કોની ધરપકડ કરવાની છે તેની યાદી ૨૩ જૂન, ૧૯૭૫ના દિવસે તૈયાર થઈ ગઈ. ૨૫મી જૂનની કાળરાત્રિએ સરમુખત્યાર શાસને કાંઈ જ કારણ વિના કટોકટી (ઇમરજન્સી)નો વટહુકમ બહાર પાડ્યો. ૨૫ જૂન, ૨૦૨૫ એટલે કટોકટીનો ૫૧મો કાળો દિવસ. માનવતા ય જ્યારે મરી પરવારી. સત્તા ચાખી જનાર નહીં બલ્કે આખેઆખી ગળી જનાર સરમુખત્યારને સત્તા ન છોડવી પડે, બસ માત્ર એ માટેની જ ગોબાચારી એટલે કટોકટી. સંવિધાનને તો ઠીક એના અપરિવર્તનશીલ આમુખ (Preamble)ને પણ છેહ દેવામાં આવ્યો. ધન્ય છે, સંઘને; એની રાષ્ટ્ર માટે મરજીવી માનસિકતાને, ધન્ય છે જયપ્રકાશ નારાયણ સહિતના નિડર વિપક્ષી નેતૃત્વને અને કેટલાંક નિર્ભય અખબારો તથા તેના પત્રકારોને! ગુજરાતમાં `સાધના' સાપ્તાહિકે પણ કટોકટીની કાળરાત્રિ વિરુદ્ધ બુલંદ અવાજ ઉઠાવેલો. `સાધના'ના વ્યવસ્થાપક-ટ્રસ્ટી-કર્મચારીઓને પણ જેલમાં જવું પડેલું. એક બાજુ સંવિધાનને વિકૃત કરનાર કોંગ્રેસની સરમુખત્યારી હતી તો બીજી બાજુ સંવૈધાનિક માર્ગે લોકતંત્રને બચાવવાનો દૃઢ નિર્ધાર હતો, જનાધાર હતો.
આઝાદી પહેલાં સ્થપાયેલ કોંગ્રેસના `ધ નૅશનલ હેરાલ્ડ' દૈનિકના માસ્ટરહેડ સાથે એક વાક્ય છપાતું `Freedom is in peril, defend it with all your might.' સ્વતંત્રતા પર જોખમ છે, પૂરી તાકાત નિચોવીને એની રક્ષા કરો.' આ વાક્ય જ ગાયબ કરી દેવાયું. કોંગ્રેસ ખુલ્લી પડી ગયેલી, તેની નિયત જાહેર થઈ ગયેલી.
૨૫ જૂન, ૧૯૭૫. ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન પદેથી હટાવવાની બુલંદ માગણી સાથે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. હિન્દી સાહિત્યના વિખ્યાત કવિ રામધારીસિંહ દિનકરની ‘सिंहासन खाली करो कि जनता आती है..’ વાળી વિખ્યાત કવિતા જયપ્રકાશ નારાયણે જુસ્સાભેર લલકારી હતી. ઉપરોક્ત કવિતાની આ રહી એ બે સશક્ત પંક્તિઓ..
हुंकारों से महलों की नींव उखड़ जाती
सांसों के बल से ‘ताज’ हवा में उड़ता हैહા..
આ બે પંક્તિઓ ચરિતાર્થ થઈ અને કટોકટીના અંતે સરમુખત્યારી `તાજ' હવામાં ઉડતો થઈ ગયો..
આ કટોકટી કેમ નાંખવી પડી તેના મૂળમાં જઈએ. ઇન્દિરા ગાંધી દેશમાં ઉત્પાદન ન વધે અને ગરીબી કાયમ માટે ચાલુ રહે તે માટે ગમે તે હદે જવા તૈયાર હતાં. તેમનું `ગરીબી હટાવો' સૂત્ર બહુ મોટી વૉટ-બેન્કનું લોહચુંબક હતું. ગરીબી સલામત રહેવી જોઈએ, એ તેમનો સત્તા ઉપર ચીપકી રહેવામાં સફળ પૂરવાર થયેલો કાળો જાદુ હતો.
