આટલા મહાન વિદ્વાન ઈશ્વરચંદ્ર ગુપ્તે કેમ આવું કર્યું ? પહેલાં મને એનું કારણ જાણવા મયું નહોતું. મને ઘણું દુઃખ થયું. મને લાગ્યું કે બંગદેશના એક કવિએ આમ નહોતું કરવું જોઈએ. મેં ક્યારેય એમને એવા બુદ્ધિહીન માન્યા નહોતા. હું ચિંતા કરીને હેરાન થઈ ગઈ. ઊંઘવાનું છોડીને હું એનું કારણ વિચારવા લાગી. છેવટે, ધીરે ધીરે આઠમા દિવસની સવારે જાણે મને નવો પ્રકાશ દેખાયો.
 
મારા પ્યારા દેશવાસીઓ, ચાલો હવે હું બંગાળની કથા શરૂ કરું. બંગાળની શિરોમણિ દેવી એક વિચિત્ર મહિલા હતી. વીરાંગના રાણી લક્ષ્મીબાઈના રણભૂમિમાં ઊતરવાનાં ૫૭ વર્ષ પહેલાં એ વીરાંગનાએ ઘવાએલી વાઘણની જેમ અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો. બિહારના છોટા નાગપુરથી લઈને બંગાળના રાજનગર, વિષ્ણુપુર, બાંકુરા, મિદનાપુર, માનભૂમિ, વીરભૂમિ વગેરે સ્થાન એના કબજામાં આવી ગયાં. તમે જાણો છો આ વીર સ્ત્રીને કોની મદદ મળી? વિંધ્યાચળના ભીલ જેવા છત્તીસગઢના લોકોએ એની મદદ કરી. એ સમયમાં એ પ્રદેશોમાં અંગ્રેજો પણ ભયભીત થઈને રહેતા હતા.
 
રંગપુરમાં જે થયું એ જનઆંદોલન જ હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇજારદાર મહારાણા દેવસિંહને રાજા ઘોષિત કર્યો, પરંતુ લોકો એને પ્રજાપાલક રાજા માનતા નહોતા. ખેડૂતો સંગઠિત થઈ ગયા અને રાજાનો જાહેર બહિષ્કાર કર્યો. પ્રજાએ પોતાની તરફથી હિરજી નારાયણને રાજા ઘોષિત કર્યો.
 
પ્લાસીના યુદ્ધ પછી એક સદી વીતી ગઈ. મારા જન્મથી ૨૧ વર્ષ પહેલાંની આ કથા છે. આજના બિહાર, બંગાળ, ઉત્તર ઓડિસા બધાં જ બંગાળ પ્રેસિડેન્સી અંતર્ગત હતાં. અહીંનો સંપૂર્ણ પર્વતાંચલ પ્રદેશ સંથાલો પાસે હતો, સંથાલ- ત્યાંની માટીના સપૂતો, એ માટીની ગંધને છાતીમાં ભરીને જીવતા લોકો. સિંહાસન ગયા પછી પણ એમનું આસન ત્યાં જ હતું. પોર્ટુગીઝોના આગમનને કારણે એ સંથાલોની દશા ખરાબ થઈ ગઈ. સ્થિર નિવાસસ્થાનનો નિયમ તથા જમીનદારી વ્યવસ્થાનું કુચક્ર એમને રાજમહેલમાંથી પહાડો તરફ લઈ ગયું. જિલ્લાધિકારીનો આદેશ લઈને આવેલા કર વસૂલ કરનારા કર્મચારીઓએ એમને પરેશાન કરી દીધા. તેઓ પોલીસના ગુસ્સાનો પણ ભોગ બન્યા.
 
