બાંગ્લાદેશ કંઈ સળી કરવા ગયું તો તેને પણ પાકિસ્તાનની જેમ બરાબર મેથીપાક મળશે તે નક્કી છે

ભારતે પણ તાજેતરમાં બાંગ્લાદેશના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય વાતચીતમાં સ્પષ્ટ કહી દીધું હતું કે, બાંગ્લાદેશમાં લોકતંત્ર ઝડપથી પુનઃસ્થાપિત થવું જોઈએ.

    ૧૬-જૂન-૨૦૨૫   
કુલ દૃશ્યો |

bangladesh two chicken neck gujarati
 
 

`તમારી તો બે ચિકનનેક છે' બાંગ્લાદેશને ભારતનો કડક સંદેશ

 
ઑપરેશન સિંદૂર અને તે પછીની ઘટનાઓમાં ઈશાન ભારતમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓ પર લોકોનું ધ્યાન ઓછું ગયું છે. આ ઘટનાઓઃ
 
(૧) બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર (આમ તો વડા પ્રધાન જ કહેવાય, કારણ કે કર્તાહર્તા અત્યારે એ જ છે) મોહમ્મદ યુનૂસે ગત ૩૧ માર્ચે ચીનની તેમની ચાર દિવસની યાત્રામાં ઈશાન ભારતનાં સાત રાજ્યો જે સાત બહેનો (સેવન સિસ્ટર્સ) તરીકે ઓળખાય છે, તેનો ઉલ્લેખ ચીનને બાંગ્લાદેશ તરફ આકર્ષવા કર્યો. તેમણે કહ્યું કે, ભારતનાં આ સાત રાજ્યો ભૂમિથી ઘેરાયેલાં છે. ચીન બાંગ્લાદેશનો ઉપયોગ વિસ્તરણ માટે કરી શકે છે. તેમણે કહ્યું કે, આ પ્રદેશમાં બાંગ્લાદેશ એક જ સમુદ્રનું રખેવાળ છે. ભારતનાં આ સાત રાજ્યો પાસે સમુદ્ર સુધી પહોંચવાનો કોઈ માર્ગ નથી. આનાથી ચીનના અર્થતંત્રનું વિસ્તરણ થઈ શકે છે.
 
(૨) બાવીસ એપ્રિલે પહેલગામમાં પાકિસ્તાની અને સ્થાનિક મુસ્લિમ ત્રાસવાદીઓના આક્રમણ પછી ભારત પાકિસ્તાન પર આક્રમણ કરી વળતો ઉત્તર આપે તેવી સંભાવનાઓ સર્જાઈ રહી હતી ત્યારે બાંગ્લાદેશના પૂર્વ સેના અધિકારી અને મોહમ્મદ યુનૂસના નજીકના વ્યક્તિ એ. એલ. એમ. ફઝલુર રહમાને કહ્યું કે, જો ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ કરે તો તેવા સંજોગોમાં આપણે ઈશાન ભારતનાં સાત રાજ્યો પચાવી પાડવાં જોઈએ. આ માટે મને લાગે છે કે, આપણે ચીન સાથે સંયુક્ત સૈન્ય પ્રણાલી શરૂ કરવા ચર્ચા કરવી આવશ્યક છે.
 
(૩) ભારતે ઑપરેશન સિંદૂર કરી નાખ્યું. ૧૦ મેએ શસ્ત્રોમ્યાન થઈ ગયાં. આ પછી યુનૂસે ૧૪ મેએ નેપાળની સંસદનાં ઉપાધ્યક્ષ ઇન્દિરા રાણા સાથે વાતચીતમાં એવો પ્રસ્તાવ મૂક્યો કે, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને ભારતનાં સાત રાજ્યોને સાંકળતી આર્થિક યોજના આપણે અપનાવવી જોઈએ.
 
આમાં, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાન તો અલગ દેશ છે, પણ ભારતનાં સાત રાજ્યો થોડાં અલગ દેશ છે?
 
કહેવાની આવશ્યકતા નથી કે, યુનૂસ અને તેમના નિકટના પૂર્વ સેના અધિકારી પણ અમેરિકાના ડીપ સ્ટેટ (અર્થાત્ ડેમોક્રેટ અને જ્યૉર્જ સોરોસ) તેમજ ચીનના સંકેત પર આ બધું બોલી રહ્યા હતા.
 
