ન્યાયની અખંડ પ્રતિજ્ઞા એવા ઑપરેશન સિંદૂરે જે મેળવી આપ્યું છે તે.. न भूतो.. .. જો કે ભવિષ્ય અધિક યશસ્વી..

17 May 2025 13:59:58

operation sindoor
 
 
ભારતે ઑપરેશન કર્યું છે, યુદ્ધ નહીં. યુદ્ધની પરિભાષા અલગ છે. આપણે `ઑપરેશન સિંદૂર' થકી આપણું લક્ષ્યાંક પહેલા દિવસે માત્ર ૨૩ મિનિટમાં આતંકવાદીઓ સહિત તેમના ૯ ગઢોનો નાશ કરીને પ્રાપ્ત કરી દીધું, અડ્ડાઓ ખંડેર બની ગયા. તે પછી આપણે વાસ્તવમાં કશું કરવાનું જ નહોતું રહેતું. કારણ કે આપણું ઑપરેશન પૂર્ણપણે સફળ થઈ જ ગયું હતું. બાકી દુનિયા તો ઈચ્છે જ છે કે, ભારત યુદ્ધમાં ફસાયેલું રહે.
 
..પણ પોતાની પ્રકૃતિ (પડ્યા તો યે તંગડી ઉંચી..) મુજબ પાકિસ્તાને ગોળીબાર, તોપમારો અને ડ્રોનએટેક ચાલુ કર્યો. ભારતે તેની આ મૂર્ખતા સામે ૧૧ એરબેઝ સહિતનાં લશ્કરી ઠેકાણાંને ઠેકાણે પાડી દઈને તેની કરોડરજ્જુ તોડી નાંખી. અગાઉ કોંગ્રેસ પાકિસ્તાનની મૂર્ખતાને પણ સલામ મારતી હતી, તે દિવસો ગયા. તેણે ચાર દિવસે જ્યારે જ્યારે હુમલા કર્યા ત્યારે ત્યારે ભારતે તે સમજે છે તેવી ભાષામાં વળતા જવાબ આપી દીધા. પરંતુ આપણે પ્રથમથી જ જાહેર કર્યું હતું કે, આપણી કાર્યવાહી `જવાબી કાર્યવાહી' સ્વરૂપની જ રહેવાની છે. પહેલગામના હુમલા સામે ૬/૭વાળી રાત્રે આપણી કાર્યવાહી; `જવાબી કાર્યવાહી' જ હતી. આ સ્પષ્ટ છે, તેમ છતાં યુદ્ધ બંધ કેમ કર્યું? તેવા પ્રશ્નો, જેઓના પગ પોલિસ સ્ટેશનનું નામ સાંભળીને પણ ગરબા ગાવા લાગે છે તેવા લોકો પૂછી રહ્યા છે !
 
કોઈ કહેતું હોય કે, કાયમ માટે રાક્ષસોનું નામોનિશાન મટી જાય, નિકંદન નીકળી જાય પરંતુ એ શક્ય નથી. શ્રીરામ અને શ્રી કૃષ્ણ વખતે પણ એવું બન્યું નહોતું. સમાજે સદૈવ શક્તિસંપન્ન-આત્મવિશ્વાસસંપન્ન-ગૌરવસંપન્ન રહેવા માટે જે કંઈ કરવું પડે તે કરવું રહ્યું.
 
યુદ્ધ મનોરંજનનું સાધન નથી. ગીતા અનુસાર યુદ્ધ માત્રને માત્ર ધર્મ (ન્યાય)ની સંસ્થાપના માટે છે. આતંકી અડ્ડાઓનો ધ્વંશ અને ૧૦૦થી વધુ આતંકી આકાઓનો નાશ કરીને આપણે આપણો ધર્મ બજાવી દીધો છે.
 
