કોણ છે આ દિનેશચંદ્ર રાય? પોલીસને એના વિશે કોઈ માહિતી નહોતી. પોલીસે અત્યંત માનવતાવિહીન કૃત્ય કર્યું. ધડ પરથી માથું કાપીને, સ્પિરિટમાં ડુબાડીને પ્રદર્શન માટે મૂક્યું. એનું પરિણામ શું આવ્યું? સ્પિરિટની બૉટલ પાસે ફૂલો એકઠાં થઈ ગયાં. એને ગંગાજળથી પવિત્ર કરવામાં આવ્યું. દિવંગત નેતા પ્રત્યે સન્માન દર્શાવવા માટે લોકો ઉઘાડા પગે ચાલ્યા. લોકોની પ્રવૃત્તિ જોઈને સરકાર સ્તબ્ધ થઈ ગઈ. હવન કરતાં હાથ બળ્યા જેવી સ્થિતિમાં અમૃતબજાર પત્રિકાએ એક વધુ ફટાકડો ફોડ્યો. એ દિનેશકુમાર રાય બીજા કોઈ નહીં, રંગપુરના પ્રફુલકુમાર ચાકી છે. સરકાર ફરી એક વાર સ્તબ્ધ રહી ગઈ.
આજના બાંગ્લાદેશના બ્રાંગ્રા શહેર નજીકના બેહાર ગામમાં જ પોતાનું નામ સાર્થક કરતાં હંમેશાં પ્રફુલ્લિત રહેનારા પ્રફુલ્લનો જન્મ થયો હતો. બંગાળ વિભાજનના ઉપક્રમે સરકારે જ્યારે મારા ઉચ્ચારણ પર પ્રતિબંધ મૂકીને, એનો ઉચ્ચાર કરવાને રાષ્ટ્રદ્રોહ ગણાવ્યો ત્યારે રંગપુર સ્કૂલ છોડીને નીકળી ગયેલા ૮૦ વિદ્યાર્થીઓ પૈકી એક પ્રફુલ્લ હતો. એ પછી એણે રાષ્ટ્રવાદીઓની શાળામાં પ્રવેશ લીધો હતો. એણે ત્યાં હાજરી પુરાવવા માટે `પ્રેઝન્ટ સર'ને બદલે `વંદે માતરમ્' કહ્યું હતું. એ સંસ્કૃતિના સિંચન સાથે એ આગળ વધ્યો. ત્યાંથી જ એ `અનુશીલન સમિતિ'નો સભ્ય બની ગયો. ઘર છોડીને દેશસેવા માટે નીકળતી વખતે એણે માતાને કહ્યું હતું, `મા, બ્રહ્મચર્યનું વ્રત લઈને રાષ્ટ્રીય સંત થવા માટે જઈ રહ્યો છું. મારું ભણવાનું ચાલુ રહેશે. મને આશીર્વાદ આપો.' એણે માતાના પગે પડીને આશીર્વાદ મેળવી લીધા. એની પીઠ પર બે આંસુનાં ટીપાં પડ્યાં. એ પછી પુત્રે માતાનાં કદી દર્શન કર્યાં નહીં.
***
ખુદીરામની વળી એક અલગ જ કથા છે. મુઝફફરપુરથી ૪૦ કિ.મી. દૂર તેઓ ઉઘાડા પગે અને થાકેલા જોવા મળ્યા. પોલીસે એમની ધરપકડ કરી અને મુઝફફરપુર લાવીને જેલમાં નાંખ્યા. એમની પાસેથી ૩૧ ગોળીઓ, બે રિવોલ્વર, રેલ્વેનો એક નકશો તથા ૩૦ રૂપિયા રોકડા પોલીસે લઈ લીધા.
