એક અધ્યયનશીલ, ચિંતનશીલ, હિન્દુત્વ ગૌરવ માટે સમર્પિત જીવન એટલે મા. સુદર્શનજી....

18 Jun 2025 13:27:19


sangh shiksha varg saurashtra prant
 
- મા. શ્રી સુદર્શનજીઆ શતાબ્દી કોમ્પ્યુટરની શતાબ્દી નહિ હોય, હિન્દુત્વની શતાબ્દી હશે; સંપૂર્ણ વિશ્વનું માર્ગદર્શન હિન્દુસ્થાન કરશે. એ દ્રષ્ટિથી હિંદુ સમાજનું સંગઠન કરીએ. એને બલસંપ્ન્ન, સામર્થ્યસંપ્ન્ન બનાવીને દુનિયામાં સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર તરીકે દેશને ખડો કરીએ. આ કાર્યમાં જોડાઓ, સંઘનો આ સંદેશ સર્વત્ર ફેલાવો, એટલી મારી પ્રાર્થના છે.
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચોથા સરસંઘચાલક આદરણીય શ્રી રજ્જુભૈયાએ 9માર્ચ, 2009ની સાલમાં નાગપુરમાં મળેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભાના ઉદ્ઘાટન સત્રમાં સવારે ઘોષણા કરી કે, ‘‘હવે આપણા શ્રી સુદર્શનજી પાંચમા સરસંઘચાલક બને છે.’
 
શ્રી ગુરુજી અને શ્રી બાળાસાહેબ દેવરસજીએ સ્વતંત્ર ભારતમાં ‘સ્વ’નો શો અર્થ થાય છે એ સમજાવ્યું. આ બન્ને અલૌકિક પુરુષો કાળની ગતિમાં વિલીન થઈ ગયા. છતાંય સંઘ પાછો પડ્યો નથી. એ આગળ જ વધતો ગયો. આમ કેમ થયું ? સંઘમાં એક પ્રકારની વ્યક્તિ નિરપેક્ષ સામૂહિકતા પ્રતિષ્ઠિત છે, આવી સામૂહિકતા સ્થિર રહે.. વ્યક્તિ પદ પરથી હટે કે નવી આવે છતાંય પ્રવૃત્તિને - પ્રગતિને લેશમાત્ર આંચ ન આવે એવી અગાઉના ચારેય સરસંઘચાલકની ભૂમિકા રહી છે. આવા સુંદર વારસા સાથે મા. સુદર્શનજીએ સરસંઘચાલકનો પદભાર સંભાળ્યો હતો.
 
સુદર્શનજીનું પૂરું નામ છે મા. કુપહલ્લી સીતારામૈયા સુદર્શન. તેમનો જન્મ 18 જૂન, 1931ના રોજ મધ્યપ્રદેશના રાયપુર શહેરમાં થયો.
 
બાળવયથી જ મેધાવી એવા મા. સુદર્શનજી ટેલિકોમ્યુનિકેશનની એન્જિનિયરીંગની પદવી ધરાવતા હતા. તેમનો અભ્યાસ જબલપુરમાં થયો.
 
શ્રી સુદર્શનજીનું મૂળ વતન કર્ણાટકના માંડ્ય જિલ્લાનું કુપહલ્લી ગામ છે. નવ વર્ષની શિશુવયથી તેઓ સંઘ શાખામાં જતા હતા. મેધાવી હોવાને કારણે સંઘ શાખામાં થતી ચર્ચાઓમાં તેઓ રસપૂર્વક ભાગ લેતા, પરિણામે સ્વયંસેવકોમાં પણ એ પ્રીતિપાત્ર બની રહ્યા.
 
