સંઘગાથા - ૭ । સંઘશાખા એટલે લોકતંત્રનો આધાર

એવી શાખામાં ગવાતા એક ગીતની પંક્તિ છે. સમૂહ કહે ‘भारत माता की जय‌’ તેમાં જ બંધુભાવનાનો વિકાસ છે.

    ૧૬-જૂન-૨૦૨૫
કુલ દૃશ્યો |

all about rss and shakha gujarati bhag 7
 
 
૨૬ નવેમ્બર બંધારણ દિવસ મનાય છે. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે સ્વતંત્ર ભારતના બંધારણનો સ્વીકાર થયો. ભારત સ્વતંત્ર, સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્રરૂપે સ્વાભિમાનપૂર્વક જગતના રાષ્ટ્રસમૂહમાં ઊભું રહ્યું.
 
સંવિધાનની પ્રાસ્તાવિકા આપણે ભારતના લોકોથી શરૂ થાય છે. લોક સંજ્ઞા ભીડને પ્રાપ્ત થતી નથી. લોક એટલે પોતાની સ્વભાવગત પદ્ધતિથી એક દિશામાં જનારો સમૂહ.
 
આપણો દેશ બંધારણને કારણે જ પ્રજાસત્તાક થયો એમ નથી. આપણે ભારતના લોકો પ્રાચીનકાળથી જ પ્રજાસત્તાક માનસિકતાના હોવાથી આપણું રાજ્યબંધારણ પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિ આપનારું બન્યું છે.
 
પ્રજાસત્તાક એટલે લોકતંત્ર. લોકતંત્ર એટલે નિરંતર વિચાર વિનિમય, ચર્ચા, મતપ્રદર્શનનું પૂર્ણ સ્વાતંત્ર્ય, ઉપાસનાપદ્ધતિનું પૂર્ણ સ્વાતંત્ર્ય.
 
બીજાનો મત સાંભળી લેવાની માનસિકતા, માત્ર પરમતસહિષ્ણુતા જ નહીં તો પરમતનો આદર એવું વર્ણન કરવામાં આવે છે. ભારતના લોકજીવનમાં લોકતાંત્રિક જીવનમૂલ્યો ઊંડાં ઊતરેલાં દેખાય છે.
 
વેદકાળથી ભારતમાં `લોકસભ્યતા' વિકસિત થતી રહી છે. આ કાળમાં અસંખ્ય મતમતાંતરો થયાં. અનેક પંથ - ઉપપંથ, સંપ્રદાયો નિર્માણ થયા. જુદાં જુદાં દર્શનો નિર્માણ થયાં. અનેક ભાષાઓ અને કલાઓનો વિકાસ થયો. આ બધું આપણું છે એવું આપણને લાગે છે. તીર્થયાત્રા કરતી વખતે આ વિવિધતા બાધક બનતી નથી.
 
ભારતીય સમાજ હજારો વર્ષથી `લોકતાંત્રિક મૂલ્યો અનુસાર જીવનારો સમાજ' છે. એવા આપણા સમાજનું લોકતાંત્રિક જીવવું લોકશાહી બંધારણકર્તાઓએ શબ્દબદ્ધ કર્યું. ગુલામીના પ્રદીર્ઘ કાળખંડ પછી સંવિધાનરૂપે ભારતીય જીવનમૂલ્યો જગતની સામે આવ્યાં. આ યુગપ્રવર્તક કાર્ય થયું છે. બંધારણસમિતિનાં બધાં જ ભાઈબહેનોની સામૂહિક બુદ્ધિમત્તા કસોટી પર ચઢી છે.
આપણું બંધારણ સ્વાતંત્ર્ય, સમતા અને બંધુતા, એ ત્રણ સૂત્રો પર આધારિત છે. ભારતને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય એ માટે અથક પરિશ્રમ કરનારા ડૉ. હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિસ્તાર અને વિકાસ કરતી વખતે આ ત્રણે જીવનમૂલ્યો સંગઠનનો સ્વભાવ બને તે માટે પ્રારંભથી જ પ્રયત્ન કર્યો હોય એમ લાગે છે.
 
૧. સ્વાતંત્ર્ય આંદોલનમાં સક્રિય એવા અનેક નેતાઓ સાથે વિચાર - વિનિમય કર્યા પછી જ સંઘના પ્રારંભનો નિર્ણય તેમણે કર્યો.
 
