ડો. બાબાસાહેબ આંબેડકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ | Dr Babasaheb Ambedkar and Rashtriya Swayamsevak Sangh

14 Apr 2025 18:39:44

ambedkar and RSS
 
 
૧૪ એપ્રિલ -  ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી અવસરે..
 
 
આપણે ત્યાં છેલ્લા ઘણા સમયથી ડૉ. બાબાસાહેબ આંબેડકરને લઈને કેટલાક ખોટા નેરેટિવ ચાલી રહ્યા છે. ખાસ કરીને કોંગ્રેસીઓ અને વામપંથીઓ ડૉ. બાબાસાહેબ વિશે જૂઠી માહિતીઓ ફેલાવે છે. આ લોકો ડૉ. બાબાસાહેબને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોના વિરોધી દર્શાવીને કહે છે કે, ડૉ.બાબાસાહેબ આંબેડકરને હિન્દુત્વ બાબતે કડવાશ હતી અને તેઓ સંઘથી નફરત કરતા હતા વગેરે...! પણ આ વાતો સાવ પાયાવિહોણી અને તથ્યહીન છે. હકીકત તો એ છે ડૉ. બાબાસાહેબ આંબેડકર સામ્યવાદ તથા મુસ્લિમ અને ઈસાઈઓ દ્વારા થઈ રહેલા ધર્માંતરણને નફરત કરતા હતા. હિન્દુત્વ તો તેમની રગેરગમાં હતું અને સંઘ સાથે પણ તેમના સુમેળભર્યા સંબંધો હતા.
 
 
સૌથી પહેલાં વાત કરીએ જાતિ-જ્ઞાતિ પ્રથાની. આજે કોંગ્રેસીઓ સહિત અનેક વિપક્ષો જ્ઞાતિ આધારિત વસ્તીગણતરીની તરફેણ કરી રહ્યા છે. આમ કરીને તેઓ ભાગલાની રાજનીતિ કરી રહ્યા છે. પરંતુ યાદ રહે કે દૂરદૃષ્ટા ડૉ. બાબાસાહેબ આંબેડકરે વરસો પહેલાં જાતિ-જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો વિરોધ કર્યો હતો. ઊલટાના તેઓ તો એમ કહેતા હતા કે, હિન્દુઓ વચ્ચે એટલે કે દલિત સમાજ અને શેષ સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનું આ ષડયંત્ર છે. અર્થાત્ તેમને હિન્દુત્વનું ગૌરવ હતું.
 
દલિતોને હિન્દુ સમાજમાંથી બાકાત રાખવાની માંગ મુસ્લિમોએ કરી હતી - ડૉ. બાબાસાહેબ
 
ઈ.સ. ૧૯૧૦માં ભારતની વસ્તી ગણતરીના માળખામાં પરિવર્તન કરી અંગ્રેજો દ્વારા હિન્દુઓને- હિન્દુ, પ્રકૃતિપૂજક અને દલિતોની શ્રેણીમાં વિભાજિત કરીને હિન્દુ સમાજને નાનો કરી દેવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું.
 
ડૉ. આંબેડકર આ ષડયંત્રમાં આગાખાનને પણ અંગ્રેજો જેટલા જ જવાબદાર ઠેરવે છે. ડૉ. આંબેડકર ફાઉન્ડેશન, કલ્યાણ મંત્રાલય, ન્યુ દિલ્હી દ્વારા પ્રકાશિત, `ડૉ. આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ -૧૪'માં ડૉ. બાબાસાહેબ લખે છે કે, `હિન્દુઓનું આ પ્રકારે વિભાજન કરી હિન્દુ સમાજને મુસ્લિમ સમાજ કરતાં નાનો બતાવવાના આ પ્રયત્ન પાછળ મુસ્લિમ ધર્મગુરુ આગાખાન હતા. ૧૯૦૯માં આગાખાને એક મુસ્લિમ પ્રતિનિધિમંડળ સાથે તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ મિન્ટોને મળી એક આવેદન આપ્યું હતું, જેમાં હિન્દુઓની સાથે મુસ્લિમ જનસંખ્યાની તુલના કરવામાં આવી હતી. આવેદનમાં માંગ કરવામાં આવી હતી કે, હિન્દુઓની જનસંખ્યા ગણતી વખતે પ્રકૃતિપૂજક વનવાસીઓ અને દલિતોને હિન્દુમાં ગણવામાં ન આવે.'
 
ટૂંકમાં ડૉ. બાબાસાહેબ અને સંઘનો એક મત એ જ હતો કે, અસ્પૃશ્યતા દૂર થાય અને શોષિતો-વંચિતોને સમાનતાનો હક મળે. ચવદાર તળાવનો સત્યાગ્રહ આ માટે જ હતો. આ સત્યાગ્રહની ભૂમિકાનું વિશદ વર્ણન કરતાં શ્રી બાબાસાહેબ આંબેડકરે ઉપરોક્ત વાત કરેલી કે, આપણું આંદોલન માત્ર પુનરોદ્ધારનું નથી, તેમાં લોકસંગ્રહની ભૂમિકા છે આપણે જે કાર્ય હાથમાં લીધું છે. તે માત્ર આપણા ઉદ્ધાર માટે નહીં, પરંતુ હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે છે. અને એ જ સત્ય છે અને એ જ રાષ્ટ્રકાર્ય છે. (ડૉ. બાબાસાહેબ આંબેડકર, ધનંજય કીર, પૃ. ૯૭)
 
ચર્મકારોની ઘરવાપસી માટે પ્રયત્ન
 
૧૯૩૧ની વસ્તી-ગણતરીના કપરા કાળે પણ ડૉ. આંબેડકરજીએ સ્વાતંત્ર્ય વીર વિનાયક સાવરકર, ભાઈ પરમાનંદ ઇત્યાદિ હિન્દુ નેતાઓ સાથે મળીને સમૂહમાં અપીલ કરી હતી કે, `વસ્તી-ગણતરીમાં હિન્દુઓએ જાતિ-જ્ઞાતિ નહીં લખાવતાં માત્ર `હિન્દુ' જ લખાવવું. જેથી હિન્દુ સમાજનું સંગઠન સશક્ત બની શકે...'
 
