આ ઘટના છે સન ૧૯૧૯ની. મોટું મજહબી પદ ધરાવતા ધર્મગુરુ અને કોંગ્રેસના નેતા મૌલાના અબુલ કલામ આઝાદે ૧૯૧૯માં ફતવો બહાર પાડેલો કે, ભારતના મુસલમાનોએ હિજરત કરી કોઈ મુસ્લિમ દેશમાં ચાલ્યા જવું જોઈએ, કારણ કે ઇસ્લામ મુસલમાનોને કોઈ કાફિરોના રાજ્યમાં (અંગ્રેજોના રાજ્યમાં) રહેવાની ઈજાજત આપતું નથી. (વાચકોને જણાવવાનું કે મૌલાના આઝાદનો જન્મ ભારતમાં નહીં, પરંતુ સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં થયો હતો અને તેમનું શિક્ષણ કટ્ટર ઇસ્લામિક શિક્ષણ આપતી મક્કાની અલ-અજહર સંસ્થામાં થયું હતું.) મૌલાના આઝાદના એલાનને કારણે હજારો ભારતીય મુસલમાનો મુસ્લિમ દેશ અફઘાનિસ્તાનમાં ગયેલા, પરંતુ તેઓની અપેક્ષાથી તદ્દન ઊલટું અફઘાનિસ્તાનના મુસ્લિમોએ ભારતમાંથી આવેલા મુસ્લિમોની જબરદસ્ત મરમ્મત કરીને તેઓને પાછા ભારત તગેડી મૂકેલા. એક મુસ્લિમ દેશ અન્ય દેશમાંથી આવેલા મુસ્લિમોને સંઘરવા તૈયાર નથી તે વાત સમજાતાં મુસ્લિમોએ ભારતના જ ટુકડા કરી સ્વતંત્ર મુસ્લિમ દેશ બનાવવાનો રસ્તો પકડ્યો અને તેમની યોજના મુજબ ૧૯૪૭માં મુસ્લિમો માટે પાકિસ્તાન બની પણ ગયું.
પ્રારંભમાં તો બધું ઠીકઠાક ચાલ્યું, પણ સમય જતાં ત્યાંના અલગ અલગ ફિરકાઓના મુસ્લિમો વચ્ચે જ સંઘર્ષો શરૂ થઈ ગયા. પોતાને મુસલમાન ગણાવતા લોકો વચ્ચે જ શિયા, સુન્ની, અહમદિયા, સૂફીના નામે લોહિયાળ જંગ શરૂ થઈ ગયો. ઇસ્લામ તેમને એક રાખી શક્યો નહીં. પરિણામે પાકિસ્તાનમાં મુસ્લિમ-મુસ્લિમ વચ્ચે થયેલી હિંસાની ઘટનાઓમાં ઊડેલા લોહીના છાંટાથી પાકિસ્તાનના ઇતિહાસના પાનાં ખરડાયેલાં છે. આવો, આપણે તે જાણીએ.
અહમદિયા મુસલમાનો પોતાને મુસ્લિમ કહી શકતા નથી
સન ૧૯૭૪માં ભુટ્ટોના શાસનમાં અહમદિયા મુસ્લિમોને નોનમુસ્લિમ જાહેર કરવામાં આવ્યા, અર્થાત્ તેમને ઇસ્લામ બહાર મૂકી દેવામાં આવ્યા. મુસ્લિમ તરીકેની ઓળખ સાથે પાકિસ્તાનમાં આવેલા અને રહેલા અહમદિયાઓને બિનમુસ્લિમ જાહેર કરવામાં આવતાં અહમદિયા પોતાને મુસ્લિમ ગણાવી શકતા બંધ થયા. અહમદિયા મુસ્લિમો મતદાર યાદીમાં પોતાના નામ પછી મુસ્લિમ લખાવી શકતા નથી. તેમના પર મક્કા હજ કરવા જવા પર પણ પ્રતિબંધ આવ્યો. તેમના ધંધા-વ્યવસાયોનો બહિષ્કાર કરવામાં આવ્યો. ઉચ્ચપદની સરકારી નોકરીઓમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા. તેમની મસ્જિદોના ઇસ્લામિક શૈલીના મિનારા તોડી નાંખવામાં આવ્યા. તેમના પર જાહેરમાં નમાજ પઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પાકિસ્તાનની સરકારે અહમદિયા મુસ્લિમોની વેબસાઈટ બંધ કરી દીધી. આજે પાકિસ્તાનમાં અહમદિયા મુસલમાનો અછૂત અવસ્થાની પીડા ભોગવી રહ્યા છે. તેમના કબ્રસ્તાનમાં રહેલી કબરો તોડી નાખવામાં