યુવાસંવાદ । સહનશક્તિ અને સમજશક્તિ.. પરિવારની શિક્ષિકાઓ..

શિક્ષણપ્રથા ઉપરાંત એક બીજું પરિમાણ ઉમેરાયું છે એ છે ન્યુક્લિયર પરિવાર.. એટલે કે ખૂબ જ નાનો પરિવાર!

    ૧૬-જૂન-૨૦૨૫   
કુલ દૃશ્યો |

yuva samvad
 
 
`નમસ્તે, મહોદય..'
 
`નમસ્તે, શ્વેતા, શૌર્ય ક્યાં ગયો?'
 
`મહોદય, શૌર્યની સોસાયટીમાં કોઈ યુવતીએ આત્મહત્યા કરી છે, એટલે એ દોડાદોડમાં છે...'
 
`ઓહ, બહુ ચિંતાનો વિષય છે, આ રીતે યુવાનો પોતાનું જીવન ટૂંકાવી દે છે એની મને બહુ ચિંતા થાય છે.'
 
`સાચી વાત છે, સર! ખબર નથી પડતી આટલી બધી નિરાશા કેવી રીતે આવતી હશે..!'
 
`આપણે બહુ સહેલાઈથી કહીએ છીએ કે, આજના સમયમાં સમજશક્તિ અને સહનશક્તિ ઘટી ગઈ છે. વાત સાચી છે, નિદાન પણ સાચું છે, પણ સમાજમાં કોઈપણ વસ્તુ અચાનક નથી થતી. દરેક વલણ માટે, દરેક વર્તન માટે કેટલાય વખત પહેલાં એની તૈયારી શરૂ થઈ જાય છે.'
 
`આ બહેને આત્મહત્યા કરી એ પહેલાં એના ઘરમાં કે એના પતિ સાથે કોઈ ને કોઈ વાતે ચણભણ કે બોલાચાલી થઈ હશે! ખેર, એ તો તપાસનો વિષય છે!'
 
`સર, માત્ર દુઃખી થયે નહીં ચાલે, આવું ના થાય એના માટે પણ વિચારવું જોઈએ!!'
 
`સાચી વાત છે, તમારા માટે આવનારો સમય ખૂબ જ કપરો છે, ત્યારે પેલી સહનશક્તિ અને સમજશક્તિ બંને કેવી રીતે વધે એનો વિચાર કરવો જોઈએ. શરૂઆતમાં કહું તો પરિવાર એ પ્રેમનો બગીચો હોવો જોઈએ. બગીચામાં તમે ફરવા જાઓ અને જેવો આનંદ આવે એવો આનંદ ઘરે હોવ ત્યારે આવવો જોઈએ..'
 
`એ વાત સાચી, પણ આ માટે શું કરવું જોઈએ..'
 
`આપણે સૌએ સાથે વિચાર કરવો જોઈએ.. હું એવુંનથી માનતો કે કોઇ એક વ્યક્તિ એવો દાવો કરી શકે કે મને બધી સામાજિક સમસ્યાઓના ઉકેલની ખબર છે.. મને લાગે છે કે, પહેલામાં પહેલું તો પરિવાર એકબીજાં સાથે ખુલ્લા મને વાત કરે, કોમ્યુનિકેશન કરે. વાત કરે એટલે મા કે બાપ આદેશ આપે એવું નહીં, પણ બધા એકબીજાને સમજવા પ્રયત્ન કરે. યુવાનોએ પણ પોતાના વિચારબિંદુને સમજાવવું જોઈએ. આજે એવું થયું છે કે, દરેક જણ જુદી જુદી દિશામાં દોડે છે, એમને પોતપોતાના તણાવ છે, પોતપોતાની સમસ્યા છે. પિતાજીને ખબર નથી કે, દીકરીને કે દીકરાને કૉલેજમાં કે નોકરીમાં કેટલી તકલીફો છે. એ તકલીફો સાંભળવા માટે મા-બાપ પાસે ધીરજ નથી.. એમને એવું છે કે, એમનો દીકરો કે દીકરી દરેક બાબતે આજ્ઞાંકિત રહેવા જોઈએ. આજ્ઞાંકિત રહે તે સારી વાત છે, પણ તમે તમારા પરિવારના સભ્ય સાથે એની અપેક્ષાઓ અને એની સમસ્યાઓ બાબતે જો પૂરેપૂરું સમજો નહીં તો તમારી એના વિશે ગેરસમજ થવાની શક્યતા છે.'
 