૨. સંગઠનનું નામ છ માસ પછી નક્કી થયું. બેઠકમાં ૨૬ જણ હતા. ત્રણ નામોનાં સૂચનો આવ્યાં. ૧. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૨. જરીપટકા મંડળ ૩. ભારતોદ્ધારક મંડળ. મુક્ત ચર્ચા, વિચારવિનિમય થયો. મતદાન થયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામ રાખવું જોઈએ એમ કહેનારી સંખ્યા વીસ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ ત્રણ શબ્દોનું મહત્ત્વ વિશદ કરનારાં બે-ત્રણ લોકોનાં ભાષણ થયાં. તે નામની પસંદગી થયા પછી ડૉક્ટરજીનું નાનકડું ભાષણ થયું.
 
૩. નામકરણ થયા પછી ડૉક્ટરજીએ એક પ્રયોગ કર્યો. કેટલાક પ્રમુખ સ્વયંસેવકોને સંઘનું ધ્યેયધોરણ શું હોવું જોઈએ, નિયમાવલી શું હોવી જોઈએ, સંઘમાં પ્રવેશ કોને અપાવો જોઈએ, આપણે સંઘને વધારવા જ માગીએ છીએ એ વાત સમજીને જ નિબંધ લખી લાવવા કહ્યું..
 
૪. રામટેકની યાત્રામાં સુવ્યવસ્થા માટે જવું એવો અનેક સ્વયંસેવકોનાં મનમાં વિચાર આવ્યો. યાત્રાની સુવ્યવસ્થા એ કાંઈ એકલા સંઘનો જ વિષય નથી એમ કહી ડૉક્ટરજીએ અનાથ વિદ્યાર્થીગૃહના વિશ્વસ્તો (ટ્રસ્ટીઓ), બજરંગ મંડળના પદાધિકારીઓ, સંઘના સ્વયંસેવકો વગેરે બધાંની સંયુક્ત બેઠક બોલાવી. રામટેક યાત્રાની વ્યવસ્થા પર ધ્યાન આપવાની આવશ્યકતા છે એ બાબતે સર્વાનુમતિ થઈ. તે માટેનો ગણવેશ પણ નક્કી થયો.
 
૫. જેમ જેમ કામ વધવા લાગ્યું તેમ તેમ સંગઠનની વ્યવસ્થા ગોઠવવી પણ આવશ્યક બની. પ .પૂ . સરસંઘચાલક ડૉ. હેડગેવાર નિયુક્ત થયા. શાખા પર ડૉક્ટરજીને `સરસંઘચાલક પ્રણામ' આપવામાં આવ્યા .અને તેમના સહાયક તરીકે મા. સરકાર્યવાહ શ્રી બાળાસાહેબ હૂદદાર અને સેનાપતિ તરીકે માર્તંડરાવ જોગ રહેશે એવું ત્યારની સંઘચાલકોની બેઠકમાં નિશ્ચિત થયું. તે જ દિવસની ડૉક્ટરજીની રોજનીશીમાં થયેલી નોંધો જોવા જેવી છે.
 
* સંઘનો જન્મદાતા હું નહીં પણ તમે બધા જ છો. તે વાત હું સારી રીતે જાણું છું.
* તમારી ઇચ્છા અને આજ્ઞા હશે ત્યાં સુધી આ કામ હું કરતો રહીશ.
* પરંતુ હું આ કામ માટે લાયક ન હોવાથી મારા કારણે સંઘને નુકસાન થઈ રહ્યું છે એમ આપને લાગતું હોય તો બીજો યોગ્ય માણસ આ સ્થાન માટે ચૂંટી કાઢવો.
 
૬ . ૧૯૨૯ની આસપાસ શાખાઓ ઝડપથી વધતી જઈ રહી હતી. તરુણ કાર્યકર્તાઓનો ઉત્સાહ નિરંતર વધતો જઇ રહ્યો હતો. કાર્યકર્તાઓ મોટું સંમેલન કરવાની ઇચ્છાથી ડૉક્ટરજીની પાછળ લાગ્યા. એમને એમ લાગતું હતું કે શિવરાજ્યાભિષેકના દિવસે વિરાટ શક્તિપ્રદર્શન કરીશું તો સ્વયંસેવકોનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધશે પણ ડૉક્ટરજીનું મન કહેતું હતું, પરકીય અંગ્રેજ સરકારની આંખે આટલા ઉતાવળા ચઢવું નથી. પરંતુ તેમણે પોતે તરુણોને ના ન પાડી. માનનીય સંઘચાલકોને પત્ર લખી મોટો કાર્યક્રમ કરવો કેટલો હિતકારક રહેશે તેની ચર્ચા કરી. હાલમાં મોટો કાર્યક્રમ ન લેવો એવો નિર્ણય થયો.
૭. ડૉક્ટરજી બીમાર પડ્યા. મૃત્યુ નજીક આવ્યાનું બધાંનાં જ ધ્યાનમાં આવ્યું. ડૉક્ટરજીને પણ ધ્યાનમાં આવ્યું જ હોય. નજીક બેઠેલા યાદવરાવ જોશીને ડૉક્ટરજીએ પૂછ્યું, સંઘના વરિષ્ઠ અધિકારીના દેહાવસાન પછી તેમના અંતિમસંસ્કાર લશ્કરી પદ્ધતિથી કરશો કે? સંઘ એક મોટો પરિવાર જ છે. પરિવાર જેવું જ સામાન્ય અને પ્રચલિત સ્વરૂપ હોવું જોઈએ.
 