આવી રહી છે. લાહોરથી ૫૦ કિલોમીટર દૂર શેખુપુરા વિસ્તારમાં આવેલી અહમદિયા મુસ્લિમોની ૪૦ જેટલી કબરો તહરિકે લબ્બૈકના ઝનૂની મુસ્લિમોએ તોડી નાંખી અને પોલીસ નિષ્ક્રિય બની જોઈ રહી. અહમદિયા મુસ્લિમોનો ગુનો માત્ર એટલો જ છે કે, તેઓ માને છે કે મહંમદ પયગંબર ઇસ્લામના છેલ્લા પયગંબર (નબી) નથી. મહંમદ પયગંબર પછી મિર્ઝા ગુલામ મહંમદ થયા જેઓ ઇસ્લામના અંતિમ પયગંબર (નબી) છે. માત્ર આટલી અલગ માન્યતાને કારણે પાકિસ્તાનની ખૂબ જ સમર્થ અને બુદ્ધિમાન કહી શકાય તેવી મુસ્લિમ પ્રજા માત્ર અહમદિયા પંથની હોવાને કારણે અન્યાય ભોગવી રહી છે.
થોડા સમય પહેલાં પદ્મશ્રી ગુણવંત શાહે પોતાના એક લેખમાં લખ્યું હતું કે, પાકિસ્તાનના ઝફરુલ્લાખાન UNમાં કાશ્મીરના પ્રશ્ને ભારતના કૃષ્ણમેનન સાથે જબરી ટક્કર લેનાર અત્યંત સમર્થ મુત્સદ્દી નીવડ્યા હતા. તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ થઈ શકે તેવા હતા. હૅગની આંતરરાષ્ટ્રીય કોર્ટના તેઓ ન્યાયાધીશ પણ બનેલા પણ પાકિસ્તાને તેમની સાવ ઉપેક્ષા એટલા માટે કરી કારણ કે તેઓ અહમદિયા મુસ્લિમ હતા.
વિશ્વનું અત્યંત ગૌરવવંતુ નોબેલ પ્રાઇઝ મેળવનાર અને પાકિસ્તાનના એક માત્ર નોબેલ પ્રાઇઝ વિનર અણુવિજ્ઞાની ડૉ. અબ્દુલ સલામ પણ અહમદિયા મુસ્લિમ હોવાને કારણે તેઓ ભારે અપમાનિત થયા હતા. અરે! તેમના અવસાન પછી તેમની કબર પર લગાડેલી તકતીમાંનો `મુસ્લિમ' શબ્દ પણ તોડી નાંખવામાં આવેલો. ડૉ. અબ્દુલ સલામનું નામ કાયદેઆઝમ યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ સાથે જોડવા બાબતે પાકિસ્તાનમાં આજે પણ વિરોધ ચાલે છે.
અહમદિયાઓને આનાથી પણ વધારે અપમાનિત કરવાના સમાચાર તો ૨૯ જૂન, ૨૦૨૩ના દિને સાંભળવા મળેલા. તેમને ધમકી આપતાં પાકિસ્તાનના પંજાબની પોલીસે તેમને ઈદ નિમિત્તે કુરબાની ન આપવાનું ફરમાન કર્યું. તેમને ધમકી આપતાં પંજાબની પોલીસે કહ્યું કે, જો તેઓ કુરબાની આપશે તો તેમને PPC કલમ - ૨૯૮ મુજબ જેલમાં ધકેલી દેવામાં આવશે કારણ કે, સુન્ની મુસ્લિમોને તમે કુરબાની આપો તે મંજૂર નથી. ભારતમાં આ સમાચાર NEWS-18 ચેનલ પર પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
આવો જ અન્યાય અહમદિયા મુસ્લિમોને બાંગ્લાદેશમાં પણ ભોગવવો પડેલો. બાંગ્લાદેશના પંચગઢ જિલ્લામાં અહમદિયા મુસલમાનો વાર્ષિક જલસો ઊજવી રહ્યા હતા ત્યારે એક મસ્જિદમાં એકત્ર થયેલા કટ્ટર મુસ્લિમોએ તેમના પર હુમલો કર્યો. જાહિદ હસન નામના અહમદિયા યુવકની હત્યા કરી દીધી અને અહમદિયાનાં ૧૯૦ ઘર અને ૫૦ દુકાનો સળગાવી દીધી. પરિણામે તેમનો વાર્ષિક જલસો બંધ રાખવો પડ્યો હતો. તોફાનોના આ સમાચાર ૧૦ માર્ચ, ૨૦૨૩ના `દિવ્ય ભાસ્કર' દૈનિકમાં પણ છપાયા હતા.
