સાંપ્રત । શાંતિના સમયમાં સુરક્ષા મજબૂત બનાવવાના લાભ

17 May 2025 14:16:58

all about indian defence
 
 
કહે છે કે યુદ્ધ અથવા સંઘર્ષ માટેની તૈયારી શાંતિના સમયમાં કરવી જોઈએ. આગ લાગે ત્યારે કૂવો ન ખોદવા બેસાય તેવી ગુજરાતી કહેવત છે. પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ તેવી પણ કહેવત છે. પહેલગામમાં ૨૨ એપ્રિલે પાકિસ્તાનના ત્રાસવાદીઓએ સ્થાનિકો સાથે મળીને ૨૫ હિન્દુઓ અને એક ખ્રિસ્તીની ધર્મ પૂછીને, કલમા આવડે છે કે નહીં તે પૂછીને, પેન્ટ ઉતારી જનનેન્દ્રિય તપાસીને, હત્યા કરી. તેનો ઉત્તર ભારતે છઠ્ઠી મેની મોડી રાત્રે (ટેક્નિકલી સાત મેએ) ૧.૦૫થી ૧.૩૦ વચ્ચે મિસાઇલ આક્રમણ કરીને આપ્યો. તે પછી પાકિસ્તાને પણ અવળચંડાઈ શરૂ કરી. તુર્કિયેના ડ્રૉનથી આક્રમણો કર્યાં. મિસાઇલ છોડી. જમ્મુ-કાશ્મીર સીમાએ તોપમારો શરૂ કર્યો.
 
પરંતુ આ બધામાં નોંધવા જેવી વાત એ છે કે આવો જડબાતોડ ઉત્તર ભારત ક્યારે આપી શક્યું? ભારતે શાંતિના સમયમાં કરેલી તૈયારીઓના લીધે. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ૧૯૭૪માં ભારત દેશ ગરીબ હતો તો પણ પોખરણમાં પરમાણુ પરીક્ષણો કરેલું. પરંતુ ૧૧ મે ૧૯૯૮એ અટલજીએ શપથના બે જ મહિનામાં સીઆઈએની આંખમાં ધૂળ નાખીને પરમાણુ પરીક્ષણો કર્યાં તે સમયે એ જ કૉંગ્રેસ અને ડાબેરીઓએ વિરોધ કર્યો હતો કે યુદ્ધની સ્થિતિ નથી તો અત્યારે ઉશ્કેરણી શા માટે? ગરીબોના ભોગે આવી તૈયારી શાના માટે? ત્યારે અટલજીએ લોકસભામાં કહ્યું હતું કે, `યુદ્ધની તૈયારી શું શાંતિના સમયમાં નહીં તો યુદ્ધ ફાટી નીકળે ત્યારે કરવાની?' ભારત પરમાણુ શક્તિ બની ગયું પછી જ ભારતનો સ્વર વધુ બુલંદ અને વિશ્વમાં સંભળાતો થયો છે એ યથાર્થ છે.
 
અનુક્રમે બધી સરકારોના સમયમાં સેનાને મજબૂત કરવાનું કામ થયું. અગ્નિ, પૃથ્વી, ત્રિશૂળ, પ્રલય વગેરે મિસાઇલો બનાવાઈ. અમેરિકાના અડંગા છતાં ભારતના વૈજ્ઞાનિકોએ ક્રાયોજેનિક એન્જિન બનાવ્યું.
 
પહેલગામ આક્રમણ પછી ભારતે સૌ પ્રથમ તો સિંધુ જળ સમજૂતી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો. નિર્ણય થતાં જ ભારતવિરોધી બની ગયેલા લોકો કહેવા લાગ્યા કે, એમ પાણી રોકવું સહેલું છે? તેમને નહીં ખબર હોય પણ પાકિસ્તાનના કેટલાક લોકો તો જાણતા જ હતા કે, ભારત આ માટે અનેક વર્ષથી આ તૈયારી કરી રહ્યું છે. ૨૦૨૩માં `પાકિસ્તાન ટૂડે'માં આ બંધો વિશે છપાયેલું કે ભારત ગેરકાયદે રીતે બંધ બનાવી રહ્યું છે.
 
આવો જોઈએ. આ તૈયારીઓ.
 