૧૯૩૦-૩૧ની ગોળમેજી પરિષદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે દલિતો માટેના `ડિપ્રેસ્ડ ક્લાસ' શબ્દને બદલે.... `નોનકાસ્ટ હિન્દુ', `નોન કન્ફરમીસ્ટ હિન્દુ' કે `પ્રોટેસ્ટન્ટ હિન્દુ' શબ્દ વાપરવાની માંગણી કરી હતી (Dr. Babasaheb Ambedkar writings and speeches volume-2)
 
હૈદરાબાદના રઝાકારો (મુસ્લિમ)ના ત્રાસથી એ જમાનામાં કેટલાક ચર્મકારો મુસ્લિમ બન્યા હતા. ત્યારે ડૉ. બાબાસાહેબ આંબેડકરે કેટલાક ચર્મકારોની શુદ્ધિ કરી તેમને પુનઃ હિન્દુ સમાજમાં સમરસ કરવા માટે વીર સાવરકર પાસે મોકલ્યા હતા. વળી, દલિતોને બળજબરીથી મુસલમાન બનાવવામાં આવે છે તે જાણી દેશભક્ત ડૉ. આંબેડકરે હૈદરાબાદ તથા પાકિસ્તાનના દલિતોને સ્પષ્ટ સલાહ આપતાં જાહેર નિવેદન કર્યું હતું કે, પાકિસ્તાનમાં મુસીબતમાં ફસાયેલા દલિતોએ જે સાધન ઉપલબ્ધ હોય તે દ્વારા તુરંત ભારત આવી જવું. દલિત સમાજ પાકિસ્તાનના કે હૈદરાબાદના `મુસલમાનો' કે `મુસ્લિમ લીગ' ઉપર વિશ્વાસ રાખશે તો છેતરાશે... દલિત વર્ગના લોકોને (જાતિભેદ-અસ્પૃશ્યતાના કારણે) હિન્દુ સમાજ ગમતો નથી.... માત્ર તેને કારણે મુસ્લિમો આપણા મિત્રો છે તેવું માનવાની દલિતોને આદત પડી ગઈ છે. તે વિચારસરણી ભયંકર ભૂલ ભરેલી છે.'' (ધનંજય કીરના પુસ્તક `ડૉ.આંબેડકર લાઇફ એન્ડ મિશન'ના પાના નં. ૩૯૭)
 
પૂના સંઘ શિક્ષાવર્ગમાં ડૉ. બાબાસાહેબ પધાર્યા ત્યારે...
 
અગાઉ કહ્યું તેમ કેટલાંક લોકો એવો ભ્રમ ફેલાવે છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર ને સંઘ વચ્ચે મનભેદ હતો. પણ એ વાત ખોટી અને ઉપજાવી કાઢેલી છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર તો સંઘના કાર્યક્રમોમાં ગયા હતા અને સંઘ સાથે ડૉ. આંબેડકરજીના સંબંધો સુમેળભર્યા રહ્યા હતા. ડૉ. આંબેડકર વકિલાતના વ્યવસાય નિમિત્તે દાપોલી ગયા હતા ત્યાં પણ સંઘ કાર્યકરોની બેઠકમાં ગયા અને નિખાલસ ચર્ચાઓ કરી હતી.
 
ડૉ. બાબાસાહેબ આંબેડકરની સૌથી અગત્યની મુલાકાત પૂણેના સંઘ શિક્ષા વર્ગની રહી હતી. ડૉ. બાબાસાહેબ ૧૨ મે, ૧૯૩૯ના રોજ બાળાસાહેબ સાળુંકે અને ભાઉરાવ સાહેબ ગડકરી સાથે પૂણેના સંઘ શિક્ષાવર્ગમાં પહોંચ્યા હતા. આ મુલાકાતમાં તેમની સાથે રહેલા બાળાસાહેબ સાળુંકે સ્વતંત્રતા બાદ મહારાષ્ટ્રથી શીડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન (રીપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા)માંથી ચૂંટાયા હતા. તેમના પોતાના સ્મૃતિગ્રંથમાં એક વાતનો ઉલ્લેખ છે કે, તેઓ સૌ સંઘ શિક્ષા વર્ગમાં પહોંચ્યા ત્યારે ભોજન શરૂ થવામાં જ હતું અને ડૉ. હેડગેવારજીને ખબર પડી કે, સૌ દ્વાર સુધી આવી પહોંચ્યા છે. ત્યારે ડૉક્ટર સાહેબે સ્વયંસેવકોને કહ્યું કે, હમણાં રોકાઈ જાઓ. ભોજનનો પ્રારંભ કરતા નહીં. અને ખુદ ઊભા થઈને તેઓ સૌને લઈ આવ્યા. સાથે બેસી સૌએ આનંદપૂર્વક ભોજન કર્યું.
 