ડૉક્ટરજીના જીવનના સાત ચૂંટેલા પ્રસંગો કહેવાનો હેતુ સંગઠનમાં લોકતાંત્રિક પદ્ધતિ રૂઢ કરવા માટે ડૉક્ટરજીએ કેટલી સતર્કતા રાખી તે આપણા ધ્યાનમાં આવે તે છે. ડૉક્ટરજીએ નિર્માણ કરેલી પરંપરાનુસાર સંઘનું સંપૂર્ણ કાર્ય ઉપરથી નીચે સુધી લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત છે. પ્રત્યેક સ્તરે વિચાર-વિમર્શ, ચર્ચા, મુક્ત મતપ્રદર્શન, વ્યક્તિગત ઉપાસનાનું પૂર્ણ સ્વાતંત્ર્ય, સામૂહિક નિર્ણય અને તેનું એકમતે અમલીકરણ, એવું કાર્યપદ્ધતિનું સ્વરૂપ હોય છે.
 
અખિલ ભારતીય કાર્યકારી મંડળ અને અખિલ ભારતીય પ્રતિનિધિસભા એવી બે બેઠકો દર વર્ષે અચૂક થાય છે. સંપૂર્ણ કામકાજની નોંધ રખાય છે. ગયા વર્ષની નોંધ વંચાય છે અને અનુમોદિત કરાવાય છે. પ્રસ્તાવ પર મુક્ત ચર્ચા થાય છે. કોઈને પણ અટકાવાતા નથી. પ્રસ્તાવ પ્રસિદ્ધ કરાય છે. દર ત્રણ વર્ષે સંગઠનાત્મક ચૂંટણીઓ થાય છે. ૧૯૪૮માં મહાત્મા ગાંધીની હત્યાનો સરાસર ખોટો આરોપ મૂકી સ્વતંત્ર ભારતની સરકારે સંઘ પર પ્રતિબંધ મૂક્યો હતો. કાયદાનું તંતોતંત પાલન કરી પ્રતિબંધ સહન કર્યો. સત્યાગ્રહ કરવો પડ્યો. ક્યાંય હિંસા થયાની અપવાદરૂપ ઘટના પણ ન બની.
 
વર્તમાન સરસંઘચાલક માન્યવર ક્ષેત્ર સંઘચાલકો સાથે ચર્ચા કરી નવા સરસંઘચાલકનું નામ નિશ્ચિત કરે છે. અધિકારી અને સ્વયંસેવક (બાલ, શિશુ સ્વયંસેવક પણ) એવો ભેદ સંઘમાં હોતો નથી. બધા જ સ્વયંસેવક હોય છે.
 
શાખા સંઘનું પ્રાતિનિધિક રૂપ છે. સંઘશાખાને દરવાજો નથી. Open national school. શાખાની કાર્યસમિતિ હોય છે. સંઘમાં તેને શાખાટોળી કહે છે. આ ટોળીની સાપ્તાહિક-પાક્ષિક બેઠક થાય છે. ચર્ચામાં, વિચાર-વિનિમયમાં અને નિર્ણયપ્રક્રિયામાં બધા જ લોકો ભાગ લે છે. બેઠકમાં થયેલાં કામનું મૂલ્યાંકન અને આગળની યોજનાનો વિચાર થાય છે. નવા સ્વયંસેવકો કોણ આવ્યા તેની નોંધ થાય છે.
 
વસ્તીનાં ઘરોનો સંપર્ક કરવો અને તેમને સંઘની માહિતી આપવી એ કામ સહજરૂપે થાય છે. શાખા પોતાનો વાર્ષિકોત્સવ કરે છે. વર્ષભરનો અહેવાલ બધાંની સામે મુકાય છે.
 
