આગળ વધેલા રાષ્ટ્રવાદીઓને અંગ્રેજી સાહેબો દૂરથી જ ઓળખી ગયા. સારા નેતૃત્વની તાકાત પર એ પત્રો પહેલા ત્રણ વર્ગોનાં પત્રોને પાછળ રાખી દઈને દેશમાં સર્વત્ર આગળ વધી ગયા હતા. આઝાદીના રાજમાર્ગને ખુલ્લો કરવાનો શરૂઆતનો પ્રયત્ન એ સમાચારપત્રોએ કર્યો હતો. શ્રીરામના દર્શનના પ્રસ્તાવ પહેલાં માર્ગ મોકળો કરવા માટે ભરતે વિભિન્ન સ્તરના લોકોને વિભિન્ન કામે મોકલ્યા હતા. સમાચારપત્રોએ પણ આદિકવિ દ્વારા વર્ણિત એ જ માર્ગસંસ્કૃતિનું પાલન કર્યું છે. સ્વતંત્ર્યનો પ્રકાશ ગોપુર પહોંચી ગયો. આજના ભાગ્યશાળી સમાજ માટે એ પત્રોનાં નામ પણ કદાચ અજાણ્યાં હશે. એટલે એક વિનમ્ર જવાબદારી તરીકે નવી પેઢીને એમનાં નામોનો પરિચય કરાવું છું. કૃતજ્ઞતા સાથે આપણે એમને યાદ કરીશું. રાષ્ટ્રભાવના સાથે આગળ વધવામાં એમનું સ્મરણ પ્રેરણાદાયક બની રહેશે.
ઉત્તરપૂર્વ ભારતનાં ધ બંગાલી, બારિસાલ, હિતેષી, અમૃતબજાર કર્મયોગી, યુગાંતર, ધર્મ, સંધ્યા, ખુલનાવાસી; ઉત્તરભારતના પેશવા સહાયક પેશ્વાલ, હિંદુ સ્વરાજ, દેશસેવક, સ્વરાજ, પંજાબી, રાજસ્થાન, આર્યાવર્ત, આકાશ, હુંકાર, વિહારી; દક્ષિણ ભારતનાં શક્તિ, કાળ, કેસરી, મરાઠા, કલ્યાણી, રાષ્ટ્રમત, પૂનાવૈભવ, કર્ણાટકવૈભવ, નવશક્તિ, પ્રતિજ્ઞા, વિશ્વવૃત્ત, અરુણોદય, પ્રતોદા, જ્ઞાનોત્તેજક વગેરે અખબારોનાં જ નામ અહીં અપાયેલાં છે. અંગ્રેજી, બંગાળી, હિન્દી, ઉર્દૂ, પંજાબી, રાજસ્થાની, ગુજરાતી, મરાઠા, કન્નડ વગેરે ભાષાઓમાં એ સમાચારપત્રોએ દુશ્મન પર અગ્નિવર્ષા કરી. યુદ્ધનો શંખનાદ કરીને દેશવાસીઓને લડાઈના મેદાનમાં પહોંચાડ્યા, જેના અંતે હું પણ ત્યાં પહોંચી ગઈ હતી.
***
જનમાનસમાં એ સમાચારપત્રોનો પ્રભાવ દિવસે દિવસે વધતો જવાને કારણે સરકાર અસ્વસ્થ થઈ ગઈ હતી. સરકારે જોયું કે, એ સમાચાર પત્રો યોજનાબદ્ધ રીતે સ્વતંત્રતા આંદોલનની તૈયારી કરી રહ્યાં હતાં. એટલે એમને દબાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો. એ માટે સરકાર દ્વારા સૌથી પહેલાં ગૃહવિભાગ તરફથી પ્રાદેશિક શાસનને પરિપત્ર મોકલવામાં આવ્યો. એમાં જણાવવામાં આવ્યું હતું કે, જરૂર ઊભી થાય તો એ સમાચારપત્રો પર પ્રતિબંધ લાદીને કેન્દ્રને એ વિશે સૂચિત કરવામાં આવે. એનાથી ધાર્યું પરિણામ મળ્યું નહીં એટલે કેન્દ્રે નવો પ્રેસનિયમ બનાવ્યો. એ અનુસાર કેન્દ્રને ગમે તે જગ્યાએ ગમે ત્યારે પ્રતિબંધ લાદવાનો હક પ્રાપ્ત થઈ ગયો. એ એક નિર્દયી અને આંધળો કાયદો હતો. એની પકડમાં પત્રના સંપાદક, લેખક, છાપવાનાં યંત્રો, મકાન, સમાચારપત્ર વિતરણકર્તા એજન્ટો સહિત બધાં આવી ગયાં હતાં.