ભોજન બાદ ડૉ. બાબાસાહેબે સંઘ શિક્ષાવર્ગની મુલાકાત લીધી હતી. એ વખતે ૫૨૫ પૂર્ણ-ગણવેશધારી સ્વયંસેવકો ઉપસ્થિત હતા. ડૉ. બાબાસાહેબે ત્યારે પૂછેલું કે, આમાંથી અસ્પૃશ્ય કેટલા છે?
 
અને ડૉ. હેડગેવારજીએ જવાબ આપેલો કે, આપ સ્વયં જ પૂછી લો ને!
 
પણ ડૉ. બાબાસાહેબના આશ્ચર્ય વચ્ચે જ્યારે તેમણે સ્વયંસેવકોને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે કોઈ જ આગળ ન આવ્યું. એ પછી ડૉ. હેડગેવારજીએ કહ્યું, અહીં કોઈ અસ્પૃશ્ય છે એવું ક્યારેય લાગવા દેવામાં આવતું જ નથી. અહીં માત્ર હિન્દુઓ જ છે. જો તમારે પૂછવું હોય તો જે જાતિઓ છે તેનું નામ લઈને પૂછો!
 
પછી ડૉ. બાબાસાહેબે કહ્યું, આ વર્ગમાં જે મહાર, માંગ, મેહતર હોય તે એક ડગલું આગળ આવી જાય. આવું કહેતાં જ મોટી સંખ્યામાં સ્વયંસેવકો આગળ આવી ગયા હતા. સંઘમાં સામાજિક સૌહાર્દ અને અસ્પૃશ્યતાવિહીન વાતાવરણ જોઈને ડૉ. આંબેડકર અત્યંત પ્રસન્ન થયા હતા. કારણ કે તેઓ પોતે આ જ પ્રકારનું મહાન કાર્ય લઈને આગળ વધી રહ્યા હતા. અને ડૉ. હેડગેવારજી પણ સંઘના માધ્યમથી આજ કાર્ય કરી રહ્યા હતા.
 
ઉલ્લેખનીય છે કે, એ વખતે ડૉ. હેડગેવારજીનો બૌદ્ધિકવર્ગ પહેલાંથી નિશ્ચિત થયેલો હતો, છતાં ડૉ. હેડગેવારજીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને બૌદ્ધિકવર્ગ લેવા માટે આગ્રહ કર્યો અને કહ્યું કે, આપ સ્વયંસેવકોને કંઈક જણાવો. અને ડૉ. આંબેડકરજીએ પ્રસન્નતાથી બૌદ્ધિકવર્ગ લીધો અને તેમાં સ્વયંસેવકોને તમામ પ્રકારના ભેદોનો નાશ કરવાની વાત કરી હતી.
તે પછી ડૉ. બાબાસાહેબે ૨ જાન્યુઆરી, ૧૯૪૦ના રોજ સાતારા જિલ્લાના કહાડ ગામમાં આવેલા ભવાની સંઘસ્થાન ઉપર મુલાકાત આપી હતી. તે સમયના અગ્રણી અખબાર `દૈનિક કેસરી'એ આ ઐતિહાસિક ઘટનાનું વર્ણન એમના ૯ જાન્યુઆરી, ૧૯૪૦ના છાપામાં કરેલું હતું. તેમાં ઉલ્લેખ છે તે મુજબ
 
ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ સંઘના સ્વયંસેવકોને સંબોધીને પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવેલું કે, “કેટલીક વાતો પર મતભેદ હોઈ શકે છે, પરંતુ હું આ સંઘ પ્રત્યે અપનત્વની ભાવનાથી જોઉં છું.”
 
૧૯૪૮માં મહાત્મા ગાંધીજીના અવસાન પછી રા.સ્વ. સંઘ ઉપર પ્રતિબંધ મુકાયો હતો. હજારો કાર્યકરોને કારાગૃહમાં કેદ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે સંઘ પરનો આ પ્રતિબંધ દૂર કરવા માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્યામાપ્રસાદ મુખર્જીએ ખૂબ પ્રયત્નો કર્યા હતા.
 
ડૉ. બાબાસાહેબ પૂણેના સંઘ શિક્ષા વર્ગની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે તેમની સાથે બાળાસાહેબ સાળુંકે પણ હતાં. આ બાળાસાહેબ સાળુંકે ૧૯૫૭માં શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન (રીપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા)માંથી ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છે કે, તેમનો એક સ્મૃતિગ્રંથ બહાર પડ્યો હતો. જેની પ્રથમ આવૃત્તિ ૧૦ સપ્ટેમ્બર, ૧૯૫૯ના રોજ પ્રકાશિત થઈ હતી. ત્યારબાદ એક-બે વર્ષ પછી તેઓનું દેહાવસાન થયું. આ સ્મૃતિગ્રંથમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર, સંઘ સંસ્થાપક ડૉ. હેડગેવારજીને મળ્યા હતા તે તથા તેમણે સંઘના સ્વયંસેવકો સમક્ષ ઉદબોધન કર્યું હતું, તે બંને ઘટનાનાં ચિત્રો પણ સ્મૃતિગ્રંથમાં છાપવામાં આવ્યાં છે.
 
