શું વંદે માતરમ્ ગીતને માત્ર દોઢસો વર્ષ થયાં છે?
દેખીતી રીતે તો એવું જ કહી શકાય. રવિવાર, ૭ નવેમ્બર, ૧૮૭૫, શક સંવત ૧૭૯૭, કાર્તિક શુક્લ નવમીએ વંદે માતરમ્નો ગીતાવતાર થયો. કોલકાતા નજીક એક નાનકડું ગામડું છે, નૈઈહાટી. હવે તે કાંટાલપાડની સાથે જોડાયેલું છે. એ સાંજે, બે માળની હવેલીના એક ઓરડામાં ફાનસના અજવાળે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કોરા કાગળ પર શબ્દો પાડી રહ્યા હતા. ચિત્તમાં ઘમસાણ હતું. થોડાક જ દિવસ પર માતા-ભારત માતાનો માનસિક સાક્ષાત્કાર થયો હતો. કવિ, નવલકથાકાર, ચિંતક બંકિમ કોઈ અજંપો અશાંત કરી રહ્યો હતો.
..અને લખાયું વંદે માતરમ્. ૧૮૮૦માં તેમની નવલકથા `બંગ દર્શન' સામયિકમાં ધારાવહી સ્વરૂપે છપાઈ રહી હતી, `આનંદમઠ' નવલકથામાં તેનું સુંદર આલેખન છે. ૧૭૭૦ની આસપાસ બંગાળમાં પડેલા અકાળથી ત્રસ્ત મહેન્દ્ર, પત્ની કલ્યાણી, પુત્રી સુકુમારીની સાથે જંગલની વચ્ચે ડાકુઓની નજરે ચડે છે. અપહરણ અને છુટકારો, અરણ્યની વચ્ચે એક આશ્રમ નામે આનંદ મઠ. તેના સાધુ સત્યાનંદના શિષ્ય ભવાનંદ એક ગીત ગાય છે :
वंदे मातरम्, वंदे मातरम् !
सुजलाम्, सुफलाम्, मलयज शीतलाम्,
शस्यश्यामलाम्, मातरम्! वंदे मातरम्!’
આ તેનું અવતરણ. આપણે તો તેની બે કડી ગાઈને સમાપન કરીએ છીએ, પણ તે પછીની અદ્ભુત શબ્દાવલીમાં ભારત માતાને સુખદા -વરદા માને છે, કરોડો કંઠોમાં તેનો જયકાર થાય છે, કરોડો હાથમાં ચમકતાં શસ્ત્રો તારા સામર્થ્યની પ્રતીતિ કરાવે છે. કોણ કહે કે તું અશક્તિમાન છે? તું બહુબળધારિણી છે, શત્રુઓનો નાશ કરનાર છે. તું વિદ્યા છે, ધર્મ છે, તારી ભુજાઓમાં શક્તિ છે, હૃદયમાં ભક્તિ છે, દરેક દેવાલયમાં તારી પ્રતિમા.. તું દશ પ્રહરણ ધારિણી, કમલા કમલ દલ વિહારિણી છે..
ભારતીય સ્વાતંત્ર્ય જંગને માટે આવો જ શક્તિસૂર્ય જરૂરી હતો. તે આ ગીતથી મળી ગયો. બંગ-ભંગ ચળવળ, લંડનમાં ઇન્ડિયા હાઉસ, સાન ફ્રાન્સિસ્કોમાં ગદર આંદોલન અને યુગાંતર આશ્રમ, જર્મનીમાં બર્લિન કમિટી, સરદાર ભગતસિંહ અને સાથીદારોને ફાંસી, આંદામાનમાં કાળ કોટડીમાં સ્વાતંત્ર્ય-નાયકો, લોકમાન્ય તિલકના રાષ્ટ્રીય ઉત્સવો, નાશિક પૂણેમાં મિત્ર મેળો, રંગૂનમાં આઝાદ હિન્દ ફૌજ.. ક્યાં ક્યાં નથી પહોંચ્યું વંદે માતરમ્? ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, માસ્ટર દા સૂર્યસેન, પ્રીતિલતા વદેદાર, લાહોર ત્રણ ષડયંત્રમાં ફાંસી કે આંદામાનની સજા પામેલા બહાદુરો, માન્ડલેની જેલમાં કારાવાસી લોકમાન્ય, માન્ડલેની જેલમાં ફાંસી પર ચઢેલો સોહનલાલ પાઠક, ચંદ્રશેખર આઝાદ, ભગવતીચરણ વહોરા, દુર્ગાભાભી, આંદામાનમાં સાવરકર બંધુઓ.. આ અગણિત યાદીનો સમાન પરિચય એટલે વન્દે માતરમ્.