સંઘ કાર્યની તેમની ગતિ અને પ્રગતિ પણ વિશિષ્ટ પ્રકારની હતી. ગટનાયક, શિશુશિક્ષક, બાલશિક્ષકની જવાબદારીઓ તેમણે સુપેરે નિભાવી. જે વયમાં સંસાર માંડી સુખી ગૃહસ્થજીવન જીવવાનાં આજના યુવકો સ્વપ્નાં સેવે છે તે વયમાં 1954માં 23 વર્ષની ભરયુવાન વયે તેઓ એક સંન્યાસી જેમ સંસારનાં સઘળાં બંધનો તોડી સંન્યાસ ગ્રહણ કરી ગૃહત્યાગ કરે છે તેમ સુદર્શનજી પણ સંસારના બંધનોમાં બંધાયા નહીં. સંઘકાર્ય માટે તેમણે ઘર છોડ્યું. સુખી સંસારના સર્વ સુખોપભોગ છોડ્યા અને પોતાની वत्सले मातृभूमि પરમ વૈભવ પ્રાપ્ત કરે તે માટે તેમણે આજીવન ફકીરી સ્વીકારી સંઘના પ્રચારક તરીકે નીકળ્યા.
સંન્યાસી તો સંસાર છોડી ગિરિ ગવ્હરોમાં પહોંચી જાય છે આત્માના કલ્યાણ માટે ત્યારે સંઘનો પ્રચારક સંસારમાં રહી, સંસારના સુખોપભોગ સામે આવતા હોવા છતાં તે છોડીને માત્ર સમાજ અને દેશના શ્રેયાર્થે કાર્ય કરવા લાગી જાય છે.
 
મા સુદર્શનજી આ જ પંથના પંથી હતા. સંઘકાર્યના પ્રચાર-પ્રસાર માટે તેઓ સોંપાયેલ કાર્યવિસ્તારનો ખૂણે ખૂણો ફરી વળ્યા. 1964માં તેઓ મધ્ય ભારતના પ્રાંત પ્રચારક બન્યા. 1977ની સાલમાં તેમને પૂર્વાંચલમાં સંઘકાર્યના વિશેષ વિસ્તારની જવાબદારી સોંપાઈ અને આસામ બંગાળ તથા તેના સીમાવર્તી પ્રાંતોમાં સંઘકાર્યના વિસ્તારની જવાબદારી સોંપાઈ. આ વિસ્તારમાં તે ખૂબ ફર્યા.
 

Sarsanghachalak Sudarshan vishe mahiti 
 
કામમાં ઉપયોગી થાય તે માટે તેમણે પોતાની ભાષા ઉપરાંત મરાઠી, બંગાળી, હિન્દી અને અંગ્રેજી પર પ્રભુત્વ મેળવ્યું. આ ઉપરાંત ગુજરાતી, આસામી, ઉડિયા અને કન્નડ ભાષા સમજી કે વાંચી શકતા પણ લખી ન શકતા.
બેએક વર્ષ પછી તેમને અખિલ ભારતીય શારીરિક પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ ત્યારબાદ બૌદ્ધિક પ્રમુખની જવાબદારી સોંપાઈ. પોતાને સોંપાતી પ્રત્યેક જવાબદારી તેઓ નિષ્ઠાપૂર્વક નિભાવતા રહ્યા. એટલું જ નહીં પણ સફળતાપૂર્વક પાર ઉતરતા રહ્યા.
 
1990માં તેમને સંઘના સરકાર્યવાહની જવાબદારી સોંપવામાં આવી.
 
2000ની સાલમાં સંઘના તત્કાલીન સરસંઘચાલક મા. રજ્જુભૈયાએ તબિયત અસ્વસ્થ રહેતી હોઈ જવાબદારીમાંથી મુક્ત થવા વિચાર્યું અને 9મી માર્ચ 2000ની સાલમાં સંઘના સરસંઘચાલકની જવાબદારી શ્રી સુદર્શનજીના શિરે આવી.
 