સદનસીબે દેશની કર્મણ્યતા જાગી, પૌરૂષ જાગ્યું. બુનિયાદી સત્યો બહાર પડવા લાગ્યાં. જન-જનમાં જાગૃતિ આવી. કાવતરાં-ભ્રષ્ટાચારો-ભેદભરમો બહાર આવવા લાગ્યા. દેશ આર્થિક પાયમાલી, બેરોજગારીની ખીણમાં ગરકાવ થઈ રહ્યો હતો. જનતાની ઉઘાડી લૂંટ ચલાવતો અધધધ ૯૭.૫ % સુધીનો ઈન્કમટેક્ષનો દર હતો.
ઢગલો ઉદાહરણોમાંથી એક ઉદાહરણ આપું. ઘનશ્યામદાસ બિરલાના પૌત્ર આદિત્ય બિરલા. તેમની રગેરગમાં ધંધાકીય સૂઝ. તેઓએ ખાડે ગયેલી મિલ ખરીદી. બે વર્ષમાં તો નફો મેળવતી કરી દીધી. ઇન્ડિયન રેયોન સંજીવની પામ્યું. પરંતુ ઉત્પાદન વધારવાની સતત કરેલી અરજીઓ સરકારે નકારી કાઢી ત્યારે આદિત્ય બિરલાને પાકી ખાત્રી થઈ ગઈ કે, આ સરકારના રાજમાં ભારતમાં ઇન્ડસ્ટ્રીઝનું કોઈ જ ભવિષ્ય નથી. છેવટે હારી-થાકીને તેઓએ ૧૯૭૦માં થાઈલેન્ડમાં સિન્થેટિક ફાઇબરથી લઈ અનેક ઉદ્યોગો શરૂ કર્યા. રેયોન પ્લાન્ટ ધમધમતો કર્યો. ત્યાર પછી ફિલિપાઇન્સ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને ઇજિપ્તમાં સંખ્યાબંધ ઉદ્યોગો ફટાફટ શરૂ કરી દીધા. તેઓએ સ્થાપેલા વિશ્વવ્યાપી ઉદ્યોગોનું રૉ-મટીરીયલ્સથી લઈ ફાઈનલ પ્રોડક્ટ સુધીનું ચક્ર જુઓ... કેનેડામાં પલ્પ ખરીદી તેના વડે થાઈલેન્ડમાં સ્ટેપલ ફાઇબર બનાવતા, તેને ઈન્ડોનેશિયામાં યાર્નમાં રૂપાંતરિત કરીને બેલ્જિયમ મોકલાતું, જ્યાંથી અંતે.. વિવિધ ડિઝાઇન સાથે કેનેડા એક્સપોર્ટ! તમામ ધંધાકીય પ્રવૃત્તિના કેન્દ્રમાં ભારતના આદિત્ય બિરલા, છતાં ભારત તેમાં ક્યાંય નહીં!
જ્યારે દેશ સ્વતંત્ર થયો, અનેક નવી આશાઓ જાગી હતી, પરંતુ શરૂઆતના વર્ષોમાં જ આ પ્રકારનું નઘરોળ-અંધેર તંત્ર ચાલ્યું. જો પ્રારંભથી નકલચી લોકોના બદલે `સ્વ'માં શ્રદ્ધા રાખનાર લોકોનું શાસન હોત તો આપણો દેશ તો સર્વસમર્થ હોત જ, સાથે સાથે આજે વિશ્વમાં ચાલતી અંધાધૂંધી ન હોત, કારણ કે ભારત વિશ્વનું નિયામક હોત.
ભારતની જેલોમાં સબડનાર એક લાખ દસ હજાર લોકોના અગાધ રાષ્ટ્રપ્રેમની અને જેલોની અમાનવીય યાતનાઓમાં પ્રાણોની આહુતિ આપનારા અસંખ્ય હુતાત્માઓની રાષ્ટ્રભક્તિને એળે જવા દેવામાં નહીં જાય, કારણ કે હવે સમગ્ર રાષ્ટ્ર નવ સંકલ્પિત બન્યું છે.