સનાતન મંદિરોની મુક્તિનો શંખનાદ | સેક્યુલર કાયદાઓના ઓથા હેઠળ ચાલતા આ વિધર્મી અને સેક્યુલરવાદી ષડયંત્રનો પર્દાફાશ

10 Feb 2025 13:20:56

VHP Free Hindu Temples Movement
 

મુઘલોના શાસનકાળમાં હિન્દુ મંદિર-ધર્મસ્થાનોને લૂંટી ધ્વંસ કરવાના દુસાહસિક પ્રયાસોનો લાંબો ઇતિહાસ છે. મુઘલો બાદ અંગ્રેજોએ બૌદ્ધિક રીતે કાયદાઓની માયાજાળ બનાવી આ કામ કર્યું. આપણા દુર્ભાગ્યે સ્વાધીનતા બાદ મુઘલો અને અંગ્રેજોની આ સનાતનવિરોધી નીતિને પોષણ આપવાનું કામ કથિત સેક્યુલર અને વામપંથી સરકારો દ્વારા થયું છે. વિશ્વ હિન્દુ પરિષદે સનાતન મંદિરોને કાયમી મુક્તિ અપાવવા ગત ૫ જાન્યુઆરીના રોજ આંધ્રપ્રદેશના વિજયવાડામાં સંતસમાજની આગેવાની અને નિદર્શનમાં શંખનાદ ફૂંક્યો છે ત્યારે, સેક્યુલર કાયદાઓના ઓથા હેઠળ ચાલતા આ વિધર્મી અને સેક્યુલરવાદી ષડયંત્રનો પર્દાફાશ જોઈએ આ મુખપૃષ્ઠ વાર્તામાં...
 
 
 
હિન્દુ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરાવવા માટે છેલ્લાં ઘણાં સમયથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રયત્નો ચાલી રહ્યા છે. જે અંતર્ગત આ વિષયને સમગ્ર દેશમાં પહોંચાડીને તેને પરિણામલક્ષી બનાવવા માટે વિ.હિ.પ. દ્વારા અખિલ ભારતીય અભિયાનનો શંખનાદ કરવામાં આવ્યો છે. ગત ૫ જાન્યુઆરીના રોજ આંધ્રપ્રદેશના વિજયવાડામાં આયોજીત `હૈદવ શંખારાવમ્' નામના વિરાટ હિન્દુ સંમેલનમાં આ અંગે વિષદ ચર્ચા અને આગળના કાર્યની રૂપરેખા તૈયાર થઈ. સૌ પહેલાં એ સમજવું રહ્યું કે, મંદિરોને સરકારી નિયંત્રણમાંથી બહાર લાવવા શા માટે જરૂરી છે અને વિ.હિ.પ. તે માટે શું કરી રહ્યું છે?
 
વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન મહામંત્રી શ્રી મિલિન્દ પરાંડેજીએ એક પ્રેસવાર્તામાં કહ્યું હતું કે, `હવે તમામ રાજ્ય સરકારોને મંદિરોના નિયંત્રણ, પ્રબંધન અને દૈનંદિની કાર્યોમાંથી ખુદને દૂર કરી લેવાં જોઈએ. કારણ કે તેમનું આ કાર્ય હિન્દુ સમાજ સાથે ભેદભાવ કરનારું છે. પૂજ્ય સંતો અને હિન્દુ સમાજના શ્રેષ્ઠ લોકોની આગેવાનીમાં આ સંબંધે જનજાગરણ અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશની સ્વાધીનતા બાદ જે જે હિન્દુ વિરોધી કામો પર પૂર્ણવિરામ લાગવું જોઈતું હતું તે ન લાગ્યું. એટલે કે મંદિરોને હિન્દુ સમાજને સોંપી દેવાં જોઈતાં હતાં, પરંતુ એક બાદ એક અનેક રાજ્ય સરકારો સંવિધાનના અનુચ્છેદ ૧૨, ૨૫ અને ૨૬ને નજરઅંદાજ કરતી રહી છે. જો કોઈ મસ્જિદ કે ચર્ચ સરકારના નિયંત્રણમાં નથી તો પછી હિન્દુઓ સાથે આવો ભેદભાવ કેમ? પ્રબંધન અને નિયંત્રણ કાર્ય હવે હિન્દુ સમાજના નિષ્ઠાવાન અને દક્ષ લોકોને સોંપી દેવું જોઈએ. આ અંગે અમે માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના પ્રતિષ્ઠિત વકીલો, ઉચ્ચ ન્યાયલયોના કાર્યકર્તાઓ સાથે મળીને એક ચિંતન ટોળી બનાવી છે. તેમણે મંદિરોનાં પ્રબંધન અને તેના સંબંધિત કોઈપણ પ્રકારના વિવાદોનાં નિકાલ માટે હેતુ અધ્યયન કરી એક પ્રારૂપ તૈયાર કર્યું છે. તેમાં એ વાત સામે આવી છે કે, જ્યારે સરકારો સમાજને મંદિરો પરત કરશે ત્યારે સ્વીકાર કેવી રીતે કરવામાં આવશે? કયા પ્રાવધાન (જોગવાઈ) અંતર્ગત કરવામાં આવશે? આ માટે કેટલાક સંવૈધાનિક પદો પર બેઠેલા વ્યક્તિઓ દ્વારા પૂજ્ય સંતો, સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ તથા સેવાનિવૃત્ત સરકારી અધિકારીઓ સાથે સમાજના પ્રતિષ્ઠિત લોકો- જેઓ હિન્દુ શાસ્ત્રો અને આગમોની વિધિઓના જાણકાર છે- તેવા લોકોને એકત્રિત કરી રાજ્યસ્તરની એક ધાર્મિક પરિષદ બનાવવામાં આવશે. આ રાજ્ય સ્તરીય પરિષદ, જિલ્લા સ્તરીય પરિષદ અને મંદિરના ન્યાસી (ટ્રસ્ટી)ઓને પસંદ કરશે. જેમાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની સાથે સમાજના તમામ વર્ગોનો સહભાગ રહેશે. વિવાદોના સમાધાન માટે એક પ્રક્રિયા નિશ્ચિત કરવામાં આવશે. આવા પ્રસ્તાવિત કાનૂનનું એક પ્રારૂપ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુને સોંપ્યુ છે. અમે આવી જ ચર્ચા અન્ય રાજ્ય સરકારો તથા વિવિધ રાજનૈતિક પક્ષો સાથે પણ કરી રહ્યા છીએ. આ પહેલાં ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તમામ રાજ્યોના રાજ્યપાલોને આવેદન આપી તેમની સરકારોને મંદિર પ્રબંધનોમાંથી હટી જવા માટે અપીલ કરવામાં આવી છે. મંદિર મુક્તિના આ અખિલ ભારતીય જાગરણ અભિયાન અંતર્ગત એ મંદિરોની ચલ-અચલ સંપત્તિઓની રક્ષા તથા તેને યોગ્ય વિનિયોગ-સમાજની સેવા તેમજ ધર્મપ્રચાર કરવા માટે હિન્દુ સમાજના જાગરણનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને વિશ્વ હિન્દુ પરિષદ કુંભમેળામાં આ અંગે આગામી રૂપરેખા નિશ્ચિત કરવા જઈ રહી છે.
 