આમ 2000ની સાલથી મા. સુદર્શનજી સરસંઘચાલકની જવાબદારી સંભાળતા હતા. જે લોકો સંઘની અંતરંગ પરિપાટીથી પરિચિત નથી, તેઓ અન્ય સંસ્થાઓ જેવો જ સંઘને ગણે છે. તેમને લાગે છે કે અહીં પણ પદપ્રાપ્તિ માટે ખેંચાખેંચ ચાલતી હશે. કેટલાક તો જાતજાતની અને ભાતભાતની અટકળોનો દોર ચલાવવા માંડે છે, પણ જ્યારે સહજભાવે બધું પતી જાય ત્યારે તેમને આશ્ર્ચર્ય થાય છે પણ સંઘની પરિપાટીમાં જવાબદારીની સોંપણી સહજભાવે થતી હોય છે.
 

Sarsanghachalak Sudarshan vishe mahiti 
 
સુદર્શનજીના કાર્યકાળ દરમ્યાન પણ સંઘ વિશેષ પ્રગતિશીલ રહ્યો.
 
વિદેશોમાં સંઘકાર્ય, ‘હિન્દુ સ્વયંસેવક સંઘ’ એ નામ નીચે ચાલે છે. વિદેશોમાં સંઘકાર્ય પાંગરે તે માટે તેમણે પૂર્વના દેશો તથા આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, અમેરિકા સહિત પશ્ર્ચિમના અનેક દેશોનો પ્રવાસ કર્યો છે.
 
સ્વામી વિવેકાનંદે વિશ્ર્વધર્મ પરિષદમાં આપેલા ભાષણની શતાબ્દી નિમિત્તે વોશિંગ્ટનમાં ભરાયેલ વૈશ્ર્વિક પરિષદના ઉદ્ઘાટન સમારંભના મુખ્ય અતિથિ તરીકે મા. સુદર્શનજી હતા. બહુમુખી પ્રતિભા ધરાવતા સુદર્શનજી એક ઉત્તમ વક્તા છે. હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ જીવનદર્શનને ભૌતિક રીતે સમજાવનારા ઉત્તમ અને પ્રભાવી વક્તાઓમાંના તેઓ એક છે.
 
સંઘ દ્વારા ચાલતા પ્રકલ્પો જેવા કે પ્રજ્ઞાભારતી, લઘુઉદ્યોગ ભારતી, વિદ્યાભારતીને પણ તેમનું માર્ગદર્શન મળતું રહેતું.
મા. સુદર્શનજી સ્વદેશીના આગ્રહી હતા. પૂર્વોત્તર ભારતનો તેમનો અભ્યાસ અને ચિંતન ઊંડા હતાં. તો રાષ્ટ્રીય વિચારધારા ધરાવનાર મુસલમાનોને મળી તેમને દેશના રાષ્ટ્રીય પ્રવાહમાં ભેળવવા તેમણે ભરચક પ્રયાસો કર્યા.
 
સરસંઘચાલકપદનો ભાર સંભાળ્યા પછી તેઓ અવારનવાર ગુજરાતની મુલાકાતે પધારતા એટલું જ નહીં તે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે બેસીને કાર્યની વૃદ્ધિ માટે સતત સહચિંતન પણ કરતા, પરિણામે ગુજરાતના સંઘના સ્વયંસેવકો અને અધિકારીઓને પણ સ્પષ્ટ દર્શન થતું રહેતું.
 
તેઓ મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપતા. સરસંઘચાલક ન રહેવા છતાં હું સ્વયંસેવક તો છું જ એમ કહેનાર મા. રજ્જુભૈયાના જેવો જ ભાવ મા. સુદર્શનજીએ પણ વ્યક્ત કર્યો હતો.
 
મા. શ્રી સુદર્શનજી દરરોજ સવારે ચાલવા જતા હતા અને ત્યારબાદ હળવો વ્યાયામ, યોગાસનો અને પ્રાણાયામ કરતા હતા. તા. 15મી સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ પણ તેઓ તેમના નિત્યક્રમ મુજબ ચાલવા ગયા હતા અને આવીને પ્રાણાયામ કરતા હતા તે દરમિયાન  તેમનું અવસાન થયું હતું.
 
