પ્રકરણ – ૨૧ । મારી ૬૨ વર્ષની ઉંમરે હું ભારતનું સરકારી રાષ્ટ્રગાન બની ગઈ

25 Jun 2025 16:40:27

Vande Mataram novel gujarati prakaran 21


 
 
વર્ષ ૧૯૨૮, ઇંડિયન નેશનલ કોંગ્રેસની ઉંમર ૩૫ વર્ષ થઈ ગઈ હતી. ટિળક અને અરવિંદ ઘોષના પ્રભાવકાળના અંતથી જ મહાત્મા ગાંધીએ કોંગ્રેસને પોતાને આધીન બનાવી લીધી હતી. હિંદુ-મુસ્લિમ એકતા વિશે બધા વાતો કરી રહ્યા હતા. પરંતુ અરવિંદે ચેતવણી આપી હતી કે, એ એક મૃગજળ માત્ર સિદ્ધ થશે.
 
કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન આંધ્રના કાકીનાડા ગામમાં થયું. `મારા માટે દુરાચારી મુસલમાન પણ ગાંધીજી કરતાં વધુ સન્માનનીય છે.' એવું પ્રકટ રીતે કહીને પોતાના શબ્દોમાં અડગ રહેલા મહંમદઅલી જ સંમેલનના અધ્યક્ષ રહ્યા. એમને ગાંધીજીના આશીર્વાદ પણ મળેલા હતા. અધ્યક્ષનું સ્વાગત કરીને સરઘસ કાઢવાની; એ વખતે કોંગ્રેસ સંમેલનની પ્રથા હતી. આનંદપૂર્વક, બેંડ અને ગીતોની સાથે ધામધૂમથી આદરણીય અધ્યક્ષ મંચ પર બિરાજ્યા. તેઓ અતિ પ્રસન્ન હતા.
 
પરંપરા અનુસાર કાર્યક્રમની યાદીમાં સર્વપ્રથમ મારી પ્રસ્તુતિ માટે સંચાલકે મહાન સંગીતજ્ઞ પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરને આમંત્રિત કર્યા. ૧૯૧૫થી કોંગ્રેસના દરેક વાર્ષિક અધિવેશનમાં વંદે માતરમ્ ગાવું એ એમનો અધિકાર બની ગયો હતો. આ વખતે પણ તેઓ પરંપરા ખંડિત કરવા માગતા નહોતા. તેઓ અંધ હતા એટલે અન્ય કોઈની મદદ લઈને પહેલાંથી જ મંચની પાછળ આવીને બેઠા હતા. નિમંત્રણ મળતાં જ પ્રસન્ન વદને તેઓ ઊભા થયા. સંગીત તત્ત્વદર્શક, અંકિત અલંકાર, રાગ પ્રવેશ વગેરે શાસ્ત્રીય રચનાના રચયિતા તથા લાહોરના ગાંધર્વ મહાવિદ્યાલયના સંસ્થાપક શ્વેત વસ્ત્રધારી એ કૃશ શરીરધારકને જોઈને બધા કૃતાર્થ થયા હતા. લાંબી દાઢી અને વાળ ધરાવતા એ તિલકધારીમાં બધાંને ઋષિદર્શન થયાં. પંડિતજીના કંઠે ગીત શરૂ થયું... વંદે માતરમ્...
 