કાર્યકુશળ, કલંકિત જિલ્લા-ધિકારીઓએ જમીનદારના નોકરની જેમ હુકમનું પાલન કરવાનું શરૂ કરી દીધું. કેટલાંક સમાચારપત્રોને સીધાં સમાપ્ત કર્યાં તો કેટલાંકને દેવામાં ડૂબાડીને માર્યાં. કેટલાંકના નાયકોને કેદ કરીને પત્રોને અનાથ કરીને માર્યાં. એ જ પ્રકારની નીતિનો ઉપયોગ મારે માટે પણ કરવામાં આવ્યો. હું સરકારની નજરે અપરાધી હતી. ચાણક્ય દૃષ્ટિથી બધું સમજનારા અરવિંદબાબુએ સૂર્યપ્રકાશ નામના એક સંપાદકને પહેલાં જ નિયુક્ત કરી દીધો હતો. નિયમ પ્રમાણે સમાચારપત્ર સાથે એમનો કોઈ સંબંધ નહોતો. તેઓ અનુશીલન સમિતિના માત્ર સભ્ય જ હતા. એમને અંગ્રેજી લખતાં વાંચતાં આવડતું નહોતું. એ જ એમની નોકરીની પાત્રતા હતી.
***
શરૂઆતમાં જ, અર્થાત્ ૨૨ ઑગસ્ટના દિવસે મારા આ અવતાર (વંદે માતરમ્ પત્ર)ના બીજા પાના પર મેં પ્રકટ રીતે કહ્યું, `માત્ર પોતાના પરિશ્રમના બળે જ ભારત સ્વતંત્ર થઈ શકે છે.' એ પછી એક વાર ફરીથી મેં વિસ્તારથી સ્પષ્ટ કર્યું હતું. `દરેક રાષ્ટ્રને પોતાની રીતિનીતિ અનુસાર જીવવાનો અધિકાર છે. ભારતના પુનર્જાગરણનું પહેલું પગથિયું જનતા દ્વારા સરકાર પર કબજો કરવાનું છે. સ્વશાસન અથવા પૂર્ણ સ્વરાજ્યથી ઓછું કંઈ પણ રાષ્ટ્રના આત્માને સ્વીકાર્ય નથી. જીવન તથા મરણનું પણ એ જ એકમાત્ર લક્ષ્ય છે.'
એ સાથે જ મારા જનક બંકિમબાબુનું રાષ્ટ્રની નવચેતનાના પ્રેરક, ભારતીય રાજનીતિના આચાર્ય વગેરે વિશેષ પદો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અંગ્રેજી સરકારને એ બધું ગમ્યું નહીં. શિકારીની જેમ એ મારી પાછળ પડી. એમ છતાં હું પાછી પડી નહીં. મેં હજુ વધુ ઉદબોધન કરવાનું શરૂ કર્યું. `સ્વતંત્રતાના આશીર્વાદ એ સસ્તામાં ખરીદવા જેવી બજારું વસ્તુ નથી. નોકરશાહીનો વિરોધ કરીને તથા શહીદોના લોહી વડે એ પ્રાપ્ત થઈ શકે છે. હવે સ્વરાજ્ય સંબંધિત કોરું ભાષણ સમાપ્ત કરવાનું છે, સ્વરાજ્યનું જીવન જીવવાનું છે ત્યારે જ સ્વરાજ આપણી તરફ આવી જશે.'
વાસ્તવમાં મારું ઉદબોધન એક પડઘો હતું. અવાજ અરવિંદબાબુનો હતો. સરકાર પણ એ જાણતી હતી. પરંતુ સરકારને એનું લેખિત પ્રમાણ મળ્યું નહોતું. એ દરમિયાન જ ૬ એપ્રિલ, ૧૯૦૭થી ૨૩ એપ્રિલ સુધી મેં `અહિંસાત્મક પ્રતિરોધ' વિશે ભાગશઃ લખવાનું શરૂ કર્યું હતું. ૨૪ એપ્રિલના દિવસે પોલીસે મારી વિરુદ્ધ મુકદમો દાખલ કર્યો.
