એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી;
હું ને મારી ભાષા બન્ને ગુજરાતી !
ઇઝરાયલ દેશની એક સુંદર ઘટના છે. ઇઝરાયલે લગભગ ૪૦૦૦ વર્ષ ગુલામીકાળ ભોગવ્યો. ઇઝરાયલ સ્વતંત્ર થયો ત્યારે ત્યાંના રાષ્ટ્રપ્રમુખને કોઈકે પૂછયું, `આપને ત્યાં શિક્ષણનું માધ્યમ કયું રહેશે?'
પ્રમુખે જવાબ આપ્યો, `અમારી માતૃભાષા હિબુ્રમાં જ હોય ને, આ તે કંઈ પૂછવાનો પ્રશ્ન છે?'
સામેની વ્યક્તિએ ફરી પ્રશ્ન કર્યો, `પરંતુ વિશ્વનું તમામ જ્ઞાન તો અંગ્રેજી ભાષામાં છે, હિબ્રૂ ભાષામાં તો એક પણ ગ્રંથ તૈયાર નથી, તો તેનું શું કરશો?'
બસ આ વાતે ઇઝરાયેલના અગ્રણીઓના હૃદય પર ઘા કર્યો. તેમણે સૌથી પહેલું કામ માતૃભાષામાં ગ્રંથો તૈયાર કરાવવાનું શરૂ કરી દીધું. ઇઝરાયલના તમામ વિદ્વાનોએ એક પણ પૈસો લીધા વિના વીસ-વીસ કલાક કામ કરીને વિશ્વભરના ઉત્તમ અંગ્રેજી ગ્રંથોનું સાત વર્ષ સુધી સતત હિબુ્રમાં ભાષાંતર કર્યું અને ઈઝરાયેલની સંસ્કૃતિ અને પરંપરાઓ અંગેના પણ ગ્રંથો તૈયાર થયા. ત્યારબાદ તેમણે પોતાના દેશમાં માતૃભાષામાં શિક્ષણનો પ્રારંભ કર્યો. માતૃભાષાનું આ મહત્ત્વ છે. અને એ મહત્ત્વને પામેલો ઇઝરાયેલ દેશ આજે ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વમાં નામના ધરાવે છે. પાયો મજબૂત હોય તો ઇમારત વધારે બુલંદ બને છે.
આગામી ૨૧મી ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ છે ત્યારે આ સત્યઘટના આપણને એક બહુ મોટો બોધ આપી જાય છે. વર્તમાન સમયે આપણે ત્યાં માતૃભાષાની સ્થિતિ થોડી કથળી છે ત્યારે આંતરરાષ્ટીય માતૃભાષા દિને માતૃભાષાનું મહત્ત્વ સમજવું ખૂબ આવશ્યક છે. આ દિવસ યુનેસ્કોએ જાહેર કરેલો છે. વિશ્વમાં માતૃભાષા વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઊજવવામાં આવે છે. ૨૧મી ફેબ્રુઆરી માતૃભાષાદિન તરીકે શા માટે પસંદ થયો એની પાછળ પણ એક ઇતિહાસ છે. આપણે એ ઇતિહાસ જોઈએ, ત્યાર બાદ માતૃભાષાનું મહત્ત્વ, તેના પડકારો વગેરે વિશે વાત કરીશું.
માતૃભાષાની મમતની કથા....
વર્ષ હતું ૧૯૪૮નું, તારીખ ૨૧મી ફેબ્રુઆરી. એકાદ વર્ષ પહેલાં જ હિન્દુસ્થાનની ધરતીનો ટુકડો લઈ રચાયેલા પાકિસ્તાનના કાયદે આઝમ મહંમદઅલી ઝીણાએ જાહેરાત કરી કે, `આજથી પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન માટે ઉર્દૂ ભાષા જ રાષ્ટ્રભાષા રહેશે. માટે રાષ્ટ્રીય બંધારણીય ભાષા તરીકે બધાએ ઉર્દૂને સ્વીકારવી. સરકારી સહિત બધાં જ કામકાજ હવે ઉર્દૂમાં જ કરવાનાં રહેશે...'