`બંધ કરો, મારા ધર્મમાં સંગીત નિષિદ્ધ છે', અધ્યક્ષ મહોદયે ક્રોધપૂર્વક આદેશ આપ્યો. અહીં વંદે માતરમ્ નહીં ગવાય, એ પૂર્ણપણે મૂર્તિપૂજા છે. એક ક્ષણ માટે બધા સ્તબ્ધ થઈ ગયા. વિષ્ણુ દિગંબરે અધ્યક્ષ તરફ ફરીને શાંત, સ્પષ્ટ, ગંભીર સ્વરે કહ્યું, પૂજનીય અધ્યક્ષ મહોદય, આ એક રાષ્ટ્રીય મંચ છે, કોઈ એક સમુદાયનો મંચ નથી. સંગીતનો વિરોધ કરવા માટે આ મસ્જિદ નથી. હું તમારી વાત માની શકતો નથી. અધ્યક્ષની સ્વાગતયાત્રાનું ગીત તમને સ્વીકાર્ય છે તો આ ગીત શા માટે સ્વીકાર્ય નથી? અધ્યક્ષના જવાબની કે અનુમતિની રાહ જોયા વગર જ વિષ્ણુ દિગંબરે સભા સમક્ષ ગાવાનું શરૂ કરી દીધું. આખી સભા રાષ્ટ્રીયતાના એ નાદપ્રવાહમાં મગ્ન થઈ ગઈ, પરંતુ કોંગ્રેસના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર જ એક અધ્યક્ષ મંચ છોડીને ચાલ્યા ગયા. મહાત્મા ગાંધી, મોતીલાલ નહેરુ, નરહરિ, કાલેલકર, રાજગોપાલાચારી, સત્યમૂર્તિ મદન મોહન માલવીય વગેરે કોઈએ એ ઘટના વિશે હરફ ન ઉચ્ચાર્યો.
 
પરંતુ મને એ ઘટનાક્રમને કારણે ખૂબ આઘાત લાગ્યો. મને ક્યારેય આવી અપેક્ષા નહોતી. સમસ્યા મુસલમાનની બતાવવામાં આવી હતી, પરંતુ મારો અનુભવ અલગ જ હતો. પાંચ વર્ષ પહેલાં ૧૯૧૮માં કોંગ્રેસનું સંમેલન દિલ્હીમાં હતું. એમાં ભૂતપૂર્વ અધ્યક્ષ તરીકે સર શંકરન્‌ નાયર મંચ પર બેઠા હતા. મારી પ્રસ્તુતિ સાથે સભા શરૂ થઈ. પરંપરા અનુસાર શંકરન્‌ નાયર સિવાય બાકીના બધા જ ઊભા થઈ ગયા હતા. સંમેલન પછી મુંબઈના એક વકીલે નાયરના વ્યવહારની ટીકા કરી. `રાષ્ટ્રગાનનું અપમાન રાષ્ટ્રીય અપમાન છે.' એનો જવાબ આપતાં શંકરન્ નાયરે કહ્યું, `ક્ષમા કરશો. મેં જાણી જોઈને એમ નથી કર્યું. મારું સ્વાસ્થ્ય ઠીક નથી.' એ સાંભળીને વકીલ શાંત થયો. એ વકીલ અન્ય કોઈ નહીં, મહંમદ અલી ઝીણા હતો.
 
વાસ્તવમાં રાષ્ટ્રીય ભાવનાથી યુક્ત એ સમયમાં બુદ્ધિ અને કલ્પનાશીલતાથી યુક્ત કોઈ પણ વ્યક્તિ મને ધર્મના ચશ્મામાંથી જોઈ શકતી નહોતી. મૂર્તિપૂજાના પ્રવક્તા તરીકે પણ કોઈએ મને જોઈ નહીં. મારા નામના ઉચ્ચારણ સાથે ફાંસીને માંચડે ચઢી ગયેલા અનેક બંગાળી યુવકો મૂર્તિપૂજામાં આસ્થા ન ધરાવતા બ્રહ્મસમાજ સાથે જોડાયેલા હતા. પંજાબ અને ઉત્તરપ્રદેશના યુવાનો મૂર્તિપૂજાનો વિરોધ કરનારા આર્યસમાજના હતા. એમાં પોતાના ધર્મમાં શ્રદ્ધા રાખનારા હિંદુ અને મુસ્લિમ બંને સામેલ હતા. ૧૯૨૩ના કોંગ્રેસ અધિવેશનમાં એક વિષનું બી રોપાયું. એ જોઈને હું ખૂબ દુઃખી થઈ. મોટા લોકોનું મૌન શું ન્યાય છે? હું સમજી શકી નહીં. કાર્યસૂચિ અનુસાર અધિવેશન આગળ વધતું હતું ત્યારે પલુસ્કરના ખોળામાં હું આંખો મીંચીને ધ્યાનમગ્ન રહી. પ્રભુ મને શાંતિ આપે એવી પ્રાર્થના મેં જ કરી. એ દરમિયાન મને જાણવા મળ્યું કે `આનંદમઠ'નો મરાઠીમાં અનુવાદ થયો છે. અને એ અનુવાદક હતો વાસુદેવ ગોવિંદ આપ્ટે.
 