શ્રી શંકરાચાર્યે તત્ત્વબોધમાં કહ્યું છે કે, `મનની એકાગ્રતા જ શાંતિ છે.' એને સાચું સાબિત કરતા તેઓ કારાવાસમાં રહ્યા. દિવસ રાત તેઓ પંચાક્ષરી મંત્ર નમઃ શિવાયનો જપ કરતાં દિવસો વીતાવી રહ્યા હતા. `નમઃ શિવાય'ના શિવ એમને માટે `વંદે માતરમ્'ની જનની હતી. એ રીતે ૧૦ દિવસ વીતી ગયા. ૧૦ મેનો દિવસ આવી પહોંચ્યો. એ જ દિવસે કાલિદાસના મેઘની જેમ જેલની અંદર જઈને મેં એમને વાત્સલ્યથી પસવાર્યા. એમની સમસ્યાઓ વિશે પૂછ્યું. એમણે મોકળા મને કેટલીક વાતો કરી.
`માતા, મેં મેદનીપુરમાં જન્મ લીધો છે. જન્મતિથિ યાદ નથી, હવે ૧૭- ૧૮ની ઉંમર હશે. મેં માત્ર બીજા ધોરણ સુધીનું શિક્ષણ લીધું છે. રાષ્ટ્રની દશા જોઈને મારું મન અશાંતિ અનુભવે છે. વર્ગમાં બેસીને પણ હું ભણી શક્યો નહીં. મોટા નેતાઓના સ્વદેશીના વિચારોથી હું પ્રભાવિત થઈ ગયો. મને લાગ્યું કે, એના દ્વારા જ અંગ્રેજોને બહાર કાઢી શકાય છે. મેં બહાર નીકળીને કંઈક કરવાનો નિર્ણય લીધો. મારા માટે ઘરની કોઈ સમસ્યા નહોતી, કારણ કે હું બેઘર હતો. મારી નાની વયે જ મા-બાપ ગુજરી ગયાં હતાં. એક ભાઈ છે, મારા કરતાં વયમાં ખૂબ મોટો. એમના પુત્રો મારા જેટલી ઉંમરના છે. તેઓ પોતાનું કામ જુએ છે, એક બહેન છે પણ એનાં લગ્ન થઈ ગયાં છે. હું હવે સાવ સ્વતંત્ર છું. મારી માતા સિવાય મારું કોઈ નથી. મારી માતા, ભારતમાતાને દુઃખી જોવી, હું કદી સહન કરી શકતો નથી. એના કરતાં મૃત્યુ સારું. મારા મૃત્યુ પહેલાં કોઈ મહત્ત્વનું કામ કરવાની મારી ઇચ્છા છે. એટલે હું બહાર નીકળ્યો. હું પણ પૂજ્ય બંકિમબાબુ દ્વારા નિર્મિત સંતાનો પૈકી એક છું.
બે વર્ષ પહેલાં અંગ્રેજ સરકારે આપણા દેશમાં ઉદ્યોગ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ઉદઘાટન માટે મેદનીપુરના જિલ્લાધિકારી આવ્યા હતા. એની તૈયારીના બે મહિના પહેલાં જ અમે નક્કી કર્યું હતું કે, ઉદઘાટનના પ્રસંગે વંદે માતરમ્ બોલવું અને લઘુપત્રિકાનું વિતરણ કરવું. એ માટે અમે યોજના બનાવી હતી. અમારી યોજના વિશેની માહિતી જાહેર થઈ જતાં જ સરકારે કાર્યક્રમના એક મહિના પહેલાં જ મને અંદર કરી દીધો. મારું એ દુર્ભાગ્ય રહ્યું કે પોલીસે મને પકડ્યો ત્યારે મારી પાસે લઘુપત્રિકાની નકલો હતી. પોલીસે મને પકડ્યો ત્યારે હું મોટેથી બોલ્યો, મારા પ્રત્યે સારો વ્યવહાર કરજો, મેં નિયમ વિરુદ્ધ કશું જ કર્યું નથી. તમારી ઇચ્છા અનુસાર હું ગમે ત્યાં જવા માટે તૈયાર છું, પરંતુ મારી સાથે સારો વ્યવહાર કરજો. મારો અવાજ સાંભળીને લોકો ભેગા થઈ ગયા. પોલીસવાળા પણ એ જોઈને વિચલિત થઈ ગયા. અને એ અફરાતફરીમાં હું એમનો હવાલો છોડાવીને નાસી ગયો.