ડૉ. બાબાસાહેબ અને સમાન સિવિલ કોડ
 
આજે આપણે ત્યાં સમાન સિવિલ કોડ લાગુ કરવા માટે સરકાર અનેક પ્રકારના પ્રયત્નો કરી રહી છે. જે આપણા રાષ્ટ્રના હિતમાં છે. પરંતુ કેટલાક લોકો આ કાયદાનો વિરોધ કરીને કહી રહ્યા છે કે, આ કાયદો અન્યાયી છે અને આપણા દેશની સમાનતા-બંધુતાને નુકસાન કરશે. પણ એ વાત સાવ ખોટી છે. હકીકત તો એ છે કે સમાન સિવિલ કોડ રાષ્ટ્રના હિતમાં છે અને આપણા સંવિધાનના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર પણ એના હિમાયતી હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભામાં દિ. ૨૫-૧૧-૧૯૪૯ના રોજ આપેલા પ્રવચનમાં સ્પષ્ટ કહ્યું હતું કે, આપણે વર્તમાન અને ભવિષ્યને કાયમ માટે ભૂતકાળને હવાલે ન કરી શકીએ. લાશોને જીવતા લોકો પર શાસન કરવાનો અધિકાર ન આપીએ. બંધારણના માર્ગદર્શક સિદ્ધાન્તોમાં પણ સમાન સિવિલ કોડની વાત સ્વીકારાઈ છે. આર્ટિકલ ૪૪માં લખ્યું છે કે, `the state shall endevour to secure for the citizens a uniform civil code through the territory of India' (સરકાર સંપૂર્ણ દેશમાં તમામ નાગરિકો માટે એક સમાન સિવિલ કોડ બનાવવાનો પ્રયત્ન કરશે.)
 
તેમણે સંવિધાન સભામાં એમ પણ કહ્યું હતુ કે, `હું સમજી શક્તો નથી કે સમાન નાગરિક સંહિતાનો આટલો વિરોધ કેમ થઈ રહ્યો છે? એ સવાલ કેમ પૂછવામાં આવી રહ્યો છે કે, ભારત જેવા દેશ માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવી સંભવ છે? સમાન નાગરિક સંહિતા એક એવો કાયદો છે જે દરેક ધર્મના લોકો માટે સમાન હશે. તેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નહિ હોય. આ કાયદામાં પરિવાર, વિવાહ, સંપત્તિ અને મૂળભૂત નાગરિક અધિકારના મામલાઓમાં બરાબરી હશે. રાજ્યનું એ કર્તવ્ય હશે કે, તે લોકોના વ્યક્તિગત અધિકારને સુનિશ્ચિત કરશે અને સમુદાયના નામે તેમનું હનન નહિ થાય.'
 
અનુચ્છેદ ૩૭૦નો સખ્ત વિરોધ
 
ભારતીય સંવિધાનની ધારા ૩૭૦, જેમાં કાશ્મીરને ઘણા વિશેષાધિકાર પ્રાપ્ત હતા. જેને થોડાં જ વર્ષો પહેલાં કેન્દ્ર સરકારે નિરસ્ત કરી છે તે ધારા વિરુદ્ધ પણ ડૉ. બાબાસાહેબે ઘણી સ્પષ્ટ રીતે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે અનુચ્છેદ ૩૭૦ અંગે શેખ અબ્દુલ્લાને એક પત્રમાં લખ્યું હતું કે, તમે ઇચ્છો છો કે ભારત જમ્મુ-કાશ્મીરની સીમાની સુરક્ષા કરે, અહીં રસ્તાઓ બનાવે, અનાજની સપ્લાય કરે સાથે જ કાશ્મીરના લોકોને ભારતના લોકો જેવા અધિકાર મળે. તમે તમારી માંગણીઓ પછી ઇચ્છો છે કે, ભારત સરકારને કાશ્મીરમાં સીમિત અધિકાર જ મળવો જોઈએ. આવા પ્રસ્તાવથી ભારતની સાથે વિશ્વાસઘાત થશે. ભારતના કાયદામંત્રી હોવાના કારણે હું તે ક્યારેય સ્વીકારીશ નહિ.'
 
ડૉ. આંબેડરજી જેમ જ સંઘ પણ પ્રારંભથી જ આ કલમનો વિરોધ કરતો આવ્યો છે. સમગ્ર હિન્દુસ્થાન જાણે છે કે સંઘે કાશ્મીરમાંથી કલમ - ૩૭૦ દૂર કરવા દાયકાઓ સુધી લડત આપી હતી અને આખરે વિજય પ્રાપ્ત કર્યો હતો.
ડૉ. બાબાસાહેબની કાર પર `ૐ' ચિત્રાંક્તિ ભગવો ધ્વજ લહેરાતો
 
હિન્દુત્વનિષ્ઠોના મનમાં ડૉ. બાબાસાહેબ પ્રત્યે આત્મીયતાને કારણે જ, બંધારણ સમિતિની ધ્વજ સમિતિના સદસ્ય તરીકે નિમાયા પછી મુંબઈના હિન્દુત્વનિષ્ઠ લોકોની ઇચ્છા હતી કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે રાષ્ટ્રીય ધ્વજ તરીકે ભગવા ધ્વજને માન્યતા આપવાનો વિષય ધ્વજ-સમિતિમાં મૂકવો જોઈએ. ૨૧ મે, ૧૯૩૨ને દિવસે પૂણેમાં ડૉ. બાબાસાહેબની મોટી શોભાયાત્રા નીકળી હતી તથા અહિલ્યા આશ્રમમાં નામદાર લઠ્ઠેની અધ્યક્ષતામાં તેમને માનપત્ર અપાયું હતું. આ પ્રસંગે ડૉ. બાબાસાહેબની કાર ઉપર `ૐ' ચિત્રાંકિત કરેલો ભગવો ધ્વજ ખૂબ શાનથી લહેરાતો હતો.
 
