Portal ઉપર રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત થયું છે. આ `સંબંધો'નો અંત આવે તો મહિલા ભરણપોષણ માટે ન્યાયાલયમાં જઈ શકશે. આમ, નારીની સુરક્ષાને પણ UCCમાં મહત્ત્વ અપાયું છે.
 
- લિવ ઈનને કારણે સંતાન જન્મે તો તેની નોંધણી એક માસમાં કરવી અનિવાર્ય છે.
 
- મુસ્લિમ સ્ત્રીઓને પોતાના નામે કૃષિલાયક ભૂમિ ધરાવવાનો અધિકાર પ્રાપ્ત થયો છે.
 
- હવે પિતરાઈ કે મામા-માસી-ફોઈનાં સંતાનો (ભાઈ-બહેનો) લગ્ન કરી શકશે નહીં, પરિણામે, સામાજિક વિષમતાઓનો અંત આવશે.
 
- રાજ્યની અનુસૂચિત જનજાતિ વર્ગને UCCના નિયમો લાગુ પડશે નહીં.
 
ઉપર દર્શાવેલા નિયમો તો UCCના નિયમો પૈકીના કેવળ કેટલાક અંશો જ છે, જે વાંચ્યા પછી કોઈ પણ સભ્ય સમાજ આ બધા જ નિયમોને વધાવી લે તેમાં કોઈ શંકા નથી. આમ છતાં, કેટલાક કટ્ટર રૂઢિવાદી પુરુષપ્રધાન પંથોએ UCCનો વિરોધ કરવા માંડ્યો છે, કેમ કે UCCના અમલથી સ્ત્રીનો એક ઉપભોગતા સાધન તરીકે ઉપયોગ કરવાના તેમના અધિકારોનો હવે અંત આવે છે.
 
આથી જ, `૧૫ મિનિટ પોલીસ હટાવી દો તો અમે ૨૫ કરોડ (મુસ્લિમો) સો કરોડ એવા તમને ખતમ કરી દઈશું'ની ધમકી આપનારા ઓવેસીના કટ્ટર મુસ્લિમ એ.આઈ.એમ.આઈ.એમ. પક્ષે UCCનો વિરોધ કર્યો છે. UCC મુસ્લિમ સ્ત્રીઓને સર્વ બંધારણીય અધિકારો આપે છે તેથી જમાતે ઉલેમાએ હિન્દ જેવા કટ્ટરપંથી સંગઠને UCCને ન્યાયાલયમાં પડકારવાની ઘોષણા કરી છે, તો ૩૧મી જાન્યુઆરી, ૨૦૨૫ના દિવસે સંસદના બજેટ સત્રમાં બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધનારા દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુજીને `બિચારા' કહેનારા કાૅંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયાજી તથા તેમના અભિભાષણને `બોરિંગ' કહેનારા કાૅંગ્રેસના `સર્વેસર્વા' રાહુલજીએ તેમનો આદિવાસી દ્વેષ ઉજાગર કર્યો છે.
 
કાૅંગ્રેસની આદિવાસી દ્વેષની પરંપરાને જાળવી રાખીને ઉત્તરાખંડ રાજ્યના કાૅંગ્રેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ સૂર્યકાન્ત ધસ્માણાએ તો UCCનો વિરોધ કરવા માટે આદિવાસી સંસ્કૃતિનો ભોગ લેવામાં બાકી રાખ્યું નથી. વરિષ્ઠ કાૅંગ્રેસી નેતા સૂર્યકાન્ત ધસ્માણાએ UCCના અમલમાંથી આદિવાસીઓને મુક્તિ આપવામાં આવી છે, તેનો ઉગ્ર વિરોધ કર્યો છે. UCCના નિયમો રાજ્યના આદિવાસીઓને પણ લાગુ પાડવામાં આવે તેવી માંગણી કરી છે. આમ, કાૅંગ્રેસ આદિવાસી સંસ્કૃતિનો નાશ કરવા તત્પર છે તે તેમણે સ્પષ્ટ કર્યું છે. આવા વિરોધ વચ્ચે એક સમર્થનનો સૂર સાક્ષર મુસ્લિમ વર્ગ અને મોટા ભાગની પીડિત મુસ્લિમ મહિલાઓ તરફથી આવ્યો છે.
 
તલાક, હલાલા તથા બહુપત્નીત્વની પાશવી કુરૂઢિઓથી ત્રસ્ત આ મહિલાઓ તો ધામી સરકારના UCCના અમલને ઈશ્વરીય આશીર્વાદ જ માને છે, તો જેમની પુત્રીઓએ તલાક કે હલાલા અત્યાચારો સહન કર્યા છે, તે માતા-પિતા પણ ભાજપ સરકારના આ નિર્ણયને ઉમળકાભેર આવકારે છે. આ બધાં વચ્ચે સાનંદ આશ્ચર્યની વાત એ છે કે, છાશવારે `નારી સ્વાતંત્ર્ય'ના મુદ્દે રાડારોળ કરનારા તથા રેલી-રેલા કાઢનારાં નારી સંગઠનો UCCના મુદ્દે સદંતર મૌન છે! સૌને એ ખબર છે કે, મૌન રહેવાનો અર્થ જ સંમતિ દર્શાવે છે. ‘मौन स्वीकृतिः लक्षणम् રાજ્યના મુખ્યમંત્રીશ્રી પુષ્કરસિંહ ધામીએ આ અંગે યોગ્ય જ કહ્યું છે કે, `રાજ્યમાં સમાનતા અને સંવેદનશીલતાના નવા યુગનો આરંભ થયો છે. UCCનો અમલ એ જ ડૉ. આંબેડકરજીનું તથા સંવિધાન સભાના સર્વ સભ્યોને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ છે.' UCCનો અમલ એટલે જ ડૉ આંબેડકરજીની મહેચ્છાની પૂર્તિ.
 
અંતમાં, `UCCનો અમલ કેવળ ઉત્તરાખંડમાં જ કેમ? સમગ્ર ભારતમાં કેમ નહીં?' આવા પ્રશ્નથી રાજ્યની ભાજપ સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરનારા કેટલાક કટ્ટર મુસ્લિમ નેતાઓને એટલું જ કહેવાનું મન થાય છે કે, `દેખતે રહો, આગે આગે હોતા હૈ ક્યા!'
 
૩૧મી જાન્યુઆરીના દિવસે સંસદમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીએ આપેલું વક્તવ્ય `તેજીને ટકોરો' સમાન ઘણું બધું ઈંગિત કરે છે! દેશ સંવિધાનના માર્ગે જ આગળ વધી રહ્યો છે, હાથમાં સંવિધાનના પ્રદર્શનથી નહીં!
 
 
Powered By Sangraha 9.0