વિ.હિ.પે. ૨૦૧૯માં પારિત કરેલો ઠરાવ
 
૨૦૧૯માં કર્ણાટકમાં વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય પ્રન્યાસી મંડલ અને પ્રબંધન સમિતિની સંયુક્ત બેઠકમાં `આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં હિન્દુ વિરોધી ષડ્યંત્ર' નામે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, વાત મંત્રીમંડળની હોય કે પછી પ્રશાસનિક અધિકારીઓ, મંદિરોનાં ન્યાસી ટ્રસ્ટી અને અન્ય તમામ સરકારી પ્રતિષ્ઠાનોની હોય, તમામ સ્થાનો પર કટ્ટરપંથી ઈસાઈઓની આડેધડ નિયુક્તિઓ થઈ રહી છે. આ જ કાર્ય પ્રામાણિક, સક્ષમ, સમર્થ, અનુભવી અને વરિષ્ઠ અધિકારીઓને ઉચ્ચ પદો પરથી હટાવી અપ્રામાણિકોને પદો પર નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. ગુન્ટૂર જિલ્લાના જિલાધિકારી દ્વારા એક ઈસાઈ કાર્યક્રમમાં ભાગ લઈ ઘોષણા કરાઈ કે, ઈસાઈ હોવાને કારણે જ જગનમોહન રેડ્ડીએ મને આ પદ પર નિયુક્ત કર્યો છે અને પાછલા છ મહિનામાં મેં આ જિલ્લામાં ૬,૦૦૦ ઈસાઈએોને નોકરી આપી છે. આ સરકાર ઈસાઈઓની સરકાર છે અને અમે ઈસાઈઓ માટે ખૂબ કામ કરવાના છીએ. આ ખૂબ જ અસંવૈધાનિક અને આપણાં તમામની આંખો ખોલનારું છે. આ સમાચાર પત્રિકાઓમાં પણ છપાયા હતા.
 
તિરુપતિથી તિરુમાલા જનારી બસોની યાત્રી ટિકિટો પાછળ જેરુશલમ જનારાઓ ઈસાઈઓને સરકાર દ્વારા અપાતી સબસિડી, સુવિધાની જાહેરાત કરી યાત્રામાં ભાગ લેવાનું આહ્વાન કરવું તે સરકારની મંશાને સ્પષ્ટ કરે છે. તિરુમાલા તિરુપતિ મંદિરોની નિયમાવલી મુજબ બાલાજી વેંકટેશ્વર સ્વામીમાં વિશ્વાસ કરું છું.' એવું શપથપત્ર આપ્યા પછી જ બિનહિન્દુ ભગવાનના દર્શન કરી શકે છે, પરંતુ સરકાર દ્વારા ઈસાઈ હોવા છતાં આવા શપથપત્ર વગર દર્શન કરાવવાં એ હિન્દુઓનું અપમાન નહીં તો બીજું શું છે? એટલું જ નહીં કોઈ પણ પ્રકારની સૂચના કે વૈકલ્પિક ઉપાયો પર વિચાર કર્યા વગર જ અનેક નાના-મોટા પ્રાચીન મંદિરોને બળજબરીથી તોડવામાં આવી રહ્યાં છે.
 
લઘુમતીઓનાં આવાસ અને વિકાસ માટે મંદિરોની હજારો એકર ભૂમિ નિયમો અને ન્યાયાલયોનાં નિર્ણય વિરુદ્ધ જઈ સરકાર દ્વારા હડપવાનું કામ પણ નિરંતર ચાલી રહ્યું છે.
 
વિ.હિ.પે. ૨૦૨૧માં પારિત કરેલો ઠરાવ
 
ફરિદાબાદ હરિયાણામાં ૧૭ થી ૧૮ જુલાઈ, ૨૦૨૧માં યોજાયેલ વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રિય પ્રબંધ સમિતિ અને પ્રન્યાસી મંડલ બેઠકમાં પણ મંદિરોને સરકારી નિયંત્રણોમાંથી મુક્તિ માટે પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય પ્રન્યાસી મંડલ અને પ્રબંધ સમિતિનો સ્પષ્ટ અભિમત છે કે, હિન્દુ મંદિર અને ધાર્મિક સંસ્થાઓને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાં જોઈએ.
 