ઉલ્લેખનીય છે કે, ૧૦ જુલાઈ, ૧૯૪૭ના રોજ દિલ્હી જવા માટે ડૉ. બાબાસાહેબ મુંબઈના શાંતાક્રૂઝ વિમાનઘર પર પહોંચ્યા ત્યારે મુંબઈ પ્રાંતના હિન્દુ મહાસભાના નેતાઓએ એમને ભગવો ધ્વજ અર્પણ કર્યો હતો. આ સંદર્ભમાં પ્રબોધનકાર ઠાકરેએ કહ્યું હતું કે, `ડૉ. આંબેડકર સ્વાભિમાની મરાઠા છે. શિવાજીના ભગવા-ધ્વજ પ્રત્યે એમના મનમાં તીવ્ર અભિમાન છે. મહારાષ્ટ્રના બધા મરાઠા એક સ્વરમાં ભગવા ધ્વજને રાષ્ટ્રધ્વજ બનાવવાની માગણી કરશે તો દિલ્હીની સમિતિએ એનો ગંભીરતાથી વિચાર કરવો પડશે.'
 
ડૉ. આંબેડકરજીની આ ભાવના બિલકુલ સાચી હતી. તેથી જ ડૉ. આંબેડકરે વિમાનતળ પર હિન્દુત્વવાદી નેતાઓને કહ્યું હતું કે, `જો આપનું પ્રબળ સમર્થન મળશે તો હું આ કાર્ય કરી શકીશ...!'
 
અલબત્ત તે પછી ગાંધીહત્યાને કારણે બગડેલા વાતાવરણમાં આ વાત સંવિધાન સભામાં ઉઠાવી શકાઈ ન હતી.
વામપંથી (સામ્યવાદ) તેમનો શત્રુ ક્રમાંક ૧ હતો
 
કેટલાંક એવો ભ્રમ પણ ફેલાવે છે કે ડૉ. આંબેડકરજી સામ્યવાદની તરફેણ કરતા હતા. પણ એ વાત બુદ્ધિહીન લોકોની તથ્યહિન માનસિક ઊપજ માત્ર છે. એ વાતની સાબિતી આપતી એક ઘટના અહીં પ્રસ્તુત છે.
 
બૌદ્ધધર્મ દીક્ષાના થોડા દિવસ પૂર્વે સંઘના હો. વે. શેષાદ્રિ, દત્તોપંત ઠેંગડી ઇત્યાદિ આગેવાનો ડૉ. બાબાસાહેબ આંબેડકરને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ આગેવાનોએ નાગપુરના ભંડારા મત વિસ્તારની મે, ૧૯૫૪ની પેટા ચૂંટણીમાં ડૉ. આંબેડકર માટે દત્તોપંત ઠેંગડીજી સહિત અનેક કાર્યકર્તાઓએ ચૂંટણીમાં કામ કર્યું હતું. દત્તોપંત ઠેંગડીજીએ જ્યારે ડૉ. આંબેડકરજીને સામાજિક સમરસતાની પ્રવૃત્તિઓની વિગતો આપી, પરંતુ તેમને ધીમા કાર્યથી સંતોષ ન થતાં ડૉ. આંબેડકરે કહ્યું હતું કે, `૧૯૨૫માં સંઘની સ્થાપના થઈ. આજે ૨૮ વર્ષે ૨૭-૨૮ લાખ સ્વયંસેવકોનું સંઘે નિર્માણ કર્યું છે, તો સમગ્ર હિન્દુ સમાજને તૈયાર કરતાં કેટલાં વર્ષો વીતશે? હવે વધુ ધીરજ ધરવાની મારી માનસિકતા નથી. સમાજ અને પરિસ્થિતિ વધુ પ્રતીક્ષા કરી શકે તેમ નથી. આવી પરિસ્થિતિમાં આપણો ભારતીય સમાજ સામ્યવાદનું નિશાન બની શકે તેમ છે, જે મને ઉચિત લાગતું નથી. હું મારા મૃત્યુ પહેલાં મારા સમાજને ચોક્કસ દિશામાં વાળવા માંગું છું. તમે જાણો છો કે દલિતો અને સામ્યવાદીઓ વચ્ચે આંબેડકર `અવરોધક' છે અને સવર્ણો અને સામ્યવાદીઓ વચ્ચે ગોળવલકર `અવરોધક' છે.'
 
આ સઘળી હકીકતો પુરવાર કરે છે કે ડૉ. આંબેડકરજીને સામ્યવાદ પ્રત્યે ભયંકર નફરત હતી.
 