પશ્ચિમ પાકિસ્તાનના લોકોએ આ જાહેરાતને `માશા અલ્લાહ' કહીને વધાવી લીધી. પણ પૂર્વ પાકિસ્તાનના લોકો વેદનાથી `યા અલ્લાહ!' બોલી ઊઠ્યા.
કારણ શું? કારણ એ હતું કે, પૂર્વ પાકિસ્તાનમાં વસતા મોટા ભાગના લોકોની મુખ્ય ભાષા બંગાળી હતી. એ લોકો કોઈપણ ભોગે પોતાની માતૃભાષા બંગાળીને છોડીને ઉર્દૂ સ્વીકારવા તૈયાર નહોતા. ભયંકર વિરોધ થયો. સરકાર કોઈ કાળે ટસની મસ થવા તૈયાર નહોતી. અને બાંગલા નાગરિકો પણ કોઈ કાળે મા સમાન માતૃભાષાનો ખોળો ત્યજવા તૈયાર નહોતા. તેઓ રાજી ન થયા. વિરોધ લંબાયો, અરસપરસનાં ઘર્ષણો થવા લાગ્યાં. આ વિરોધના ભાગરૂપે જ ૨૧મી ફેબ્રુઆરી, ૧૯૫૨ના દિવસે ઢાકા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ એક મોટું આંદોલન કર્યું. એક વિશાળ રેલી કાઢી પોતાની માતૃભાષા માટે જંગ છેડી દીધો. હજારો લોકો રેલીમાં જોડાયા હતા. `આમાર બાંગલા'ના નારા ગુંજી ઊઠ્યા. સરકાર વિફરી, આંદોલનને કચડી નાંખવા માટે પોલીસના કાફલા ઉતાર્યા. પોલીસે લાઠીચાર્જ કર્યો. હજ્જારો લોકો ઘવાયા અને ચાર વિદ્યાર્થીઓને પોલીસે મારી નાંખ્યા. લોકોએ જાન ગુમાવ્યો પણ પોતાની માતૃભાષાની મમત ના છોડી. આખરે સમય જતાં માતૃભાષાના પ્રેમના આ ઝનૂનને કારણે પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશનો જન્મ થયો.
માતૃભાષા માટેના આંદોલન માટે ૨૧મી ફેબ્રુઆરીનો આ દિવસ ઇતિહાસમાં અંકિત થયો. ઈ.સ. ૧૯૯૯માં યુનેસ્કોએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઊજવવાનું નક્કી કર્યું. એ માટેની તારીખની ચર્ચા થઈ. યુનેસ્કોના ખેરખાંઓની દૃષ્ટિ સમક્ષ માતૃભાષા માટે થયેલું આ આંદોલન તરવરી ઊઠ્યું અને એ જ ઘડીથી ૨૧મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃમાષા દિન તરીકે ઊજવવાનું નક્કી થયું. એ પછી વર્ષ ૨૦૦૦થી દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરી વિશ્વભરમાં માતૃભાષા દિન તરીકે ઊજવાય છે.
માતૃભાષાનું મહત્ત્વ!
વિશ્વભરમાં ૬૦૦૦ ભાષાઓ બોલાય છે. ભારતમાં કુલ ૧૨૧ જેટલી ભાષાઓ બોલાય છે, પરંતુ બંધારણ મુજબ ૨૨ ભાષાઓને માન્યતા છે. સૌથી વધારે લોકોની માતૃભાષા હિન્દી છે. ભારતમાં રાજ્ય પ્રમાણે દરેકની માતૃભાષા અલગ અલગ છે. અને દરેક માતૃભાષાનું આગવું મહત્વ છે. બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.