૨૦૧૭માં ઑસ્કારની બેસ્ટ ફિલ્મ `મુનલાઇટ' હતી, જેને ઑસ્કાર ઍવોર્ડ મળેલો. વધુમાં આ ફિલ્મમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકેનો ઍવોર્ડ પાકિસ્તાનના મહેર શાહ અલીને મળેલો. ઑસ્કાર ઍવોર્ડ જીતનાર આ પહેલો પાકિસ્તાની હતો. પણ આશ્ચર્યજનક બાબત એ હતી કે, તે પાકિસ્તાની હતો પણ તેને મુસ્લિમ ગણવામાં આવતો ન હતો. અલબત્ત મૂળે હિન્દુ એવા મહેરે ૧૯૯૯માં ઇસ્લામ તો સ્વીકારેલો પણ તે અહમદિયા પંથમાં જોડાયો હતો. તેથી અૉસ્કાર અૅવોર્ડ પાકિસ્તાનને મળે છે પણ મુસ્લિમને મળતો નથી, કારણ કે તે અહમદિયા છે. અહમદિયા મુસ્લિમોની આવી અનેક પીડાદાયક ઘટનાઓ નોંધી શકાય તેમ છે.
શિયા મુસ્લિમોના તાજિયાઓ ઉપર બોમ્બ વિસ્ફોટો થાય છે
અગર પાકિસ્તાનમાં પહેલા નંબરની પીડિત કોમ અહમદિયા મુસ્લિમો છે તો બીજા નંબરની પીડિત કોમ શિયા મુસ્લિમો છે. પણ પ્રારંભમાં જ એક અતિ મહત્ત્વની વાત સ્પષ્ટ કરી દઈએ કે, પાકિસ્તાન નામના તદ્દન નવા દેશને જન્મ આપનાર એક ખ્યાતનામ શિયા નેતા છે અને તેમનું નામ છે ગુજરાતના પાનોલી ગામના મહંમદ અલી ઝીણા. મહંમદ અલી ઝીણાના દાદા પુંજાભાઈ ઠક્કર અગાઉ સર આગાખાનના શિયા સંપ્રદાયમાં જોડાઈ ગયેલા. આમ સુન્નીઓનું પ્રભુત્વ ધરાવતા પાકિસ્તાનનું સર્જન શિયા સંપ્રદાયના મહંમદ અલી ઝીણાએ કર્યું છે. આમ છતાંય પાકિસ્તાનમાં શિયા મુસ્લિમો આતંક ભોગવી રહ્યા છે. તાજેતરની ઘટનાઓ આંખ ઉઘાડનાર છે. જ્યારે શિયા સંપ્રદાયમાં મુહર્રમના તાજિયાના જુલુસ દુનિયાભરના મુસ્લિમો કાઢે છે ત્યારે કટ્ટરપંથીઓ તેમના જુલુસ પર ઘાતકી હુમલા કરે છે.
(૧) ૨૯ મે, ૨૦૧૦ના સમાચાર મુજબ લાહોરમાં નમાજ પઢતા શિયાઓ ઉપર તાલિબાનો ત્રાટક્યા અને ૭૬ શિયાઓને ઠાર માર્યા. આમ આવી અનેક ઘટનાઓ ટાંકી શકાય તેમ છે.
(૨) ૧૫ ડિસેમ્બર, ૨૦૧૦ના દિને શોક મનાવવા મસ્જિદમાં એકઠા થયેલા શિયાઓ ઉપર જુનડલ્લાહ નામના આતંકી સંગઠને વિસ્ફોટો કરતાં ૩૯ શિયાઓ મૃત્યુ પામેલા અને ૬ ડિસેમ્બર, ૨૦૧૧ના દિને થયેલા વિસ્ફોટોમાં ૫૮ શિયાઓ માર્યા ગયેલા.