તેને તે સમયના કોંગ્રેસ અધિવેશનોમાં રવીન્દ્રનાથ ટાગોરે સ્વરોમાં બાંધ્યું હતું. વેદમૂર્તિ સાતવલેકર અને અવનિન્દ્રનાથ ટાગોરે ચિત્રોમાં અંકિત કર્યું. રાષ્ટ્રગીત માટે માસ્ટર કૃષ્ણારાવની તરજ અને ધૂન તો છેક ૧૯૩૮થી તૈયાર હતી. કૃષ્ણારાવ તે માટે જવાહરલાલને પણ મળ્યા હતા. તિમિર વરન ભટ્ટાચાર્ય, પંકજ મલિક, વિ.ડી. અભ્યંકર, પંડિત ઓમકારનાથ ઠાકુર, વિષ્ણુ દિગંબર પલૂસકર વગેરે સંગીતના વરિષ્ઠોએ વંદે માતરમ્ને રાષ્ટ્રગીત તરીકે પસંદ કરાવવામાં ઘણો પ્રયાસ કર્યો. પણ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગીત એમ બે દરજ્જા નક્કી કરવામાં આવ્યા.
આવું કરવામાં મુસ્લિમો `માતા'ને ઈશ્વરસ્વરૂપે માનતા નથી એવી દલીલ ઘણા વર્ષોથી ચાલી હતી તે કારણ હતું. ૧૮૫૭થી ૧૯૪૫ સુધીમાં ૬ લાખથી વધુ લોકોની આહુતિથી નિર્મિત સ્વાધીન ભારતના રાષ્ટ્રગીતના પ્રથમ પગલે જ આવું બન્યું.
કેવી અને ક્યાં ક્યાં પ્રેરક શક્તિ બન્યું હતું વંદે માતરમ? ૧૯૦૭માં જર્મનીના સ્ટુટગાર્ટમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં મેડમ કામાએ `હુતાત્માઓના રક્તથી સંચિત' રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, કે ભગિની નિવેદિતાએ બનાવેલો ધ્વજ, બધે વંદે માતરમ્ હતું.
આ લેખના પ્રારંભે એક સવાલ મૂક્યો છે શું વંદે માતરમને દોઢસો વર્ષ જ થયાં? ના. બંકિમ બાબુએ તો હજારો વર્ષોથી ભારતીય પરંપરામાં પૃથ્વીને માતા ગણીને માતૃશક્તિનો જે ભાવલોક વ્યક્ત થયો છે, તેને ગીતમાં અવતરિત કર્યો. તેની પરંપરા કેટલી પ્રાચીન છે? વૈદિક સાહિત્યમાં પૃથ્વી માતાની સ્તુતિ છે, ‘वसुधैव कुटुम्बकम्’નો ગુંજારવ છે, માતૃરૂપેણ સંસ્થિતાનો આદર્શ છે, પૃથ્વી આપણી માતા, આપણે તેના સંતાનો. અથર્વ વેદના બારમા મંડળમાં અથર્વણ ઋષિએ ૬૩ ઋચા કહી છે. વર્તમાન યુગમાં તેનું ભવ્ય રૂપાંતર સ્વાધીનતા અને સમાજજીવનના આદર્શ રૂપે આવ્યું. ભારત માતા વિષે સહસ્રો કાવ્યો લખાયાં. યુગ જ એવો હતો. વંદે માતરમ્ અને આનંદમઠ અવતરિત થયા ત્યારે રાષ્ટ્રજીવનનું સમુદ્રમંથન ચાલી રહ્યું હતું. રાજનીતિક સ્તરે કોંગ્રેસમાં આ કારણોથી વિભાજન થયું અને નરમ પંથ, ગરમ પંથ નામ મળ્યાં, તેનો પ્રારંભ સુરતના અધિવેશનમાં થયો.