***
 
ઘટનાની પક્ષપાતરહિત સમીક્ષા કરવાથી એક વાત સામે આવશે. ૧૯૨૩માં વિષનું બી રોપવા માટેની ભૂમિકા તૈયાર થઈ હતી ૧૯૨૦માં. ભારતમાં રાજકીય ક્ષિતિજે મોટા પરિવર્તન સાથે આવેલા મહાત્મા ગાંધીએ ઇંડિયન નેશનલ કોંગ્રેસને ખિલાફત સાથે જોડી દીધી. કોંગ્રેસ એક રાષ્ટ્રીય આંદોલન હતું, પરંતુ ખિલાફત સંપૂર્ણપણે સાંપ્રદાયિક આંદોલન હતું. કોંગ્રેસનું ધ્યેય, મહાત્મા ગાંધીના જ કહેવા અનુસાર, એક વર્ષની અંદર સ્વરાજ પ્રાપ્તિનું હતું. ખિલાફતનું ધ્યેય ભારતની બહાર સુદૂર તુર્કસ્થાનમાં દાર-ઉલ-ઇસ્લામની પુનઃસ્થાપનાનું હતું. કોંગ્રેસની પ્રેરણાનો સ્રોત સ્વ-પરિમાર્જિત રાષ્ટ્રીયતા હતો, જ્યારે ખિલાફતની પ્રેરણાનો સ્રોત કટ્ટર સાંપ્રદાયિકતા હતો. કોંગ્રેસી આંદોલન ઇતિહાસને આગળ લઈ જનારું હતું. ખિલાફત આંદોલન ઇતિહાસને પાછળ લઈ જવાનું હતું. કોંગ્રેસી આંદોલનથી અપેક્ષિત રાષ્ટ્ર જાગરણ હતું, ખિલાફત આંદોલનથી અપેક્ષિત ઇસ્લામિયતનું જાગરણ હતું. કોંગ્રેસની નજર સમક્ષ હિંદુસ્તાનની સંપૂર્ણ પ્રજા હતી. ખિલાફત આંદોલન સામે માત્ર મુસ્લિમ સમાજ હતો. કોંગ્રેસી આંદોલન અંતર્કેન્દ્રિત હતું જ્યારે ખિલાફતી આંદોલન બહિર્ન્દ્રિત હતું.
 
