રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક સુંદર પ્રાર્થના છે - ,नमस्ते सदा वत्सले मातृभूमे...આ પ્રાર્થનાના અંતિમ શબ્દો છે - `ભારત માતા કી જય" - અહીં `ભારત માતા કી જય" એ કોઈ નારા તરીકે નહીં પણ પ્રાર્થના તરીકે બોલાય છે.
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની જન્મજયંતી અને `વંદે માતરમ્' ગીતના ૧૫૦મા વર્ષ નિમિત્તે વિશેષ..
સ્વામી વિવેકાનંદના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસની પરમસમાધિ પહેલાં-પહેલાંની આ વાત છે. એક વખત તેમને એક શ્રદ્ધાળુએ પ્રશ્ન પૂછ્યો, `ગુરુદેવ, હું જાણું છું એમ આપે ભગવાનની અનુભૂતિ કરી છે, જિસસની કરી છે અને પયગમ્બરની પણ કરી છે. તમે બધાનાં સ્વરૂપો જોયાં છે. તો મા ભારતીની આપની અનુભૂતિ વિશે કંઈ કહો!'
ગુરુદેવ શ્રી રામકૃષ્ણએ પોતાનો ઝભ્ભો કાઢીને પોતાની પીઠ એ વ્યક્તિ તરફ ધરી દીધી. શ્રદ્ધાળુએ જોયું કે ગુરુદેવની પીઠ પર માટીમાં બળદોનાં ઊંડાં પગલાંઓની છાપ પડી હોય એવી છાપ હતી. પીઠમાં ઊંડાં ઊતરી ગયેલાં આ પગલાંનાં લાલચોળ નિશાન જોઈને શ્રદ્ધાળુ ચમક્યો. એણે કહ્યું, `અરેરે... ગુરુદેવ.... આ શું છે?'
ગુરુદેવે કહ્યું, `ભાઈ, જો ત્યાં દૂર મેદાનમાં બે બળદો ઝઘડી રહ્યા છે. સામસામે શીંગડા ભરાવીને લડી રહ્યા છે. જોર કરતાં કરતાં એમના પગ ભૂમિમાં ઊંડાં ખૂંપી રહ્યા છે, માને વેદના થઈ રહી છે. તેની પીડા મને પણ થઈ રહી છે. કારણ કે હું મારી માતૃભૂમિને ચાહું છું. ભારત માતા પ્રત્યે મને એટલો પ્રેમ છે કે એનું કોઈ દુઃખ હું જોઈ નથી શકતો. એને જે દુઃખ પડે એ મને પણ પડે છે. મારી મા કાલી એજ આ આપણા સૌની જગતજનની ભારત માતા છે, તે મૂર્તિ નથી આપણા સૌનું લાલન-પાલન-પોષણ કરનારી જીવતી-જાગતી અન્નપૂર્ણા છે.
ભારત માતા પ્રત્યે આ ભાવના જોઈને પેલા શ્રદ્ધાળુની આંખોમાં આંસુ આવી ગયાં. એ ગુરુદેવને વંદન કરી લાગણીથી છલકાયેલી આંખે ચાલ્યો ગયો.
આ કથા ભારત માતા પ્રત્યે એના પુત્રની ભાવનાની કથા છે. ભારતીય સંસ્કૃતિમાં, ભારતીય પરંપરામાં દરેક વસ્તુ, વિચાર, આચારનું એક મહત્ત્વ છે. આપણે આપણા દેશને `ભારત માતા' કહીએ છીએ અને `વંદે માતરમ્ ` કહીને તેને વંદન કરીએ છીએ. એની પાછળ પણ એક વિશેષતા રહેલી છે. ભારત સિવાયના અન્ય દેશોમાં મોટાભાગે દેશ માટે પિતા શબ્દ વપરાય છે. પણ આપણા માટે આપણો દેશ `ભારત માતા' છે. પ્રાચીન સમયથી આપણી આ પરંપરા રહી છે. આપણે ત્યાં પૃથ્વીને માતા કહેવામાં આવે છે. માતાનું બિરુદ સુલભતાથી ગમે તેને આપી શકાતું નથી. એટલે જ મનુષ્યોમાં જન્મ દેનારી, પાલન-પોષણ કરનારી માતાની જેમ પૃથ્વી જગતજનની છે.