સરકાર માટે એ શરમની બાબત હતી. મારા ભાગી જવાના કારણે ઘણા પોલીસવાળાને નિલંબિત કરી દેવાયા. મને શોધી કાઢવા માટે તપાસ મંડળી બનાવી દેવાઈ. પ્રદર્શનના કાર્યક્રમ માટે એક જ દિવસ બાકી હતો. એ વખતે હું એક સિલાઈ સ્કૂલની હોસ્ટેલમાં આરામ કરતો હતો. હોસ્ટેલના ચોકીદારે પોલીસને જાણ કરી દીધી. ખબર મળતાં જ પોલીસે રાત્રે દસ વાગે હૉસ્ટેલને ચારે બાજુથી ઘેરી લીધી. હું પકડાઈ ગયો. કાર્યક્રમ સુચારુ, રીતે ચાલે એ માટે મને પકડવામાં આવ્યો હતો, પરંતુ હું કંઈ એકલો નહોતો. એટલે ઉદઘાટનના વિશેષ અતિથિ આવ્યા ત્યારે ચારે તરફથી વંદે માતરમ્ સંભળાયું. પોલીસવાળા કંઈ ન કરી શક્યા. થોડા સમયમાં સ્થિતિ શાંત થઈ ગઈ. પ્રદર્શનના અંતિમ દિવસે ફરીથી ધમાલ થઈ. યોજના અનુસાર એ જ દિવસે લઘુપત્રિકાઓ વહેંચવાની હતી, એ જ લઘુપત્રિકાઓ જે મારી પાસેથી જપ્ત કરવામાં આવી હતી. એટલે એ જ પત્રિકાને આધાર બનાવીને મારા નામે ખટલો દાખલ કરવામાં આવ્યો હતો. માઇનોર (સગીર) કહીને મેજિસ્ટ્રેટે મને છોડી મૂક્યો. હું અંદરખાને હસી પડ્યો. મને તો જેલજીવનનો ખૂબ સારો અનુભવ થયો હતો. જેલમાં હું સૌથી નાની ઉંમરનો કેદી હતો એટલે મને ખાસ કોઈ હેરાનગતિ થઈ નહોતી.
એવી સ્થિતિમાં દેવદૂત જેવા નેતાઓએ મને અને પ્રફુલ્લને બોલાવ્યા. અમે શપથ લીધા કે પ્રાણ જાય તો પણ એ નેતાઓનાં નામ મોમાંથી નહીં નીકળે. માતા, ક્ષમા કરજે, આજે પણ હું એમનું નામ નહીં જણાવું. એમણે અમને કહ્યું કે હિરણ્યકશ્યપ જેવા કિંગ્સફોર્ડનો વધ કરો. અમે એમના શબ્દોને ઈશ્વરનો આદેશ માન્યો. એમનું પાલન કરવું એ અમારી જવાબદારી હતી. અમે બન્ને મુઝફફરપુર તરફ નીકળ્યા. બાકીની વાતો વિશે શું કહેવાનું છે? મારાથી અલગ પડ્યા પછી એણે ગોળી ખાઈને આત્મહત્યા કરી. કેટલો મહાન અને ધૈર્યશીલ છે એ. પોતાની રોજીરોટી માટે ગમે તેવું કામ કરવા માટે તૈયાર થયેલા પોલીસના સ્પર્શ વડે એનો આત્મા ભ્રષ્ટ ન થયો. એને વીરગતિ પ્રાપ્ત થઈ. હવે હું મારા દિવસો ગણું છું મા.. તમને, ભારતના ઇતિહાસકારોને તથા આવનારી પેઢીને મારે એક વાત કહેવી છે.. ભારતની આઝાદીની લડાઈમાં આધુનિક વૈજ્ઞાનિક તંત્રજ્ઞાન દ્વારા અમે પહેલો બોંબ બનાવ્યો છે, ભલે અમારું લક્ષ્ય પૂરું ન થયું. મા, ઘણું મોડું થઈ ગયું. મેં મારા વિશે આટલું બધું કેમ કહ્યું? તારા પ્રેમાળ વ્યવહારને કારણે મેં આટલું કહ્યું છે. હું વિનમ્ર બાળક છું. એમ છતાં મારે જે કરવાનું હતું એ મેં કર્યું છે. એનાથી હું સંતુષ્ટ છું, કૃતાર્થ છું. મા, મને આશીર્વાદ આપતી જજે, મા, તમારે બાકી કંઈ કરવાનું નથી, આવનારી પેઢીને આશીર્વાદ આપવાના છે. વંદે માતરમ્ ... વંદે માતરમ્ ...'