અંધકાર અને પ્રકાશની સેળભેળ કરનારી ગાંધીવાદી નીતિનો મહમંદઅલી ઝીણાએ સૌથી પહેલો વિરોધ કર્યો હતો. એમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ પ્રકારની નીતિનું પરિણામ કટ્ટરવાદીઓના હાથમાં મુસલમાન સમાજને ધકેલવા જેવું થશે. ઝીણા સાથે ચેટ્ટૂર શંકરન્‌ નાયરે પણ એ નીતિનો વિરોધ કર્યો હતો. પોતાના વિચારો પ્રકટ કરીને એમણે `ગાંધી ઍન્ડ એનાર્કી' (ગાંધી અને અરાજકતા) નામે પુસ્તક પણ લખ્યું છે. બન્નેએ ગાંધીજીનો વિરોધ પોતાના સમુદાયમાં રહીને નહીં પરંતુ પોતાની રાષ્ટ્રીય ભાવનાને આધારે કર્યો હતો. ઇતિહાસ જણાવે છે કે છેવટે એ બન્નેનું વિધાન સત્ય સાબિત થયું, અંતરાત્માનો અવાજ નહીં.
મુસલમાનોના પ્રભાવમાં આવી જઈને કેટલાંક સ્થાનોએ કોંગ્રેસે ખિલાફત સમિતિઓની રચના કરી. એ સંયુક્ત સંમેલનમાં અલ્લાહ-અકબર અને વંદે માતરમ્ એક સાથે ગૂંજતા રહ્યા. મુસ્લિમ નારા તરીકે જ્યારે અલ્લાહ-અકબરનો સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે હિંદુ નારા તરીકે મારી પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાકીનાડાની દિશા તરફનું પ્રયાણ અહીંથી શરૂ થયું હતું. ૧૯૨૨માં ઉર્દૂવાળાઓને ખુશ કરવા માટે મારી સાથે ઇકબાલનું સારે જહાં સે અચ્છા, ગીત પણ ગવાયું હતું, કોઈએ એમ કરવાની માગણી નહોતી કરી. જમીનદારની ઉદારતાની જેમ બધું જ દાન તરીકે આપતા ગયા. એનું પરિણામ શું આવ્યું. એ બધા જ જાણે છે. એ પછી ૧૯૨૩ની ઘટના બની. સ્થિતિ એવી થઈ કે આંગણામાં સૂતેલા સાપને ગળે વળગાડ્યો.
  
***
 
એ વાતાવરણનો લાભ ઉઠાવીને અંગ્રેજોના મંથરા ઉપદેશને પરિણામે મુસ્લિમ લીગનો વિકાસ થયો. માણસનું લોહી ચાખી ગયેલો વાઘ જે રીતે માનવભક્ષી બની જાય છે એવો જ એ વ્યવહાર હતો. કોંગ્રેસમાં રહીને કોઈ લાભ નહીં થાય એમ સમજીને મુસ્લિમ લીગમાં સામેલ થઈને કટ્ટરવાદીઓના નેતા બનવાનો નિર્ણય લીધો. એમાં એ સફળ થઈ ગયા. ઝીણાના એ માનસિક પરિવર્તનની મારા બંગાળના `કાળા પહાડ'ની ઘટના સાથે તુલના કરી શકાય છે.
 
નૌપાડાંમાં એક બ્રાહ્મણ કુમાર રહેતો હતો. ધાર્મિક ભેદભાવ રાખ્યા વિના ફૂલ લેવા માટે બધા ઘરોમાં પહોંચી જતા એ કુમાર પ્રત્યે એક મુસ્લિમ બાળાને પ્રેમ થઈ ગયો. બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. બ્રાહ્મણ જમાઈ મળવાને કારણે છોકરીનો બાપ ખુશ હતો. તથા પુત્રી હિંદુ ધર્મ સ્વીકારે એની તરફેણ કરતો હતો. બ્રાહ્મણકુમારે બધી વાત હિંદુ પંડિતોને કરી. પરંતુ તેઓ છોકરીનો હિંદુ ધર્મમાં સ્વીકાર કરવા માટે તૈયાર થયા નહીં. પછી કુમાર મુસલમાન બની ગયો. એ હિંદુ ધર્મ પ્રત્યે નારાજ હતો. એણે જીદ કરીને હિંદુ મંદિરો તોડી નાંખ્યાં અને હિંદુઓને જબરદસ્તી મુસલમાન બનાવવાનો પ્રયત્ન કર્યો. એણે ઢાકાને કેન્દ્ર બનાવીને મુસલમાન રાજ્યની સ્થાપના પણ કરી. ઝીણાનું માનસિક પરિવર્તન પણ આ જ રીતે થયું. કોંગ્રેસના ઇતિહાસમાં એ આધુનિક `કાળા પહાડ' બની ગયો.
 