અથર્વ વેદના ભૂમિસૂક્તમમાં પણ આનો ઉલ્લેખ છે. અથર્વ વેદ કહે છે કે, ‘माता भूमि पुत्रोहं पृथिव्या’ પૃથ્વી માતા છે અને હું એનો પુત્ર છું.'
ભગવાન શ્રીરામે લક્ષ્મણજીને કહેલું કે, ‘जननी जन्म भूमिश्च स्वर्गादपि गरियसी અર્થાત્ માતા અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે. તેના કારણે ધરતીમાતા પૂજનની અધિકારિણી બની, તેથી જ માતૃભૂમિની પૂજાને પ્રાધાન્ય મળ્યું છે.
શ્રીમદ્ ભાગવતના પ્રારંભમાં પણ પૃથ્વી છે. તેમાં ધર્મ અને પૃથ્વીનો અદ્ભુત સંવાદ છે. પૃથ્વી પર કળિયુગ આવી ચૂક્યો હોવાથી દુઃખી પૃથ્વી પ્રભુ વિષ્ણુ સાથે તેના પુત્ર ધર્મ અંગે ચિંતા વ્યક્ત કરે છે, તેની સાથે વાત કરે છે.
આમ ભૂમિ પરંપરાગત રીતે આપણા માટે માતા રહી છે. માતૃભૂમિ માટે પૂજા-ભાવ, સમર્પણ ભાવ અને સેવાભાવ આપણા રક્તમાં છે. પણ સમાજજીવનમાં કોઈ કૃતિના માધ્યમથી `ભારત માતા' શબ્દ ક્યારે આવ્યો તે પણ જાણવું જરૂરી છે.
ભારત માતા શબ્દ પહેલી વાર ક્યારે આવ્યો?
ઇતિહાસ મુજબ બંગાળી લેખક કિરણચંદ્ર બેનર્જીએ ૧૮૭૩માં સૌમાં ભારતભક્તિ જગાવવા પહેલી વખત `ભારત માતા' શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે એક નાટક લખ્યું હતું, તેનું નામ હતું `ભારત માતા'. દુષ્કાળ અને ભૂખમરાથી ઘેરાયેલા બંગાળની દુર્દશા પર આ નાટક લખાયું હતું, જેમાં ભારત દેશ માટે તેમણે `માતા' શબ્દનો ઉપયોગ કર્યો હતો.
૧૮૮૨માં બંગાળના પ્રખ્યાત લેખક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલી `આનંદમઠ' નવલકથામાં પણ `ભારત માતા'નો ઉલ્લેખ થયો હતો. રસપ્રદ વાત એ છે કે, `આનંદમઠ' નવલકથા લખ્યાના સાત વર્ષ પહેલાં બંકિમચંદ્રએ ૭ નવેમ્બર, ૧૮૭૫ના રોજ એક સુંદર ગીત લખ્યું હતું. એ ગીત હતું,
वंदे मातरम्, वंदे मातरम् !
सुजलाम्, सुफलाम्, मलयज शीतलाम्,
शस्यश्यामलाम्, मातरम्! वंदे मातरम्!’
આમ `આનંદમઠ' નવલકથાથી `ભારત માતા' અને તેમને વંદન કરતાં ગીત `વંદે માતરમ્'નો અનોખો સમન્વય થયો. પછી જે થયું એ ઇતિહાસ છે. વંદે માતરમ્ લખાયું અને આનંદમઠમાં છપાયું એ પછી આખા દેશમાં એ ક્રાંતિકારીઓનો નારો બની ગયું. સ્વતંત્રતાના આંદોલનની મશાલ બની ગયું હતું. વંદે માતરમ્ એક ગીત ના રહેતાં દેશવાસીઓનો સ્વાતંત્ર્યમંત્ર બની ગયું. ક્રાંતિકારીઓ અને સત્યાગ્રહીઓ વંદે માતરમ્ ગાતા ગાતા અને `ભારત માતા કી જય' બોલતા બોલતા દેશની સ્વતંત્રતા માટે નીકળી પડ્યા. (`સાધના'માં રંગા હરિજી લિખિત નવલકથા `વંદે માતરમ્' પ્રકાશિત થાય છે તેમાં આ સંપૂર્ણ ઇતિહાસ છે.) આમ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે `વંદે માતરમ્' લખ્યું પછી માતૃભૂમિની કલ્પનાને વધુ બળ મળ્યું.
