યુવાસંવાદ । વિદેશથી ભારત પાછા આવીને આપણા જ લોકો ભારત વિશે ખરાબ વાતો બોલે છે? કેમ?

રાષ્ટ્ર પ્રથમની ભાવના જીવનમાં ઉતારવી હોય તો સૌથી અગત્યની વાત આ છે કે આપણે ભારત માટે ગૌરવ અનુભવીએ.

    ૩૦-જૂન-૨૦૨૫   
કુલ દૃશ્યો |

nation frist gujarati article
 
 
`નમસ્તે, મહોદય!'
 
`નમસ્તે, શૌર્ય... શું ચાલે છે, ગઈકાલે તમે લોકો પેલી અપેક્ષાને ત્યાં ગયા હતા, તો શું કોઈ પાર્ટી હતી?'
 
`ના, સર! તમે જાણો છો કે અપેક્ષાના પપ્પા બહુ પૈસાદાર છે અને બિલ્ડર છે.. એનો ભાઇ આશુતોષ હમણાં ઓસ્ટ્રેલિયાથી આવે છે એટલે બધા મળવા જાય છે ને!'
 
`સારી વાત છે, આપણા યુવાનો આ રીતે પરદેશમાં જઈને નવાં નવાં ક્ષેત્રોમાં કામ કરે અને સફળતા મેળવે એ તો બહુ ગૌરવની બાબત છે...'
 
`હા સર, એ વાત સાચી, ઘરમાં દશ લોકો બેઠા હોય ત્યારે જે વાતચીત ચાલે છે, એ સમજવા જેવી હોય છે...'
 
`હા, શૌર્ય, મને મઝા એ વાતની છે કે આ વડીલો વાતો કરતા હતા અને તેં એમાં રસ લીધો!! સામાન્ય રીતે એવું બનવા માંડ્યું છે કે, છોકરાઓ કોઈ બીજા રૂમમાં હોય અને વડીલો બીજા રૂમમાં હોય.. આ એક પ્રકારની દૂરી સર્જે છે, ડિસ્કનેક્શન ઊભું કરે છે. ખરેખર તો વડીલોએ આજના યુવાનો શું વિચારે છે એ સમજવા પ્રયત્ન કરવો જોઈએ અને વડીલો શું વાત કરે છે એ યુવાનોએ સમજવા પ્રયત્ન કરવો જોઈએ.'
 
`યસ, સર.. પણ ખરેખર ચિંતાજનક વાત એ હતી કે, જે લોકો વાતો કરતા હતા એ બધા ભારત વિરુદ્ધ બહુ વાતો કરતા હતા. એક દીકરો વિદેશ જઈને આવે એટલે મા-બાપ એવું વિચારવા માંડે કે ભારત બરાબર નથી. આપણી સરકાર બરાબર નથી, આપણા સંસ્કાર બરાબર નથી, આપણો દેશ બરાબર નથી, આપણા રિવાજ બરાબર નથી. આવું સાંભળ્યું ત્યારે બહુ દુઃખ લાગે..'
 
`શૌર્ય, બેટા, આવું બને છે, ક્યારેક સમૃદ્ધિ એટલે સંસ્કાર એવું આપણે માની લઈએ છીએ. ક્યારેક પાંચ જણા બેઠા હોય તો જે પૈસાદાર હોય એ પોતે આ જૂથ ઉપર જાણે કે સત્તા ભોગવતો હોય એવી રીતે અભિપ્રાયોનો વરસાદ કરતો હોય..! મને સારું લાગે છે કે યુવાન તરીકે તેં આ વાતની નોંધ લીધી છે..'
 
`સર, મને ખબર છે કે, જે લોકો બોલી રહ્યા હતા અને જે લોકો સાંભળી રહ્યા હતા, બધા ઓછું ભણેલા, જગત વિશે ઓછું વાંચતા, પણ પૈસાને કારણે સમાજમાં એક પ્રકારની વિશિષ્ટ સન્માનની લાગણી ભોગવતા હતા.'
 
`આપણા જ લોકો વિદેશમાં જઈને ટ્રાફિકના નિયમો પાળતા હોય, સમયપાલનમાં ચુસ્ત રહેતા હોય ત્યારે આપણે બહુ જ પ્રભાવિત થઈ જઈએ છીએ. એની સામે વાંધો ના હોવો જોઈએ, પણ વિદેશમાં આપણા યુવાનો સારા નાગરિકો બની શકતા હોય તો ભારતમાં પણ આપણે સૌ સારા નાગરિકો બની જ શકીએ... આપણને બધું કામ સમયસર કરવાનું હોય તો કોણ રોકે છે? આપણે આપણા રસ્તા ચોખ્ખા રાખીએ તો કોણ રોકે છે?'
 