લોકતાંત્રિક જીવનમૂલ્યો અનુસાર સ્વયંસેવકોનું સહજ ઘડતર થાય છે. તેનું પરિણામ કટોકટી (emergency)ના સંકટકાળમાં સહજ જોવા મળ્યું . લોકતાંત્રિક જીવનમૂલ્યો પર આધારિત બધા જ માનવાધિકારો કાયદાથી સ્થગિત કરવામાં આવ્યા હતા. અન્યાય સામે દાદ માગવા ન્યાયાલયમાં જવાનાં બારણાં પણ બંધ હતાં. કટોકટી હટે અને લોકતાંત્રિક મૂલ્યોની પુનર્સ્થાપના થાય તે હેતુથી લોકસંઘર્ષ સમિતિના માધ્યમથી સત્યાગ્રહ શરૂ થયો. સત્યાગ્રહમાં કૂદી પડવું તે ઘોર અંધકારમાં જ કૂદકો મારવા બરાબર જ હતું. આગળ શું થશે એ બાબતે કશું જ કહી શકાય તેમ નહોતું. એવી અનિશ્ચિત ગંભીર સ્થિતિમાં પણ એક લાખ કરતાં પણ વધુ સ્વયંસેવકોએ સત્યાગ્રહ કર્યો. કટોકટી ઉઠાવવી પડી. બધા લોકો કારાગારમાંથી મુક્ત થયા. લોકતાંત્રિક જીવનમૂલ્યોની પુનર્સ્થાપના થઈ. અનેક કાર્યકર્તાઓ કારાગૃહમાં જ મૃત્યુને પણ ભેટયા. ક્યાંય સરકારી સંપત્તિની તોડફોડ ન થઈ.
 
સ્વાતંત્ર્ય, સમતા અને બંધુતા એ તત્ત્વત્રયી બાબતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો મનનીય છે. (સંદર્ભ ઃ બોલ મહામાનવના - પૃષ્ઠ, ૧૨૫)
 
સ્વાતંત્ર્ય, સમતાનાં અતિ-ક્રમણથી સંરક્ષણ મળે તે માટે માત્ર કાયદાને રક્ષાકવચ મનાયું છે. પણ મારા તત્ત્વજ્ઞાન અનુસાર કાયદાનું સ્થાન હું ઘણું ગૌણ માનું છું. કારણ સ્વાતંત્ર્ય અને સમતાના ભંગ બાબતે કાયદો ખાતરીપૂર્વક સમર્થ સિદ્ધ થશે જ એવો મને વિશ્વાસ જાગતો નથી. હું બંધુત્વને સર્વોચ્ચ સ્થાન આપવા ઇચ્છું છું. કારણ સ્વાતંત્ર્ય અને સમતા જ્યારે નકારાય ત્યારે બંધુભાવ જ ખરેખરો રક્ષક સિદ્ધ થાય છે.
 
સમભાવ એ બંધુભાવનું બીજું નામ છે. અને બંધુભાવ અને માનવતા એ ધર્મનું બીજું નામ છે. ધર્માતીત હોવાને કારણે કોઈ પણ ભાંગી શકે છે. એથી ઊલટું સહભાવ અથવા ધર્મ એ પવિત્ર હોવાથી તેને માન આપવું એ પ્રત્યેકનું કર્તવ્ય મનાય છે. બંધુભાવ એ ધર્મતત્ત્વ છે એવી શ્રદ્ધા પ્રત્યેક અંતકરણમાં જાગ્રત કરવી એ જ એક પ્રકારનું મોટું રાષ્ટ્રકાર્ય છે. વ્યક્તિની પ્રતિષ્ઠા, રાષ્ટ્રની એકતા અને એકાત્મતાનું આશ્વાસન આપનારી બંધુતા પ્રવર્ધિત કરવાનો સંકલ્પ સંવિધાનની પ્રાસ્તાવિકામાં વ્યક્ત
કર્યો છે.
 
બંધુભાવનાનો વિકાસ જ સ્વાતંત્ર્ય અને સમતા જેવાં જીવનમૂલ્યોની ખાત્રી આપી શકે છે.
 
સંઘ શાખા ચલાવવાનો ઉદ્દેશ્ય હિન્દુ સમાજમાં બંધુભાવના જાગ્રત અને દૃઢ કરવાનો છે.
 
‘सभी हिंदू सहोदर है
यह जन-जन को सभी कहना‌’
 
એવી શાખામાં ગવાતા એક ગીતની પંક્તિ છે. સમૂહ કહે ‘भारत माता की जय‌’
તેમાં જ બંધુભાવનાનો વિકાસ છે.
 
***
 
લેખક – મધુભાઈ કુલકર્ણી
(વરિષ્ઠ પ્રચારક – રા.સ્વ.સંઘ)
 
અનુવાદ - જ્યોતિ ભાંડારી