મુસ્લિમ જગત અને સુદર્શનજી
 
વર્ષ 2009ના જૂન માસની પાંચમી તારીખ. આ દિવસે છત્તીસગઢ રાજ્યની રાજધાની રાયપુરમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચનો એક ત્રણ દિવસનો અભ્યાસવર્ગ હતો.
 
આ અભ્યાસવર્ગમાં ‘મજબૂત હિન્દુસ્થાનના પાયામાં મુસ્લિમ સમાજની ભાગીદારી’ આ વિષય અંગેનો એક પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. પરિસંવાદના મુખ્ય વક્તા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અ.ભા. કાર્યકારિણીના સભ્ય શ્રી ઇન્દ્રેશ કુમારજી. તેમણે કહ્યું, ‘મુસ્લિમ મત પ્રમાણે મુસ્લિમોના બે કર્તવ્યોમાં દેશપ્રેમની ભાવનાનો સ્વીકાર થયો છે.’ તેમણે આગળ કહ્યું, ‘જેમણે દેશના ભાગલા કર્યા તે લોકો રસૂલના નહીં શયતાનના માણસો હતા. અને આજે દેશમાં જે મુસ્લિમો છે તે દેશભક્ત છે.’
 
વર્ગનું સમાપ્ન 7મી જૂનના દિવસે થયું. સમાપ્ન સમારોહના અતિથિ હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિવર્તમાન સરસંઘચાલક કુપ્. સી. સુદર્શનજી. તેમણે કહ્યું, ‘ઇસ્લામનો અર્થ છે શાંતિ તથા અમન. એટલે ઇસ્લામમાં માનનારાઓએ પયગંબરના પગલે ચાલીને દેશમાં અમન અને શાંતિનો માહોલ બની રહે તે માટે શક્ય તેટલા પ્રયાસો કરવા જોઈએ. ઇસ્લામ દેશ સાથે પ્રેમ કરવાનો હુકમ કરે છે. મહંમદ સાહેબે જુદા જુદા કબીલાઓને એક કરીને અરબમાં કૌમિયતનો પયગામ આપ્યો.’ તેમણે વધુમાં કહ્યું કે ભારતમાં રહેનારા મુસલમાનો પોતાને લઘુમતી શા માટે માને છે? તેઓ ભારતના અભિન્ન અંગ છે. ભારતમાં બહારથી આવેલા તે લઘુમતી કહેવાય. એમની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી છે. સાચા અર્થમાં તો યહૂદી અને પારસીઓ ભારતમાં લઘુમતી છે. તેમણે આગળ જણાવ્યું કે, ‘બધા જ મતો અને પંથોમાં દેશસેવાની વાત કહેવામાં આવી છે. ભગવાન અને ખુદા પણ આમ જ કહે છે. ધર્મ અનેકતામાં એકતાને ટેકો આપે છે. વિશ્ર્વમાં 56-57 મુસ્લિમ દેશ છે અને તે આ બધા દેશો મુસ્લિમ ઉમ્માનો સંદેશો આપે છે, છતાંય તે અંદરોઅંદર લડે છે.
 
શ્રી સુદર્શનજીએ મુસ્લિમ રાષ્ટ્રીય મંચને બિરદાવતાં કહ્યું કે, ‘આ મંચની રચના કેટલાક ઉલેમા અને દાતારોએ એકમત થઈને કરી છે. આનો આશય દેશમાં એકતા, ભાઈચારો અને કોમી એખલાસ સતત ચાલુ રહે તે છે. આ ઉપરાંત ત્રણ વાર તલ્લાક કહેવાની પ્રથા નાબૂદ કરવી, સમાન નાગરિક કાનૂન, રામ મંદિર નિર્માણ, ગરીબ મુસ્લિમોને મફત શિક્ષણની વ્યવસ્થા, ગૌહત્યા પર પ્રતિબંધ અને દેશભક્તિનો ભાવ પેદા કરવો એ જ મંચનો ઉદ્દેશ છે.’
Powered By Sangraha 9.0