૧, ઝેલમ નદી પર કિશનગંગા હાઇડ્રૉઇલેક્ટ્રિક પરિયોજના આમ તો ઈ. સ. ૨૦૦૭માં શરૂ થઈ હતી અને ૨૦૧૬માં પતી ગઈ હોત. પરંતુ વચ્ચે વિઘ્નો આવી ગયાં. અંતે વડાપ્રધાન મોદીએ ૧૯ મે ઈ. સ. ૨૦૧૮એ તેનું લોકાર્પણ કર્યું.
 
૨, અટલ સરકારે ૨૦૦૧માં ૧ જુલાઈએ નિમૂ બાઝગો હાઇડ્રૉઇલેક્ટ્રિક પરિયોજનાની અવધારણા મૂકી હતી જેને યુપીએ સરકારે ૨૦૦૫માં અનુમતિ આપી. તેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ ઑગસ્ટ ૨૦૧૪ના દિને કર્યું હતું.
 
૩, ચેનાબ નદી પર સલાલ બાંધની વિચારણા અંગ્રેજોના સમયમાં ઈ. સ. ૧૯૨૦માં થઈ હતી. ઈ. સ. ૧૯૬૧માં અનુચ્છેદ ૩૭૦ના લીધે સ્વતંત્ર દેશ જેવા જમ્મુ-કાશ્મીરની બક્ષી ગુલામ મોહમ્મદ (તે વખતે બનતા સુધી, શૈખ અબુદલ્લાને જેલમાં પૂરેલા) સરકારમાં તે શરૂ થયો. પરંતુ તેની ગતિ કેટલી ધીમી હતી કે તેને પૂરો થતાં-થતાં ૩૫ વર્ષ વીતી ગયાં. ૧૯૯૬માં તે પૂરો થયો.
 
૪, કિશ્તવાડ પાસે ચેનાબ નદી પર દુલ હસ્તી હાઇડ્રૉ ઇલેક્ટ્રિક પરિયોજના શરૂ તો રાજીવ ગાંધીજીના સમયમાં ઈ. સ. ૧૯૮૫માં થઈ હતી, પરંતુ તે કેટલી ધીમી હતી તે વિચારો. તે છેક ૨૦૦૭માં કાર્યરત બની.
 
૫, આ જ રીતે રામબાણ જિલ્લામાં ચેનાબ નદી પર બગલીહાર હાઇડ્રૉઇલેક્ટ્રિક પરિયોજના ઈ. સ. ૧૯૯૨માં નરસિંહરાવજીના સમયમાં વિચારાઈ હતી, પરંતુ તેને અનુમતિ છેક ઈ. સ. ૧૯૯૬માં મળી. બાંધકામ અટલજીના સમયમાં ઈ. સ. ૧૯૯૯માં શરૂ થયું. પરિયોજનાનો પહેલો ભાગ ઈ. સ. ૨૦૦૮-૦૯માં પૂરો થયો, જ્યારે બીજો ભાગ ઈ. સ. ૨૦૧૫-૧૬માં પૂરો થયો.
 
આ બધાના કારણે ભારત આજે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરી શકે છે. પાકિસ્તાન શું કહેશે તેની ચિંતા કર્યા વિના આપણી અનુકૂળતા-પ્રતિકૂળતા મુજબ આપણા હિતમાં ચેનાબ નદીના પાણીને છોડી શકીએ છીએ.
 
આ ઉપરાંત શાંતિના સમયમાં ભારતે તેનું સીમા પરનું આંતરમાળખું મજબૂત બનાવ્યું. ૨૦૧૪માં પદભાર સંભાળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ બાબતે ખૂબ ધ્યાન આપ્યું છે. બૉર્ડર રૉડ્સ ઑર્ગેનાઇઝેશન (બીઆરઓ) માટેનું બજેટ ઈ. સ. ૨૦૧૩-૧૪માં રૂ. ૩,૭૮૨ કરોડ હતું તે વધારીને ૨૦૨૩-૨૪માં રૂ. ૧૪,૩૮૭ કરોડ કરવામાં આવ્યું. આથી ૨૦૦૮-૧૪માં ૩,૬૧૦ કિમી સીમા રસ્તાઓ બન્યા હતા, તેની સામે ૨૦૧૪-૨૨માં ૬,૮૦૬ કિમી લાંબા રસ્તા બન્યા.
 