(૩) પાકિસ્તાનના ક્વેટા શહેરમાં મુહર્રમ દરમિયાન વિસ્ફોટ થતાં ૧૨૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં મોટાભાગના શિયા મુસ્લિમો હતા. આ ઘટના ૧૦ જાન્યુ., ૨૦૧૩ના દિને બનેલી.
(૪) ૫ માર્ચ, ૨૦૧૩ના સમાચાર મુજબ કરાંચીમાં શિયા મુસ્લિમોના વિસ્તારમાં આવેલા ઇમામવાડાની બહાર જ્યારે નમાજીઓ નમાજ પઢી પરત જઈ રહ્યા હતા ત્યારે બોંબ વિસ્ફોટો થતાં ૪૮ શિયા મુસ્લિમોનાં કરુણ મૃત્યુ થયાં હતાં.
(૫) ૨૦૧૧-૧૨ના માત્ર એક વર્ષમાં ૩૨૦ શિયા મુસ્લિમોની કતલ કરવામાં આવેલી. પાકિસ્તાનમાં લશ્કરે જાંગવી નામનું કટ્ટરવાદી શિયાવિરોધી સંગઠન ચાલે છે. આ સંગઠનનો વડો આસિફ છોટુ છે, જે શિયા મુસ્લિમોને શોધી શોધીને મારતો હતો. અલબત્ત તે ૨૦૧૭માં પોલીસ દ્વારા ઠાર મરાયેલો.
(૬) ૪ જાન્યુઆરી, ૨૦૨૧ના સમાચાર મુજબ ક્વેટાની કોલસાની ખાણમાં કામ કરતાં ૧૧ શિયા મજદૂરોની જાત પૂછી પૂછીને કટ્ટરપંથીઓએ હત્યા કરેલી. આમ સંખ્યાબંધ શિયા મુસ્લિમોની હત્યા થતાં `હ્યુમન રાઈટ્સ વૉચ' નામની સંસ્થાએ પાકિસ્તાનની સરકારને શિયા મુસ્લિમોના રક્ષણની માંગ કરી હતી.
ડિસેમ્બર, ૨૦૧૨માં ભારતમાં લખનૌ શહેરમાં શિયા મુસ્લિમોએ પાકિસ્તાનમાં થતી શિયાઓની હત્યાઓ સંબંધે વિરોધ રેલી કાઢી પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ બાળ્યો હતો અને માગણી કરી હતી કે, યુનોએ પાકિસ્તાનને ત્રાસવાદી દેશ જાહેર કરવો જોઈએ.
પાકિસ્તાનમાં સિદ્ધપુરના ૪૩ ઇસ્માઈલી વહોરાઓની હત્યા
પાકિસ્તાનના કરાંચી શહેરમાં આતંકીઓએ તા. ૧૪ મે, ૨૦૧૫ના દિને મૂળ સિદ્ધપુર (ગુજરાત)ના ઇસ્માઈલી વહોરા સ્ત્રીપુરુષો બસમાં બેસીને યાત્રાએ જતા હતા ત્યારે આતંકીઓએ રસ્તામાં બસ ઊભી રખાવી તેમાંથી તેમને ઉતારી તેમની ઓળખ મેળવીને કુલ ૪૭ યાત્રિકોને મારી નાખ્યા જેમાં ૪૩ ઇસ્માઈલી વહોરા મૂળ ગુજરાતના સિદ્ધપુરના હતા. આ કમકમાટીભર્યા સમાચાર સાંભળી સિદ્ધપુરમાં રહેતા તેમના જ્ઞાતિજનોએ તે દિવસે યોજાયેલા લગ્નનો ભોજન સમારંભ રદ કર્યો હતો. તેમનાં રાંધેલા ધાન રખડી પડેલાં. તેમના મનમાં પ્રશ્નો હતા કે, અમે ઇસ્માઈલી વહોરાઓ શું મુસ્લિમ નથી કે અમને મારવામાં આવે છે? અને બીજો પ્રશ્ન એ હતો કે આપણાં સગાંઓએ પાકિસ્તાન જઈને આખરે શું મેળવ્યું? મોત જ ને...!