અંગ્રેજી કીચકોએ સંથાલ મહિલાઓને સૈરંધ્રી સ્વરૂપે જોઈ. પરંતુ એમને એ અંદાજ ન રહ્યો કે સંથાલોની વચ્ચે પણ ભીમસેન હાજર હતો. સિંધુ અને કાનુ સંથાલ ભાઈઓ હતા જેમને સંથાલો ભીમ અને અર્જુન માનતા હતા. એમણે પોતાની જાતિના લોકોને એકત્રિત કર્યા. સન ૧૮૮૫ના જૂન મહિનામાં દસ હજાર સંથાલોએ ભેગા મળીને શપથ લીધા કે સંથાલો પોતાની ભૂમિ લઈ લેશે અને ત્યાં પોતાનું રાજ્ય સ્થાપિત કરશે. સંથાલોએ માની લીધું કે, સિંધુ અને કાનુને ઈશ્વર તરફથી એ જ આદેશ મયો છે. સંથાલ સમૂહની સંખ્યા અને શક્તિ વધવા લાગી. નદીના પ્રવાહ જેવી મહાશક્તિ સાથે સંથાલોએ અંગ્રેજો પર આક્રમણ કર્યું. એમનું આક્રમણ બહુમુખી હતું. મનુષ્યની ઊંચાઈ જેટલા લાંબાં ધનુષ્ય, વિષ પાયેલાં બાણ, તળપતી તલવારો, કુહાડી તથા ભાલાઓ સાથે આવી રહેલા અર્ધનગ્ન સંથાલ યોદ્ધાઓ જોઈને અંગ્રેજો વિસ્મય પામ્યા. એ આક્રમણકારીઓએ અંગ્રેજોના બંગલાઓનો એક એક કરીને નાશ કર્યો. રેલવેના અધિકારીઓ તથા જમીનદારોને નિર્દયતાપૂર્વક રહેંસી નાખ્યા. અંગ્રેજોના મદદગારોનો પણ નાશ કર્યો. અંગ્રેજી મહિલાઓ તથા બાળકોને પણ છોડ્યાં નહીં. `આ કેવું વેર છે?' એવું પૂછનારા અંગ્રેજને એક વયોવૃદ્ધ સંથાલે કહ્યું, `સાપને મારતી વખતે એનાં બચ્ચાઓને પણ મારવાનાં હોય છે. ઈંડાં પણ ભાંગવાનાં હોય છે, નહીં તો આગળ જતાં એ પણ અમને જ કરડશે અને અમે મરી જઈશું.'
 
ભાગલપુરથી રાજમહેલ સુધીની દૂરસંચાર ટપાલ સુવિધાઓ તથા રેલસુવિધાઓને સંથાલોએ નષ્ટ કરી નાખી. સૂરી અને મુર્શિદાબાદના વિદેશી શાસનનો અંત કરી દીધો. સામૂહિક શપથનું એમણે પાલન કર્યું. કંપનીનું શાસન સમાપ્ત થયું. પોતાના સૂબાનું રાજ્ય આવી ગયું. ઊંચા અવાજે ગર્વસહિત એમણે એની ઘોષણા કરી.
 
સંત સંગ્રામથી શરૂ કરીને સંથાલ સંગ્રામ સુધીના નવથી પણ વધુ દશકોમાં અંગ્રેજો વિરુદ્ધ દેશના વિભિન્ન ભાગોમાં જે સંઘર્ષ ફાટી નીકયો હતો એ રાષ્ટ્રહૃદયમાં લાંબા સમય સુધી વડવાનલની જેમ પ્રજ્વલિત રહેવાનો હતો. વિભિન્ન સ્થાનોએ થયેલા એ સંઘર્ષો પાણી ઊકળતા પહેલાંના ગરમ ગરમ પરપોટા હતા.
 
***
 
ગંગા-યમુનાના વિશાળ સંગમ પ્રદેશમાં સન ૧૮૫૭માં પૃથ્વીના અંતરાળમાં એક જ્વાળામુખી તૈયાર થઈ ગયો હતો જેણે ધરતીમાં ચીરા પાડીને મે માસમાં પોતાનો ધુમાડો ઓકી દીધો. એની સાથે જ મહાભયંકર વિસ્ફોટ પણ થયો. જેનો ઝટકો સાત સમુદ્ર પાર કરીને દૂર લંડન સુધી અનુભવાયો. પોતાના હાથમાંથી અમેરિકન વસાહત નીકળી ગઈ તે પછીનો આ સૌથી મોટો આઘાત હતો. જાણી જોઈને અંગ્રેજોએ એ વિદ્રોહને સૈનિકોના વિદ્રોહનું નામ આપી દીધું.
 