વાઇસરૉય દ્વારા કરાયેલા સુધારા-ઓને પરિણામે ૧૯૩૭માં રાજ્યોમાં ચૂંટણીઓ થઈ. કુલ ૧૧ રાજ્યો પૈકી ૭માં ચૂંટણી થઈ. મુંબઈ, મદ્રાસ, બિહાર, ઓરિસ્સા, આસામ, ઐક્ય રાજ્ય, મધ્યરાજ્ય વગેરેમાં બહુમત મેળવીને કોંગ્રેસ સત્તા પર આવી. એ રાજ્યોમાં વિધાનસભાઓની કાર્યવાહી મારી પ્રસ્તુતિ સાથે શરૂ થઈ હતી. એ વખતે બધા વિધાયકો ઊભા રહેતા હતા. આપણે અંગ્રેજી સંસદીય પદ્ધતિનો સ્વીકાર કરી લીધો છે. પરંપરા અનુસાર બ્રિટનમાં સંસદની કાર્યવાહી રાષ્ટ્રગીતના ગાન સાથે શરૂ થાય છે.
 
મારા જીવનની એ સૌથી મૂલ્યવાન ક્ષણ હતી. મારી ૬૨ વર્ષની ઉંમરે હું ભારતનું સરકારી રાષ્ટ્રગાન બની ગઈ. આજે મારા પિતા જીવતા હોત તો કેટલું સારું એવો વિચાર મને આવ્યો. પરંતુ દેશના ટુકડા કરવાની પૂરેપૂરી તૈયારી કરી ચૂકેલા મુસ્લિમ લીગના સંપ્રદાયવાદીઓએ હસ્તક્ષેપ કર્યો. એમણે એક સંમેલનમાં એ ઠરાવ પસાર કર્યો. આ દેશના રાષ્ટ્રગાન તરીકે વંદે માતરમ્ને લાગુ કરવાની કોંગ્રેસની ઇચ્છાનો લીગની આ બેઠક જબરદસ્ત વિરોધ કરે છે. એ પ્રયાસ ક્રૂર તથા ઇસ્લામવિરોધી કૃત્ય છે. એના ઉદ્દેશ્યમાં એ મૂર્તિપૂજાનું સમર્થક અને યથાર્થ રાષ્ટ્રીયતાનું વિરોધી છે.
 
વિરોધનું કારણ બની ગયેલા એ ગાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખવા માટે રાજ્યની સાર્વજનિક સંસ્થાઓ તથા વિભિન્ન વિધાનસભાના સભ્યોને આ બેઠક આહ્વાન કરે છે. ઠરાવ અનુસાર લીગે વિધાનસભામાં પ્રદર્શન અને ધાંધલ ધમાલ શરૂ કરી દીધાં. વંદે માતરમ્ ગવાતું હોય ત્યારે બેસી રહેવું, વચ્ચે વચ્ચે અલ્લાહ-અકબર બોલવું. સભા છોડીને ચાલ્યા જવું વગેરે એમની પ્રવૃત્તિઓ હતી.
 
સભાની બહાર પણ મારી વિરુદ્ધ આંદોલન થયું. મુસલમાનવિરોધી કહીને કોલકતાની ગલીઓમાં `આનંદમઠ'ની નકલો બાળવામાં આવી. એ ભાવાવેગમાં કોલકતા વિદ્યાપીઠનું બોધચિહ્ન `કમળ' તથા `શ્રી'ને પણ આગ ચાંપવામાં આવી. તીવ્ર હિંદુવિરોધ પેદા કરીને, સાંપ્રદાયિકતા ફેલાવીને એમાંથી લાભ ઉઠાવવો એ લીગનું લક્ષ્ય હતું. એક બુદ્ધિશાળી વકીલની ચતુરતાથી એ માટે ઝીણા સાહેબે કામ કર્યું. અંગ્રેજી ભાષા સહિત અનેક ભાષાઓમાં અનુવાદ કરાયેલી પચાસ વર્ષથી વધુ જૂની એ ક્લાસિક કૃતિ એકાએક મુસ્લિમવિરોધી હોવાનો થતો આરોપ એ ચતુરાઈનું પરિણામ નહીં તો બીજું શું કહેવાય?
 