***
કેન્નડી મહિલાઓનાં મૃત્યુનો બોંબ ખટલો ૨૧મેના દિવસે શરૂ થયો. ૨૫ મેના દિવસે સેશન્સમાં પહોંચ્યો. ૮ જૂનને દિવસે સુનાવણી શરૂ થઈ. અપરાધીએ પોતાના લક્ષ્ય કરતાં જુદી જ ઘટના બનવા માટે દુઃખ વ્યક્ત કર્યું અને હત્યાની જવાબદારી પોતે લેવાની ઘોષણા કરી. કેસનો તત્કાલ નિકાલ આવ્યો. સજા હતી મૃત્યુદંડ. સજા સાંભળીને મૂર્તિની જેમ અચળ ઊભેલા અપરાધીને અદાલતે પૂછ્યું, ફેંસલાનું ગંભીર પરિણામ જાણે છે ખરો?' જવાબમાં એણે માથું હલાવ્યું અને સ્મિત કર્યું. એનું મુખ પ્રફુલ્લિત થયું. એના મોંઢા પર એક સંતની નિઃસંગતતા હતી. વૉર્ડને પૂછ્યું, `તને કોઈ વસ્તુની જરૂર છે?' જવાબ મળ્યો, `એક ભગવદ્ગીતાનું પુસ્તક' દરરોજ એણે એનું પારાયણ કર્યું. કોઈની પાસે કોઈ ફરિયાદ કરી નહીં. પોતાનું લક્ષ્ય ચૂકી જવા માટે ખેદ વ્યક્ત કર્યો. બિચારી મહિલાઓનું મૃત્યુ નહોતું થવું જોઈતું. વૉર્ડન એના મિત્રો બની ગયા હતા. છેવટે એ દિવસ આવી પહોંચ્યો. ૧૧ ઑગસ્ટ, ૧૯૦૮. સવારે છ વાગ્યા. એમને લઈ જવા માટે આવી પહોંચેલા વૉર્ડન સાથે પ્રસન્ન ભાવે, દૃઢતાપૂર્વક ચાલતાં એમણે માથું ઊંચું કરીને વંદે માતરમ્ કહ્યું અને ફૂલહારની જેમ ફાંસીનો ફંદો પોતે જ પહેરી લીધો.
કિંગ્સફોર્ડ મર્યો તો નહીં, પરંતુ બનાવની રાત્રે જ એ અતિશય અસ્વસ્થ થઈ ગયો. અને બીજા દિવસે તો બીમાર જ પડી ગયો. નોકરીનો એનો રસ ઓછો થઈ ગયો. જીવવાની ઇચ્છાને સ્થાને મૃત્યુનો ભય એનો શિકાર કરી રહ્યો હતો. ૩ દિવસની અંદર જ એ રજા લઈને મસૂરી ચાલ્યો ગયો એટલે એક રીતે તો બ્રિટિશ સેવાની દૃષ્ટિએ કિંગ્સફોર્ડનું મૃત્યુ થઈ ગયું હતું. એ પછી આત્મા અને શરીરને ભયથી સંકોચી લઈને એણે બાકીનું જીવન ગમે તે રીતે પસાર કરી દીધું.