જ્વાળામુખીમાંથી ફૂટી નીકળેલો લાવા બર્માથી પંજાબ સુધી પ્રસરી ગયો. એની અસહ્ય ગરમી સુદૂર દક્ષિણમાં તિરુનેલવેલી સુધી પહચી. સન ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની વિશેષતા એ રહી કે, એમાં રાજા અને પ્રજાએ એકસાથે મળીને સંઘર્ષ કર્યો. રાજા અને નવાબ બંનેએ એક સામાન્ય નેતૃત્વમાં યુદ્ધ કર્યું. પોતાના દેશ તથા ધર્મને ડૂબતો જોઈને એના રક્ષણ માટે `હર હર મહાદેવ' `મારો ફિરંગીને'ના ઉદઘોષ સાથે દેશપ્રેમીઓએ તલવાર ઉઠાવી. એ જ ક્રમમાં દિલ્હીના સિંહાસન પર સત્તાના કેન્દ્રબિંદુ તરીકે બહાદુરશાહ ઝફરને રાજા ઘોષિત કરીને બેસાડવામાં આવ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન તેઓ કદી માન્ય રાખતા નહોતા. કંપની સરકારના નકામા દસ્તાવેજોને અગ્નિને હવાલે કરી દેવામાં આવ્યા.
 
આટલે સુધી તો વાત પતી ગઈ પરંતુ અંતિમ વિજય થયો સાંઘિક વ્યવહારોમાં કુશળ અંગ્રેજોનો. એમના કૂટનીતિના ઇતિહાસનું પુનરાવર્તન થયું. એમણે આપણને `નેટિવ અને લૉયલ', દેશી અને વફાદાર એવાં બે જૂથોમાં વહેંચી દીધા. દેશીનો અર્થ ધમાલ કરનારા અને વફાદારનો અર્થ કંપનીને સાથ આપનારા, કંપનીને વફાદાર. વફાદાર જૂથે રાજા પ્રત્યે પૂર્ણ રાજભક્તિ દર્શાવી. દેશવાસીઓ વિરુદ્ધ રાજભક્તોને મેદાનમાં ઉતારવામાં આવ્યા. રાજભક્તો વિશે કહેતી વખતે હું એક અન્ય ઘટના પણ યાદ કરાવું છું.
 
કંપનીના હાથમાંથી કાનપુર મુક્ત કરી દેવાયું. ત્યાંના સૈનિકોએ ત્યાં સ્વધર્મ અને સ્વદેશનો ઝંડો લહેરાવ્યો. પરંતુ હવા બદલાઈ ગઈ હતી. રાજભક્તોની સહાયતાથી અંગ્રેજોએ શહેર પાછું લઈ લીધું. અંગ્રેજોએ દેશી સૈનિકોની નિર્મમ હત્યા કરી. ગંગાનું પાણી દેશપ્રેમીઓના લોહીથી લાલ થઈ ગયું. પરંતુ ગંગાનો રક્તરંજિત જળપ્રવાહ કોલકતા પહચે એ પહેલાં જ તાર દ્વારા કંપનીને કાનપુર પાછું મળી ગયાના `શુભ સમાચાર' મળી ગયા હતા. એ સાંભળીને એક રાજભક્તે પોતાના મિત્રોને નિમંત્રણ આપીને બોલાવ્યા. અને ઉત્સવ મનાવ્યો. કોણ હતાં એ શુભચિંતક? એ કોઈ અન્ય નહીં, પરંતુ ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થનારાં દૈનિકો પૈકી સર્વપ્રથમ દૈનિક `સંવાદ પ્રભાકર' સમાચારપત્રના સ્થાપક સંપાદક, બંગાળી સાહિત્યના મહાન કવિ ઇશ્વરચંદ્ર ગુપ્ત હતા.
  
***
 
આટલા મહાન વિદ્વાન ઈશ્વરચંદ્ર ગુપ્તે કેમ આવું કર્યું? પહેલાં મને એનું કારણ જાણવા મયું નહોતું. મને ઘણું દુઃખ થયું. મને લાગ્યું કે બંગદેશના એક કવિએ આમ નહોતું કરવું જોઈએ. મેં ક્યારેય એમને એવા બુદ્ધિહીન માન્યા નહોતા. હું ચિંતા કરીને હેરાન થઈ ગઈ. ઊંઘવાનું છોડીને હું એનું કારણ વિચારવા લાગી. છેવટે, ધીરે ધીરે આઠમા દિવસની સવારે જાણે મને નવો પ્રકાશ દેખાયો.
 