ચિદમ્બરમ્ નટરાજન મંદિર મામલે મદ્રાસ હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, સરકારોએ તેને પોતાના નિયંત્રણમાંથી મુક્ત કરી દેવા જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદ સરકારને અપીલ કરે છે કે એક કેન્દ્રિય કાનૂન બનાવી હિન્દુ-મંદિરો અને ધાર્મિક સંસ્થાઓને હિન્દુ સમાજને સોંપી દેવામાં આવે જેથી સંતો અને ભક્તો તેમની ધાર્મિક અને પ્રશાસનિક વ્યવસ્થાઓ તેમજ ત્યાંની સમાજોન્મુખી અને સંસ્કારક્ષમ પરંપરાઓને અક્ષુણ્ણ રાખી શકે. અમે હિન્દુ સમાજને પણ અપીલ કરીએ છીએ કે, તે મંદિરોનાં પવિત્ર અને કાલોચિત પરંપરાઓની રક્ષા કરે તથા મંદિરોની `સેવા-સંસ્કાર' અંગેની ક્ષમતા વધારવામાં સહયોગ કરે.
 

VHP Free Hindu Temples Movement 
 
વિ.હિ.પ.એ મંદિર અંગે કરેલી અગત્યની માગણીઓ
 
l મંદિરોને હિન્દુ સમાજને સોંપવા પૂર્વે વિશ્વ હિન્દુ પરિષદનો આગ્રહ છે કે, મંદિરો અને એંડૌમેન્ટ વિભાગમાં નિયુક્ત તમામ બિનહિન્દુઓને બહાર કરવામાં આવે.
 
- ભગવાનની પૂજા, પ્રસાદ અને સેવામાં માત્ર ઊંડી શ્રદ્ધા રાખનાર હિન્દુઓને જ નિયુક્ત કરવામાં આવે.
 
- મંદિરના ન્યાસીઓ અને પ્રબંધનમાં કોઈ રાજનેતા કે કોઈ રાજનૈતિક પક્ષો સાથે જોડાયેલા વ્યક્તિઓને રાખવામાં ન આવે.
 
- મંદિરની અંદર અને બહારના ભાગોમાં માત્ર હિન્દુઓને જ દુકાનો આપવામાં આવે.
 
- મંદિરોની જમીન પર બિનહિન્દુઓ દ્વારા બનાવાયેલા તથા અન્ય તમામ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવે.
 
- મંદિરોની આવકને માત્ર હિન્દુ ધર્મ પ્રચાર અને તેના સંબધિત વિષયો પર જ ખર્ચ કરવામાં આવે. સરકારી કાર્યોમાં ક્યારેય નહિ.
 
હિન્દુ મંદિરો પરનું અતિક્રમણ આજકાલનું નથી
 
આજે વિ.હિ.પ. મંદિરોને સરકારી નિયંત્રણોમાંથી મુક્ત કરાવવા માટે શંખનાદ કરી રહ્યું છે, તે ખૂબ જ આવકાર્ય છે કારણ કે, હિન્દુ મંદિરો પર સરકારી નિયંત્રણોનો મુદ્દો ખૂબ જુનો છે. હિન્દુ મંદિરો અને ધાર્મિક સંસ્થાનો પર અતિક્રમણ કરવાનું ષડયંત્ર છે ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારથી ચાલી રહ્યું છે, જ્યારે અંગ્રેજો પ્રથમ વખત ભારતમાં આવ્યા ત્યારે આપણાં હિન્દુ મંદિરો સમાજનાં મહત્ત્વનાં કેન્દ્ર સમાન હતાં. સમાજની તમામ ગતિવિધિઓ, સંસ્કાર અને જાગરણ મંદિરો થકી થતું હતું. પોતાના ઉપનિવેશીકરણને આગળ વધારવા માટે અને ઈસાઈ મિશનરીઓના મતાંતરણ પ્રયાસો નિર્બાધ રીતે ચાલે તે માટે હિન્દુ મંદિરોના આ વ્યવસ્થા તંત્રને ધ્વંસ કરવાની યોજના પર કામ શરૂ થયું. આનો સૌ પ્રથમ પ્રયાસ મદ્રાસમાં ૧૮૧૭માં મદ્રાસ વિનિયમન કાયદો બનાવી હિન્દુ મંદિરોને સંચાલનના નામે પોતાના હાથમાં લઈ લેવામાં આવ્યાં.ત્યારબાદ આવો જ કાયદો બંગાળ અને બોમ્બે માટે બનાવવામાં આવ્યો. જોકે, હિન્દુ મંદિરોનાં સંચાલન અને પ્રશાસનમાં ભાગીદારીનો ઇંગ્લેન્ડના કેટલાક રૂઢિચુસ્ત ઈસાઈઓ દ્વારા એમ કહી વિરોધ કરવામાં આવ્યો કે, ગેરઈસાઈ (મૂર્તિપૂજક) સંસ્થાનોનું પ્રબંધન ઈસાઈ મતના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. ઇંગ્લેન્ડમાંથી દબાણ વધતાં છેવટે ૧૮૩૩માં ભારતના બ્રિટિશ પ્રાશસકોએ હિન્દુ ધર્મસ્થાનોમાંથી પોતાની ભાગીદારી પરત ખેંચી લીધી, પરંતુ ત્યાં સુધી અંગ્રેજોની દાઢે લોહી ચોંટી ચૂક્યું હતું. હિન્દુ મંદિરોમાંથી થતી લખ-લૂંટ આવકની લાલચે અંગ્રેજોને ઝાઝો સમય મંદિરોથી દૂર રાખી શકી નહિ અને ૧૯૩૦નો દાયકો આવતાં આવતાં ફરી પાછા અંગ્રેજો દ્વારા ૧૯૨૫માં મદ્રાસ ધર્માંધ બંદોબસ્તી અધિનિયમ બનાવી પુનઃ હિન્દુ મંદિરોનું સંચાલન પોતાના હાથમાં લઈ લીધું. આપણા માટે સબક લેવા જેવી વાત એ છે કે, તે વખતે આ અધિનિયમ માત્ર હિન્દુ ધર્મસંસ્થાનો માટે જ નહિ ઈસાઈ, મુસ્લિમો અને શીખો માટે પણ લાવવામાં આવ્યો હતો. પરંતુ ઈસાઈ અને મુસ્લિમ સમુદાયો તેની વિરુદ્ધમાં આવી જતાં અંગ્રેજ સરકારે આ કાયદાનું નામ બદલી હિન્દુ ધાર્મિક અને બંદોબસ્ત અધિનિયમ ૧૯૨૭ કરી દીધું. આમ આમાંથી ઈસાઈ-મુસ્લિમ પાંથિક સંસ્થાનો આપોઆપ દૂર થઈ ગયાં. આશ્ચર્યજનક રીતે ન તો સ્વાધીનતાની લડાઈ વખતે જવાહરલાલ નહેરૂ કે મહાત્મા ગાંધી દ્વારા આનો કોઈ વિરોધ ન થયો કે ન તો હિન્દુ સમાજ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી. પરિણામે હિન્દુ મંદિરોના ખજાનાની ચાવી અંગ્રેજોના હાથમાં આવી ગઈ.
 