***
પ્રફુલ્લ તથા ખુદીરામને યાદ કરતી વખતે મને એમના જેવો જ વ્યવહાર કરનારા યુવાન સાવજોની યાદ આવ્યા વિના નથી રહેતી. જૂની કથાઓ મન અને હૃદયને ઘણી પ્રભાવિત કરે છે. એમનાં જીવન વીજળી જેવાં ક્ષણિક હતાં, એમ છતાં એમની યાદમાં ગૌરવનો અનુભવ થાય છે, તો અલ્પવયમાં મૃત્યુને કારણે હૃદયમાં પીડા થાય છે. રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે જ જેનો જન્મ થયો છે એવા મને આંદોલનને સમર્પિત એ વીર મૃત્યુઓ વિશે અનુભવાતો ભાવનાવેગ શું યોગ્ય છે? મને એ વિશે શંકા છે. એવા સમયે હું સ્વામી વિવેકાનંદના શબ્દો યાદ કરું છું, સંતોનું હૃદય પણ માખણ જેવું હોય છે.
પોલીસની લાઠીના પ્રત્યેક ફટકા સાથે મારા નામનો ઉચ્ચાર કરીને તાલ આપનારા કાશીના ચંદ્રશેખર આઝાદ, જીવનની અંતિમ પળોમાં નાહીને, તિલક કરીને, ગાયત્રી મંત્રને બદલે મારા નામનો જપ કરીને ગળામાં ફાંસીનો ફંદો જાતે જ પહેરી લેનાર, કોલકતા વિદ્યાલયમાંથી વિજ્ઞાનમાં ઉપાધિ પ્રાપ્ત મદનપુરના સુશીલચંદ્ર લાહિરી, મા, દરેક ઘરમાં તારા જેવી એક મા હોય, એ માતાને મારા જેવો એક પુત્ર હોય, એ માટે પ્રાર્થના કરજે', એવું મૃત્યુપત્ર લખનારા ગોપીમોહન સાહા, કાકોરી ખટલામાં મૃત્યુદંડની સજા પામેલા પંડિત રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ, રાજેંદ્રનાથ, અશફાક, ઇંડિયન રીપબ્લિક પાર્ટી નામની ક્રાંતિકારી સેનાની રચના કરીને ચટ્ટગાંવના શસ્ત્રાગાર પર હુમલો કરીને હથિયાર મેળવનારા નરમપંથના દેશી સ્કૂલના અધ્યાપક આચાર્ય સૂર્યસેન. એ રીતે મારા સ્મૃતિમંડળમાં એવા અનેક વીર આત્માઓ એક પછી એક આવી રહ્યા છે. એ મહાપુરુષોના ત્યાગ અને તપસ્યાને કારણે મને પણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. વાસ્તવમાં મારી અને એમની લેણદેણ પરસ્પર પૂરક હતી. જળ વડે કમળ અને કમળ વડે જળ એમ બન્ને પરસ્પર શોભાયમાન છે. કવિએ કહ્યું હતું એ રીતે જ મારે કારણે એમને તથા એમને કારણે મને ખૂબ પ્રેરણા મળી છે. અમારા બંનેના લીધે ભારતમાતાની સ્વતંત્રતાની ઘડી ધીરે ધીરે નજીક આવી રહી છે. નવા પ્રભાતનો ઉદય નજીક આવી રહ્યો છે. પરંતુ એ વખતે અંધકારમાં આકાશના એક ખૂણે કાળા વાદળાં છવાઈ ગયાં હતાં એ હું જોઈ ન શકી.
***
(ક્રમશઃ)