`બિલકુલ, એ જ વાત થતી હતી.. પછી પેલા અપેક્ષાના પિતાજી એકદમ વિચિત્ર વાત કરી રહ્યા હતા હું તો સ્તબ્ધ જ થઈ ગયો!'
`ગુડ, શૌર્ય, તું ખોટો નથી. પણ મૂળ વાત સંસ્કૃતિ વિષે આપણા મનમાં કોઈ સ્પષ્ટ વિચારો મળ્યા નથી, નથી પરિવારમાંથી મળ્યા કે નથી ધર્મની કે શિક્ષણની સંસ્થાઓમાંથી મળ્યા... એને કારણે આવા લોકો બહુ ઝડપથી જજમેન્ટલ થઈ જાય છે..! જજમેન્ટલ એટલે બધી જ બાબતોની તપાસ કર્યા સિવાય એકદમ પોતાનો આખરી અભિપ્રાય વ્યક્ત કરવાની ઉતાવળ કરે..! બીજું એવું પણ થવા માંડ્યું છે કે, સમાજમાં પૈસાનું એટલું બધું મહત્વ વધારી દીધું એને લીધે જ્ઞાન કે ડહાપણ જેવી બાબતો ગૌણ બની ગઈ... કોઈ માણસ લક્ષ્મીપતિ હોય કે ધનપતિ હોય કે વિદ્યાપતિ હોય તો એને સન્માન આપવું જોઈએ! પણ બધાને બધી જ બાબતમાં બધી જ ખબર પડે એવું કાયમ શક્ય હોતું નથી..! એટલે સામાન્ય રીતે ધીરજ ધરીને બધાના અભિપ્રાયો પણ સાંભળવા જોઈએ! પણ આવું થતું નથી એ દુઃખદ બાબત છે.'
 
`સર, તમે જુઓ કે આ લોકોને ખબર જ નથી કે એઆઈની બાબતમાં, સ્પેસ સાયન્સમાં કે એન્જિનિયરિંગ ઇનોવેશન જેવાં અનેક ક્ષેત્રોમાં ભારતના યુવાનો આખા વિશ્વના યુવાનોને હંફાવી રહ્યા છે! અરે અમેરિકામાં ફાઇનાન્સિયલ સેક્ટર ભારતીય અને એ પણ ગુજરાતીઓના હાથમાં છે! કેટલી બધી બેન્કોમાં અને સ્ટૉક એક્ષચેન્જમાં, એમ અનેક ક્ષેત્રોમાં ગુજરાતીઓનું અને ભારતીયોનું જબરદસ્ત વર્ચસ્વ છે.. અને જે લોકો ખૂબ આગળ વધ્યા છે એમને બરાબર ખ્યાલ છે કે ભારતનું એજ્યુકેશન અને ભારતનાં જીવનનાં મૂલ્યો એ ખૂબ જ મહત્ત્વનાં છે..'
 
`સર, તમને ખબર જ હશે! પણ ઉત્તર ગુજરાતનું એક રત્ન એટલે પ્રણવ મિસ્ત્રી. આ પ્રણવ મિસ્ત્રીને હવે ભારત સરકારે પણ સાયબર સિક્યુરિટીમાં નિમણૂક આપી છે! એ જગતનો એવો મોટો માણસ છે, આટલી બધી આંટીને લગતી શોધોમાં એનો ફાળો છે, હમણાં સાંભળ્યું ત્યારે ખબર પડી કે, નવરાશના સમયમાંપ્રણવ ગુજરાતી નવલકથાઓ વાંચે છે! કનૈયાલાલ મુનશીની જય સોમનાથ એનાં ગમતાં પુસ્તકોના લિસ્ટમાં છે..!'
 
`બહુ સાચી વાત કરી! રાષ્ટ્ર પ્રથમની ભાવના જીવનમાં ઉતારવી હોય તો સૌથી અગત્યની વાત આ છે કે આપણે ભારત માટે ગૌરવ અનુભવીએ. અને ઠાલું ઠાલું ગૌરવ નહીં, પૂરેપૂરી જાણકારી મેળવીએ, અને બધાને સમજાવીએ કે, ભારતની સંસ્કૃતિ, ભારતનાં જીવનમૂલ્યો, ભારતનાં શાસ્ત્રો જે સંસ્કૃતિનું મૂળ છે, એમાં શું કહ્યું છે..!!!'
 
 
 

ભાગ્યેશ જહા

ગુજરાતી રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં એક સમયે સૌથી વરિષ્ઠ અધિકારી એવા ભાગ્યેશ જહા એક ઉત્તમ કવિ અને નિબંધકાર છે. તેમનું સંસ્કૃત ભાષા અંગેની સમજ અને જ્ઞાન પણ સરાહનીય છે.તે એક સમયે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.