એ પછી `ભારત માતા' શબ્દ આધુનિક સાહિત્યમાં ૧૯મી સદીના અંતમાં બંગાળમાં વધુ વ્યાપક રીતે વિસ્તર્યો.
ભૂદેવ મુખોપાધ્યાય ૧૯મી સદીના પ્રખ્યાત બંગાળી લેખક હતા. તેમના દ્વારા લખાયેલા લેખમાં પણ ભારત માતાનો ઉલ્લેખ છે. એ લેખનું શીર્ષક હતું - `ઉનાબિંસા પુરાણ' - એટલે કે ઓગણીસમું પુરાણ. આ લેખમાં ભારત માતાને આદિ-ભારતી તરીકે સંબોધિત કરવામાં આવ્યાં હતાં.
`ભારત માતા'ની આજે જે છબી, ચિત્ર આપણે જોઈએ છીએ એની વાત જાણવી પણ રસપ્રદ થઈ પડશે. ભારત માતાનું પ્રથમ ચિત્ર બનાવવાનું શ્રેય બંગાળી ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગોરને જાય છે. તેમણે ૧૯૦૫માં ભારતમાતાનું એક ચિત્ર બનાવ્યું હતું. તેને ભારત માતાનું પ્રથમ ચિત્ર માનવામાં આવે છે. આ ચિત્રમાં ભારત માતાની ચાર ભૂજાઓ બતાવવામાં આવી છે. આમાંથી એક ભૂજામાં તેમણે ધાનનો ડૂંડો પકડ્યો હતો, બીજી ભૂજામાં વસ્ત્ર હતું, ત્રીજી ભૂજામાં પુસ્તક અને ચોથી ભુજામાં માળા હતી. આમાં ભારત માતાને ભગવાં વસ્ત્રોમાં સજ્જ બતાવવામાં આવ્યાં હતાં. આ ચિત્ર એકદમ સૌમ્ય અને શાતા આપતું હતું. છબી જોતાં જ ભારત માતાને વંદન થઈ જાય તેવું એ ચિત્ર હતું.
૧૯૦૯માં કવિ સુબ્રહ્મણ્યમ ભારતીના તમિલ ભાષાના સામયિક `વિજયા'ના મુખપૃષ્ઠ પર ભારત માતાની છબી પ્રકાશિત થઈ હતી અને તેના પર `વંદે માતરમ્' પણ લખ્યું હતું. એ પછીના દાયકાઓમાં ભારત માતાની છબી વિવિધ લોકપ્રિય કળાઓમાં, સામયિકોમાં, પોસ્ટરોમાં અને કેલેન્ડરોમાં પ્રકાશિત થતી રહી અને એ ભારતીય રાષ્ટ્રવાદનું પ્રતીક બનીને પ્રસરી.
એ પછી ભારત માતાનું ચિત્ર સતત બદલાતું રહ્યું. ચાર ભૂજાને બદલે બે ભૂજા, એક ભૂજામાં વજ્ર અને બીજી ભૂજામાં ત્રિશૂલ, પાછળ સિંહ ઊભો હોય એવું સુંદર ચિત્ર સમગ્ર દેશભરમાં પ્રસારિત થયું અને લોકો `વંદે માતરમ્' કહીને એ છબીને નમન કરવા લાગ્યા. પણ માતૃભૂમિની આ વંદના સાંખી ન શકનારા માર્ક્સ/મેકોલે પુત્ર પણ અહીં હતા. અને દુર્ભાગ્યવશ એવું થયું કે, લગભગ ૧૯૮૦ના દાયકામાં કેટલાક વામપંથીઓ દ્વારા `ભારત માતા'ની છબીને બગાડવાનો પ્રયત્ન થયો. તેઓએ ભૂજામાં તલવાર હોય અને ચહેરા પર ભયંકર આક્રમક ભાવ હોય એવી ભારત માતાની છબી પ્રસરાવી. કેટલાંક રાજ્યોમાં હિન્દુ સમૂહો પર ખોટા આરોપો લગાવાયા કે, તેઓ બિનહિન્દુઓ પાસે જબરદસ્તી `ભારત માતા કી જય' અને `વંદે માતરમ્' બોલાવડાવે છે. આવું ઘણો લાંબો સમય ચાલ્યું.