આપણી માતૃભાષા ગુજરાતી આપણું ગૌરવ છે. નરસિંહ મહેતાના પ્રભાતિયાની ભાષા, જેમાં નંદશંકરે પહેલી ગુજરાતી નવલકથા `કરણઘેલો' લખી, જેમાં નવલરામ, નર્મદાશંકર, મણિલાલ, ક. મા. મુનશી, પન્નાલાલ પટેલ, ધ્રુવ ભટ્ટ વગેરે લેખકો લખી ગયા છે, જે બોલીમાં ગુજરાતના પહેલાં મુખ્યમંત્રીએ શપથ લીધા, જે ભાષામાં આપણા કથાકારોની કથા સાંભળવી આપણને ગમે છે, જે ભાષામાં મૂળુ માણેક અને જોધા માણેકના શૂરાતનના પડઘા આજે પણ બરડા ડુંગરમાં સંભળાય છે તે ભાષા આપણી માતૃભાષા ગુજરાતી છે. પણ છેલ્લા ઘણા સમયથી માતૃભાષાના અનાદર, અભાવ અને અવહેલનાનો મહત્ત્વનો પ્રશ્ન ઉભો થયો છે. આજે બધાને અંગ્રેજી ભણવું છે. અને ત્યાંથી જ મોટી સમસ્યા ઊભી થઈ છે.
..... અંગ્રેજીનો પ્રભાવ
આજના જમાનામાં અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનો ક્રેઝ વધ્યો છે. ઘરે બધા ગુજરાતી બોલતા હોવા છતાં દરેક માતા-પિતા પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં મૂકવાનો આગ્રહ રાખે છે. અંગ્રેજી લખતાં, બોલતાં, વાંચતાં આવડતું હશે તો બાળકોનું ભવિષ્ય ઊજળું બનશે તેવી આશામાં પણ અંગ્રેજી મીડિયમમાં મોકલવામાં આવે છે. બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થતાં ગુજરાતી લખતાં-વાંચતાં ભૂલી રહ્યા છે. કોઇ રેસ્ટોરન્ટમાં કે જાહેર જગ્યાએ પણ ગુજરાતીના બદલે અંગ્રેજીમાં વાત કરતા જોવા મળે છે. માતૃભાષા આવડતી હોવા છતાં તે વાત કરવાનું ટાળે છે. હાલમાં બધાંને માથે એક જ ભૂત છે સવાર છે કે, અંગ્રેજી બોલતાં આવડે એટલે હોશિયાર. પણ એ તદ્દન ખોટી માન્યતા છે.
ખરેખર તો ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે તેમ તેનું માનસિક બંધારણ પણ ઘડાતું હોય છે. તેના આ માનસિક બંધારણ ઉપર મોટાભાગે તેની માતાના વર્તન, વ્યવહાર, જીવનશૈલી અને તેને સંભળાતી ભાષાનો પ્રભાવ પડતો હોય છે. ભાષા ઝીલવાનો, સમજવાનો, શીખવાનો પ્રારંભ બાળક ગર્ભમાં હોય ત્યારથી થઈ જાય છે. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકનું મગજ કાને પડતી ભાષાને ગ્રહણ કરવામાં અત્યંત કુશળ બની જાય છે. બાળક સાંભળી સાંભળીને જ માતૃભાષા શીખી જાય છે. ગર્ભમાંથી જ બાળક માતાની ભાષા શીખવા લાગે છે, તેથી તે માતૃભાષા કહેવાય છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો માતૃભાષાના બે હજાર જેટલા શબ્દો તેના અર્થ અને ભાવ સાથે શીખીને તેને અનુભવમાં પણ લઈ લે છે. અંગ્રેજી માધ્યમમાં ૧ થી ૧૦ ધોરણ સુધી ભણ્યા પછી પણ બાળક અંગ્રેજી ભાષાના તેટલા શબ્દોના ભાવ અને અનુભવનો સાક્ષાત્કાર નથી કરી શકતો. માતૃભાષાના માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ લગભગ આઠ-નવ ધોરણ સુધી ટ્યુશન કરતા નથી. પણ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને શરૂઆતથી જ ટ્યુશન કરાવવું પડે છે.
માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે. જે ભાષામાં બાળક ઊછર્યું હોય તે જ ભાષામાં ગ્રહણશક્તિ, સમજશક્તિ અને વિચારશક્તિ ખીલે છે. મગજ એક કમ્પ્યુટર છે. આ કમ્પ્યુટરની સહુથી વધુ બંધ બેસે તેવી ભાષા માતૃભાષા છે. ઘરમાં બોલાતી ભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે. મનોવૈજ્ઞાનિકો, બાલમાનસશાસ્ત્રીઓ અને બાલરોગચિકિત્સકો પણ માને છે કે, ઘર અને નિશાળની ભાષા જુદી પડે ત્યારે બાળક મૂંઝાય છે, મુરઝાય છે, લઘુતાગ્રંથિનો ભોગ બને છે. ક્યારેક તો ઘેરી માનસિક હતાશાનો ભોગ બને છે. તેનો બૌદ્ધિક વિકાસ પણ રૂંધાય છે. બાળક માના ખોળામાં જેટલું ખીલે એટલું આયાના ખોળામાં ન ખીલે, એ સીધી સરળ વાત આજે કોઈ સમજવા તૈયાર નથી? યાદ રહે, અંગ્રેજી ગેસ્ટ ભાષા છે પણ માતૃભાષા ઇષ્ટ ભાષા છે. મહેમાનની ઊંચી સરભરા ભલે કરો. પણ મમ્મી-પપ્પાને બહાર હાંકી કાઢીને મહેમાનની જ સરભરા થાય એ યોગ્ય ખરું?
કેટલાંક સર્વેક્ષણો
માતૃભાષાના અભાવ અને પ્રભાવ અંગે દેશ-વિદેશમાં અનેક સર્વેક્ષણો અને સંશોધનો પણ થયાં છે. જાપાન અને જર્મનીમાં થયેલાં તારણોમાં જણાયું છે કે, માતૃભાષાના માધ્યમમાં ભણનારની સ્ટ્રેસ કેપેસિટી વધારે હોય છે, જે તેને જિંદગીના બધા પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવે છે. અંગ્રેજી ભાષાનો વધુ ને વધુ પ્રચાર કરવા માટે ચીનનું ઉદાહરણ આપવામાં આવે છે, પણ ચીનમાં સમાન સ્કૂલ વ્યવસ્થા રચાઈ છે તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. ચીન જે સફળતાએ પહોંચ્યું છે તેના પરથી આજે એ પણ માને છે કે શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ.
આપણે પ્રારંભમાં જ ઉદાહરણ જોયું તે ઇઝરાયલ દેશ આપણા દેશના સોમા ભાગનો પણ નથી, છતાં એ દેશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણાથી ઘણો આગળ છે. તેણે આપણાથી દસ ગણા વધુ નોબેલ પુરસ્કારો મેળવ્યા છે. તેનું કારણ માત્ર એ જ છે કે તે દેશના બાળકો માતૃભાષામાં શિક્ષણ મેળવે છે.
તે જ રીતે રશિયા, ફ્રાંસ, ચીન, જર્મની દેશોમાં એમની જ માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે અને કોઈ પણ દેશ પ્રગતિમાં પાછા નથી રહ્યા. ઘણાં સર્વેક્ષણો અને અભ્યાસોએ પુરવાર કર્યું છે કે, વિચાર, સ્વપ્ન, લાગણી, ધ્યાન અને ક્રોધ જેવા આવેગો જે ભાષામાં રજૂ થાય, તે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય. માતૃભાષા છોડીને પરાઈ ભાષાના માધ્યમથી શિક્ષણ લેનાર બાળકનો બૌદ્ધિક વિકાસ રૂંધાય છે.
એક સર્વેક્ષણમાં એમ પણ કહેવાયું છે કે, મગજના કમ્પ્યુટરની ભાષા માતૃભાષા છે. તેથી અન્ય ભાષાના શબ્દો કે વાક્યપ્રયોગોનું પહેલા આ કમ્પ્યુટર માતૃભાષામાં રૂપાંતર કરશે, પછી વિષયવસ્તુને સમજવા માટે મગજનો ઉપયોગ કરશે. મગજની ઘણીબધી શક્તિ તો ભાષાંતરનો વ્યર્થ વ્યાયામ કરવામાં જ વપરાઈ જશે. માતૃભાષામાં ભણનાર બાળકના મગજની પૂરી શક્તિ વિષયવસ્તુને સમજવામાં વપરાય છે. તેથી જ માતૃભાષામાં શિક્ષણ લેનાર બાળકો વધુ હોંશિયાર હોય છે!