લોકમાન્ય, અરવિંદ ઘોષ, લાલા લાજપતરાય, સરદાર અજીતસિંહ, બિપીનચંદ્ર પાલ તેના સૂત્રધારો હતા. આનંદમઠની કલ્પના પર ચાંદોદ કરનાળીમાં ગંગનાથ વિદ્યાલય સ્થાપિત થયું. ગોવામાં ક્રાંતિકારોએ રાષ્ટ્રવાદી સરકારનો મુસદ્દો તૈયાર કર્યો. માતૃશક્તિ અને સ્વદેશ ભક્તિ હવે અલગ નહોતાં. અરવિંદ ઘોષે વડોદરામાં બેસીને `ભવાની મંદિર'ની પરિકલ્પના કરી અને પુસ્તિકા લખી ત્યારે તેઓ લોકમાન્યના સંપર્કમાં આવી ચૂક્યા હતા, લોકમાન્યે મહારાષ્ટ્રમાં શિવાજી ઉત્સવ અને ગણેશ ઉત્સવ શરૂ કર્યાં. શિવાજી મહારાજનું માતા ભવાની સાથેનું ઐતિહાસિક સંધાન હતું, એ જ ભવાનીના વરદાન સાથેનું ક્રાંતિકારોનું સ્થાન એટલે ભવાની મંદિર! એવું જ ભગિની નિવેદિતાએ ક્રાંતિ-દર્શન કરાવ્યું `કાલી-ધ મધર'. આમ બંગાળની કાલી માતા અને મહારાષ્ટ્રની ભવાનીનું મિલન સ્વાતંત્ર્ય જંગનું શસ્ત્ર અને શાસ્ત્ર બન્યાં. તેનો આદર્શ વન્દે માતરમ્માં આકાર પામ્યો, આ દૃષ્ટિએ વંદે માતરમ્ કોઈ એક ગીત નથી, કવિતા નથી, રાષ્ટ્રનું ચૈતન્ય-દર્શન છે. તેની પરંપરા ભારતીય સંસ્કૃતિની સાથે જોડાયેલી છે. આ દૃષ્ટિએ વંદે માતરમ્ થવું જોઈએ. માત્ર ચીલાચાલુ કાર્યક્રમો નહિ, માત્ર આવેશ અને અહોભાવ નહીં, માત્ર ઉજવણીનો કર્મકાંડ નહિ. વંદે માતરમ્ની વ્યાપક ભૂમિકા ઐતિહાસિક સમજ સર્જશે.
શું કહ્યું હતું શ્રી અરવિંદે-`ઋષિતુલ્ય વ્યક્તિઓમાં બંકિમચંદ્ર નામ અવશ્ય લેવામાં આવશે. તેમણે સંજીવની મંત્ર આપ્યો છે- વંદે માતરમ્. ઋષિ સંતોથી ભિન્ન હોય છે. ઋષિને દિવ્ય સંદેશની અનુભૂતિ થાય છે તે બંકિમને થઈ, વિલક્ષણ કર્તૃત્વની પ્રેરણા આપે છે, તેવા વંદે માતરમ્નો સંદેશ રાષ્ટ્રને પ્રાપ્ત થાય તે માટે જ બંકિમ જન્મ્યા છે.'
૧૮૯૦માં મોટી પુત્રી શરદકુમારીએ પિતાને કહ્યું, `મને આ વંદે માતરમ્ ગીત બહુ સારું નથી લાગ્યું.' પિતાએ જવાબ આપ્યો હતો, તું એક દિવસે જોઈશ કે આ ગીતથી સમાજમાં અગ્નિ પ્રકટશે અને સમગ્ર દેશ તેના પ્રભાવમાં આવશે..' એવું જ બન્યું. બંગ-ભંગથી ૧૯૪૫ સુધીના ભારતનાં તમામ સ્વાતંત્ર્ય આંદોલનોને વંદે માતરમ્ થકી શક્તિ; ભક્તિ અને સમર્થન મળ્યાં છે.