૨૭ એપ્રિલના દિવસે `સંપાદકનો પત્ર' કોલમમાં ભારતીયો માટે આવશ્યક રાજનીતિ નામે એક પત્ર છપાયો હતો. એ મોટી હલચલનું કારણ બની ગયો. ત્રણ દિવસમાં જ કાર્યાલયમાં પોલીસે છાપો માર્યો. એ પછી તપાસ શરૂ થઈ. છેવટે અરવિંદબાબુની ધરપકડ માટે વોરંટ કાઢવામાં આવ્યું. અરવિંદબાબુ સીધા પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા. જાતમૂચરકા પર એમને છોડવામાં આવ્યા. પરંતુ ધરપકડની ખબર સર્વત્ર પ્રસરી ગઈ. પુણેના કેસરી તથા મરાઠાએ ઉગ્ર ભાષામાં એનો વિરોધ કર્યો. રવીન્દ્રબાબુનું કવિહૃદય દુઃખી થઈ ગયું. એક વધુ ` 'ની રચના થઈ. `ઈશ્વરનો દીપક હાથમાં લઈને એક રાષ્ટ્રદૂત આવી ગયો છે. એને સજા કરવા માટે દુનિયામાં શું કોઈ રાજા છે? હે અરવિંદ, મારા પ્રણામ સ્વીકારશો.' બધાએ વિચાર્યું હતું કે, અરવિંદબાબુ જેલમાં હશે. આકસ્મિક રીતે જામીન પર છૂટેલા અરવિંદબાબુને પોતાની સામે ઊભેલા જોયા તો આશ્ચર્યમાં પડી ગયા અને કહ્યું, `તમે મને બહેકાવ્યો', આનંદાશ્રુથી અવરુદ્ધ કંઠે રવીન્દ્રબાબુએ એમ કહ્યું ત્યારે અરવિંદબાબુએ હસીને જવાબ આપ્યો, `પ્રતીક્ષા કરો, કવિની કામના પૂરી થઈ જશે.' યોગીએ જે કહ્યું એ આગળ જતાં સાચું જ પડ્યું. માણિકતલા બૉમ્બ કેસમાં અરવિંદબાબુ ફરીથી પકડાઈ ગયા.
***
વંદે માતરમ્ વિચારણા ખટલો ૨૬ ઑગસ્ટ, ૧૯૦૭માં શરૂ થયો. અદાલતમાં સાક્ષી તરીકે વિપિનચંદ્ર પાલને બોલાવવામાં આવ્યા હતા. તેઓ સાક્ષી આપવા માટે ચેમ્બરમાં ગૌરવપૂર્વક ઊભા રહ્યા. અદાલતમાં સાક્ષીને શપથ લેવા માટે કહેવામાં આવ્યું ત્યારે એમણે દૃઢતાથી જવાબ આપ્યો, `આ વિચારણામાં ભાગ લેવા માટે મારો અંતરાત્મા ના પાડે છે.' મેજિસ્ટ્રેટ તથા સાક્ષી વચ્ચે ફરી વાદવિવાદ થયો. એમણે કંઈ પણ કહેવાની ના પાડી દીધી અને કહ્યું, `મારો દૃઢ વિશ્વાસ છે કે વંદે માતરમ્ વિરુદ્ધની આ કાયદાકીય કાર્યવાહી અન્યાય તથા રાષ્ટ્રદ્રોહ છે.' એ અભિવ્યક્તિની આઝાદી તથા વાણીસ્વાતંત્ર્યની વિરુદ્ધ છે.' અદાલતની અવહેલના કરવા માટે વિપિનબાબુને ૬ મહિનાની સજા કરવામાં આવી. જુઓ સમયની વિચિત્રતા. અપરાધી હતા અરવિંદબાબુ અને સજા કરવામાં આવી વિપિનબાબુને. અદાલતના દૃશ્ય પર આ રીતે પડદો પડી ગયો.