VHP Free Hindu Temples Movement 
 
સ્વાધીનતા બાદ પણ ચાલુ રહ્યો અન્યાયી કાયદો
 
૧૯૪૭માં ભારત સ્વાધીન થયું ત્યારે એક આશા જરૂર જાગી હતી કે, દેશની જેમ મંદિરો પણ સ્વાધીન થશે. અને હિન્દુ મંદિરો મુક્ત થઈ પણ જવા જોઈતાં હતાં. પરંતુ થયું શું ? નવગઠિત સરકારોની પોતાને કટ્ટર સેક્યુલર ગણવાની ચાનક કહો કે પછી અંગ્રેજોની જેમ મંદિરોમાં આવતા અધધ દાન અને મંદિરોની અમાપ સંપત્તિની લાલચમાં સરકારો હિન્દુવિરોધી-નીતિઓમાં અંગ્રેજોને પણ ટપી ગઈ. નહેરૂના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારે હિન્દુવિરોધ-નીતિઓને હટાવવાનું નહિ પણ તેને કાયદાકીય રીતે વધુ સામાન્ય બનવાનું કુકૃત્ય કર્યું. કેવી રીતે? તે જોઈએ.
 
૧૯૪૭માં સ્વાધીનતા મળ્યા બાદ ૧૯૫૦માં ભારતને પોતાનું બંધારણ મળ્યું, જેમાં અનુચ્છેદ (કલમ) ૨૬ આપવામાં આવી. મતલબ કે, કોઈપણ સરકાર કોઈપણ ધાર્મિક પ્રથામાં હસ્તક્ષેપ કરી શકતી નથી ત્યારે હિન્દુ મઠ મંદિરો અને તેમની સંપત્તિ સરકારી નિયંત્રણોમાંથી આપોઆપ મુક્ત થઈ જવા જોઈતાં હતાં, પરંતુ કોંગ્રેસ અને વિશેષ કરીને કટ્ટર સેક્યુલરવાદી અને ગર્વભેર પોતાને ભારતના અંતિમ અંગ્રેજ ગવર્નર ગણાવતા નહેરૂ ક્યારેય ઇચ્છતા ન હતા કે, ભારતનાં મઠ-મંદિરો સરકારના નિયંત્રણમાંથી મુક્ત થાય. માટે તેઓ હિન્દુ ધાર્મિક અને ધર્માર્થ બંદોબસ્તી અધિનિયમ-૧૯૫૧ લઈને આવ્યા. આ કાળા કાયદાની જોગવાઈ જોતાં ખબર પડી જશે કે નહેરૂજી ભારતીય સંસ્કૃતિ અને હિન્દુઓની ધાર્મિક લાગણીઓને કેટલી હદે અન્યાય કર્યો છે. કાયદાની જોગવાઈઓ મુજબ
 
* ભારતની કોઈપણ રાજ્ય સરકાર કાયદો બનાવી મંદિરો અને તેની સંપત્તિઓને સરકારને આધીન લઈ શકે છે. (મસ્જિદ- ચર્ચ ને આ કાયદો લાગુ ન પડે તે માટે અંગ્રેજોની જેમ નહેરૂ દ્વારા ચાલાકીપૂર્વક આ કાયદાનું નામ હિન્દુ ધાર્મિક અને ધર્માર્થ બંદોબસ્તી અધિનિયમ આપવામાં આવ્યું હતું.)
 
* સરકાર, મંદિરમાં દાનમાં મળેલા ધનનો ઉપયોગ કોઈપણ સરકારી ઉદ્દેશ્ય માટે કરી શકે છે.
 
* રાજ્ય સરકાર ઇચ્છે તેને એટલે કે કોઈપણ પંથ-મતના વ્યક્તિને મંદિરના પ્રશાસક, અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી શકે છે.
 
* સરકાર મંદિરની જમીન વેચી શકે છે અને તે ધનનો ઉપયોગ કોઈપણ ઉદ્દેશ્ય માટે કરી શકે છે.
 
* સરકાર મંદિરની કોઈપણ પરંપરાઓમાં હસ્તક્ષેપ પણ કરી શકે છે.
 
અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટીય મહામંત્રી સ્વામી જીતેન્દ્ર પ્રસાદ સરસ્વતીજી કહે છે કે, `૧૯૪૭માં ભારતને સ્વાધીનતા મળ્યા બાદ તત્કાલીન કોંગ્રેસ સરકાર પણ અંગ્રેજોના રસ્તે જ ચાલી. પ્રધાનમંત્રી નહેરૂની વ્યક્તિગત રુચિને કારણે મદ્રાસ હિન્દુ ટેમ્પલ એક્ટના સ્થાને `ધ હિન્દુ રીલીજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ એક્ટ ૧૯૫૧'માં સંસદમાં કોઈપણ પ્રકારની ચર્ચા વગર જ બનાવી દેવામાં આવ્યો હતો, કારણ કે સ્વાધીન ભારતમાં પ્રથમ ચૂંટણી તો ૧૯૫૧-૫૨માં પૂર્ણ થઈ હતી.'
 