આ ધર્માંતરણ નથી - સાવરકરજી
 
કેટલાક બુદ્ધિ બહેર મારી ગઈ હોય એવા કથિત બૌદ્ધિકો અને ભારતમાં હિન્દુઓ - હિન્દુઓ વચ્ચે ભાગલા પાડવા માંગતા લોકો એવી વાતો ફેલાવે છે કે ડૉ. આંબેડકર હિન્દુઓથી નારાજ હતા એટલે તેમણે બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો. જો તેમને હિન્દુ ધર્મ પ્રત્યે અણગમો હોત તો તેમણે ઇસ્લામ કે ઈસાઈ ધર્મ અંગીકાર કર્યો હોત. તેમણે લાલચોને લાત મારી ઇસ્લામનો સાફ ઇન્કાર કર્યો અને ખ્રિસ્તીઓને પણ ખખડાવી નાંખ્યા હતા. આવા ધર્માંતરણનો ધરમૂળથી નન્નો ભણતાં તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, `મારા લોકો Denationalise - અરાષ્ટ્રીય બને તે મને હરગિઝ સ્વીકાર્ય નથી જ.' અપાર અધ્યયન-પરિશીલનને અંતે તેમણે ભારતવર્ષના ભૂષણસમા આપણા બૌદ્ધધર્મનો સ્વીકાર કર્યો હતો, જેમાં ભારતીય સંસ્કૃતિનાં દર્શન થાય છે. તેઓએ જ સંવિધાનમાં હિન્દુ અંતર્ગત જૈન, બૌદ્ધ, શિખને આવરી લેતી વ્યાખ્યા કરેલી છે. ડૉ. આંબેડકરજીનું રાષ્ટ્ર પ્રત્યેનું આ મહાન ૠણ ઘણા ઓછા લોકો સમજી શક્યા છે.
 
એટલું જ નહીં, ખૂબ જ અભ્યાસુ લેખક એવા ડૉ. વૃજલાલ વર્મા દ્વારા લિખિત - `ડૉ. ભીમરાવ આંબેડકર' નામના પુસ્તકના પાના નંબર ૩૬૫માં તેમણે લખ્યું છે કે, ``.... ડૉ. આંબેડકરે ૧૯૫૬માં વિજયાદશમીના દિવસે નાગપુરમાં ધર્મપરિવર્તન કર્યું ત્યારે કોઈ નેતાએ તેમને સંદેશો મોકલાવ્યો ન હતો. માત્ર સાવકરજીએ સંદેશો પ્રગટ કરેલો કે, ડૉ. આંબેડકરે અવૈદિક છતાં હિન્દુત્વની વ્યાખ્યામાં સમાવી શકાય તેવો ભારતીય ધર્મપંથ અંગીકાર કર્યો છે. એટલે આ ધર્માંતરણ નથી.'
 
વીર સાવરકરે ડૉ. બાબાસાહેબ દ્વારા બૌદ્ધ મત ગ્રહણ કરવા બાબતે એમ પણ કહ્યું હતું કે, `વસ્તુતઃ ડૉ. આંબેડકર હવે સાચા અર્થમાં હિન્દુ શિબિરમાં આવી ગયા છે. બૌદ્ધ આંબેડકર હિન્દુ આંબેડકર જ છે.'
 
એ દિવસોમાં મહાસ્થવીર ચન્દ્રમણિ તથા કેટલાક બૌદ્ધ ભિક્ષુઓએ એક વક્તવ્ય પ્રકાશિત કર્યું હતું કે, `વાસ્તવમાં બૌદ્ધ અને હિન્દુ એક જ વૃક્ષની બે શાખાઓ છે.' તથા એક બૌદ્ધ લેખકે લખ્યું હતું કે, `આ ધર્મ-પરિવર્તન નથી, આત્મ-પરિષ્કાર છે. એનો એ અર્થ કદાપિ નથી કે, ડૉ. બાબાસાહેબે એક ધર્મ છોડી બીજો ધર્મ સ્વીકાર્યો છે.'
 
ઉલ્લેખનીય છે કે, નાગપુરમાં યોજાયેલ દીક્ષા-સમારંભ સમયે નકલી બિનસાંપ્રદાયિકોના ટોળાએ એવું તૂત પણ ચલાવ્યું હતું કે, નાગપુર રા.સ્વ.સંઘનું વડુ મથક હોવાથી ડૉ. બાબાસાહેબ આંબેડકરે તેમની નજર સમક્ષ કશુંક ભપકાદાર કરી બતાવીને તેમને ત્રાસ આપવા માટે ત્યાં દીક્ષા સમારંભનું આયોજન કર્યું છે, પરંતુ ડૉ. બાબાસાહેબે તો પોતાના પ્રવચનના પ્રારંભમાં જ આ અપપ્રચાર-જૂઠાણાંને રદિયો આપતાં કહ્યું હતું કે, `નાક ખેંચીને બીજાને ઉશ્કેરવાની વૃત્તિ કે સમય મારી પાસે નથી.' અને તેમણે કારણો આપી નાગપુરનો - નાગલોકોનો ગૌરવવંતો પણ ઇતિહાસ કહ્યો હતો.
 
અને સંઘે મરાઠા યુનિ.ની સાથે ડૉ. આંબેડકરનું નામ જોડ્યું
 
૧૯૯૫માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થવાની હતી. એના બે-એક વર્ષ પહેલાંથી મરાઠા યુનિવર્સિટીની સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ જોડવાની ચર્ચા ચાલી રહી હતી. પણ ૧૯૯૫માં વિધાનસભાની ચૂંટણી આવતાં અનેક રાજકીય પક્ષો આ મુદ્દાને લઈને પોતાનો રાજકીય રોટલો શેકવા માંગતા હતા. આંબેડકરવાદી પ્રજાએ આ ચૂંટણી પહેલાં નામાંતરના પ્રશ્નનો ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો હતો. આત્મદહન જેવા અંતિમ માર્ગોનો પણ વિચાર થવા લાગ્યો હતો. શરદ પવારને ટેકો આપનારા રામદાસ આઠવલે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. શિવસેનાનો નામાંતર સામે વિરોધ હતો. શરદ પવારને લાગતું હતું કે, હિન્દુત્વવાદીઓના વિરોધનું બહાનું બતાવી દલિતોના મનમાં તેના પ્રત્યે ડરની ભાવના પેદા કરી શકાશે. સંઘવાળા શિવસેનાના વિરોધમાં ઊભા થાય તેવી શક્યતા નહોતી, તેના કારણે કાયમની માફક સંઘને બલિનો બકરો બનાવી શકાશે. પરંતુ સંઘે નામાંતરના ટેકામાં દૃઢતાથી ઊભા રહેવાનો નિર્ણય કર્યો. સંઘે નામાંતરણને ટેકો આપવાનો નિર્ણય લીધો અને યુનિવર્સિટીના નામ આગળ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ જોડાઈ ગયું.
 