ઉલ્લેખનીય છે કે, વાયુસેના મથક સિલિગુડીથી ૧૩૫ કિમી દૂર છે અને સિલિગુડીથી ભારતના ટુકડા કરવાનું સ્વપ્ન બાંગ્લાદેશના આતંકવાદી સંગઠન જેના બે ત્રાસવાદી અન્સારુલ્લાહ બાંગ્લા ટીમના સભ્યો હતા, તે પણ જુએ છે અને ભારતની અંદર નાગરિકત્વ સુધારા અધિનિયમ (સી. એ. એ.) સામે શાહીનબાગના ધરણા વખતે શરજીલ ઈમામ જેવા પણ જુએ છે. આ ખૂબ જ ચિંતાની વાત ગણાય.
 
એટલે એક તરફ, પાકિસ્તાનની સામે ભારતનું વીર સૈન્ય કાર્યવાહી કરી રહ્યું હતું અને તેને તુર્કી લડાયક જહાજ દ્વારા મદદ કરી રહ્યું હતું તેવા સમયે ભારતે બાંગ્લાદેશ તરફ પણ દૃષ્ટિ રાખવી આવશ્યક હતી અને ભારતે રાખી પણ ખરી.
 
સાબદી મોદી સરકારે તરત જ (૨૩ મેએ) દિલ્લીના `ભારત મંડપમ્'માં રાઇઝિંગ નૉર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૨૫ બોલાવી. આ સમાચારને ભારતના મીડિયામાં જે મહત્ત્વ મળવું જોઈએ તે મળ્યું નહીં કારણ કે આવી શિખર પરિષદ ભારતમાં થતી હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓ ગુજરાતમાં હતા ત્યારે ૨૦૦૩થી આવી પરિષદોની `વાઇબ્રન્ટ ગુજરાત'થી શરૂઆત કરી હતી. તે પછી ગુજરાત વિશે ઉદ્યોગજગતની ધારણા બદલાઈ છે. ૨૦૦૨ના ગોધરાકાંડના પગલે થયેલાં મુસ્લિમ-હિન્દુ રમખાણો પછી ઉદ્યોગ જગતની એક સંસ્થા કૉન્ફિડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સી. આઈ. આઈ.)એ રમખાણોની ટીકા કરી હતી અને ૨૦૦૩માં તેણે ક્ષમા પણ માગી હતી. તે સમયે ભારત આર્થિક પ્રગતિ કરી રહ્યું હતું, તેથી એવી ભીતિ હતી કે, રમખાણોના કારણે માત્ર ગુજરાત જ નહીં, ભારતમાં પણ વિદેશી મૂડીરોકાણ નહીં આવે, પરંતુ ૨૦૦૩ પછી ધીમેધીમે ઉદ્યોગજગતની માન્યતા બદલાઈ.
 
૨૦૨૫ની રાઇઝિંગ નૉર્થ ઈસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ દ્વારા પણ ઉદ્યોગજગતની ઈશાન ભારત વિશે માન્યતા બદલવાનું કામ થયું. ભારતનો વિકાસ ઈશાન ભારતના વિકાસ વગર અધૂરો છે. ૨૦૧૪ પછી ઈશાન ભારતને વિમાન મથક, એઇમ્સ, પુલ, ટ્રેન વગેરે અનેક રીતે વિકસિત કરવાના પ્રયાસો થયા છે. પરંતુ ભારતવિરોધીઓનો ડોળો કાશ્મીર, પંજાબ અને ગુજરાતની જેમ ઈશાન ભારત પર સ્વતંત્રતા સમયથી રહેલો છે. એટલે જ મણિપુર પણ મૈતેઈને આદિવાસી સૂચિમાં સમાવવા ઉચ્ચ ન્યાયાલયે આદેશ આપ્યો ત્યારથી સળગી રહ્યું છે.
 