આથી વિશ્વ હિન્દુ પરિષદે ૧૯૮૩માં એકાત્મતા યાત્રા કાઢી અને એ જ સમયે વિશ્વ હિન્દુ પરિષદના સ્વામી સત્યમિત્રાનંદજીએ હરિદ્વારમાં `ભારત માતા'નું મંદિર બનાવડાવી ત્યાં `ભારત માતા'ની એક સુંદર, સૌમ્ય મૂર્તિનું સ્થાપન કર્યું અને ફરી વાર ભારત માતાની સૌમ્ય છબી સૌની આંખોમાં વસી.
આધુનિક સંદર્ભમાં માતા
સાધુ, સંત, શૂરા, સતી અને સમાજસુધારકો ભારત માતાની કૂખેથી જન્મ્યા છે. અને કેટલાય મહાનુભાવોએ `વંદે માતરમ્' કહીને ભારત માતાના ખોળે પોતાના શીશ પણ ઢાળેલાં છે. શહીદ ભગતસિંહે વંદે માતરમ્ના નારા સાથે અંગ્રેજો સામે ક્રાંતિ કરી અને પોતાનું બલિદાન આપ્યું, સુખદેવ, રાજગુરુ, રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન `વંદે માતરમ્' ગાતાં ગાતાં ફાંસીના માંચડે ચડ્યા. બંગાળના ક્રાંતિકારી સૂર્યસેને `વંદે માતરમ્'ના નારા સાથે સંગ્રામ કર્યો તો ખુદીરામ બોઝ જેવા ક્રાંતિકારીઓએ `ભારત માતા કી જય!'ના નાદ સાથે ફાંસીના ફંદાને ગળે લગાડ્યો. આવાં તો અસંખ્ય ઉદાહરણો છે, જ્યાં ભારત માતાના સપૂતો પોતાની માતા માટે મરી ફીટ્યા હોય. એટલે જ કહેવાયું છે કે, `ઇસ મિટ્ટીસે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી.' ભગવાન શ્રીરામથીયે પહેલાંથી ભારતના વીરપુત્રો માતૃભૂમિ માટે પોતાના પ્રાણની આહુતિ આપતા આવ્યા છે. ચાહે પરદેશી આક્રમણો હોય, સ્વાતંત્ર્ય આંદોલનો હોય કે દેશની સરહદો સાચવવાની હોય, આ દેશના વીરપુત્રોએ પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું છે. કારણ કે આપણા માટે ભારત એ કેવળ જમીનનો ટુકડો નથી, આપણી માતૃભૂમિ છે, આપણી માતા છે. ભારતવાસી માટે એ જીવનદાયિની છે, જગતજનની છે. ‘पृथिव्याः समुद्रपर्यन्तायाः एक राष्ट्र’- અર્થાત્ `સમુદ્ર પર્યન્તની પૃથ્વી એક રાષ્ટ્ર છે' તેવું આપણે કહીએ છીએ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પ. પૂ. શ્રી ગુરુજીએ પૃથ્વી અને હિન્દુત્વ વિશે ખૂબ સારી સમજ આપી છે. તેઓ કહે છે કે, આપણે માટે આ ભૂમિથી પવિત્ર બીજું કશું જ ન હોઈ શકે. આ ભૂમિની ધૂળનો એક એક કણ, જડ અને ચેતન પ્રત્યેક વસ્તુ, પ્રત્યેક કાષ્ઠ, પાષાણ, વૃક્ષ અને નદી આપણે માટે પવિત્ર છે. આ ભૂમિનાં સંતાનોના હૃદયમાં એ ગાઢ ભક્તિ સદાય જીવિત રાખવા માટે જ પહેલાંના સમયમાં અહીં આટલાં વિધિવિધાનો અને લોકાચારોની સ્થાપના થઈ હતી.