***
બહાર લોકો ઉત્તેજિત થઈ રહ્યા હતા. અરવિંદબાબુ વિરુદ્ધ સાક્ષી આપવા માટે વિપિનબાબુએ ના પાડી છે, એ સમાચાર વાયુવેગે દેશભરમાં ફેલાઈ ગયા. મેજિસ્ટ્રેટ કિંગ્સફૉર્ડનું ક્રૂર વલણ પણ લોકો જાણતા હતા. અદાલતની કાર્યવાહી પર નજર રાખવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. બંદૂક અને લાઠીધારી સૈન્ય પણ સજ્જ થઈને ઊભું હતું. યુવાનો જોરશોરથી મારા નામના નારા લગાવી રહ્યા હતા. વાતાવરણમાં મારા નામનું ગુંજન હતું. મેજિસ્ટ્રેટ માટે એ બધું અસહ્ય બની ગયું. એમને માટે એ નિષિદ્ધ હતું. `વંદે માતરમ્'ના તોફાની સંતાનોને ઠેકાણે લાવવાનો એમણે પોલીસને આદેશ આપ્યો. આદેશ મળતાં જ પોલીસે લાઠીચાર્જ શરૂ કરી દીધો. લોકો ચારે તરફ દોડ્યા. કેટલાક પડી ગયા, એમને લાતો મારવામાં આવી. કેટલાકનાં માથાં ફૂટ્યાં, લોહી વહેવા લાગ્યું. ભૂમિ લોહીથી સિંચાઈ. લાલબજારથી થોડે દૂર એક કિશોર એ બધું જોઈ રહ્યો હતો. સિયાલદાહથી આ તરફ આવી રહેલો ૧૫ વર્ષનો કિશોર સુશીલકુમાર સેન હતો. પાસે આવીને ઘટના તરફ જોઈ રહેલા સુશીલકુમારને પોલીસ સાર્જન્ટે તમાચો માર્યો. સુશીલ ક્રોધે ભરાયો. એ વાઘની ઝડપે પેલા પોલીસ અધિકારી પર તૂટી પડ્યો. બંને હાથે પૂરી તાકાતથી એને માર્યો. સાર્જન્ટની આંખોમાં અંધારું ઊતરી આવ્યું. પોલીસ અધિકારી થાકી ગયો અને શાંત થઈ ગયો ત્યારે સુશીલે એને છોડી દીધો. `બદમાશ યુવાન' પાછો હટતાં જ પોલીસ ઝડપથી ઊભો થઈ ગયો અને અદાલતમાં જઈને ફરિયાદ કરી.
બીજે દિવસે સુશીલને કિંગ્સફોર્ડ સમક્ષ હાજર કરવામાં આવ્યો. સુશીલનો મુકદ્દમો ચલાવવા માટે અનેક વકીલો આગળ આવ્યા. મેજિસ્ટ્રેટે પક્ષપાતથી કામ કર્યું. એમણે કહ્યું કે, `બંગાળના યુવાનોનું માનવું છે કે, તેઓ પોલીસને રોકી શકે છે.' વકીલે પણ બાકી રાખ્યું નહીં. એમણે કહ્યું, `બંગાળીઓ સાથે ગમે તેવો વ્યવહાર કરી શકાય એવું પોલીસ વિચારે છે.' મેજિસ્ટ્રેટને ગુસ્સો આવ્યો, શા માટે નહીં ? બંગાળીઓને પણ દબાવી દઈશું.' અને અનુશાસન શીખવવા માટે એ યુવાનને ૧૫ ચાબૂક ફટકારવાની સજા મેજિસ્ટ્રેટે સંભળાવી.
તરત જ અદાલતના પ્રાંગણમાં સૌની નજર સામે જ એક ત્રિપાઈ ગોઠવવામાં આવી. ઉઘાડા શરીરે એ ગુનેગારને એની પર ઊંધો બાંધીને પીઠ પર ચાબૂક ફટકારવાના હતા. બધાએ એ જોવાનું છે કે, એ રાજ્યકર્તાઓનો ઉદ્દેશ સાથેનો ન્યાય છે. એ પ્રકારની સજા બાકીના લોકોને દેખાડીને એમના મનમાં ભય ઉત્પન્ન કરવો તથા એમને એવી પ્રવૃત્તિ કરતા રોકવા એ જ રાજ્યકર્તાઓનો ઉદ્દેશ હતો. અંગ્રેજોની પકડમાં ન આવતાં, માઇલો દૂર જઈને જેણે આત્મત્યાગ કર્યો હતો એ ધૈર્યવાન દેશપ્રેમી કેરળના વેલુત્તંપીની લાશ તિરુઅનંતપુરમમાં લાવીને ફાંસીએ ચઢાવીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાશને ફરીથી ફાંસીએ ચઢાવનાર માટે અંગ્રેજ શું મૂર્ખ હતો? ભયનું વાતાવરણ ઊભું કરીને બાકીના લોકોને ચેતવણી આપવાનો જ એમનો ઉદ્દેશ હતો. ભગતસિંહને મોતની સજા પણ એ માટે જ કરવામાં આવી હતી. બ્રિટિશ નીતિબોધ તથા ન્યાયની વ્યવસ્થા વિશે હંમેશાં વાતો કરનારાઓએ શું કર્યું?