હું જાણી ગઈ. માત્ર ઈશ્વરચંદ્ર ગુપ્ત જ નહીં બલ્કે અંગ્રેજી શિક્ષણ લીધેલા નવા વર્ગનો વ્યવહાર પૂરેપૂરો આવો જ રહ્યો હતો. સન ૧૮૫૭ના સંગ્રામને એ અભિજાત વર્ગે સ્વતંત્રતા સંગ્રામ માન્યો જ નહીં. કોલકતામાં અધિકારનું કેંદ્ર બની બેઠેલી કંપનીની વિચારધારા સાથે તેઓ સહમત હતા. કંપનીએ જે કંઈ કહ્યું એ તેઓ માનતા હતા. એટલે ૧૮૫૭નું આંદોલન એમને માટે માત્ર સૈનિકોનો બળવો હતું. અંગ્રેજી શિક્ષણ લીધેલા એ વિશિષ્ટ લોકોએ અંગ્રેજીના દૃષ્ટિકોણથી જ બધી ઘટનાઓને જોઈ તથા એમનું મૂલ્યાંકન કર્યું.
 
બંગભૂમિએ અંગ્રેજી શિક્ષણનો મનઃપૂર્વક સ્વીકાર કર્યો. કંપની સરકાર દ્વારા અંગ્રેજી શિક્ષણનો વિરોધ પ્રચાર કરાય એ પહેલાં જ સન ૧૮૦૦માં કોલકતાના ભવાનીપુરમાં દેશવાસીઓએ એક અંગ્રેજી વિદ્યાલય શરૂ કરી દીધું. બંગાળનાં અનેક શહેરોમાં અંગ્રેજી પાઠશાળાઓ શરૂ કરવામાં આવી. સન ૧૮૧૭માં કંપની સરકારની રાજધાની કોલકતામાં ભારતની સૌ પ્રથમ કોલેજની સ્થાપના થઈ.
 
શરૂઆતમાં મોટા લોકો, મોટા `બાબૂ'ઓનાં બાળકો જ શિક્ષણ મેળવી શકતા હતા. એ બાળકો પોતાને `ભૂદેવ' સમજતા હતા. સામાન્ય લોકો એમને `ઠાકુર' કહેતા હતા. શ્રમિકોનું શોષણ કરીને મોટા મોટા મહેલોમાં રહેનારા એ લોકોની જીવનશૈલી ધરતી અને સ્વર્ગ વચ્ચે ત્રિશંકુ વર્ગની હતી. રવીન્દ્રનાથ ઠાકુરે પોતાની વાર્તા `નયંજરના બાબૂ'માં એનું માર્મિક વર્ણન કર્યું છે. કંપનીનું આગમન અને રાજ્ય એમને માટે નવાબોના શાસનમાંથી છુટકારારૂપ હતું. કંપનીના જહાજ દ્વારા થનારા અંગ્રેજોના આગમનને તેઓ દૈવી વિધાન માનતા હતા. એમણે વિચાર્યું કે ભગવાને પોતે એમને અહીં મોકલ્યા છે.
 
અંગ્રેજોના આગમન સંબંધિત લોકકથાઓ પ્રચલિત થઈ. ત્રેતાયુગમાં ધર્મમૂર્તિ શ્રી રામચંદ્ર દ્વારા વાનરોને અપાયેલા વરદાનના પરિણામ તરીકે કલિયુગમાં એમણે સફેદ રંગ સાથે જન્મ લીધો છે અને વિજયની પરંપરાનું પુનરાવર્તન કરવા માટે આવ્યા છે. જનજાતિઓના લોકો ઘેર ઘેર આંગણામાં બેસીને આ પ્રકારનું ગીત ગાઈ સંભળાવતા હતા.
 
નવી અંગ્રેજી સ્કૂલ લોકો માટે નવો અનુભવ હતો. સ્કૂલની કાર્યપદ્ધતિ પરંપરાગત રીતે ચાલતાં દેશી વિદ્યાલયો કરતાં તદ્દન અલગ હતી. ઘંટ વગાડીને નિષ્ઠાપૂર્વક ભણવાની શરૂઆત, વિદ્યાર્થીઓનો નિશ્ચિત ગણવેશ, ગુડમોર્નિંગ કહીને શિક્ષકનું અભિવાદન, ઈસુની પ્રાર્થના, એકંદરે એક વિશેષ પ્રકારનું અનુશાસન. લોકો એ તરફ આકર્ષિત થઈ ગયા. દેશી શાળાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ. અંગ્રેજી શિક્ષણપદ્ધતિનો ખૂબ પ્રચાર થયો. વટ પાડવા માટે લોકો ધોતી ઝભ્ભાને બદલે કોટ પેંટ પહેરવા લાગ્યા.
 