કોરોના કાળમાં ચીન સીમાએ લદ્દાખમાં રસ્તા બનાવવાનું કામ થયું. ભારતીય સેના ઝડપથી પહોંચી શકે તે માટે ઈશાન (પૂર્વોત્તર) રાજ્યોમાં ભારતીય રેલવે રણનીતિપૂર્વકની રેલવે લાઇન નાખી રહી છે તો ૨૦૧૪-૨૨માં ઈશાન રાજ્યોમાં આઠ વર્ષમાં સાત નવાં વિમાનમથક બનવાના કારણે આવનજાવન સરળ બન્યું.
 
જવાહરલાલ નહેરુ તો સેના રાખવાના જ વિરોધી હતા. તેમને હતું કે આપણે તો અહિંસક છીએ એટલે આપણી પર કોણ આક્રમણ કરી શકે. તેમના મતે, પોલીસથી કામ ચાલી જાય. આ તો, જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાને સ્વતંત્રતા પછી બે જ મહિનામાં આક્રમણ કર્યું તેના કારણે સેનાનું મહત્ત્વ સમજાયું. તેમ છતાં સેના બળવો કરશે તે ભયથી તેમણે સેનાને પાંગળી જ રાખેલી જેની કિંમત આપણે ૧૯૬૨ના ચીન સામેના અને ૧૯૬૫ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારે ચૂકવવી પડી હતી.
 
ભારતે છેલ્લાં અગિયાર વર્ષમાં સેનાને મજબૂત બનાવી છે.
 
૧, રાહુલ ગાંધીના ખોટા આરોપો છતાં રાફેલ વિમાનો ખરીદ્યાં, ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ (યુએએસ), એસ-૪૦૦ ટ્રિઅમ્ફ સિસ્ટમ (અમેરિકાના વિરોધ છતાં રશિયા પાસેથી આપણે લીધી), ઇઝરાયેલ પાસેથી લીધેલી બરાક-૮ મિસાઇલ, આકાશ ભૂમિથી વાયુ પર પ્રહાર કરતી મિસાઇલ (જેનો ચમત્કાર તાજેતરમાં ઑપરેશન સિંદૂરના પહેલા દિવસે જોવા મળ્યો), ઇઝરાયેલી હેરોપ ડ્રૉન, અમેરિકાના એમક્યૂ-૯૮ પ્રિડેટર ડ્રૉનથી સેનાને મજબૂત બનાવી.
 
૨૦૨૧માં સંરક્ષણ પ્રાપ્તિ પરિષદ (ડીએસી)એ સંરક્ષણ સાધનો ખરીદવા માટે રૂ. ૧૩,૭૦૦ કરોડની અનુમતિ આપી હતી તો ૨૦૨૫માં આ રકમ વધીને રૂ. ૫૪,૦૦૦ કરોડ કરવામાં આવી હતી. ૨૦૨૪માં એલ એન્ડ ટી સાથે કે-૯ વજ્ર સેલ્ફ પ્રૉપેલ્ડ આર્ટિલરી ગન ખરીદવાનો કરાર થયો.
 
૨, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સંરક્ષણ વડા) પદ વડાપ્રધાન મોદીએ તે શરૂ કર્યું. સીડીએસથી સેનાની ત્રણેય પાંખ વચ્ચે સમન્વય સાધી શકાય. ઈ. સ. ૧૯૬૨ના ચીન સામેના યુદ્ધમાં વાયુ દળ અને ભૂમિ દળ વચ્ચે જો આ સમન્વય હોત તો ચીનનું માત્ર ભૂમિ દળ હતું, તેને હરાવી શકાયું હોત. સેનામાં ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ્સ (આઈટીસી) તેના ઇતિહાસનો સૌથી મોટો સુધારો મનાય છે. તેનાથી ત્રણેય પાંખો સંયુક્ત રીતે યોજના કરી શકે છે અને ચોક્કસ રાષ્ટ્રીય ધ્યેય માટે તેમનાં સંસાધનોનો સંયુક્ત ઉપયોગ કરી શકે છે.
 