`સર, હું તો એમ પણ કહીશ કે, અમારી પેઢીના એટલે કે યુવાનોના મનમાં પણ બહુ વિચિત્ર પ્રકારના આવેગોનો હુમલો થયા કરે છે. પહેલાં માત્ર મા બાપ કે શિક્ષકને સાંભળવાનું હતું, એમની પાસેથી સંસારનું જ્ઞાન લેવાનું હતું. એમની પાસેથી જીવનની સમજણ મેળવવાની હતી. પરિવાર ધાર્મિક હોય તો કોઈ સંત પણ જીવનની સમજણ આપવા માટે ઉપલબ્ધ હતા. હવે, આ બધું હોવા ઉપરાંત જગત આખું મોબાઇલમાં, ટીવીમાં અને કમ્પ્યુટરમાં ઉપલબ્ધ છે. એટલે દુર્ગુણો વિકસાવવાની અનેક લપસણીઓ ચારે બાજુ ઊભી થઈ ગઈ છે..! અમે માનીએ છીએ કે, અમારે પણ કોઈ વડીલ પાસે, દાદા-દાદી પાસે બેસીને થોડી વાતો સાંભળવી જોઈએ..!'
 
`શ્વેતા, તેં આ વાત કરી એનાથી મને બહુ સારું લાગ્યું! કારણ કે બધા લોકો વડીલોનો જ વાંક કાઢવામાં પડી જાય છે.. મને સમજાતું નથી કે, યુવાન છોકરાઓ ઘરમાં કોઈ મહેમાન આવે અથવા કોઈ વડીલ આવે ત્યારે એની સાથે વાર્તાલાપમાં કેમ જોડાતા નથી?'
 
`બિલકુલ સાચું છે.. કદાચ વડીલના જીવનનાં મૂલ્યો કે જીવન અંગેની સમજ સાથે સંમત ન થઈએ તો પણ એમની સાથે વાત તો કરવી જોઈએ!'
 
`Good, મને લાગે છે કે બાળપણથી જ ઘરમાં બાળક સાથે સૌએ કમ્યુનિકેટ કરતા રહેવું જોઈએ. આજની સમસ્યા એવી થઈ રહી છે કે ઘણા દાદા દાદીઓને એમના પૌત્ર-પૌત્રીઓને વાર્તા કહેવી છે, પણ પૌત્ર-પૌત્રી અંગ્રેજી માધ્યમમાં ભણે છે એટલે એને એના દાદા દાદી બહુ આઉટડેટેડ લાગે છે, જુનવાણી લાગે છે.. ઘણીવાર શિક્ષિકાઓ કે આવા બાળકોની માતાઓ પણ પૌત્ર-પૌત્રીઓને એમના દાદાઓ સાથે કે દાદીઓ સાથે વાતો નહીં કરવાની સૂચના આપતા હોય છે..! આ બહુ ખરાબ વલણ છે, કોઈપણ શિક્ષણ માણસને ખુલ્લા મનનો બનાવે એ એની પહેલી જરૂરિયાત છે. હું કહું એ જ સાચું કે હું માનું છું એ જ સાચું એ વૃત્તિ જો ઘરથી જ વિકાસ પામશે તો પછી એના જીવનમાં ખૂબ જ વિઘ્ન આવશે, કારણ કે આ જગતમાં કોઈ એવો દાવો ન કરી શકે કે મારું સત્ય અથવા મારી સમજણ એ જ અંતિમ છે.'
 
`યસ, સર! પણ આના માટે શું કરવું! કમ્યિનિકેશનના બ્રિજ તૂટી ગયા છે..'
 
`ના, શ્વેતા, તૂટી નથી ગયા, થોડું રિપેરીંગ માંગે છે, થોડું મેન્ટેનન્સ માગે છે.. શિક્ષણપ્રથા ઉપરાંત એક બીજું પરિમાણ ઉમેરાયું છે એ છે ન્યુક્લિયર પરિવાર.. એટલે કે ખૂબ જ નાનો પરિવાર! છોકરા છોકરી પરણે એટલે જુદાં રહેવા જાય, યુરોપના અને પશ્ચિમના ખ્યાલોથી પ્રાઇવસીનો હુમલો પણ આવે..'
 
`સર, માફ કરજો, પણ શૌર્યનો ફોન આવે છે એટલે મારે જવું પડશે, આવીને વાત ચાલુ રાખીશું..'

ભાગ્યેશ જહા

ગુજરાતી રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં એક સમયે સૌથી વરિષ્ઠ અધિકારી એવા ભાગ્યેશ જહા એક ઉત્તમ કવિ અને નિબંધકાર છે. તેમનું સંસ્કૃત ભાષા અંગેની સમજ અને જ્ઞાન પણ સરાહનીય છે.તે એક સમયે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.