અંગ્રેજી શિક્ષણ લીધેલા લોકોના આચાર-વિચાર સદંતર બદલાઈ ગયા. પશ્ચિમના બધાને તેઓ મહાન અને પૂર્વના બધાને તેઓ ઊતરતા અને નકામા સમજવા લાગ્યા હતા. ભારતનાં સંગીત, સાહિત્ય, લોકકલા બધાને નકામાં સાબિત કરી દેવામાં આવ્યાં. સદીઓથી ચાલી આવતી પરંપરા, શ્રદ્ધા, આચાર બધાં જ એમને માટે માત્ર મજાક કે તમાશો હતાં. પોતાની પરંપરાનો નિષેધ કરવો એ બુદ્ધિશાળી હોવાનું લક્ષણ મનાયું. આ અંગ્રેજી શિક્ષણ લીધેલા થોડા બુદ્ધિજીવીઓએ ભારતીય જીવનમૂલ્યોનો ઉગ્ર વિરોધ કર્યો. આઝાદીનો અર્થ એમને માટે મૂલ્યવિહીન જીવન જીવવું એવો છે. શરાબ અને માંસાહારને સભ્યતાનું લક્ષણ જાહેર કરવામાં આવ્યું. પાપપુણ્યની પોકળતા, નિરર્થકતા, મૂર્તિપૂજા, આત્મા-પરમાત્મા વગેરે વિષયો પર ગંભીર સંગોષ્ઠિઓનું આયોજન થવા લાગ્યું. એમને માટે યુક્તિ અને બુદ્ધિ જ જીવનનો આધાર હતો. એમણે માનવસંબંધોને કોઈ મહત્ત્વ ન આપ્યું. એ લોકો પોતાને થોમસ પેઈનના વારસ માનવા લાગ્યા હતા. એમનું લખેલું પુસ્તક `એજ ઑફ રીઝન' (Age of Reason) એ બુદ્ધિજીવીઓ માટે ભગવાન હતું. એક રૂપિયાની કિંમતનું એ પુસ્તક સાત-આઠ રૂપિયા આપીને ખરીદવું એ એમને માટે ગર્વની બાબત હતી.
 
માધવચંદ મલ્લિક (M.C. Mallik) એ બુદ્ધિજીવીઓમાં મુખ્ય હતા. કોલેજની પત્રિકામાં એમણે લખ્યું- `અંતર્મનથી અમે કોઈના પ્રત્યે નફરત અનુભવતા હોઈએ તો એ છે હિન્દુધર્મ'. એમના પૈકી એક અન્ય હતા રાધાકૃષ્ણ મલ્લિક. એક વાર અદાલતમાં એમને શપથ લેવા પડ્યા. હાથમાં ગંગાજળ લઈ શપથ લેવાનો રિવાજ એ વખતે હતો. એમણે એમ કરવાની ના પાડી. એમણે કહ્યું `હું ગંગાજળને પવિત્ર માનતો નથી'. એમ કહેવામાં તેઓ અત્યંત ગર્વ અનુભવતા હતા. એમના ચહેરા પર જાણે યુદ્ધ જીતીને આવેલા મહારથીની ચમક હતી.
 
