દિનાંક ૨૨ નવેમ્બર, ૨૦૧૯ની સાંજે ભારતમાં હજારો લોકો એક ટી.વી.ચેનલ પર પ્રસારિત થતો એક ઇન્ટરવ્યૂ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. આ ચેનલનું નામ છે ABP ચેનલ. ઇન્ટરવ્યૂ લેનાર હતી એન્કર રૂબિકા લિયાકત ખાન અને ઇન્ટરવ્યૂ આપનાર હતા પાકિસ્તાનના મુહાઝિરોના પ્રખર નેતા અલ્તાફહુસેન. લંડનથી લાઈવ ઇન્ટરવ્યૂ આપનાર મુહાઝિરના જુજારૂ નેતા પાકિસ્તાનમાં પોતાની મુહાજિર કોમ પર થતા જુલ્મો બાબતે અત્યંત આક્રોશપૂર્વક બોલતા હતા કે, `પાર્ટીશન કે વક્ત ભારત કો છોડકર પાકિસ્તાન જાના હમારી ગલતી થી. ઉસ સમય હમારે બુઝુર્ગ લોગ બેવકૂફ બન ગયે ઔર ભારત છોડકર પાકિસ્તાન આ ગયે. લેકિન હિન્દુસ્તાન હમારી જન્મભૂમિ હૈ, હમારી માઁ હૈ. પાકિસ્તાન મેં હમ મુહાઝિરો કા ખૂન બહાયા જાતા હૈ. અગર મૈં પાકિસ્તાન કા પ્રાઇમ મિનિસ્ટર હોતા તો બટવારે કિ દિવારે ગીરા દેતા. મૈં જન્મભૂમિ ભારત કી માફી ચાહતા હું. મૈં ભારત વાપસ જાના ચાહતા હૂં...' આમ અસ્ખલિત વાણીમાં અલ્તાફહુસેન ભાગલા પછી ભારત છોડી પાકિસ્તાન જવાની ભૂલનો એકરાર કરી રહ્યા હતા.
સંવેદનાથી ભરેલા તેમના આ ઇન્ટરવ્યૂમાં `મુહાજિર' શબ્દ વારંવાર આવતો હતો ત્યારે મુહાજિર કોણ છે તે જાણવું આવશ્કયક છે. `મુહાજિર' અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે `શરણાર્થી'. ભાગલા સમયે જે મુસ્લિમો ભારત છોડી પાકિસ્તાનમાં ગયા તે લોકો ત્યાં મુહાજિરો તરીકે ઓળખાય છે, પરંતુ આપણને વિચારતા કરી દે તેવી બાબત તો એ છે કે અલગ પાકિસ્તાન બનાવવા માટે સૌથી વધુ ઝઝુમનાર ભારતના મુસ્લિમો ત્યાં ગયા પછી ભૂમિપુત્ર બનવાને બદલે શરણાર્થી બની ગયા.
`શરણાર્થી' જેવો અપમાનસૂચક શબ્દ લઈને વસતા મુસ્લિમો ત્યાં કેવું અપમાનિત જીવન જીવી રહ્યા છે, તેની સત્ય ઘટનાઓ આ લેખમાં આપણે જોઈશું.