આ ઇન્વેસ્ટર્સ સમિટમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લાં ૧૧ વર્ષમાં અમારા કેન્દ્રીય પ્રધાનોએ ૭૦૦થી વધુ વાર ઈશાન ભારતની મુલાકાત લીધી છે. આ મુલાકાત એવી નહોતી કે ત્યાં જઈને પાછા આવતા રહેવું. ત્યાં રાત રોકાવું અનિવાર્ય હતું. વડા પ્રધાન મોદી પોતે ૨૦૨૩ સુધીમાં ૬૦ વાર ઈશાન ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે. આનો પડઘો પાડતાં, ઉદ્યોગપતિ ત્રિપુટી અદાણી, અંબાણી અને અનિલ અગ્રવાલ (વેદાંતા)એ આ રાજ્યોમાં પચાસ હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવા નિર્ધાર કર્યો હતો. અદાણી સમૂહના ગૌતમ અદાણીએ આગામી એક દાયકામાં આસામ અને બાકીનાં પૂર્વોત્તર રાજ્યોમાં એક લાખ કરોડ રૂપિયાના અધધ મૂડીરોકાણની ઘોષણા કરી તો રિલાયન્સના મૂકેશ અંબાણીએ પૂર્વોત્તર ભારતમાં ૪૫ હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવા જાહેરાત કરી જ્યારે વેદાંતાના અનિલ અગ્રવાલે આસામ સહિત ઈશાન ભારતનાં રાજ્યોમાં ૮૦ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ મૂડીરોકાણ ખનિજ, તેલ અને વાયુ, રિફાઇનિંગ સુવિધાઓ, વીજળી, ઑપ્ટિકલ ફાઇબર, સિસ્ટમ ઇન્ટિગ્રેશન, પુનઃનિર્મિત ઊર્જા, ટ્રાન્સમિશન ક્ષેત્ર, અને ડેટા વિભાગમાં કરવામાં આવશે. આનાથી એક લાખ લોકોને નોકરી મળવાની સંભાવના છે.
 
બીજી તરફ, આસામ સરકાર પણ બાંગ્લાદેશના ભયથી પૂર્ણ જાગૃત છે. આસામમાં તો ભાજપ સત્તામાં આવ્યું ત્યારથી, વિશેષતઃ કૉંગ્રેસમાંથી આવેલા હેમંત વિશ્વ શર્મા મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી, ત્યાં મદરેસાઓ, કટ્ટરવાદ પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. તાજેતરમાં તેમણે જે પગલું ભર્યું તે ૧૯૯૮થી ૨૦૦૪ દરમિયાન એનડીએ સરકાર હતી ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ભરેલાં પગલાંનું સ્મરણ કરાવે છે. કાશ્મીરમાં `સ્વ'રક્ષા સમૂહો એટલે કે સેલ્ફ ડિફેન્સ ગ્રૂપો ઊભાં કરાયેલાં. એટલે કે સ્થાનિક નાગરિકોને શસ્ત્રનું પ્રશિક્ષણ આપી તેમને શસ્ત્રો આપેલાં. આ ગ્રૂપો ત્રાસવાદીઓ સામે લડી ત્રાસવાદીઓને જહન્નુમ પહોંચાડી દેતાં હતાં. હેમંત વિશ્વ શર્માએ આસામના બાંગ્લાદેશ સીમા પાસે આવેલા મૂળ નિવાસી લોકોને શસ્ત્રો આપવાનો નિર્ણય કરી જબરદસ્ત પગલું ભર્યું છે. ભારતનાં અન્ય સીમાવર્તી રાજ્યોમાં પણ આ કામ કરવા જેવું છે.
 
ત્રીજી તરફ, ભારતનાં વીર સુરક્ષા દળો ઈશાન ભારતમાં ઉગ્રવાદીઓનો સફાયો કરી રહ્યાં છે. દિનાંક અનુસાર જોઈએ તો, મણિપુરમાં
 
(૧) ૧૧ મે, ૨૦૨૫ : છ લાખનો પુરસ્કાર જેના માથે હતો તેવા પીપલ્સ લિબરેશન આર્મીના એક ઉગ્રવાદીની ધરપકડ. (૨) ૧૫ મે ૨૦૨૫ : ૧૦ ઉગ્રવાદીઓ ઠાર મરાયા. (૩) ૨૦ મે ૨૦૨૫ : ૨૯ ઉગ્રવાદીઓ પકડાયા. (૪) ૨૧ મે ૨૦૨૫ : છ ઉગ્રવાદીઓની ધરપકડ. (૫) ૬ જૂન ૨૦૨૫ : ત્રણ ઉગ્રવાદીઓની ધરપકડ.
 