***
 
પરિસ્થિતિને વધુ બગાડવા માટે આવી ગયા મિશનરીઓ. એમણે નવા વિચારો રજૂ કર્યા. એમનો વિચાર હતો કે નવા શિક્ષણની વૈજ્ઞાનિકતા અને યુક્તિ પરંપરાગત અંધવિશ્વાસોને સમાપ્ત કરી શકે છે પરંતુ શાશ્વત માનવીય મૂલ્યોની સ્થાપના કરી શકતી નથી. એને માટે ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરવો જ પડશે. ઈશ્વર નિયોગ જેવા મિશનરીઓએ અંગ્રેજી શિક્ષણને ધર્મ પરિવર્તનનો માર્ગ માની લીધો. અંધશ્રદ્ધા તથા પાપપૂર્ણ મૂર્તિપૂજાની ઉગ્ર ટીકા કરી. શાળાઓમાં તેઓ ઈસુ ખ્રિસ્તના સત્યમાર્ગનો ઉપદેશ આપી રહ્યા હતા. એ ઉપરાંત `સમાચાર દર્પણ' જેવી ધર્મપ્રચારની પત્રિકાઓ પણ મિશનરીઓએ શરૂ કરી હતી. મિશનરીઓની પ્રવૃત્તિઓમાં સૌથી આગળ સ્કોટિશ મિશનરી ઍલેક્ઝાંડર ડફ હતો. યેન કેન પ્રકારેણ ધર્માંતરણ એનું લક્ષ્ય હતું. લાંચ આપીને ઉપદેશ કરીને અથવા ધાકધમકી દ્વારા લોકોનું ધર્માંતરણ કરવાનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું હતું.
 
ડફના આવતા પહેલાં જ `ડફ અને બ્લાઇંડ (બહેરા અને આંધળા) થઈ ગયેલા યુવાનોનો એક વર્ગ અહીં ઊભો થઈ ગયો હતો. ભગવદ્ગીતામાં કહ્યું છે એ અનુસાર - પ્રજ્વલિત દીપક તરફ આત્મનાશ માટે પતંગિયાં શીઘ્રગતિથી આવે છે.' પરિસ્થિતિઓ એવી જ હતી. એક વખત પચાસ યુવકોનું એક સાથે ધર્માંતરણ કરવામાં ડફ સફળ રહ્યા હતા.
 
શું તમે મહાન કવિ મધુસૂદન દત્ત વિશે સાંભયું છે? એક સમયે એમણે પોતાની સ્વરરાગ સુધા વડે બંગાળને મંત્રમુગ્ધ કરી દીધું હતું. એમની રચના મેઘનાદ વધ બંગાળમાં અત્યંત લોકપ્રિય હતી. પંચકોષોમાં મહત્ત્વાકાંક્ષાથી સભર એ મહાન કવિને લાગ્યું કે ખરા મહાન લોકો તો પશ્ચિમના એટલે કે ખ્રિસ્તી લોકો જ છે. એમણે જોયું કે જન્મથી તો પાશ્ચાત્ય થવું અશક્ય છે પરંતુ ખ્રિસ્તી તો થઈ જ શકાય છે. એમને લાગ્યું કે ખ્રિસ્તી થઈ જવાથી જીવનમાં પ્રગતિનો માર્ગ મોકળો થઈ જશે. એ રીતે એ માઈકલ બની ગયા અને એમ.એમ.દત્ત નામથી જાણીતા બન્યા.
 
એક દિવસ માઈકલ દક્ષિણેશ્વર ગયા, પરંતુ મંદિરમાં દર્શન કરવા માટે અંદર ન પ્રવેશ્યા. તેઓ ત્યાં મંદિરના રાસમણિદેવીના મુકદમા વિશે જાણવા માટે ગયા હતા. ત્યાં શ્રીરામકૃષ્ણ દેવના શિષ્ય શાસ્ત્રીજી ઉપસ્થિત હતા. તેઓ માઈકલને ઓળખી ગયા. વાતચીત શરૂ થઈ પરંતુ વાતચીતને આગળ ન વધારતાં શાસ્ત્રીજીએ પૂછયું, `પૂર્વજોનો ધર્મ છોડવાનું શું કારણ છે?'
`ધન તથા લૌકિક સુખ-સુવિધાઓ માટે,' માઈકલે સીધો જ જવાબ આપ્યો. વિભિન્ન ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકેલા અવતારપુરુષ શ્રી રામકૃષ્ણ પરમહંસના એ મહાન જ્ઞાની શિષ્ય એ સાંભળીને અચંબિત થઈ ગયા. તેઓ એની પર જાણે વરસી જ પડ્યા. `પૈસા કમાવા માટે તથા પેટ ભરવા માટે પૂર્વજોના ધર્મને વેચનારાનું હું મોં પણ જોવા નથી માંગતો.' એટલું કહીને તેઓ એની તરફ પીઠ ફેરવીને ઊભા રહ્યા.
 
***
 
(ક્રમશઃ)