છતાં, પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખનારા માતા-પિતા પોતાની ઊંચી બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કેમ નહિ કરતા હોય?
સ્વીડનની સ્ટોકહોમ યુનિવર્સિટીના ડો. કેરોલ બેન્સને પોતે હાથ ધરેલા એક વિસ્તૃત અભ્યાસનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમના અભ્યાસનો વિષય હતો ઃ `The importance of mother tongue-based schooling for
educational quality' - તેમણે વિશ્વના વિવિધ ભાગોમાં ૧૯૭૦થી માંડીને થયેલા અનેક સર્વેક્ષણો, અભ્યાસો અને સંદર્ભોને પોતાના શોધલેખમાં ટાંક્યા છે. જેનો સાર એ છે કે, `દરેક પ્રજાને પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે સ્વાભાવિક લગાવ અને લાગણી હોય છે. માતૃભાષાના માધ્યમને કારણે વિદ્યાર્થી તેના રાષ્ટ્રની સંસ્કૃતિ, તેના અમૂલ્ય વારસા અને પરંપરાઓને સારી રીતે શીખી શકે છે અને તે તેના જીવનના દરેક તબક્કે તેને પ્રેરણા આપે છે. શાળાના વર્ગમાં સાંસ્કૃતિક મૂલ્યોને સ્થાન મળવાથી બાળકના વાલીઓ ખૂબ સંતોષ પામે છે.' આ સંદર્ભે આપણી વાત કરીએ તો, અંગ્રેજી ભાષા સાથે જોડાવાથી તો વિદ્યાર્થી પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં ઓતપ્રોત બની જાય છે અને આપણી મહાન ભારતીય સંસ્કૃતિ ભુલાતા જાય છે.
એક મહાભ્રમ - અંગ્રેજી ભણશો તો જ વિકસશો
ખૂબ જ જાણીતી વાત છે કે ભારતને ગુલામ બનાવવા આવેલા અંગ્રેજોની કારી નહોતી ફાવતી ત્યારે મેકોલે નામના એક અંગ્રેજે આપણા રાષ્ટ્રની તાસીરનો અભ્યાસ કરીને તારણ કાઢેલું કે, આપણું શિક્ષણ આપણી મજબૂતી માટે કારણભૂત છે. કારણ કે તે માતૃભાષામાં છે અને તેમાં ભારતની ભવ્યતા, ગૌરવ અને ખુમારી બધું જ બાળક શીખે છે. જો ભારતને નષ્ટ કરવું હશે તો સૌથી પહેલાં ભારતની શિક્ષણ પદ્ધતિને ખતમ કરવી પડશે. અને પછી એક મોટા ષડયંત્રના ભાગરૂપે એણે અંગ્રેજી શિક્ષણ ઘુસાડ્યું અને એવો ભ્રમ ફેલાવ્યો કે, અંગ્રેજી જાણતો હશે એનો જ ઉદ્ધાર થશે. આમ એ લોકોએ આપણી શિક્ષણ પદ્ધતિ અને સંસ્કૃતિને નષ્ટ કરી. વિચાર કરો એક માતૃભાષામાં શિક્ષણના અભાવે આપણને ગુલામ બનાવવામાં તેમને મદદ મળી હતી.
અને આજે મેકોલેના જ વૈચારિક વારસદારોએ લોકોમાં એવો ભ્રમ ભરી દીધો છે કે જો અંગ્રેજીમાં નહીં ભણીએ તો આપણે પાછળ રહી જઈશું. કારકિર્દી પણ બગડશે અને જીવન પણ નક્કામું બની જશે. પણ એ વાત તદ્દન ખોટી છે.