આ ઉપરાંત અરુણાચલ પ્રદેશમાં પણ (૧) ૨૭ એપ્રિલ ૨૦૨૫ : નાગા બળવાખોર જૂથ- એનએસસીએન-કેના ત્રણ ઉગ્રવાદીઓ ઠાર મરાયા. (૨) ૬ જૂન ૨૦૨૫ : એનએસસીએન-કે (વાયએ)ના બે ઉગ્રવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા.
 
આસામમાં ૨૯ એપ્રિલ ૨૦૨૫ : એનએસસીએનના ત્રણ ઉગ્રવાદીઓ ઠાર મરાયા.
 
આ સિવાય ત્રિપુરામાં એનએલએફટી અને એટીટીએફ સાથે શાંતિ સમજૂતી કરાઈ. ૨૦૨૧માં કરબિયાનંગ્લોંગ શાંતિ સમજૂતી દ્વારા લાંબા સમયથી ચાલ્યો આવતો વિવાદ સમાપ્ત કરાયો. આસામમાં ચાના બગીચાઓમાં કામ કરતા કામદારો માટે શાંતિ સમજૂતી કરાઈ. ઉગ્રવાદીઓનાં આક્રમણોને ધ્યાનમાં રાખી ૨૦૨૪માં મ્યાનમાર સાથે મુક્ત આવાગમનને બંધ કરાયું. ૨૦૨૪માં મ્યાનમાર સીમાએ કાંટાળી વાડ લગાડવું શરૂ કરાયું.
 
ભારતે પણ તાજેતરમાં બાંગ્લાદેશના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય વાતચીતમાં સ્પષ્ટ કહી દીધું હતું કે, બાંગ્લાદેશમાં લોકતંત્ર ઝડપથી પુનઃસ્થાપિત થવું જોઈએ.
 
સેના પણ ચૂંટણી જાહેર ન કરવાના કારણે યુનૂસથી અપ્રસન્ન છે. સેનાના પ્રમુખ જનરલ વકર-ઉજ-જમાન અને યુનૂસ વચ્ચે બીજી બાબતો પર પણ ઉગ્ર મતભેદો છે.
 
આના કારણે ૨૩ મેએ યુનૂસે ત્યાગપત્રની ધમકી આપી હતી પરંતુ આ પોલી ધમકી સાબિત થઈ. તેમણે તે ધમકી પાછી ખેંચી લીધી. માનવાધિકાર સંસ્થા રાઇટ્સ ઍન્ડ રિસ્ક એનાલિસિસ ગ્રૂપ (આરઆરએજી)એ છ જૂને જાહેરાત કરી કે તે યુનૂસ સામે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં કેસ કરશે. તેનું કહેવું છે કે યુનૂસના શાસનમાં અવામી લીગના ૧૨૩ સભ્યોની હત્યા થઈ, જેમાં ૪૧ની તો સર તન સે જુદા પ્રકારે ગળું કાપીને હત્યા કરાઈ.
 
દરમ્યાનમાં, ભારતના ચિકનનેકથી ભાગલા કરવાની બાંગ્લાદેશની ધમકી સામે આસામના મુખ્ય પ્રધાન હેમંત બિશ્વ શર્માએ નવો મુદ્દો કાઢ્યો છે. તેમણે કહ્યું કે ભારતની સળી કરવાનું રહેવા દેજો. ભારત પાસે એક ચિકનનેક છે તો બાંગ્લાદેશ પાસે બે છે. પહેલી ચિકનનેક ઉત્તર બાંગ્લાદેશ માર્ગ (કૉરિડૉર) તરીકે જાણીતું છે અને બીજી ચિકનનેક ચિત્તગોંગ માર્ગ (કૉરિડૉર) છે. આ વખતે બાંગ્લાદેશ કંઈ સળી કરવા ગયું તો તેને પણ પાકિસ્તાનની જેમ બરાબર મેથીપાક મળશે તે નક્કી છે.
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…