નિર્ધારિત દિવસના એક દિવસ પહેલાં ૨૩ માર્ચ, ૧૯૩૧ના દિવસે ભગતસિંહને લાહોરની જેલમાં ફાંસી આપી દેવાઈ. લાહોરથી સો માઈલ દૂર ફિરોજપુરમાં એમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. સુશીલકુમારની સજા પણ જાહેરમાં કરવા પાછળ ભય પેદા કરવાનો જ ઉદ્દેશ હતો.
ત્રિપાઈ તૈયાર થઈ ગઈ. અને મારનારા પણ આવી પહોંચ્યા. નિર્દયી, ક્રૂર સજા શરૂ થઈ. કોરડા ગણવા માટે એક કારકુન પણ હતો. અદાલતના ફેંસલા અનુસાર મારના વર્ણન વિશે પ્રમાણપત્ર આપવા માટેનું સૂચન પણ થયું. ચાર માણસો આગળ અને ચાર પાછળ એ રીતે પકડીને સુશીલને ત્યાં લાવવામાં આવ્યો. ત્રિપાઈ નજીક આવતાં જ એ રાષ્ટ્રપ્રેમીએ ચારે તરફ નજર કરીને ઊંચા અવાજે `વંદે માતરમ્' કહ્યું. માતૃભક્તિની એ ઉન્મત્ત અવસ્થામાં જાણે એને કર્ણના સૂર્યકવચની જેમ જ માતૃકવચ પ્રાપ્ત થયું હતું. કારકુનની ગણતરી સાથે મારવાનું શરૂ થયું. દરેક ફટકા સાથે સુશીલ `વંદે માતરમ્' બોલતો રહ્યો. એ રીતે ૧૫ ફટકા થયા અને ૧૫ વંદે માતરમ્ પણ. મારવાનું પૂરું થયા પછી વધુ એક વાર વંદેમાતરમ્ કહ્યું. એની આંખોમાં આંસુ નહીં લોહી ઊતરી આવ્યું હતું અને એ ભીમસેન જેવી લાલ દેખાતી હતી. એ લાલ આંખ બંગાળી યુવાનોમાં વ્યાપી ગઈ અને તેઓ એવી જ લાલ આંખે કિંગ્સફોર્ડ તરફ જોઈ રહ્યા હતા.
સુશીલના સન્માનમાં બીજે દિવસે નેશનલ કૉલેજમાં રજા આપવામાં આવી હતી. એ જ દિવસે, ૨૦ ઑગસ્ટના દિવસે, સુશીલનું સન્માન અને અભિનંદન કરવા માટે એક સભાનું આયોજન થયું હતું. એમાં ભાગ લેનારા મોટા ભાગના વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ હતા. પ્રસિદ્ધ લોકનેતા સુરેન્દ્રનાથ બેનર્જીએ સુશીલને આપવા માટે એક સ્વર્ણપદક મોકલાવ્યું હતું.
સભામાં એ ધારણ કરીને સુશીલની આંખોમાં આંસુ આવી ગયાં. સભાના અંતે બધાએ સુશીલને એક ઘોડાગાડીમાં બેસાડીને નગર પ્રદક્ષિણા કરી. રસ્તામાં બધા મળીને એક બંગાળી ગીત પણ ગાતા હતા.
જય જાબે જીવન ચોલે
જગત માજે તોમર કાજે
વંદે માતરમ્ બોલે
બેતમેરે કી મા ભોલાબી
આમ્રા કી માયેરસેચી છેલે
(મા. વંદેમાતરમ્ બોલતાં બોલતાં પ્રાણ ત્યાગવામાં પણ કોઈ દુઃખ નથી. લાઠી દેખાય તો શું કોઈ માતાને ભૂલી શકે? અમે અમારી પ્રિય માતાનાં સંતાનો છીએ.)
***
(ક્રમશઃ)