આ કાયદાને હથિયાર બનાવી તમિલનાડુની કોંગ્રેસ સરકારે ૧૯૫૯માં (તે વખતે રાજ્યમાં કોંગ્રેસનું રાજ હતું અને મુખ્યમંત્રી કે. કામરાજ હતા.) `ધાર્મિક અને ધર્માર્થ અધિનિયમ' લાવી રાજ્યનાં ૩૫,૦૦૦ મંદિરોને પોતાના નિયંત્રણમાં લઈ લીધાં ત્યાર બાદ આંધ્રપ્રદેશ, રાજસ્થાનની તત્કાલીન કોંગ્રેસ સરકારોએ આવા જ કાયદા બનાવી રાજ્યનાં મહત્ત્વનાં મંદિરોને પોતાના પંજામાં લઈ લીધાં. આ જ કાયદાનું દુષ્પરિણામ એ આવ્યું છે કે, હાલ ભારતનાં ૧૫ રાજ્યોનાં ૪ લાખથી પણ વધારે મંદિરો સરકારી નિયંત્રણમાં છે.
 
હાલ હિન્દુ શ્રદ્ધાળુઓ દ્વારા છૂટા હાથે કરવામાં આવતા દાનને કારણે તિરૂપતિ દેવસ્થાનમ્ કેરળનું શબરીમાલા મંદિર અને મહારાષ્ટનું શિરડી સાઈબાબા મંદિર જેવા મંદિરોની ગણના વિશ્વના સૌથી ધનિક ધાર્મિક સંસ્થાનોમાં થાય છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ દેશનું સૌથી ધનિક મંદિર છે તેની વાર્ષિક આવક ૩,૦૦૦થી ૪,૦૦૦ કરોડ રૂપિયા છે. આ મંદિર ૧૯૩૩થી સરકારના નિયંત્રણમાં છે. તેવી જ રીતે વાર્ષિક ૨૦૦થી ૨૫૦ કરોડની આવક ધરાવતું શબરીમાલા મંદિર પણ ૧૯૫૦થી સરકારી નિયંત્રણમાં છે. તો વાર્ષિક ૩૦૦ કરોડની આવકવાળું શિરડીનું સાઈબાબા મંદિર ૧૯૨૨થી સરકારી નિયંત્રણમાં છે.
 

VHP Free Hindu Temples Movement 
 
 
હિંદુ મંદિરોનું સંચાલન હિંદુ ભક્તોના હાથોમાં જ રહે - પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવત
 
 
રાષ્ટ્રની એકાત્મતા, અખંડતા, સુરક્ષા, સુવ્યવસ્થા, સમૃદ્ધિ તથા શાંતિ માટે પડકાર બનીને આવનારી અથવા લાવવામાં આવનારી આંતરિક અને બાહ્ય સમસ્યાઓના પ્રતિકારની તૈયારી રાખવાની સાથે સાથે હિંદુ સમાજના પણ કેટલાક પ્રશ્નો છે, જેને ઉકેલવા માટેનું કામ થવું જરૂરી છે. હિંદુ મંદિરોની આજની સ્થિતિ પણ આવો જ એક પ્રશ્ન છે. દક્ષિણ ભારતનાં મંદિરો સંપૂર્ણ રીતે ત્યાંની સરકારોને આધીન છે. શેષ ભારતમાં કેટલાંક સરકારની પાસે, કેટલાંક પારિવારિક કે વ્યક્તિગત માલિકીમાં, કેટલાંક સમાજ દ્વારા કાયદાકીય રીતે સ્થાપિત ટ્રસ્ટોની વ્યવસ્થામાં છે. કેટલાંય મંદિરોની કોઈ વ્યવસ્થા જ નથી એવી સ્થિતિ છે. મંદિરોની ચલ-અચલ સંપત્તિ પડાવી લેવાની પેરવીની ઘટનાઓ સામે આવી છે. પ્રત્યેક મંદિર તથા તેમાં પ્રતિષ્ઠિત દેવતા માટે પૂજા વગેરેનાં વિધિ-વિધાનનાં શાસ્ત્રો તથા પરંપરાઓ વિશિષ્ટ અને અલગ અલગ છે; એમાં પણ દખલગીરીની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ભગવાનનાં દર્શન, એમની પૂજા કરવી જાત-પાત-પંથ જોયા વિના સૌ શ્રદ્ધાળું ભક્તો માટે સુલભ હોય એવું બધા મંદિરોમાં નથી, એ હોવું જોઈએ. મંદિરના ધાર્મિક આચારોની બાબતમાં શાસ્ત્રના જ્ઞાતા, વિદ્વાન, ધર્માચાર્ય, હિંદુ સમાજની શ્રદ્ધા વગેરેનો વિચાર કર્યા વિના જ નિર્ણય લેવામાં આવે છે, જે આપણા સૌના ધ્યાનમાં છે. `સેક્યુલર' હોવા ઉપરાંત પણ વ્યવસ્થાના નામે માત્ર હિંદુ ધર્મસ્થાનોને દશકો-શતકો સુધી હડપી લેવાં; અભક્ત અને અધર્મી-વિધર્મી લોકોના હાથમાં તેનું સંચાલન સોંપી દેવાનો અન્યાય દૂર થાય, હિંદુ મંદિરોનું સંચાલન હિંદુ ભક્તોના હાથોમાં જ રહે અને હિંદુ મંદિરોની સંપત્તિનો વિનિયોગ ભગવાનની પૂજા તથા હિંદુ સમાજની સેવા અને કલ્યાણ માટે જ થાય, એ પણ યોગ્ય અને આવશ્યક છે. આ વિચારની સાથે સાથે હિંદુ સમાજના મંદિરોનું સુયોગ્ય વ્યવસ્થાપન તથા સંચાલન કરતાં કરતાં મંદિર ફરીથી સમાજજીવનનું અને સંસ્કૃતિનું કેન્દ્ર બની શકે તેવી રચના હિંદુ સમાજના આધારે કેવી રીતે બનાવી શકાય, તેની પણ યોજના આવશ્યક છે. (દિ. ૧૫-૧૦-૨૦૨૧ના રોજ નાગપુર ખાતે વિજ્યાદશમી ઉત્સવમાં થયેલ ઉદબોધનનો અંશ)
 
