એક વખત એક વ્યક્તિ દુર્ગમ પહાડીઓ પર ચડી રહ્યો હતો, ત્યાં તેણે એક મહિલાને જોઈ, પેલા વ્યક્તિએ આશ્ચર્યચકિત થઈ મહિલાને પૂછ્યું, `આપ આ નિર્જન સ્થળે એકલાં શું કરી રહ્યાં છો ?' મહિલાએ જવાબ આપ્યો, `મને ખૂબ જ કામ છે?' `કયા પ્રકારનું કામ? કારણ કે, મને તો અહીં આસપાસ કોઈ દેખાઈ રહ્યું નથી.' પેલા વ્યક્તિએ કહ્યું.
આ સાંભળી મહિલાએ ઉત્તર આપ્યો. `મારે બે બાજ અને બે સમડીઓને પ્રશિક્ષણ આપવાનું છે, બે સસલાંઓને આશ્વાસન અને એક ગધેડા પાસે કામ લેવાનું છે,
એક સાપને અનુશાસિત કરવાનો છે અને એક સિંહને વશમાં કરવાનો છે.'
પેલા વ્યક્તિએ પુનઃ આશ્ચર્ય સાથે પૂછ્યું, `પણ બધા છે ક્યાં? મને તો અહીં કોઈ જ દેખાતું નથી.'
મહિલાએ જવાબ આપ્યો. `એ તમામ મારી અંદર જ છે. બે બાજ સારી-ખરાબ જે દરેક એ વસ્તુ પર ધ્યાન આપે છે, જે પણ મને મળે છે, મારે તેમને પ્રશિક્ષણ આપવાનું છે કારણ કે તે સારું જ જુએ છે અને એ છે મારી આંખો. બે સમડીઓ જે પોતાના પંજાથી હંમેશા અન્યોને ઘાયલ જ કરે છે, તેમને અન્યને નુકસાન ન પહોંચાડવાનું પ્રશિક્ષણ આપવાનું છે. અને એ છે મારા હાથ. સસલા અહીંતહીં ભટક્યા કરે છે, પરંતુ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવાથી બચતા ફરે છે. મારે તેમને પીડામાં પણ શાંત રહેતાં શીખવાડવાનું છે. અને તે સસલાં એટલે મારા પગ. ગર્દભ હંમેશા થાકેલો રહે છે, તે જિદ્દી છે જ્યારે પણ ચાલે છે ત્યારે વજન ઉઠાવવા માંગતો નથી તેની એ આળસને મારે દૂર કરવાની છે અને તે છે મારું શરીર. સૌથી અઘરું ૩૨ સળિયાના પાંજરામાં બંધ સાપને અનુશાસિત કરવાનું છે, જે હંમેશા સૌને ડસવા, કરડવા અને ઝેર નાંખવા આતુર રહે છે અને તે છે મારી જીભ. મારી પાસે એક સિંહ પણ છે, તે નિરર્થક ઘમંડ કરતો રહે છે અને તે વિચારતો રહે છે તે જ ખરો રાજા છે, તેને પણ મારા વશમાં કરવાનો છે અને એ છે મારામાં રહેલો `હું'.'