આપણા દેશના વિવિધ ક્ષેત્રના ઉચ્ચ પ્રતિભાસંપન્ન વ્યક્તિઓની જીવનકથા વાંચશો તો ખ્યાલ આવશે કે મોટાભાગે તે બધાએ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ લીધું છે. `ગીતાંજલિ' કાવ્યસંગ્રહ માટે નોબલપ્રાઇઝ પ્રાપ્ત કરનાર રવીન્દ્રનાથ ટાગોર અને અર્થશાસ્ત્ર માટે નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમર્ત્યસેન માતૃભાષા બંગાળીમાં ભણ્યા હતા. વિજ્ઞાનક્ષેત્રે નોબલ પુરસ્કાર જીતનાર સી.વી.રમને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લીધું હતું. વિખ્યાત અણુવિજ્ઞાની અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પોતાની માતૃભાષામાં ભણ્યા હતા. અવકાશયાત્રા દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર અને વિશ્વભરમાં પોતાનું નામ રોશન કરનાર આપણા મહાન અવકાશયાત્રી કલ્પના ચાવલાએ માતૃભાષામાં અભ્યાસ કર્યો હતો અને સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા શ્રદ્ધેય ડો. બાબાસાહેબ આંબેડકરે પણ માતૃભાષામાં જ શિક્ષણ લીધું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરની શાળામાં ગુજરાતી ભણ્યા હતા. ઉદ્યોગપતિ ધીરૂભાઈ અંબાણીએ મજેવડીની ગુજરાતી શાળામાં પોતાનું પ્રાથમિક શિક્ષણ લીધું હતું. મોટા ઉદ્યોગપતિ અને અગ્રણી શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા.
આવાં તો અનેક ઉદાહરણો છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે અંગ્રેજી માધ્યમમાં ભણવાથી બાળક ખૂબ વિકાસ પામે છે, ખૂબ હોંશિયાર અને સફળ થાય છે તે નર્યો ભ્રમ છે. સફળતા કે સિદ્ધિને અંગ્રેજી સાથે કોઈ સંબંધ નથી. બધા જ અંગ્રેજો અને અમેરિકનો સિદ્ધિના શિખરે છે તેવું નથી અને બધા બિનઅંગ્રેજી ભાષકો બેહાલ છે, તેવું પણ નથી.
ગુજરાતી ભાષા ક્યારેય મરવાની નથી
માતૃભાષા દરવાજા જેવી છે, અંગ્રેજી ભાષાને બારી કહી શકાય. બારી બહાર ડોકિયું કરવા કામ લાગી શકે. પણ, આવન-જાવન તો દરવાજા દ્વારા જ થઈ શકે ! બેબીફૂડની જાહેરાત ગમે તેટલી આકર્ષક કેમ ન હોય, પણ સમગ્ર સંસાર એ વાત જાણે છે કે માતાના દૂધની બરાબરી કોઈ જ બેબીફૂડ કરી શકે નહીં. બસ, આટલો જ ભેદ માતૃભાષા અને અન્ય ભાષા વચ્ચે છે.
માણસે માણવું હોય, મહોરવું હોય, ખીલવું હોય, સર્જનાત્મક બનવું હોય તો જીવનરૂપી ક્યારીમાં માટી તો માતૃભાષારૂપી જ હોવી જોઈએ.
