સંસ્કૃતિસુધા | પિતાના પ્રેમના પારસમણીસ્પર્શથી પુત્ર સોનલવરણો સ્નેહ પામે છે

ફાધર્સ ડે... પપ્પાને એક દિવસનો પ્રેમ! આપણી સંસ્કૃતિમાં તો પિતાને પગે લાગવાથી દિવસનો પ્રારંભ થાય અને રાત્રે પગ દબાવવાએ દિવસ પૂરો થાય છે.

    ૧૬-જૂન-૨૦૨૫   
કુલ દૃશ્યો |

father day special in gujarati
 
પિતાની હાજરીથી જ અર્ધાં કામ ઊકલી જતાં હોય છે. અનાથ બાળકને પૂછો કે, પિતા એટલે શું? બાઈક પાછળ બેસીને બેલેન્સ જાળવીને અને મુસીબત આગળ દીવાલ બનીને પિતા અડીખમ ઊભા રહે છે. પિતાનું લાઇફલેસન હંમેશા કામ લાગે છે. બાપ બાપ હોતા હૈ! હું ભલે લેખક રહ્યો પણ મારા જીવનના લેખક મારા પિતા છે. પિતા અને પુત્ર વચ્ચે રમતી ક્રિકેટ મેચમાં પિતા હંમેશા એવું ઇચ્છે કે પોતે હારી જાય.
 
વ્યાવસાયિક વ્યસ્તતાને કારણે પિતા બાળકને સમય આપી શકતા નથી ત્યારે બંને વચ્ચે અંતરાય ઊભો થાય છે. બાળકને બિલકુલ સમય ન આપતા પિતાએ વૃદ્ધાવસ્થામાં ફરિયાદ ન કરવી કે મારો છોકરો કોઈ વાત નથી કરતો. પિતાની એક જ મર્યાદા છે કે મર્યાદામાં રહે છે. મેં તો ચુપ ચુપ ચાહ રહી જેમ પિતાપ્રેમ મૌન હોય છે. પિતાની ચાહત ચુપકીદીની છે, એને પ્રદર્શન નથી ફાવતું. પિતા ભલે જાહેરમાં થપ્પડ મારી દે પણ એકાંતમાં કંગનાની ફિલ્મની ટિકિટ ખાનગીમાં એના પાકીટમાં મૂકી દે છે. દિવાળીમાં આખા ઘરની ખરીદી થયા બાદ છેલ્લે પૈસા વધે એ પ્રમાણે પોતાની ખરીદી કરે એ પિતા. જેમ સમુદ્રમંથનમાંથી લાધેલાં રત્નો દેવતાઓ વહેંચી લે અને ઝેર દાનવોના ભાગે આવે છે એમ પરિવારના અમૃત માટે બાપ જિંદગીના ઝેરને પીવે છે.
 
પિતાનાં પરાક્રમ ક્યાંક હાંસિયામાં ધકેલાઈ ગયાં છે! પણ એનું એક કારણ વક્તૃત્વ કરતાં કર્તૃત્વ છે! હંમેશા મૌનની બારાખડી ઘૂંટતા રહ્યા! એના ક્રેડિટ કાર્ડમાંથી ખર્ચો થયો હોવા છતાં એ કદી ક્રેડિટ ન લે. ક્યાંક એમાં છૂપો અહમ્‌ પણ ખરો! મા તે મા જ હોય છે પણ `બાપ બાપ હોતા હૈ'ની અનન્ય વાત અને અનન્ય અલંકાર શિક્ષકો પણ ભણાવતા નથી! માતાના સમર્પણને સલામ પણ પિતાનું અર્પણ પણ કંઈ કમ નથી હો! જીવનની કપરી પળો સામે આવે ત્યારે પિતાની યાદ આવે કે આવી પળોમાં પિતાએ કોઈને ખબર પણ ન પડે એમ પરિવારને પોષ્યો-પાળ્યો. ગબ્બરસિંગ જેવા ગુસ્સાને કારણે એમનામાં છુપાયેલા જયને ઓળખી નથી શકતા. મકાન સાથે મન પર પણ પિતૃકૃપા લખાવીશું એ દિવસે સ્વર્ગમાંથી પુષ્પવર્ષા નક્કી!
 
ફાધર્સ ડે... પપ્પાને એક દિવસનો પ્રેમ! આપણી સંસ્કૃતિમાં તો પિતાને પગે લાગવાથી દિવસનો પ્રારંભ થાય અને રાત્રે પગ દબાવવાએ દિવસ પૂરો થાય છે. આ દેશના શ્રવણે ક્યારેય પ્રિન્ટેડ કાર્ડની ઉધાર ઉછીની કોલ્ડ સંવેદનાઓ દ્વારા લાગણી વ્યક્ત નથી કરી. બાળપણમાં સમજ ન પડે તો અનેક વાતનું પુનરાવર્તન કોઈ પણ પ્રકારના કંટાળા વગર પિતાએ કર્યું હશે. બુઢાપામાં થોડી વાત લંબાવી દે તો પણ તરત પુત્રના ચહેરા પર કંટાળાનો કાટમાળ આવી જાય છે. દુનિયામાં સૌથી સુંદર બાળક એક જ છે અને એ દરેક પિતા પાસે હોય છે. જેણે સમજણની બારાખડી બાળપણમાં શીખવી હોય એને જ વૃદ્ધાવસ્થામાં કહી દઈએ, તમને ખબર ના પડે. પિતા ઈશ્વર નથી, પણ ઈશ્વરથી કમ પણ નથી. એમ કહેવાય છે કે, દીકરો પત્ની આવે ત્યાં સુધી પિતાનો હોય છે પણ દીકરી તો આજીવન હોય છે. પોતાનું ધન દીકરાને આપે અને જીવનનું ધન (દીકરી) બીજાને આપે એ પિતા.
 
પ્રથમવાર ફાધરહૂડનું એનાલિસિસ સિગમંડ ફ્રોઈડ દ્વારા થયું. માણસ સિવાયના સજીવો બચ્ચું મોટું થાય એટલે એને કોઈની જરૂર નથી પડતી. પહેલાંના સમયમાં એવું હતું કે, બાળકનો ઉછેર મા કરે, પણ હવે માતા-પિતા બન્ને ધ્યાન આપે છે. મોડર્ન કેરગિવિંગ પદ્ધતિ બદલાની છે. વિજ્ઞાન કહે છે કે માતા-પિતા સાથે મળી બાળકનો ઉછેર કરે તો બાળક પ્રતિભાવાન થવાની સંભાવના વધી જાય છે. જે બાળકોને મોટાભાગે માતાઓએ ઉછેર્યા હોય એ વધુ સંવેદનશીલ બની જતાં હોય છે, ઘણીવાર ડિપ્રેશનનો ભોગ પણ બનતાં હોય છે. પિતા દ્વારા ઊછરેલાં બાળકો જિદ્દી હોય છે અને તે ઘણીવાર ખોટા નિર્ણયો પણ લે છે. ઢળતી ઉંમરે એને બીજું શું જોઈએ? થોડા સંવેદનાસભર શબ્દો, થોડું સ્નેહભર્યું સાંનિધ્ય અને થોડી વ્યર્થ લાગતી વાતોમાં પણ હોંકારો! એ જ એમની મરણમૂડી છે.
 

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.