બીજી તરફ કોંગ્રેસનો અભિગમ વિચિત્ર હતો. કોઈ વિશેષ ઉદ્દેશ્ય સાથે અડગ રહીને વિરોધ કરવાને બદલે સમજૂતીઓ કરીને બધાને ખુશ કરવાની નીતિ કોંગ્રેસે અપનાવી હતી. કોંગ્રેસ એ જાણતી નહોતી કે, બીજી તરફ શકુનિ જ રમત રમે છે. વિજયની આશામાં પોતાની ધર્મપત્નીને પણ દાવમાં મૂકીને જે રીતે યુધિષ્ઠિર દ્યુત રમ્યો હતો એવો જ વ્યવહાર કોંગ્રેસે કર્યો. એમની વચ્ચે એ વખતે એક શ્રીકૃષ્ણ નહોતા. ઝીણા તથા લીગને ખુશ કરવા માટે તથા હિંદુ મુસ્લિમ એકતાના ગાંધીજીના સ્વપ્નને સાર્થક કરવા માટેની કોશિશ કરવા માટે કોંગ્રેસ કાર્યકારિણીએ કોલકતામાં એક બેઠક બોલાવી. એ ઑક્ટોબરના અંતમાં હતી. ગંભીર ચર્ચા પછી ૨૮ ઑક્ટોબરના દિવસે સમિતિએ એક ઠરાવ પસાર કર્યો, કાર્યકારિણીના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલીક વિધાનસભાઓમાં વંદે માતરમ્ સાથે કાર્યવાહી શરૂ થઈ જાય છે અને કેટલાક મુસલમાનોએ એનો વિરોધ કર્યો છે. એ બધાં પાસાંઓની તપાસ કરીને કાર્યકારિણી એ ભલામણ કરે છે કે કોઈ પણ ઠેકાણે, વંદે માતરમ્ ગાતી વખતે એની પહેલી બે કડીઓ રજૂ કરવી પૂરતી છે, એ સાથે જ સંચાલકોને વંદે માતરમ્ સિવાય પણ એને બદલે વિરોધ ન હોય એવું અન્ય ગીત ગાવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા હસ્તલિખિત એ ઠરાવની પ્રત આજે પણ દિલ્હીના નેહરુ મ્યુઝિયમમાં મળી રહે છે.
 
પ્યારા દેશવાસીઓ, એ ઠરાવને લીધે મારા પર થયેલા માનસિક આઘાત વિશે જરા વિચારશો. મદનલાલ ધીંગરા, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ, મેડમ કામા તથા અન્ય શહીદોને સ્વર્ગમાં એ સંકલ્પની માહિતી મળી હશે. પ્રિય જન્મભૂમિની સ્વતંત્રતા માટે મારા નામના ઉચ્ચારણ સાથે જેમને વીરગતિ પ્રાપ્ત થઈ હતી એવા એ વીર આત્માઓની પ્રતિક્રિયા શું હશે?
તટસ્થ ભાવે વિચાર કરનારા બુદ્ધિજીવીઓ એ રમત પર ધ્યાન આપે. કોંગ્રેસે ભારત વિભાજનના બરાબર દસ વર્ષ પહેલાં દેશના રાષ્ટ્રગાનને વિભાજિત કર્યું. બે ભાગ જાળમાં રાખ્યા, ત્રણ ભાગ દરિયામાં ફેંકી દીધા. આવનારી આફતનાં એ માત્ર એંધાણ હતાં.
 
***
 
(ક્રમશઃ)
 
 
Powered By Sangraha 9.0