`ધ વાયર' લખે છે કે.....
`ધ વાયર' નામની ડાબેરી વેબસાઇટમાં એક લેખ હતો, Radical Rahul Nobody Expected. મીનાક્ષી કાંડાસામીનો આ લેખ એ ૩૦ મે, ૨૦૨૪ના રોજ પ્રકાશિત થયો હતો. સામ્યવાદીઓમાં પણ પેટા સંપ્રદાયો છે. કોઈએ મૂળ પકડી રાખ્યું છે એટલે કે માર્ક્સવાદી છે, તો કોઈ લેનિન (સોવિયેત સંઘ/અત્યારનું રશિયા)વાદી છે, તો કોઈ ચીનનું માઓવાદી છે, તો કોઈ ટ્રૉટસ્કીવાદી છે (આ પ્રકારો પર ફરી ક્યારેક વિસ્તારથી). મીનાક્ષી કાંડાસામીના પાર્ટનર (આ લોકો પાછા પરણવામાં ન પણ માનતા હોય, તેથી તેમના પતિ નહીં, પાર્ટનર હોય) સેડ્રિક ટ્રૉટસ્કીવાદી છે. મીનાક્ષી કાંડાસામી લખે છે કે, રાહુલ ગાંધીની સાથે તેમની મુલાકાત ગુજરાતના કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણીએ કરાવી હતી.
આ લોકો હિન્દુત્વનું સમર્થન કરનારા, દેશના વિચારોનું સમર્થન કરનારાને કોઈ પક્ષના પ્રવક્તાનું લેબલ લગાડી દે, ગોદી મીડિયા કહી દે, પરંતુ તેની પાછળ પોતે વટાવી દીધેલી સીમાઓ પર ઢાંકપિછોડો કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. આ લેખમાં રાહુલ ગાંધીએ કેવાં કપડાં પહેર્યાં હતાં, પોતે સાત જ વર્ષનાં હતાં ત્યારે રાજીવ ગાંધી ગુજરી ગયા ત્યારે તેમને કેવું દુઃખ થયું હતું, રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં પોતે જોડાયાં ત્યારે રાહુલ ગાંધી કેટલું ઝડપથી ચાલતા હતા, આ બધી જીહજૂરી પછી તેઓ લખે છે કે, રાહુલ ગાંધી એવા નેતા છે જેની દેશને આવશ્યકતા છે. આવા નેતા ખરેખર તો ડાબેરીઓમાંથી ઊભરીને આવવા જોઈતા હતા.
તે પછી મીનાક્ષી કાંડાસામી શું લખે છે તે શબ્દો પર બરાબર ધ્યાન આપજો. `કોઈને ધારણા નહોતી કે, રાહુલ ગાંધી જેવા રાજવંશીય (શું ગાંધી પરિવાર રાજા છે?) કટ્ટર રેબલ રાઉઝર (રેબલ રાઉઝર એટલે તોફાનો ભડકાવનાર) થવાના જોખમમાં પડશે.'
રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ચીનના સામ્યવાદી પક્ષે દાન આપ્યું ...???
રાહુલ ગાંધીએ અને તેમનાં માતા સોનિયા ગાંધીએ અનુચ્છેદ ૩૭૦ હોય કે સીએએ, જનતાને ભડકાવવાનું કામ તો કર્યું જ છે. સીએએ માટે સોનિયા ગાંધીએ દિલ્લીની સભામાં આરપારની લડાઈનું આવાહ્ન કર્યું હતું. ચીનની સેના ભૂતાનના ડોકલામમાં આવી ગઈ હતી ત્યારે ભારતીય સેના તેની સામે ૭૨ દિવસ ઊભી હતી ત્યારે રાહુલ ગાંધી ચીનના રાજદૂતને ચોરીછૂપીથી મળી આવ્યા હતા. ચીનના સામ્યવાદી પક્ષ સાથે કોંગ્રેસના એમ.ઓ.યુ. છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ચીનના સામ્યવાદી પક્ષે દાન આપ્યું છે, તેમ ભાજપનો આક્ષેપ છે.