કેટલાક લોકો કહે છે કે ગુજરાતી ભાષા મરી પરવારી છે લુપ્ત થઈ રહી છે. જોકે સાવ એવું નથી. યાદ રહે કે જે કરોડો લોકો જે ભાષા બોલતા હોય, તે એમ કંઈ લુપ્ત થઈ જવાની નથી, એ મરવાની નથી. અત્યારે ખરી જરૂર ગુજરાતીને બચાવવાની નહીં, તેનો મહિમા કરવાની છે, તેનું ગૌરવ સ્થાપવાની છે. વૈજ્ઞાનિક અભિગમ અને માતૃભાષાનું વૈજ્ઞાનિક મહત્ત્વ જાણવું જરૂરી છે. અને એ કામ માત્ર ઉપદેશ દ્વારા નહીં, આચરણ દ્વારા કરવાનું છે. અભિનેત્રીઓ બે લીટી ગુજરાતીમાં બોલી જાય, તો લોકો કેવા અડધા અડધા થઈ જાય છે ! તો ખરેખર ગુજરાતી જાણતા - ગુજરાતી વાંચતા પ્રસિદ્ધ લોકો ગુજરાતી ભાષા માટે પોતાની લાગણી જાહેર ન કરી શકે ? ભાષાને ગૌરવ અપાવવાનું આખરે સૌ ગુજરાતીઓના હાથમાં છે. ગુજરાતીનો મહિમા કરવાના તમામ પ્રયત્નો આવકાર્ય છે, પરંતુ ગુજરાતમાં, ગુજરાતી તરીકે રેસ્ટોરંટમાં, બેંકમાં કે બીજી જાહેર સેવાઓની જગ્યાએ ગભરાતાં ગભરાતાં હિંદી - અંગ્રેજીમાં બોલવાને બદલે છટાથી ગુજરાતીમાં બોલીને પણ ગુજરાતીનો મહિમા વધારી શકાય. આવાં નાનાં નાનાં પગલાં જ લાંબા ગાળે મોટો ફરક પાડી શકશે.
સંસ્કૃત સર્વ ભાષાઓની જનની છે...
આપણે આંતરરાષ્ટીય માતૃભાષા દિવસની ચર્ચા કરી રહ્યા હોઈએ ત્યારે સંસ્કત ભાષાનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. કારણ કે ભાષાઓની વાત કરીએ તો સંસ્કૃત દેવોની ભાષા છે અને તે વિશ્વની સૌથી પ્રાચીન ભાષા છે. વિશ્વની તમામ ભાષાઓની જનની છે. વર્તમાન સમયની બધી જ ભાષાઓનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી થયેલો છે. આપણે ત્યાં ઉત્તરાખંડ સરકારે સંસ્કૃતને પોતાની ભાષા બનાવી છે. કર્ણાટકનાં મટ્ટુર-હોશાખલ્લી, મધ્યપ્રદેશનાં જીરી-બઘુવર-મોહાદ, ઓડિશાનાં સાંસણા અને રાજસ્થાનનું ગનોડા - એવાં ગામ છે જ્યાં પ્રથમ ભાષા સંસ્કૃત છે. વિશ્વની ૧૩૦ દેશની ૪૫૦થી વધુ શૈક્ષણિક સંસ્થાનોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસ્કૃત ભાષા શીખવાડવામાં આવે છે.
રશિયન, ફ્રેન્ચ કે સર્વાધિક ઉપયોગમાં લેવાતી અંગ્રેજી ભાષા પણ સંસ્કૃતમાંથી જ જન્મી છે. અંગ્રેજીમાંથી અનેક એવા શબ્દો જેને સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યા છે. જેમાં મધર (સંસ્કૃતમાં ( मातर),), ફાધર (पितर), બ્રધર (ब्रतर), સિસ્ટર (स्वसर), ડોટર (दुहितर), સન (सुत), ન્યૂ (नवा), નોઝ (नासिका) જેવા શબ્દોનો સમાવેશ થાય છે.
અંગ્રેજીના ઘણા બધા શબ્દોમાંથી વચ્ચેથી H કાઢી નાખીએ તો એ મૂળ સંસ્કૃત શબ્દ જેવો જ ઉચ્ચારણ ધરાવતો શબ્દ બની જાય છે. દાખલા તરીકે અંગ્રેજીમાં Three માંથી T કાઢતા શબ્દ બને Tree (ત્રિ) - જે મૂળ સંસ્કૃતમાં ત્રણ માટે ઉપયોગમાં લેવાય છે. `તે' માટે અંગ્રેજીમાં વપરાય છે That અને સંસ્કૃતમાં `તત'. આવાં તો અનેક ઉદાહરણો છે. સંસ્કૃત વિશ્વની એકમાત્ર એવી ભાષા છે જેને બોલવામાં જીભની બધી માંસપેશીઓનો ઉપયોગ થાય છે.