`દાઉદી વહોરાઓને ભગાઓ, પાકિસ્તાન બચાવો'ના નારા
પાકિસ્તાનમાં ત્રીજી કોમ છે દાઉદી વહોરા. ત્યાં દાઉદી વહોરા કોમની નોંધપાત્ર વસતી છે. દાઉદી વહોરાઓ વેપારી વર્ગના અને શાંત પ્રકૃતિના મનાય છે. કરાંચીની એક મસ્જિદમાં ૨૦ માર્ચ, ૨૦૧૫ના દિને જ્યારે તેઓ નમાજ પઢતા હતા ત્યારે તેમના પર કટ્ટરવાદીઓએ બોંબ વિસ્ફોટ કર્યા. પરિણામે અનેક નમાજીઓ માર્યા ગયા. અને મસ્જિદને ભારે નુકસાન થયું. પરંતુ ધ્યાન ખેંચે તેવી બાબત એ હતી કે, જ્યારે વિસ્ફોટો થયા ત્યારે મસ્જિદની બહાર વિરોધીઓ ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા હતા કે, `રાફજી ભગાઓ, પાકિસ્તાન બચાવો' અને રાફજીઓને પાકિસ્તાનમાં રહેવાનો અધિકાર નથી. `રાફજી' શબ્દ અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે `ભ્રષ્ટ મુસલમાન' (માર્ગથી ભટકેલો મુસલમાન). વિરોધીઓના મતે જે સુન્ની નથી તે બધા મુસલમાન `રાફજી' છે અને તેમને પાકિસ્તાનમાં રહેવાનો અધિકાર નથી. માટે તેમને પાકિસ્તાનમાંથી ભગાડવા જોઈએ તેવું તેઓ માને છે. આમ, પાકિસ્તાનમાં દાઉદી વહોરા ડર, ત્રાસ અને આતંકના વાતાવરણમાં જીવન જીવી રહ્યા છે.
સૂફી દરગાહો પર હુમલા
પાકિસ્તાનમાં ચોથી મહત્ત્વની કોમ છે સૂફી મુસલમાનો. ઇસ્લામમાં બે વૈચારિક પ્રવાહો છે. (૧) પહેલો પ્રવાહ છે સલફી. તેમનો સ્રોત છે સાઉદી અરેબિયા, જે પોતાને શુદ્ધ ઇસ્લામિક માર્ગ માને છે. સલફી કટ્ટરતાવાદી પ્રવાહ છે. (૨) બીજો પ્રવાહ છે સૂફી. જે શાંતિ અને સમન્વયમાં માને છે. સુન્નીઓ સલફી છે જ્યારે ઘણા બધા શિયાઓ સૂફી છે. ઇસ્લામને નામે આ લોકો પાકિસ્તાનમાં વસ્યા હતા પણ અત્યારે સલફી અને સૂફી વચ્ચે જંગ ચાલે છે તેની કેટલીક ઘટનાઓ આપણે જોઈએ.
(૧) સિંધ પ્રાન્તમાં લાલ શાહબાજ ઝુલેલાલ કલંદરીની દરગાહ છે, જ્યાં હજારો સૂફી મુસ્લિમો દર્શને જાય છે અને ત્યાં ભક્તિભાવપૂર્વક કવ્વાલીઓ અને નાચગાન થતાં રહે છે. કટ્ટર મુસ્લિમોથી આ સહન ન થતાં તેમણે આ દરગાહ પર બોંબ વિસ્ફોટો કર્યાં, જેમાં ૧૦૦ જેટલા સૂફી મુસ્લિમો માર્યા ગયા. સન ૨૦૧૬માં પાકિસ્તાનના સૂફી કવ્વાલ સાબરી બ્રધર્સના છેલ્લા સૂફી કવ્વાલ અજમલ સાબરીને કટ્ટર મુસ્લિમોએ ઠાર મારેલા. સાબરીના પિતા ઇનાયત હુસેન પોતાને સંગીત સમ્રાટ તાનસેનના વંશજ માનતા હતા. ભાગલા પછી આ સૂફી ગાયકો ભારતમાંથી પાકિસ્તાન ગયેલા. કટ્ટર મુસ્લિમો નાચગાનના વિરોધી છે તેથી પાકિસ્તાનમાં સૂફી દરગાહો પર થતા નાચગાનને કારણે દરગાહો પર હુમલા થાય છે. લાહોરમાં દાતા દરબાર ખાતે સૂફી મુસ્લિમો પર હુમલો થયો હતો જેમાં ૫૦ મુસ્લિમો માર્યા ગયા હતા. અગાઉ સબીન મહંમદ અને પરવીન રહેમાન નામના મુસ્લિમ ગાયકોની કરાંચીમાં હત્યા થઈ હતી. તો સૂફી મુસલમાનોના અધિકારો માટે લડનાર ખુર્રમ ઝાકીની એક હોટેલમાં હત્યા થઈ હતી. (ગુજરાત સમાચાર, ૯-૫-૨૦૨૦)
સત્તરમી સદીમાં બંધાયેલી મસ્જિદને પેશાવરમાં કટ્ટર મુસ્લિમોએ જ તોડી પાડેલી. કારણ કે આ મસ્જિદને લોકો સૂફી કવિ રહેમાન બાબાની મસ્જિદ તરીકે ઓળખતા હતા.