ઇણ્ડિ ગઠબંધનના આ રાજકીય પક્ષો પાછા નક્સલવાદ-માઓવાદ માટે એકબીજા પર આક્ષેપ પણ કરતા હોય છે. દા. ત. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે (સીપીએમે) પોતે સત્તામાં હતો ત્યારે વર્ષ ૨૦૧૦માં મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પર નક્સલવાદીઓને આશ્રય આપવાનો આક્ષેપ કર્યો હતો. અને આ આક્ષેપ માત્ર નિવેદનના રૂપે કે ચૂંટણીસભામાં નહોતો. આ આક્ષેપ સીપીએમના સાંસદ એ. સંપતે લોકસભામાં કર્યો હતો !
ણમૂલના નેતા કઈ રીતે માઓવાદીઓ સાથે જાહેરમાં હાથ મેળવી શકે?
તે સમયે (૨૦૧૧માં) પ. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હતી. મમતા બેનર્જીએ લાલગઢમાં ચૂંટણી સભા કરી હતી. આ ચૂંટણી સભાને માઓવાદીઓ દ્વારા સમર્થિત પીપલ્સ કમિટી અગેઇન્સ્ટ પોલીસ એટ્રૉસિટિઝ (પીસીપીએ)એ ટેકો જાહેર કર્યો હતો. સીપીએમે કહ્યું હતું કે, ડૉ. મનમોહનસિંહે જેમને આંતરિક સુરક્ષા માટે સૌથી મોટો ભય ગણાવ્યા છે તેવા માઓવાદી સાથે કેન્દ્રીય પ્રધાન (મમતા તે વખતે રેલવે પ્રધાન હતાં) અને તૃણમૂલના નેતા કઈ રીતે માઓવાદીઓ સાથે જાહેરમાં હાથ મેળવી શકે?
આ ડાબેરી મીડિયાની બદમાશી જુઓ...!
ડૉ. મનમોહનસિંહ વડા પ્રધાન હતા ત્યારે તેમણે જેમને આંતરિક સુરક્ષા પર ભય ગણાવેલા તે માઓવાદીઓ સાથે કોંગ્રેસ નેતાઓની પણ મિલીભગત રહી છે. ડાબેરીઓના પ્રિય `ધ હિન્દુ' સમાચારપત્રએ ૨૨ ઑક્ટોબર, ૨૦૧૫એ સમાચાર છાપ્યા હતા કે, છત્તીસગઢના કોંગ્રેસના એક નેતાની બે માઓવાદી નેતાઓ સાથેની તસવીરથી છત્તીસગઢમાં હોબાળો મચી ગયો છે અને એવી અફવા ફેલાઈ છે કે તેઓ માઓવાદીઓની સહાયથી બીજાપુરના ધારાસભ્ય અને રાજ્યના વન ખાતાના રાજ્ય પ્રધાન મહેશ ગગડાની હત્યા કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. જોકે નિર્ભય પત્રકારત્વની ડીંગો હાંકતા આ ડાબેરી મીડિયાની બદમાશી જુઓ. તેણે આ નેતાનું નામ પણ છાપ્યું નહોતું.
ત્યારે આ જ કોંગ્રેસને પીડા થઈ આવી....
સીપીએમે લાલગઢ માટેનો આક્ષેપ તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસના ગઠબંધન પર કર્યો હતો, કારણ કે તે વખતે યુપીએ સરકારમાં અને પ. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ-કોંગ્રેસનું ગઠબંધન હતું. તો સામા પક્ષે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે લાલગઢને નક્સલીઓનો અડ્ડો બનાવવા માટે સીપીએમ ઉત્તરદાયી છે. સીપીએમના નેતૃત્વવાળી ડાબેરી મોરચાની સરકારે પીપલ્સ વૉર ગ્રૂપ અને સીપીઆઈ (માઓઇસ્ટ) પર પ્રતિબંધ નહીં મૂકીને લાલગઢમાં નક્સલીઓને મોકળું મેદાન આપી દીધું છે. પ. બંગાળ વિધાનસભામાં કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યજી આ પક્ષો સાથે રાજકીય રીતે વર્તવા માગે છે.
એ સમયે કોંગ્રેસ આ પક્ષો સાથે રાજકીય રીતે વર્તવાના બદલે તેમના પર પ્રતિબંધ મૂકી કડક કાર્યવાહી કરવા માગણી કરી હતી, પરંતુ તાજેતરમાં જ્યારે `ઑપરેશન સિંદૂર' સમયે અને તે પહેલાં સુરક્ષા દળો માઓવાદીઓ અને નક્સલોનો સફાયો કરી રહ્યાં હતાં ત્યારે આ જ કોંગ્રેસને પીડા થઈ આવી.