સિંધીભાષી અને ઉર્દૂભાષી મુસ્લિમો વચ્ચે સંઘર્ષ શરૂ થયો
ભારતમાંથી આવેલા લોકો અધિકાંશ ઉર્દૂભાષી લોકો હતા. જ્યારે પાકિસ્તાનના સિંધના મુસ્લિમો સિંધી ભાષા બોલતા હતા. આમ બે ભાષાઓના કારણે ત્યાં મુહાજિરો અને સિંધીઓ વચ્ચે મનમુટાવ શરૂ થઈ ગયો. સિંધના જીવન પર પ્રાચીન સિંધુ સભ્યતાનો ઊંડો પ્રભાવ હતો. શાહ લતીફ જેવા સમન્વયવાદી સૂફી સંતોનો ત્યાં ઘણો પ્રભાવ હતો. પરંતુ ભારતમાંથી ઠલવાયેલા અધિકાંશ ઉર્દુભાષી મુસ્લિમો ઉગ્ર અને આક્રમક હતા. પાકિસ્તાન અમે બનાવ્યું તેવો ઠસ્સાદાર મિજાજ તેઓ ધરાવતા હતા. તેથી ભાગલાના થોડા દિવસો બાદ જ આક્રમક મુહાજિરો અને સિંધિ મુસ્લિમો વચ્ચે સંઘર્ષ શરૂ થઈ ગયો. મુહાજિરો સિંધી મુસ્લિમોના ધંધા વ્યવસાયો છીનવવા લાગ્યા. આક્રમક મિજાજ ધરાવતા મુહાજિરો કરાંચી અને હૈદરાબાદ જેવાં સિંધનાં શહેરોમાંથી સિંધી મુસલમાનોને ગ્રામ્ય વિસ્તારોમાં ખદેડવા લાગ્યા. એક સમયે તો એવી સ્થિતિ બની ગઈ કે, સિંધના શહેરી ક્ષેત્રોમાં, સિંધી ભાષી મુસ્લિમો જ લઘુમતીમાં આવવા લાગ્યા અને ઉર્દૂભાષી મુહાજિરો બહુમતીમાં આવવા લાગ્યા. કરાંચી યુનિવર્સિટી પર મુહાજિરોનો કબજો થઈ ગયો, તેથી ત્યાં ઉર્દૂભાષી વિદ્યાર્થીઓ તથા સિંધીભાષી વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરો વચ્ચે સંઘર્ષો શરૂ થયા. સન ૧૯૫૧માં એટલે કે ભાગલા પછીના માત્ર ચાર જ વર્ષો પછી થયેલી જનગણનામાં ધ્યાનમાં આવ્યું કે, ભારતથી આવેલા મુહાજિરોની વસ્તી કરાંચી શહેરમાં ૫૭%, સિંધના હૈદરાબાદ શહેરમાં ૬૫% અને સક્કર જિલ્લામાં ૫૫% થઈ ગઈ હતી. આનાથી પણ ચોંકાવનારી બાબત તો એ હતી કે, છેક દૂરના કેરળ પ્રાન્તના મોપલા મુસ્લિમો પણ મોટી સંખ્યામાં કરાંચીમાં ઠલવાયા હતા. વસ્તી વધતાં મુહાજિરો હવે સિંધી ખેડૂતોને તેમની જમીનો પરથી હટાવવા માંડ્યા. પરિણામે ત્યાં અસંતોષ ભભૂકવા માંડ્યો.