આ પહેલાં પાકિસ્તાન સામે આપણું સૈન્ય જીત મેળવી આપે તે પછી તે જીતને હારમાં કેવી રીતે ફેરવી દેવી તેમાં કોંગ્રેસની નિપુણતા (માસ્ટરી) હતી! ૧૯૭૧ના યુદ્ધની વાહવાહી તો બહુ જ થાય છે, પરંતુ તેમાં આપણે પાકિસ્તાનના ૯૩૦૦૦ સૈનિકોને છોડી મૂક્યા હતા, પણ આપણા ૫૬ સૈન્ય અધિકારી/જવાનોને પાછા નહોતા મેળવી શક્યા. તેઓ અંત સુધી સબડ્યા. તે યુદ્ધ પાછળ કરોડો કરોડો રૂપિયાનો ધુમાડો કરીને ભારતે મેળવી કારમી બેફામ મોંઘવારી. પરંતુ આ વખતે એ આતંકવાદી પાકિસ્તાન પાસેથી કાયમ માટે આપણે છ એ છ નદીઓનાં (અગાઉ ખેરાત કરેલાં) પાણી પાછાં મેળવી લીધાં છે. ભલે એને IMF ભીખ આપતું રહે.
 
૧૯૭૧ પછી પાકિસ્તાન પહેલગામ જેવી ઘટનાઓને અંજામ આપે ત્યારે કોંગ્રેસે જાણે નક્કી જ કરી દીધેલું કે, કંઈ જ નહીં કરવાનું અથવા માત્ર નક્કર પગલાં ભરવાની ઠાલી ચેતવણીઓ આપવાની અથવા દુનિયા પાસેથી `સારા આચરણ'નું પ્રમાણપત્ર મેળવી લેવાનું. મુસ્લિમ તુષ્ટિકરણના પાટા પર કોંગ્રેસની ગાડી ચાલી રહેલી.
 
પણ આ વખતે ભારતે એ પણ જાહેરાત કરી દીધી છે કે, `ઑપરેશન સિંદૂર' ચાલુ રહેશે, એટલું જ નહીં જો આતંકવાદી હુમલો થશે તો તેને `એક્ટ ઓફ વૉર' ગણીને ભારત ફરીથી આવી ધબધબાટી બોલાવી દેશે.
 
મધ્યસ્થતા ઈચ્છતા દેશોની મેલી મુરાદને ભારતે ફગાવી દીધી છે. પશ્ચિમી દેશો IMF (આંતરરાષ્ટીય નાણાં ભંડોળ) મારફતે પાકિસ્તાનને આર્થિક સહાય આપીને તેની તોપોમાં દારૂગોળો ભરી રહ્યા છે. આમ કરવાથી ભારત પશ્ચિમના નિયંત્રણમાં આવી જશે, તેવી ગલતફહેમીમાં તેઓ ન રહે. આ નવું ભારત છે. ભારતને પરમાણું બૉમ્બની ધમકી આપી બ્લેકમેઈલ નહીં કરી શકાય. ભારત આતંકવાદ માટે `ઝીરો ટોલરન્સ' પર કાયમ છે. સાઉથ એશિયા ટેરરીઝમ પોર્ટલ-SATP અનુસાર ૮૩ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના આતંકવાદ પર નભતા પાકિસ્તાનની હવાઈ ગતિવિધિઓને જામ કરીને ભારત પાકિસ્તાનમાં ધારે ત્યાં ઘૂસીને આતંકવાદીઓનો વિનાશ વેરી શકે છે, તેનો આધાર છે ભારતીય સૈન્યની ત્રણેય પાંખોમાં પૂર્ણ સંકલન અને પૂર્ણ સંયમ. ભારત યુદ્ધમોરચો અને કૂટનીતિક મોરચો એક સાથે નિયંત્રણમાં રાખી શકે છે. હા, અને પોતાના ઘરના કટ્ટરવાદીઓને પણ પાકિસ્તાન મુર્દાબાદ બોલતા કરી શકે છે. जयतु भारतम्‌
 
Powered By Sangraha 9.0