તેમણે કહ્યું કે માઓવાદીઓ ભારતીય નાગરિકો જ છે. તેમની સાથે ...
`ઑપરેશન સિંદૂર' સમયે માઓવાદીઓ અને નક્સલવાદીઓને સુરક્ષા દળો ઠાર મારી રહ્યા હતા અને વિશેષ તો સીપીએમ (માઓવાદી)ના મહામંત્રી નંબલા કેશવ રાય ઉપાખ્યે બસવરાજુ પણ ઠાર મરાયો, તે પછી કોંગ્રેસ અકળાઈ ઊઠી. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બી. મહેશકુમાર ગૉડે સુરક્ષા દળોની કાર્યવાહી અટકાવવા માગણી કરી! તેમણે કહ્યું કે માઓવાદીઓ ભારતીય નાગરિકો જ છે. તેમની સાથે વાટાઘાટ કરાવી જોઈએ.
સીપીએમના નવા મહા મંત્રી એમ. એ. બેબીએ પણ કહ્યું કે, માઓવાદીઓ સામે કાર્યવાહી અટકાવી દેવી જોઈએ. તેમની સાથે વાતચીત કરવી જોઈએ. વિચાર કરો કે, આ માઓવાદીઓ જેઓ છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં વિકાસ થવા નથી દેતા, તિરંગો ફરકાવવા નથી દેતા તેમને બચાવવા માટે કોંગ્રેસ અને સીપીએમ માગણી કરી રહી છે. ચીનના સામ્યવાદી પક્ષ સાથે કોંગ્રેસનું એમઓયૂ, રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ચીનના સામ્યવાદી પક્ષનું દાન, મીનાક્ષી કાંડાસામીનું રાહુલ ગાંધીને રેડિકલ લેફ્ટ કહેવું, કોંગ્રેસ દ્વારા માઓવાદીઓનો સફાયો ન કરવા અપીલ... આ બધી બાબતોની કડી જોડો તો શું બહાર આવે છે? દુઃખદ રીતે કોંગ્રેસ અત્યારે પાકિસ્તાનની પણ સમર્થક બની ગઈ છે.
`ઑપરેશન સિંદૂર' સમયે પણ કોંગ્રેસના નેતાઓએ પાકિસ્તાન તરફી નિવેદનો કર્યાં હતાં. રાહુલ ગાંધીના બનેવી રૉબર્ટ વાડ્રાએ તો કહ્યું હતું કે, ભારતમાં મુસ્લિમોની સ્થિતિ ખરાબ છે, તેમના પર અત્યાચાર થાય છે તેથી પહલગામમાં તેમણે હિન્દુઓને ધર્મ પૂછીને મારી નાખ્યા! આવો બચાવ તો પાકિસ્તાન પણ નથી કરતું અને હવે તો ત્રાસવાદી સંગઠનો પણ આવો એજન્ડા નથી ચલાવતાં.
`ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ છે?' તો કનિમોઝીએ સુંદર ઉત્તર આપ્યો, `વિવિધતામાં એકતા.'
પાકિસ્તાન સામેની ત્રાસવાદી વિરોધી કાર્યવાહી `ઑપરેશન સિંદૂર' અંગે વિપક્ષોના સાંસદો શશિ થરૂર, મનીષ તિવારી, પ્રિયંકા ચતુર્વેદી, કનિમોઝી અને અસદુદ્દીન ઓવૈસી વિદેશમાં જઈને પાકિસ્તાન વિરુદ્ધ મજબૂત ઉત્તરો આપી સુંદર કામ કર્યું. એક નેરેટિવ બન્યો કે પાકિસ્તાન સામે ભારતના પક્ષો એક છે. આ પ્રતિનિધિમંડળની વિશેષતા એ હતી કે તેમની પસંદગી મોદી સરકારે બહુ ચતુરાઈપૂર્વક કરી હતી. તેઓ અલગ-અલગ રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ તો કરતા હતા, સાથે અલગ-અલગ પ્રાંત, અલગ-અલગ પંથ અને અલગ-અલગ ભાષાના હતા. શશિ થરૂર કેરળના કોંગ્રેસી સાંસદ છે. કનિમોઝી દ્રમુકનાં સાંસદ છે. પ્રિયંકા ચતુર્વેદી મહારાષ્ટ્રની શિવસેના (ઉદ્ધવ ઠાકરે)નું પ્રતિનિધિત્વ કરે છે. આમાંથી દ્રમુક અને શિવસેના પોતાનાં રાજ્યોની મૂળ પ્રજા અને ભાષા બાબતે કટ્ટર છે. તેઓ અનુક્રમે તમિળ અને મરાઠીનો જ આગ્રહ રાખે છે.
