શ્રી વિજયભાઈ રૂપાણી | સૌને ગમે તેવા સીએમ (કૉમન મેન - સામાન્ય માણસ)

16 Jun 2025 15:10:45

vijaya rupani vishe mahiti
 
 
શ્રી વિજયભાઈ રૂપાણી એક નોખું-અનોખું વ્યક્તિત્વ ધરાવનારી વ્યક્તિ હતા. 12 જૂનની બપોરે 1 વાગ્યાને 39 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું હતું.
 
બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવકના સંગઠનના રંગે રંગાયેલ વિજયભાઈની જીવનશૈલી એક અણીશુદ્ધ, કર્મઠ કાર્યકરને શોભે તે રીતે આગળ ધપતી રહી. વિદ્યાર્થીવયથી જ રાષ્ટ્રસેવા, દેશપ્રેમના સંસ્કારનું એમનામાં સિંચન થતું રહ્યું. જન્મ્યા બર્માના રંગૂનમાં પણ જીવનઘડતર અને સંગઠનના ગુણોનું ચણતર રાજકોટમાં થયું. સંઘ-કાર્ય માટેની જવાબદારી હોય કે નવનિર્માણ આંદોલન સમયે છાત્ર સંઘર્ષ સમિતિ માટે હોય, રૂપાણીજીએ ક્યાંય પાછી પાની કરી નથી. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી બી.એ. (POLITICAL SCIENCE) અને એમ.એમ.પી. લો કૉલેજમાંથી એલએલ.બી.નો અભ્યાસ કર્યો. શ્રી વિજયભાઈએ અભ્યાસકાળ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને સમર્પિત રહીને વિદ્યાર્થી હિત માટે સતત ખેવના કરી.
 
કટોકટી વખતે ૧૯૭૬માં ‘મીસા'ના કાયદા હેઠળ જેલમાં જનારા સૌથી નાની વયના કાર્યકર શ્રી વિજયભાઈ રૂપાણી હતા. તેમણે 'મીસા' હેઠળ એક વર્ષ સુધી કારાવાસ ભોગવ્યો.
 
માત્ર ૨૪ વર્ષની વયે એમણે ભાજપમાં સક્રિય પદાર્પણ કર્યું. રાજકોટ શહેરમાં મહામંત્રી તરીકે અને ૧૯૮૭માં કોર્પોરેટરના રૂપમાં ગતિશીલ બન્યા. વિદ્યાર્થીકાળ પછી સક્રિય રાજનીતિમાં પદાર્પણ કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગરના એકમની વિવિધ જવાબદારી સંભાળી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૯૮૭ની ચૂંટણી દરમિયાન ચૂંટાયા બાદ સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષ તરીકે પાર્ટીએ તેમને જવાબદારી સોંપી. ત્યારબાદ રાજકોટના મેયર તરીકે ૧૯૯૬થી ૧૯૯૭ સુધી પદ પર રહી અનેક વિકાસનાં કામો કર્યાં.
 
રાજકોટમાં તેમના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ કરેલી એકધારી આગેકૂચને ધ્યાનમાં રાખીને ભાજપાની નેતાગીરીએ શ્રી વિજયભાઈ રૂપાણીને ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી તરીકે પણ જવાબદારી સોંપી અને જામનગર-કચ્છ-જૂનાગઢ-પોરબંદર વગેરે જિલ્લામાં પ્રભારી તરીકે તેમણે કાર્યભાર સંભાળીને અનેક પ્રસંગે ભાજપાને ફતેહ અપાવી. વર્ષ ૨૦૦૬માં તેઓ પ્રવાસન નિગમના અધ્યક્ષ બન્યાં ત્યારબાદ ૨૦૦૬-૧૨ સુધી રાજ્યસભાના સભ્ય રહી સાંસદ તરીકે જવાબદારી વહન કરી.
૨૦૧૩માં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકેની કામગીરી સંભાળી અને ૧૫૯ જેટલી નગરપાલિકાઓને વિકાસની દિશા આપી.
 
વર્ષ ૨૦૧૫માં રાજકોટ-૬૯ની બેઠકના ધારાસભ્ય બન્યા. જેમાં જંગી બહુમતી એમની પ્રજાને પારખવાની ક્ષમતાના પારખારૂપ બની. કેબિનેટ મંત્રી તરીકે વાહન વ્યવહાર, પાણી પુરવઠા ખાતા અને શ્રમ અને રોજગાર વિભાગનો હવાલો હાથમાં લીધો ત્યારબાદ તેમની વર્ષ ૨૦૧૬માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ.
 
ઉત્તમ વહીવટ અને કુશળતાના કારણે ૦૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શ્રી વિજયભાઈ રૂપાણીએ શપથ લીધા.
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-૨૦૧૭માં શ્રી વિજયભાઈ રૂપાણી પોતે રાજકોટ (પશ્ચિમ)માંથી ભાજપાના ઉમેદવાર તરીકે ૫૪,૦૦૦ની સરસાઈ સાથે વિજયી નીવડ્યા અને એક લોકપ્રિય નેતા તરીકે તેમની છબી બરકરાર રહી.
 
વિધાનસભામાં બહુમતી મેળવવામાં શ્રી વિજયભાઈનું નેતૃત્વ અને દિશાસૂચક તરીકેનું યોગદાન મહત્ત્વનું રહ્યું અને તેથી ૨૨મી ડિસેમ્બર-૨૦૧૭ના રોજ મળેલી ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા પક્ષની બેઠકમાં તેમને પક્ષના નેતા તરીકે એટલે કે મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર સર્વાનુમતે પસંદ કરાયા હતા.
 
બીજી વાર મુખ્ય મંત્રી તરીકેના શપથ લીધાનાં પાંચ વર્ષ બાદ અગિયાર સપ્ટેમ્બર, 2021ના રોજ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું. ત્યાર બાદ તેમની જગ્યા ભૂપેન્દ્ર પટેલે લીધી છે.
 
રાજીનામું આપ્યાના એક અઠવાડિયા બાદ રાજકોટના પ્રમુખસ્વામી ઑડિટોરિયમ ખાતે ભાજપના કાર્યકર્તાઓને સંબોધતાં રૂપાણીએ કહ્યું હતું:
 
"હું સીએમ ન હતો એ પહેલાં પણ સીએમ હતો, સીએમ વખતે પણ સીએમ હતો અને આજે પણ સીએમ છું. સીએમનો મતલબ, કૉમન મૅન (સામાન્ય માણસ), તમારામાંનો એક કાર્યકર્તા અને એ કાર્યકર્તા કે પાર્ટી જે સોંપે, જે કરવાનું હોય તે કરવાનું છે.
 
તેઓ સૌને ગમે તેવા સીએમ (કોમન મેન – સામાન્ય માણસ) હતા. ભગવાન તેમની આત્માને મોક્ષગતિ અર્પે તેવી પ્રાર્થના…
Powered By Sangraha 9.0