આપણા બધા મહત્ત્વના ધાર્મિક સંસ્કારો ભૂમિપૂજનથી શરૂ થાય છે. આ એક રિવાજ છે કે વહેલી સવારે હિંદુ ઊંઘમાંથી જાગે છે ત્યારે સર્વ પ્રથમ ભૂમિ પાસે એ વાતની ક્ષમાયાચના કરે છે કે દિવસભર તે એને પોતાના પગનો સ્પર્શ કરવા માટે વિવશ છે.
समुद्रवसने देवि पर्वतस्तनमण्डले ।
विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्वमे ॥
नमस्ते सदा वत्सले मातृभूमे, त्वया हिन्दुभूमे सुखवं वर्धितोऽहम् ।
આ પ્રશિક્ષણ એટલે ઊંડે સુધી પહોંચ્યું છે કે સામાન્ય દૈનિક કાર્યોમાં પણ આપણને એની અનુભૂતિની ઝલક જોવા મળે છે. જ્યારે કોઈ બાળક રમતરમતમાં ભૂમિને રગદોળે છે ત્યારે તેની માતા કહે છે, `બેટા, ધરતીમાતાને ઠોકર ન મારીશ!' એક સામાન્ય ખેડૂત પણ જ્યારે ખેતરમાં હળ જોતરે છે ત્યારે પહેલાં ક્ષમાયાચના કરી લે છે. આવી છે આપણી જીવંત પરંપરા.
સ્વામી વિવેકાનંદ જ્યારે ઇંગ્લૅન્ડથી ભારત આવવા નીકળ્યા ત્યારે એમને પૂછવામાં આવ્યું કે, ઇંગ્લૅન્ડ અને અમેરિકા જેવા સમૃદ્ધ દેશોની યાત્રા કર્યા પછી હવે તમારી માતૃભૂમિ વિશે તમે શું વિચારો છો ? એમણે કહ્યું કે, ભારતને હું પહેલાં પ્રેમ કરતો હતો, પરંતુ હવે તો એની ધૂળનો એક એક કણ મારે માટે અત્યંત પવિત્ર છે. મારે માટે તે તીર્થસ્થાન બની ગયો છે.
વંદે માતરમ્ કહીને ભારત માતાને વંદન કરીએ..
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક સુંદર પ્રાર્થના છે - ,नमस्ते सदा वत्सले मातृभूमे...
આ પ્રાર્થનાના અંતિમ શબ્દો છે - `ભારત માતા કી જય' - અહીં `ભારત માતા કી જય' એ કોઈ નારા તરીકે નહીં પણ પ્રાર્થના તરીકે બોલાય છે. `વંદે માતરમ્'નો ઉદ્ઘોષ ભારત માતાને વંદન છે. કહેવાનું તાત્પર્ય એવું છે કે, `ભારત માતા કી જય' અને `વંદે માતરમ્' બંને રાષ્ટ્રના `સ્વ'ની અભિવ્યક્તિ છે.
એક વખત સંઘના એક સ્વયંસેવકને કોઈએ પૂછ્યું `તમે બધા આ બધું શું કરો છો? આ પ્રાર્થના, શાખા, શિબિરો વગેરે શા માટે?'
સ્વયંસેવકે ખૂબ ઊંડા ભાવથી ઉત્તર આપ્યો, `બસ, ભારત માતાની જય માટે!'
ભારત માતા પ્રત્યે સ્વયંસેવકની આ જે લાગણી છે, તેવી લાગણી અનેક લોકોની છે. એટલે જ કદાચ આપણો દેશ ઉત્તરોત્તર આગળ ધપી રહ્યો છે.
આજે `વંદે માતરમ્'નું ૧૫૦મું વર્ષ અને તેના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના જન્મનું ૧૮૮મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે ભારત માતાને ગર્વ થાય તેવું તેનું સ્વરૂપ આપણે બનાવી શક્યા છીએ. વિશ્વગુરુપદે મા ભારતીને વિશ્વકલ્યાણ માટે માર્ગદર્શન આપતી જોવાનું સ્વપ્ન સાકાર થવાનો સમય નજીક આવી રહ્યો છે. વંદે માતરમ્ !
રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.