આથી જ એક પત્રકારે કનિમોઝીને ચોંટિયો ભર્યો કે `ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ છે?' તો કનિમોઝીએ સુંદર ઉત્તર આપ્યો, `વિવિધતામાં એકતા.' અસદુદ્દીન ઓવૈસીએ પણ પાકિસ્તાનને મજબૂત રીતે ઘેર્યું. શશિ થરૂર કૉલંબિયામાં ગયા તો ત્યાં તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે, કૉલંબિયાએ પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ મર્યા તે અંગે શોક વ્યક્ત કરતું નિવેદન આપ્યું હતું. શશિ થરૂરનો એવો પ્રભાવ પડ્યો કે, જેના લીધે કૉલંબિયાએ પોતાનું નિવેદન પાછું ખેંચ્યું.
`ઑપરેશન સિંદૂર' પછી ત્રણ મહત્ત્વના ફેરફાર....
ભારતની નીતિમાં મોદીજીએ તો `ઑપરેશન સિંદૂર' પછી ત્રણ મહત્ત્વના ફેરફાર જાહેર કર્યા જ હતા (૧) ત્રાસવાદના કોઈ પણ કૃત્યને યુદ્ધનું કૃત્ય ગણી ઉત્તર આપવામાં આવશે. (૨) ત્રાસવાદીઓ અને ત્રાસવાદને પોષક સરકાર વચ્ચે કોઈ અંતર નહીં સમજવામાં આવે. (૩) પાકિસ્તાન પાસે પરમાણુ શસ્ત્રો છે તેવી ધમકીથી ભારત ડરી નહીં જાય.
પરંતુ શશિ થરૂરે તો પનામામાં જઈને કહી દીધું કે, ભારત ભલે ગાંધીજીનો દેશ હોય, પરંતુ ગાંધીજીની એવી ખોટી નીતિ પર નહીં ચાલે જેમાં ગાંધીજી કહેતા હતા કે કોઈ આપણને એક ગાલ પર લાફો મારે તો બીજો ગાલ આગળ ધરવો.
શશિ થરૂર વિદેશમાં ભારત વતી મજબૂત પક્ષ મૂકી રહ્યા હતા તે સમયે કોંગ્રેસના અહીંના પ્રવક્તા તેમને શું કહી રહ્યા હતા? કોંગ્રેસે દલિત નેતા ઉદિત રાજને આગળ ધરીને શશિ થરૂર પર આક્ષેપ કરાવડાવ્યો કે, શશિ થરૂર ભાજપના પ્રવક્તા તરીકે વર્તી રહ્યા છે.
રાહુલ ગાંધીને લાગે છે કે ભારતે શરણાગતિ સ્વીકારી લીધી છે. ...?
આવામાં કોંગ્રેસના પડદા પાછળના અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દર (નરેન્દ્ર મોદી) મતલબ સરેન્ડર એટલે કે રા. સ્વ. સંઘ અને ભાજપને તો શરણાગતિ સ્વીકારવાની બ્રિટિશરો સમયથી ટેવ છે, તેવું કહી વિવાદનો મધપૂડો છંછેડી દીધો. આપણે બધાએ પાકિસ્તાનમાં વિનાશનાં દૃશ્યો જોયાં છે. ત્યાંની સંસદમાં સાંસદોને રોઈ-રોઈને અલ્લાહ પાસે માફી માગતા જોયા છે. ત્યાંના નાગરિકો સોશિયલ મીડિયામાં કહેતા હતા કે, બહુ મોટા પાયે વિનાશ થયો છે. પરંતુ રાહુલ ગાંધીને લાગે છે કે ભારતે શરણાગતિ સ્વીકારી લીધી છે. રાહુલ ગાંધીના નિવેદનને પાકિસ્તાનના મીડિયાએ ઉછાળી ઉછાળીને બતાવ્યું, તે જ સૂચવે છે કે સચ્ચાઈ શું છે?