૩, ૨૦૧૬માં સંરક્ષણ પ્રાપ્તિપ્રક્રિયા (ડીપીપી) દાખલ કરાઈ જેમાં ૨૦૨૦માં સુધારાવધારા કરી સંરક્ષણ સંપાદન પ્રક્રિયા (ડીએપી) નામ અપાયું.
 
૪, સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારાઈ. હળવા લડાયક વિમાન તેજસનું ઉત્પાદન વધ્યું. આઈએનએસ વિક્રાંતનો નૌકા દળમાં સમાવેશ કરાયો. તેનું પરિણામ એ આવ્યું કે ભારતની સેનાને ન માત્ર ઘર આંગણે બનેલાં શસ્ત્રો મળ્યાં પરંતુ તેની નિકાસ થવા લાગતાં ભારતને અર્થતંત્રની રીતે પણ ફાયદો થયો. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં નિકાસ માત્ર રૂ. ૪,૩૧૨ કરોડ હતી તે વધીને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૨૧,૦૮૩ કરોડ (૩૧ ગણી વધી) થઈ!
 
૫, અગ્નિવીર યોજના લાવી નવા યુવાનોને સેનામાં જોડવાનું કામ થયું.
 
૬, આ ઉપરાંત જૂન ૨૦૧૫માં મણિપુરમાં ભારતીય સેના વાહનશ્રૃંખલા પર આક્રમણ કરનાર નાગાલેન્ડના બળવાખોર જૂથ નેશનલ સૉશિયલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલેન્ડ-ખપલાંગના ઉગ્રવાદીઓનો પીછો મ્યાનમારમાં કરીને તેમના શિબિરોનો નાશ કર્યો. આનાથી સેનાનું અને નાગરિકોનું મનોબળ મજબૂત થયું.
 
૭, જોકે આનાથી વધુ મનોબળ તો ૨૦૧૬ના ઉરી આક્રમણ પછી વીર સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક અને ૨૦૧૯ના પુલવામા આક્રમણ પછી વીર વાયુ દળે કરેલા એર સ્ટ્રાઈકથી વધ્યું. એ પછી ગલવાન ઘાટીમાં ચીનના ૪૦થી વધુ સૈનિકોને મારી નાખીને ભારતનું મનોબળ મજબૂત થયું. ડોકલામ તેમજ લદ્દાખ સીમાએ ભારતીય સેનાએ મક્કમ પણે જ્યાં સુધી ચીન તેની સેના પાછી ખેંચવા તૈયાર ન થયું ત્યાં સુધી અડગ રહી.
 
આની પાછળ રાજકીય ઇચ્છાશક્તિ મહત્ત્વની છે. મુંબઈ પર ૨૦૦૮માં આક્રમણ વખતે પણ સોનિયા ગાંધીની પડદા પાછળથી સંચાલિત સરકાર પાસે આ જ સેના હતી, સાધનો હતાં, મિસાઇલો અને ટેન્ક હતી. તે વખતે વિદેશી નાગરિકો પણ મર્યા હતા. પરંતુ તે સમયે સેનાને છૂટ ન અપાઈ. ખરેખર તો તે વર્ષે માત્ર મુંબઈ જ નહીં, દિલ્લી, જયપુર, અમદાવાદ, બેંગ્લુરુ, જમ્મુ-કાશ્મીર એમ અનેક જગ્યાએ બૉમ્બ ધડાકાઓની હારમાળા સર્જાઈ હતી. એટલે મુંબઈનું આક્રમણ યોગ્ય તક હતું પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે, પરંતુ કૉંગ્રેસને તો તેમાં ભગવા આતંકવાદને ઉત્તરદાયી ઠરાવવાની તક જોઈતી હતી.
 
૮, ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ સીમા પર કૉમ્પ્રિહેન્સિવ ઇન્ટિગ્રેટેડ બૉર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ (સીઆઈબીએમએસ) મૂકાવાની છે જે માનવશક્તિ, સેન્સર, નેટવર્ક, ગુપ્તચર માહિતી અને કમાન્ડ કંટ્રૉલ સૉલ્યૂશનનું સંકલન હશે.
Powered By Sangraha 9.0