આ ઉપરાંત સ્પિચ થેરાપી માટે પણ ઉપયોગી છે અને મનની એકાગ્રતા વધારે છે. તેના મોટાભાગના શબ્દોના અંતે `મ્' આવે છે. એટલે એ ભાષા બોલતી વખતે આપોઆપ પ્રાણાયામ થઈ જાય છે. વળી સંસ્કૃત એટલી સૌમ્ય ભાષા છે કે તે બોલતાં બોલતાં કદી ક્રોધ નથી આવતો. ક્રોધ હોય તો પણ સંસ્કૃત બોલો એટલે સૌમ્યતા આવી જાય છે. આ એની વિશેષતા છે. આપણે માતૃભાષા દિને માતૃભાષાનું મહિમાગાન કરી રહ્યાં છીએ ત્યારે તમામ ભાષાઓની જનની એવી સંસ્કૃત ભાષાને વંદન... અને નમન...
ખિસકોલીકર્મ તો કરીએ..
આપણું નાનું પગલું ભાષા ક્ષેત્રે વિરાટ પરિણામો લાવનારું બની શકવાનું છે. અને એ માટે જ આપણે આપણી ગુજરાતી ભાષાના મહિમા માટે આગળ આવવાનું છે. એક વાત એ પણ યાદ રાખીએ કે, માતૃભાષાના સંરક્ષણ સંવર્ધનની જવાબદારી માત્ર સરકારની કે અમુકતમુક સંગઠનોની નથી. આ માટે તો આપણે સૌએ સાથે મળીને કાર્ય કરવાનું છે. જો આપણે એમ વિચારતા હોઈએ કે હું એકલો તો શું કરી શકું? મારા એકલાના કરવાથી શું ફેર પડશે? મારું કોણ સાંભળશે? હું કરીશ એનું મૂલ્ય કેટલું? તો અંતે આ વાત ધ્યાનથી વાંચી લઈએ..
રામસેતુ બંધાતો હતો ત્યારે એક ખિસકોલી રેતીમાં આળોટીને પછી દરિયામાં જતી, જેથી તેના શરીર પર ચોંટેલી રેતી તે દરિયામાં નાંખીને શ્રીરામને પુલ બાંધવામાં મદદરૂપ થઈ શકે. બધાને ખબર છે કે, ખિસકોલીના શરીરથી ખરતા રેતકણોથી કંઈ પુલ ન બંધાઈ શકે, પણ તે પોતાનું યોગદાન તો આપે છે ને! એક સામાન્ય માણસ તરીકે અને એક ગુજરાતીભાષી તરીકે આપણે આપણી માતૃભાષા માટે આટલું નાનું ખિસકોલીકર્મ પણ કરીશું તો એ બહુ જ મૂલ્યવાન સાબિત થશે! તો આ માતૃભાષા દિને એટલો તો સંકલ્પ કરીએ જ કે આપણે આપણા તમામ વ્યવહારો ગુજરાતીમાં જ કરીશું અને ગર્વ સાથે કરીશું.
મહાનુભાવોના મતે...
# અંગ્રેજી કામની ભાષા છે તેથી તેની પાસેથી કામવાળીની જેમ કામ લેવાય, ગૃહિણીનું સ્થાન ન અપાય – મોરારિબાપુ
# હું આજે વૈજ્ઞાનિક બની શક્યો છું કારણ કે હું મારી માતૃભાષામાં ભણ્યો છું – ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
# જગતમાં કોઇ અક્કલવાળી પ્રજા બાળકોને પહેલો કક્કો માતૃભાષા સિવાયનો શીખવતી નથી – ચંદ્રકાંત બક્ષી
# માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે, સંસ્કાર અને સંસ્કૃતિનું પતન જે તે દેશની ભાષાના પતનથી જ થાય છે – ગુણવંત શાહ
આખો લેખ વાંચવો હોય તો તેની લિંક પહેલી કોમેન્ટમાં….