મુહાજિરો પ્રત્યે અન્યાય શરૂ
સન ૧૯૪૭થી ૧૯૫૮ સુધી ત્યાં મુહાજિરોનો ભારે પ્રભાવ હતો. ચુનરીગર, લિયાકતઅલી અને મહંમદ અલી ચૌધરી જેવા મુહાજિર નેતાઓ પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખો હતા, પણ ૧૯૫૮ પછી અયુબખાનની લશ્કરી સત્તા સ્થપાતાં ત્યાંના મુહાજિરોનો પ્રભાવ ઘટવા માંડ્યો. એટલું જ નહીં, બલકે તેમના પ્રત્યે અન્યાય પણ શરૂ થયો. ૧૯૭૩માં સરકારી નોકરીઓમાં મુહાજિરો ૩૩% હતા, પરંતુ ૧૯૮૩માં તે ઘટીને માત્ર ૨૦% થઈ ગયા. સન ૧૯૯૦થી મુહાજિરો અને નોન-મુહાજિરો વચ્ચે શેરી અથડામણો શરૂ થઈ ગઈ. હવે પઠાણો અને પંજાબી મુસ્લિમોના આધિપત્યવાળું સૈન્યનું શાસન શરૂ થતાં મુહાજિરો અસુરક્ષિત બની ગયા. એટલું જ નહીં મુહાજિરો વિરુદ્ધ પંજાબી અને પઠાણોની ગેંગોના અત્યાચારો શરૂ થઈ ગયા. ૧૯૮૮માં અલ્તાફહુસેન નામના મુહાજિરોના લડાયક નેતા બહાર આવ્યા. તેમણે મુહાજિર કોમી મુવમેન્ટ (MQM) નામના પક્ષની સ્થાપના કરી અને જોતજોતામાં મુહાજિરોનું આ સંગઠન પાક્તાિનમાં પ્રભાવી રાજકીય શક્તિ બનવા માંડ્યું, પણ પરિણામ એ આવ્યું કે, કરાંચીમાં મુહાજિરો અને પઠાણ-પંજાબીઓ વચ્ચે થતા સંઘર્ષોને કારણે ત્યાંની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી ગઈ, પરિણામે ૧૯૯૨ના જૂન માસમાં શાસક ઝીયા-ઉલ-હકે ત્યાં સૈન્ય કારવાઈ દ્વારા Operation Celan-Up શરૂ કર્યું. MQMના અનેક મુહાજિર નેતાઓને જેલભેગા કરી દેવામાં આવ્યા. અલબત્ત મુહાજિર નેતા અલ્તાફ હુસેન ૧૯૯૦માં જ ભાગીને બ્રિટનમાં આશરો લઈ ચૂક્યા હતા. આ દરમ્યાન ઉર્દૂભાષી મુહાજિરો અને પુશ્તુભાષી પઠાણો વચ્ચે એકવાર લોહીયાળ દંગલ થયું. ચાર દિવસ ચાલેલા આ દંગલમાં ૧૮૦ લોકોનાં મૃત્યુ થયાં અને ૭૦૦થી પણ વધારે લોકો ઘાયલ થયાં. પાકિસ્તાનના ઇતિહાસમાં આ સૌથી ભયાનક સાંપ્રદાયિક લોહિયાળ દંગલ હતું. આ બધું ૧૯૯૨ દરમ્યાન જ બન્યું. થોડા દિવસો પછી પઠાણોએ બિહારી મુહાજિરો પર હુમલો કર્યો તેના જવાબમાં મુહાજિરોએ કરેલા હુમલામાં ૨૦૦ જેટલા લોકોને જાન ગુમાવવા પડ્યા ત્યાંનું ચૌરંગી બજાર પણ સળગાવાયું.
લંડન પહોંચેલા અલ્તાફ હુસેને હવે પાકિસ્તાનમાં મુહાજિરો પર થતા અત્યાચારો બાબતે વિશ્વમત ઊભો કરવાનું બીડું ઝડપ્યું. કારણ કે હવે મુહાજિરોનો પાકિસ્તાન વિષેનો ભ્રમ ભાંગી ચૂક્યો હતો. એક કરોડ કરતાં પણ વધારે મુહાજિરો તે સમયે ત્યાં વસતા હતા. ૨૦૧૦માં MQMના મુહાજિર નેતા અને સિંધના ધારાસભ્ય સઈદ રજા હૈદરની કરાંચીમાં ગોળી મારી હત્યા કરવામાં આવી. તેના પ્રત્યાઘાત રૂપે મુહાજિરો અને પુશ્તુભાષી પઠાણો વચ્ચે ધીંગાણું ખેલાઈ ગયું, જેમાં ૪૭ લોકોનાં મૃત્યુ થયાં અને ૧૨૫ લોકો ઘાયલ થયાં અને કેટલાંય ઘરો આગને હવાલે કરવામાં આવ્યાં. (`સંદેશ', તા. ૪ ઑગસ્ટ, ૨૦૧૦ )