 
મંદિરોના સ્વામી માત્ર ભગવાન - સ્વામી અવધેશાનંદજી
 
 
જૂના પીઠાધીશ્વરના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદજી મહારાજ કહે છે કે, ભારતમાં તુષ્ટીકરણના નામે હંમેશાથી હિન્દુ સમાજનાં હિતો સાથે કુઠારાઘાત થયો છે. આવાં અનેક વિષયોમાં એક હિન્દુ-મઠ મંદિરો પર સરકારી અધિગ્રહણ છે. ભારતના અનેક મોટા અને આર્થિક રીતે સંપન્ન મંદિરોની સંપત્તિ સરકારના આધીન છે.
 

VHP Free Hindu Temples Movement 
 
સનાતન સંસ્કૃતિમાં મંદિર માત્ર પૂજા સ્થળ જ નથી. હિન્દુ ધર્મની શિક્ષા, કલા, સંગીત, સાહિત્ય, વાસ્તુ સ્થાપત્ય વગેરે વિદ્યાઓ તથા સંપૂર્ણ સંસ્કૃતિના વિસ્તાર અને ઉત્કર્ષનાં કેન્દ્ર હતાં. કોઈ હિન્દુ મંદિર કે તીર્થસ્થાને જાય છે ત્યાં જઈને દાન અર્પિત કરે છે. તે ભગવાન માટે કરતો હોય છે. માટે મંદિરોની સંપત્તિનો ઉપયોગ માત્ર ધાર્મિક ગતિવિધિઓમાં થવો જોઈએ. જ્યારે રાજ્ય સરકારો તેને ટ્રેઝરીનું ધન ગણાવી ગેરહિન્દુ કાર્યો કરે છે. અને આવું માત્ર હિન્દુ ધર્મસ્થાનોની સંપત્તિઓ સાથે જ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ ચર્ચ, મસ્જિદને કે દરગાહને સરકારે ક્યારેય નિયંત્રણમાં લીધી નથી. ત્યારે હિન્દુ મંદિરો અને તેમની સંપત્તિ સરકારી નિયંત્રણમાંથી વહેલામાં વહેલી તકે મુક્ત થાય એ સનાતનીઓના હિતમાં છે.
 
મંદિરોની આવકના માત્ર ૧૮% જ મંદિરો પાછળ ખર્ચાય છે
 
આંધ્રપ્રદેશ સરકારને દર વર્ષે તિરુપતિ મંદિર થકી ૩૧૦૦ કરોડની આવક થાય છે અને હિન્દુ શ્રદ્ધાળુઓ તરફથી કરાયેલા આ દાનમાંથી માત્ર ૧૮% જ ત્યાંનાં મંદિરો માટે ખર્ચવામાં આવે છે. પૂર્વમુખ્યમંત્રી જગનરેડ્ડી (જેઓ ઈસાઈ છે)ના શાસનકાળમાં હિન્દુ મંદિરોમાં દાનમાં મળેલા પૈસા ચર્ચ પાછળ ખર્ચાતા હોવાની અનેક ફરિયાદો ઊઠી હતી. એટલું જ નહિ જગન સરકારે કાયદાનો દુરુપયોગ કરી તેમના કાકા (જેઓ એક ઇસાઇ હતા)ને તિરૂપતિ બોર્ડના અધ્યક્ષ બનાવી દીધા હતા. તેમના અધ્યક્ષસ્થાને ગોલ્ફકોર્સ બનાવવાના બહાને ૧૦ જેટલાં મંદિરોને ધ્વંસ કરી દેવામાં આવ્યાં હતાં. અહીંના તિરૂપતિ મંદિરના પ્રાંગણમાં જ ઈસાઈ મતાવલંબીઓ અને મંદિર પ્રશાસનમાં નિયુક્ત કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ ઈસાઈ મતનો પ્રચાર અને બાઇબલ વિતરિત કરવાના સમાચાર પણ આવતા રહ્યા છે. તો તિરૂપતિ મંદિરના પ્રસાદમાં ગાયની ચરબી ભેળવવાને લઈને પણ ભારે વિવાદ થયો હતો. એક બિનહિન્દુ વ્યક્તિના હાથમાં કોઈ હિન્દુ મંદિરનું સંચાલન આવતાં તેની સાથે કેવો અધર્મ આચરવાનો ભય ઊભો થાય છે, આંધ્રપ્રદેશ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.
 