પદ્મશ્રી ગુણવંત શાહે તા. ૨૬-૪-૨૦૦૯ના ટાઇમ્સમાં લખેલા પોતાના લેખમાં લખ્યું છે કે, ૫ માર્ચ, ૨૦૦૯ના દિને આ સૂફી મસ્જિદ કટ્ટર મુસ્લિમોએ તોડી નાંખી હતી. ૮ મે, ૨૦૧૯ના સમાચાર મુજબ રમજાન જેવા પવિત્ર માસમાં જ લાહોરમાં ૧૧મી સદીની એશિયાની સૌથી મોટી સૂફી દરગાહ પર જમાત-ઉલ-અતહર અને તહેરિકે તાલીબાન પાકિસ્તાનના ઝનૂનીઓએ વિસ્ફોટો કર્યા હતા, જેમાં ૧૦ સૂફી મુસ્લિમો માર્યા ગયા હતા.
સુન્ની અને શિયા બંને મુસ્લિમો હોવા છતાં શિયાઓની ખૂનામરકી શા માટે થાય છે તે બાબતમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સાઉદી અરબની મૌલવીઓને પ્રશિક્ષિત કરતી યુનિવર્સિટીના પ્રોફેસર અબ્દુલ રહેમાન ખુલાસો કરે છે કે, કોઈ સુન્ની બહુલ દેશમાં શિયા મુસ્લિમો પોતાની માન્યતાઓનું ખુલ્લંખુલ્લા પાલન કરે તો સુન્ની રાજ્યસત્તા પાસે શિયાઓ વિરુદ્ધ જિહાદ છેડી દેવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.
પ્રા. શંકર શરણના પુસ્તક `મુસ્લિમ સોચ' નામના પુસ્તકમાં આની ઊંડી છણાવટ છે. સાઉદીના પ્રોફેસર અબ્દુલ રહેમાને આપેલા ઉત્તરના આધારે તેઓ સ્પષ્ટપણે માને છે કે, પાકિસ્તાનના લોકોને પોતાના જ દેશના શિયા મુસ્લિમોને મારવાનો અધિકાર છે. તો શું આનો અર્થ તો એ થયો કે એક બળવાન મુસ્લિમ ફિરકાને બીજા થોડા નબળા ફિરકાની વ્યક્તિને મારવાનો અધિકાર છે.
ઉપર વર્ણિત ઘટનાઓ ઉપરથી એવું લાગે છે કે જાણે પાકિસ્તાનમાં એક ફિરકો બાકીના તમામ ફિરકાઓની ખતમ કરી નાખવા ઝનૂનપૂર્વક હુમલા કરે છે અને હુમલા કરવાની યોજના પાકિસ્તાનમાં પવિત્ર ધર્મસ્થાનોમાં થાય છે, તે દુઃખની વાત છે. એટલે જ આ પરિસ્થિતિ સામે આક્રોશ વ્યક્ત કરતા સંવેદનાથી ભરેલા મશર શાયર નિદા ફાજલીએ શેર લખ્યો છે કે-
ઉઠ ઉઠ કે મસ્જિદોં સે
નમાજી ચલે ગયે
દહશતગર્દોં કે હાથ મેં
ઇસ્લામ રહ ગયા.
***