વંદે માતરમ્ અને તેનો ભાવાનુવાદ
वंदे मातरम्, वंदे मातरम्!
सुजलाम्, सुफलाम्, मलयज शीतलाम्,
शस्यश्यामलाम्, मातरम्!
वंदे मातरम्!
હે માતા, હું તને વંદન કરું છું. માતા તુ પાણીથી ભરપૂર છે, ફળોથી ભરપૂર છે. હે માતા મલયગિરિથી આવતો પવન તને શીતળતા પ્રદાન કરે છે. હે માતા તુ હરિયાળા ખેતરોથી ઢંકાયેલી છે. હે માતા, હું તને વંદન કરું છું.
शुभ्रज्योत्सनाम् पुलकितयामिनीम्, फुल्लकुसुमित द्रुमदल शोभिनीम्,
सुहासिनीम् सुमधुर भाषिणीम्, सुखदाम् वरदाम्, मातरम्!
वंदे मातरम्, वंदे मातरम्॥
જેની રાતોને ચંદ્રનો પ્રકાશ શોભાયમાન કરે છે, જેની ભૂમિ ખીલેલાં ફૂલો સુસજ્જિત વૃક્ષોથી ઢંકાયેલી છે. સદાય હસતી, રહેનારી, મધુર વાણી બોલનારી, સુખ આપનારી, વરદાન આપનારી માતા, હું તને વંદન કરું છું.
कोटि कोटि कण्ठ कल कल निनाद कराले,
कोटि कोटि भुजैर्धृत खरकरवाले
के बोले मा तुमी अबले, बहुबल धारिणीम् नमामि तारिणीम्
रिपुदलवारिणीम् मातरम्॥
वंदे मातरम्!
કરોડો કંઠો મધુરવાણીમાં તારી પ્રશંસા કરે છે. કરોડો હાથોમાં તારી રક્ષા માટે ધારદાર તલવાર નીકળેલી છે. મા કોણ કહે છે કે, તું અબળા છે, તે બળ ધારણ કરેલું છે. તું તારનારી છો, મા તુ શત્રુઓને સમાપ્ત કરનારી છો. માતા, હું તને વંદન કરું છું.
तुमि विद्या तुमि धर्म, तुमि ह्रदि तुमि मर्म, त्वं हि प्राणाः शरीरे
बाहुते तुमि मा शक्ति, हृदये तुमि मा भक्ति,
तोमार प्रतिमा गडि मन्दिरे-मन्दिरे मातरम्॥
वंदे मातरम्!
તુ જ વિદ્યા છે, તુ જ ધર્મ છે, તુ જ હૃદય છે, તુ જ તત્વ છે, તુ જ શરીરમાં સ્થિત પ્રાણ છે. અમારા હાથો (બાવડા)માં જે શક્તિ છે તે તુ જ છે. તારી જ પ્રતિમા પ્રત્યેક મંદિરમાં પ્રસ્થાપિત છે. માતા, હું તને વંદન કરું છું.
त्वं हि दुर्गा दशप्रहरणधारिणी, कमला कमलदल विहारिणी
वाणी विद्यादायिनी, नमामि त्वाम्, नमामि कमलां अमलां अतुलाम्
सुजलां सुफलां मातरम्॥
वंदे मातरम्!
તુ જ દસ અસ્ત્ર ધારણ કરેલ દુર્ગા છો, તુ જ કમળ પર બિરાજેલ લક્ષ્મી છો. તુ જ વાણી અને વિદ્યા આપનાર (સરસ્વતી) છો, તને પ્રણામ. તું ધન આપનારી છો, તું ફળ આપનારી છો. માતા, હું તને વંદન કરું છું.
श्यामलां सरलां सुस्मितां भूषिताम्
धरणीं भरणीं मातरम्॥
હે મા તું શ્યામવર્ણવાળી, અતિ સરળ, સદૈવ હસનારી છો.
તુ ધારણ કરનાર છો, પાલન પોષણ કરનારી છો. માતા, હું તને વંદન કરું છું.