સંઘના એકાત્મતા મંત્રમાં ડૉ. બાબાસાહેબ
 
પ્રખ્યાત દલિત ચિંતક અને પદ્મશ્રી ટી.વી. નારાયણે સંઘ સાથેનો પોતાનો અનુભવ વ્યક્ત કરતાં એક વખત કહ્યું હતું કે, `રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મને વિજયાદશમીના દિવસે નાગપુરમાં આમંત્રિત કર્યો. મને એ જાણી આશ્ચર્ય થયું કે સંઘે પોતાના એકાત્મતા મંત્રમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જ્યોતિરાવ ફૂલેનાં નામ ૠષિતુલ્ય ગણીને પ્રણામ્યા છે. સંઘની આ બાબત દરેકના દિલને સ્પર્શી જાય તેવી છે.' જેમાં ડૉ. બાબાસાહેબનો ઉલ્લેખ છે એ - સંઘના એ એકાત્મતા મંત્રની પંક્તિઓ નીચે મુજબ છે :
 
सुभाषः प्रणवानन्दः क्रान्तिवीरो विनायकः
ठक्करो भीमरावश्च फुले नारायणो गुरुः ॥30॥
 
કાર્યપદ્ધતિઓ અલગ પણ ધ્યેય અને દિશા એક જ
 
ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ જ્યાં કામ કરવાનું હતું ત્યાં એમને આ અન્યાયનો શિકાર બનેલા લોકોને જગાડવાના હતા. તે લોકો હાથ ઉપર કરે અને એડીઓ ઊંચી કરીને ઉપર આવવાનો પ્રયત્ન કરે એટલા માટે તેમને જાગૃત કરવાના હતા. એટલા માટે તેઓએ મંત્ર આપ્યો- `શિક્ષણ પ્રાપ્ત કરો, સંગઠિત થઈ જાઓ, આંદોલન કરો અને ઉપર ચઢો.' પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્યસ્થાપક ડૉ. હેડગેવારજીને જ્યાં કામ શરૂ કરવું પડ્યું ત્યાં એમણે જેઓએ નીચે નમવાનું છે, એમને બતાવવાનું હતું.
 
કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સંઘ વચ્ચે અનેક બાબતે વિચારોની સામ્યતા હતી. હિન્દુ સમાજમાં તત્ત્વ અને વ્યવહાર વચ્ચેના તફાવતની ચિંતા ડૉ. આંબેડકરને હતી તેટલી જ ચિંતા સંઘ-સ્થાપક ડૉ. હેડગેવારને પણ હતી. ડૉ. હેડગેવાર કહેતા કે, `આપણું કાર્ય સંપૂર્ણ હિન્દુ સમાજનું સંગઠન કરવાનું છે. હિન્દુ સમાજના કોઈ પણ અંગની ઉપેક્ષા કરીને આ કાર્ય સિદ્ધ થઈ શકશે નહીં.'
 
૧૪ એપ્રિલ, ૧૯૯૦ના રોજ ડૉ. આંબેડકરના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે, તત્કાલીન સરસંઘચાલક ડૉ. બાળાસાહેબ દેવરસે કહ્યું હતું કે,
 
`ડૉ. બાબાસાહેબના વિચારો અને જીવનમાંથી પ્રેરણા લઈને, ભારતીય લોકશાહી, રાષ્ટ્રીય એકતા અને સામાજિક એકતાને મજબૂત બનાવવાના પ્રયાસો કરવા જોઈએ અને બાબાસાહેબના કાર્યનું શુદ્ધ મનથી મૂલ્યાંકન કરવું જોઈએ.'
 
ડૉ. બાબાસાહેબની કાર્યશૈલી કહેવાતી ઉચ્ચ જાતિઓ વિરુદ્ધ ન હતી, પરંતુ સામાજિક અસમાનતા વિરુદ્ધ હતી. તેઓ માનતા હતા કે, સંસ્કૃતને સત્તાવાર ભાષા બનાવવી જોઈએ અને ભારતનો ધ્વજ ભગવો હોવો જોઈએ.
 
ડૉ.બાબાસાહેબ ૧૬-૧૬ કલાક અધ્યયનમાં લગાવતા હતા. તેઓએ સંસ્કૃત શીખી વેદ-ઉપનિષદોનો ઉંડાણથી અભ્યાસ કર્યો. પોતાના અધ્યયન આધાર પર ` વેર ધ શુદ્રાઝ' પુસ્તક લખ્યું. `આર્યો બહારથી નહોતા આવ્યા' તેનું પ્રતિપાદન કર્યું. તેઓએ `હિન્દુ કોડ બીલ' બનાવ્યું.
 