સરકારો દ્વારા હિન્દુમંદિરોની સંપત્તિ અને દાનનો કેટલી હદે દુરુપયોગ થાય છે તેનું તાજું ઉદાહરણ કર્ણાટકમાં જોવા મળ્યું. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર દ્વારા ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં હિન્દુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ બંદોબસ્ત વિધેયક (Karnataka Hindu Religious Institutions and Charitable Endowments Bill 2024) પારિત કરવામાં આવ્યું હતું. જે મુજબ રાજ્યના જે મંદિરોની આવક એક કરોડથી વધારે થાય છે તેના પર ૧૦ ટકા કર નાખી દેવાયો છે. એટલું જ નહિ વિધેયક મુજબ મંદિરના ટ્રસ્ટમાં બિનહિન્દુને પણ ટ્રસ્ટનો સભ્ય બનાવી શકાય છે. કર્ણાટકની કોંગ્રેસ સરકાર કેટલી હદે હિન્દુવિરોધી છે તેનું બીજું એખ આંખ ઉઘાડનારું ઉદાહરણ ૨૦૨૪-૨૫નું બજેટ છે. ગત વર્ષે રજૂ કરવામાં આવેલાં રાજસ્વ ખાધવાળા બજેટમાં એક તરફ રાજ્ય પાસે વિકાસકામો કરવાના પૈસા નથીનાં રોદણા રડવામાં આવ્યાં હતાં, તો બીજી તરફ મુસ્લિમો અને ઈસાઈઓને છૂટા હાથે લ્હાણી કરવામાં આવી હતી. બજેટમાં વકફ બોર્ડ-વકફ સંપત્તિની જાળવણી માટે ૧૦૦ કરોડ રૂપિયા અને ભવ્ય હજ હાઉસ બનાવવા માટે ૧૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, તો ઈસાઈ સમુદાયના કલ્યાણ માટે પણ ૨૦૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા. આમ કર્ણાટકની કોંગ્રેસ સરકાર દ્વારા પોતાના બજેટમાં બિનહિન્દુઓ માટે ૩૩૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. રાજ્યમાં ખાધ છતાં આ પૈસા આવ્યા ક્યાંથી? આ ગોલમાલને સમજવા માટે અહીંના મંદિરોમાં થયેલી વાર્ષિક આવક પર નજર કરીએ. કર્ણાટકનાં વિવિધ મંદિરોમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા દાન દ્વારા સરકારને ૪૫૦ કરોડ રૂપિયા મળ્યા હતા, એટલે કે મંદિરોના ૪૫૦ કરોડમાંથી ૩૩૦ કરોડ રૂપિયાની ઈસાઈ મુસ્લિમ સમુદાયને લ્હાણી કરી દેવામાં આવી હતી.
 
કોંગ્રેસીઓની નજર હંમેશા હિન્દુ મંદિરોમાં દાન અને તેની ધનસંપત્તિ પર રહેલી છે. છેક નહેરૂથી માંડી વર્તમાનમાં વિવાદિત નેતા ઉદિતરાજ સુધીના નેતાઓ આ જ માનસિકતા સમયે સમયે ઉલાળા મારતી રહી છે. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજના ઉદિતરાજનું નિવેદન તેમની મેલી નજરની સાક્ષી પૂરે છે. ઉદિતરાજે કહ્યું હતું કે, `દેશનાં મંદિરો પાસે એટલી સંપત્તિ છે કે તેને વેચી કેરળમાં પૂરથી થયેલા ૨૧ હજાર કરોડના નુકસાનથી પણ પાંચ ગણું વધારે ધન એકત્રિત કરી શકાય છે.' જ્યારે હકીકતમાં મંદિરો પાસે જેટલી સંપત્તિ છે તેનાથી અનેક ગણી વધારે ચર્ચ-મિશનરીઓ અને વકફ બોર્ડ પાસે છે. આમ છતાં હિન્દુવિરોધી માનસિકતાને કારણે તેમના ડોળા માત્ર હિન્દુ મંદિરોની સંપત્તિઓ અને દાનમાં મળતી આવકને જોઈને જ પહોળા થઈ જાય છે. કોરોના મહામારી દરમિયાન મહારાષ્ટના પૂર્વમુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા પૃથ્વીરાજ ચૌહાણે પણ આ જ માનસિકતા વ્યક્ત કરતું ડહાપણ ડોળતાં કહ્યું હતું કે, `દેશનાં મંદિરોમાં એક ટ્રિલિયન ડોલરનું સોનું પડેલું છે ત્યારે સરકારે કોરોના સંકટને પહોંચી વળવા આ સોનાનો તત્કાળ ઉપયોગ કરવો જોઈએ.' એટલે કાં તો વેચીને કે પછી ગીરવે મૂકીને તેમાંથી રકમ ઊભી કરી તેનો ઉપયોગ કરવો જોઈએ. હિન્દુઓના સદ્ભાગ્યે તે વખતે દેશમાં કોંગ્રેસની સરકાર ન હતી, નહિ તો દેશના કેટલાય મંદિરોના સોના પર પંજો ફરી વળ્યો હોત.
 
સ્યૂડો સેક્યુલરોને હિન્દુ મંદિરોનું ધન જોઈએ, હિન્દુ નહિ
 
આશ્ચર્ય એ વાતનું છે કે, દેશમાં એક તરફ હિન્દુ મંદિરોમાં રીતસરની લૂંટ ચલાવવામાં આવી છે અને આ લૂંટ એ લોકો જ કરી રહ્યા છે જેમને હિન્દુ-હિન્દુ ધર્મ અને સનાતનના નામથી પણ નફરત છે. સપ્ટેમ્બર, ૨૦૨૩ તમિલનાડુમાં યોજાયેલ સનાતન ધર્મ ઉન્મૂલન સંમેલન તો વાચકોને યાદ જ હશે. એ સંમેલનમાં ડીએમકેના વારસદાર અને મંત્રી એમ. કે. સ્ટાલિન સહિતના અનેક મંત્રીઓ સામેલ હતા. આ સંમેલનમાં સનાતન ધર્મની સરખામણી ડેંગુ મલેરિયા સાથે કરી તેને ખતમ કરવાના રીતસરના હાકલા કરવામાં આવ્યા હતા, પરંતુ વાચકોને એ વાતની ખબર નહીં હોય કે આ સંમેલનમાં તમિલનાડુ રાજ્યના હિન્દુ ધર્માર્થ બંદોબસ્તી (HR&CE) મંત્રી પી. કે. શેખર બાબુ પણ ઉપસ્થિત હતા. હવે જે વ્યક્તિના હાથમાં હિન્દુ સનાતન મંદિરોની ચાવી છે તે જ વ્યક્તિ સનાતન ધર્મના ઉન્મૂલનના નારા લગાવે ત્યારે તેના રાજમાં તેના મંદિરોની સ્થિતિ કેટલી હદે દયનીય હશે. એનો અંદાજ લગાવવો અઘરો નથી. તમિલનાડુ સરકારના આદેશથી ચેન્નઈના બેલિનબ્રિઝ પાસેનું ૩૦૦ વર્ષ પ્રાચીન મંદિર અને મદુરાઈનું ૨૦૦ વર્ષ પ્રાચીન વઝાવંદન મંદિર, મુથાનનકુલમનાં તટ પરનું ૧૨૫ વર્ષનું પ્રાચીન મંદિર પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે.
 
૨૦૧૭માં વિશ્વ ધરોહરો પર ધ્યાન રાખનારી સંસ્થા યુનેસ્કોએ તમિલનાડુ સરકારને ચેતવણી આપી હતી કે, રાજ્યમાં ઓછામાં ઓછાં ૩૬૦૦૦ મંદિરો એવાં છે. જેમાં તત્કાળ પુરાતાત્ત્વિક વિશેષજ્ઞો અને કુશળ એન્જિનિયરો દ્વારા મેઈન્ટેનન્સની જરૂર છે. યુનેસ્કોએ કહ્યું હતું કે આ દુર્લભ મંદિરો તરફ દુર્લક્ષ સેવવું એ મંદિરોના સામૂહિક હત્યાકાંડ કરવા સમાન છે. આમ છતાં આ અહેવાલને તમિલનાડુ સરકારે સાંભળ્યો ન સાંભળ્યો કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં ઓછામાં ઓછા બે ડઝન જેટલાં મંદિરો એવાં છે જે ૧૦૦૦ વર્ષથી પણ પ્રાચીન છે. પરંતુ સરકારની ઉપેક્ષાને કારણે પોતાનું અસ્તિત્વ બચાવવા લડી રહ્યાં છે. કથિત સેક્યુલરવાદીઓના રાજમાં મંદિરોમાં હિન્દુ ધાર્મિક લાગણીઓનું ચીરહરણ સામાન્ય વાત બની ગઈ છે. ૨૦૧૭માં ખુદ પોતાને સૌથી મોટા પંથ નિરપેક્ષ બતાવવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા પોતાના નજીકના સહયોગી ફહાદ હકીમ નામના મુસ્લિમને હુગલી જિલ્લાના પ્રસિદ્ધ એવા ૨૦૦ વર્ષથી પણ પ્રાચીન તારકેશ્વર મંદિરના તત્કાલીન નવગઠિત તારકેશ્વર વિકાસ બોર્ડ (TDB)ના અધ્યક્ષ નિયુક્ત કરી દીધા હતા. વાચકોને જણાવી દઈએ કે ફહાદ હકીમ એક કટ્ટરવાદી મુસ્લિમ છે અને અહીંના હાવડાને ખુલ્લેઆમ મીની પાકિસ્તાન ગણાવે છે.
 
એ જ વર્ષે કેરળમાં મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના નેતૃત્વવાળી કેરળ સરકારે ત્રાવણકોર હિન્દુ સંસ્થાન અધિનિયમમાં સંશોધન કરી દેવસ્વોમ ટ્રસ્ટના પ્રમુખ હિન્દુ જ હોવો જોઈએની જોગવાઈ હટાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટ અને દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના વકીલ જે. સાઈં દિપક `ધ સન્ડે ગાર્ડિયન' નામના સાપ્તાહિકને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, ભારતમાં એવાં અનેક મંદિરો છે જે સરકાર દ્વારા નિયુક્ત લોકો અને કાર્યકારી અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવે છે, જેમનામાં તમામ હિન્દુઓ નથી. ધનશક્તિ અને ધનની લાલચ જ મુખ્ય કારણ છે કે, કોઈ મંદિરના ટ્રસ્ટ બોર્ડ માટે સરકારોમાં રીતસરની હોડ મચે છે.
 
ઉપસંહાર
 
આમ કેરળમાં ઘોર હિન્દુવિરોધી વામપંથી, તમિલનાડુમાં હિન્દુ સનાતન ધર્મને ખતમ કરવાની કસમો ખાનાર નાસ્તિક દ્રવિડવાદી, તો આંધ્રમાં રેડ્ડી પરિવારો જેવા કિપ્ટો ઈસાઈ (જેઓએ તિરુપતિમાં ચર્ચ બનાવવાના અનેક ધમપછાડા કર્યા હતા.) અને કર્ણાટકમાં હિન્દુ મંદિરોનું ધન બિનહિન્દુઓમાં લ્હાણી કરનાર સરકારોનાં હાથમાં હિન્દુ સનાતન મંદિરો પૂર્વેમાં રહ્યાં છે અને આજે પણ છે. ત્યારે સમય આવી ગયો છે કે ઔપનિવેશિક કાળથી ચાલી રહેલા સનાતનવિરોધી આ ષડયંત્ર સામે સંગઠિત થઈ અવાજ ઉઠાવી, આપણા મઠ-મંદિરોને સરકારી નિયંત્રણોમાંથી મુક્ત કરાવવાનો. હાલ દેશમાં હિન્દુત્વનો ઉત્ક્રાંતિકાળ ચાલી રહ્યો છે, હિન્દુ સમુદાય ધાર્મિક રીતે અગાઉ કરતાં ઘણો જ વધારે સંગઠિત પણ છે.
 
દેશમાં હિન્દુ-હિન્દુત્વની લાગણીઓને સમજનાર સરકારનું શાસન છે. ત્યારે હવે હિન્દુઓ પર થઈ રહેલાં ધાર્મિક સનાતન પરંપરાનો સાક્ષાત્કાર કરાવનાર આપણા મઠમંદિરોને કાયમી રીતે સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરાવીને સ્વ-આધીન બનાવવાનો આ સૌથી યોગ્ય સમય છે. ત્યારે આવો સૌ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિર મુક્તિ માટે કરાયેલાં શંખનાદને ગલીએ ગલીએ પડઘાવીએ અને આપણા મંદિરોને સરકારી બેડીઓમાંથી મુક્ત કરાવીએ.
 
Powered By Sangraha 9.0