હવે વિચાર કરો કે સંઘ પણ આ જ માને છે કે બીજું કંઈ? તો પછી બંને વચ્ચે ભેદ કઈ રીતે હોઈ શકે? વિચારધારાના સ્તરે ઘણા એવા મહત્વપૂર્ણ વિષયો છે જે અંગે બંનેનો એક મત છે.
 
ઉલ્લેખનીય છે કે, `બહિષ્કૃત ભારત'ના ડિસેમ્બર, ૧૯૨૯ના અંકમાં ડૉ. બાબાસાહેબે સ્પષ્ટ લખ્યું હતું કે, `આ સનાતન હિન્દુ રાષ્ટ્ર છે, તેનો કોઈપણ ઇન્કાર કરી શકે તેમ નથી.'
 
ડૉ. આંબેડકરે સંપૂર્ણ વાંગ્મયના ખંડ - પાંચમાં ડૉ. આંબેડકરના શબ્દો ટંકાયા છે કે, `.... હું હિંદુસ્તાનને પ્રેમ કરું છું. હું જીવીશ તો હિંદુસ્તાન માટે અને મરીશ તો પણ હિંદુસ્તાન માટે. મારા શરીરનો પ્રત્યેક કણ અને મારા જીવનની પ્રત્યેક ક્ષણ હિંદુસ્તાનના કામમાં આવે, તે માટે મારો જન્મ થયો છે.'
 
બાબાસાહેબ આપની મશાલ લઈને અમે આગળ કાર્ય કરીશું - મોહનજી ભાગવત
 
શ્રદ્ધેય દત્તોપંતજી ઠેંગડી જન્મશતાબ્દી સમારોહ નિમિત્તે આપેલ ઉદ્બોધનમાં પ.પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતે જણાવ્યું હતું કે, `વિષમતા ધર્મ ન હોઈ શકે, આ convictionથી આવે છે. આ convictionને લઈને આપણે બધાં કામ કરવાનાં છે. `આ સંપૂર્ણ કાર્ય, આ સમાજ મારો પોતાનો છે' એવી ભાવનાથી, આપણી બધી જ વિવિધતાને પણ સાથે લઈને, આપણે એક માતાના પુત્ર છીએ આ સંબંધે, `આપણે એક રાષ્ટ્રના રાષ્ટ્રીય ઘટક છીએ' એ નાતે કરવાનું છે. આપણા રાષ્ટ્રને મહાન બનાવવા માટે આપણી બધી વિકૃતિઓને હટાવીને એક સમાજ તરીકે ઊભા રહીશું. - આ ઉદ્દેશ રાખીને કરવાનું છે, એવું નહીં કરીએ તો ફરીથી આ સ્વાતંત્ર્ય જતું રહેશે? આ ડર ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને સતાવતો હતો. આપણે એવી સ્થિતિ લાવવી છે કે, એમને જવાબ આપી શકીએ કે, બાબાસાહેબ, આપની મશાલ હાથમાં લઈને, અમે આગળ કામ કર્યું. અને હવે આપને એ ડર રાખવાની જરૂર નથી. આપણા ત્યાં એ ઇતિહાસ હવે ફરીથી ન દોહરાય એવું આપણે કરવું છે.'
 
હિન્દુ સમાજનું પાંચમું પુનર્જીવન શ્રદ્ધેય બાબાસાહેબે કર્યું
 
જે લોકો ડૉ. બાબાસાહેબ આંબેડકર સંઘના વિરોધી હતા એવું કહે છે અથવા જે લોકો સંઘને ડૉ. બાબાસાહેબ આંબેડકરનું વિરોધી ગણાવે છે, એવા ભાગલાવાદીઓને આ લેખની વિગતો સણસણતો જવાબ છે. હવે લેખના અંતે શ્રી ધનંજય કીરના પુસ્તકમાં લખાયેલ એક અદ્ભુત વાતનું સ્મરણ કરીને આપણી વાત પૂર્ણ કરીએ. ધનંજય કીર લખે છે કે, `..... ઉપનિષદોએ હિન્દુ સમાજનું પહેલું પુનર્જીવન કર્યું. ભગવાન બુદ્ધે બીજું પુનર્જીવન કર્યું. મધ્યકાળમાં થયેલા નાનક, કબીર, રામાનુજ આદિ સંતોએ હિન્દુ સમાજનું ત્રીજું પુનર્જીવન કર્યું. મહાત્મા ફૂલે, સ્વામી દયાનંદ, સ્વામી વિવેકાનંદે, રાનડે અને લોકમાન્ય તિલકે ચોથું પુનર્જીવન કર્યું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરે હિન્દુ સમાજનું પાંચમું પુનર્જીવન કર્યું છે.'
પણ ડૉ. બાબાસાહેબને સમજવા માટે તેમની ઊંચાઈ અને તેમના જ્ઞાન સુધી પહોંચવું જરૂરી છે. જે લોકો એ નથી કરી શકતા તે લોકો પોતાની રાજકિય ગણતરીઓ ગોઠવીને તેમના વિરુદ્ધ ખોટા નેરેટિવો ચલાવે છે. ડૉ. બાબાસાહેબના જન્મદિને આપણે સૌ એ ભ્રામક નેરેટિવ ફેલાવનારાઓને ઓળખીને તેમને જાકારો આપીએ અને મહામાનવના પથ પર ચાલીને રાષ્ટ્રના ઉત્થાનમાં જોડાઈએ..
 
 
Powered By Sangraha 9.0