પ્રકરણ – ૨૨ । બાપુના કહેવા અનુસાર એ રીતે હું હૃદયાભિષિક્ત થઈ ગઈ

01 Jul 2025 17:39:16

Vande Mataram novel gujarati prakaran 22
 
 
 
મુસ્લિમ લીગ તથા કોંગ્રેસની પ્રવૃત્તિઓ જોઈને એમની માનસિકતા સમજીને ક્રાંતિકારી વીર સાવરકરે અમદાવાદમાં એક જાહેરસભામાં પ્રતિક્રિયા આપી, મુસલમાનોને વંદે માતરમ્ ગમતું નથી. બિચારા હિંદુઓએ એકતાની ઇચ્છાથી ગીત કાપીને ટૂંકું કરી નાખ્યું. એ પણ મુસ્લિમોને સ્વીકાર્ય નહીં થાય. ગીતને આખેઆખું છોડી દઈને માત્ર `વંદે માતરમ્...' રાખશો તો એ પણ એમને સહન થશે નહીં. એમની ધમાલ તો ચાલુ જ રહેવાની છે.
 
વાત સત્ય સિદ્ધ થઈ. ક્યાં? ધાર્મિક ભાઈચારા માટે ઉદાહરણ રૂપ જાહેર કરાયેલા તમિલનાડુમાં જ એ શક્ય બન્યું. મદ્રાસ રાજ્યમાં એ વખતે શ્રી સી. રાજગોપાલાચારી મુખ્યમંત્રી હતા. વિધાનસભાના અધ્યક્ષ હતા વી. સાંબા મૂર્તિ. ૧૫ જુલાઈ ૧૯૩૭ના દિવસે અધિવેશન શરૂ થયું. સભાની શરૂઆતમાં લક્ષ્મીશંકર અય્યરે સંપૂર્ણ વંદે માતરમ્નું ગાન કર્યું. બધા ખુશ હતા. એ રીતે ૭૦ દિવસો વીતી ગયા. ૨૩ સપ્ટેમ્બરનો દિવસ. એ જ દિવસે મુસ્લિમ લીગના સભ્ય મહંમદ લાલજન પોતાનો ઠરાવ લાવ્યા. એમણે કહ્યું, `વંદે માતરમ્ ગાવું એ મુસલમાનો વિરુદ્ધના યુદ્ધની ઘોષણા છે.' કોઈએ એ તરફ ધ્યાન આપ્યું નહીં. પરંપરા અનુસાર ગીત ચાલુ રહ્યું. લાલજને સભાપતિની માફી પણ માગી. પરંતુ એમણે વંદે માતરમ્ના ગાન વખતે બહાર ચાલ્યા જવાની એક ટેવ બનાવી લીધી.
 
એક અઠવાડિયું વીતી ગયું. ૩૦ સપ્ટેમ્બરના દિવસે લાલજન ફરીથી અચાનક એક ઠરાવ લઈ આવ્યા. એ પછીના દિવસે સભાના અધ્યક્ષે અરવિંદની વ્યાખ્યા પ્રસ્તુત કરીને સાબિત કર્યું કે, વંદે માતરમ્નો આશય સંપૂર્ણપણે રાષ્ટીય છે, ધાર્મિક નથી. પરંતુ બહારથી મળેલા નિર્દેશ અનુસાર લીગનો સભ્ય એ માનવા તૈયાર નહોતો. ડિસેમ્બરની સભામાં એમણે આગળનું પગલું ભર્યું. રાષ્ટગાન પ્રસ્તુતિ વખતે તેઓ પોતાની ખુરશી પર બેસી જ રહ્યા. સભાના અધ્યક્ષ તરીકે કાર્યવાહી કરવા માટે સભામૂર્તિને અધિકાર તો મળેલા હતા, પરંતુ કહેવાય છે કે એમણે રાજાજી સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. ૨૧ ડિસેમ્બરના દિવસે એમણે લીગના દબાણ સામે નમતું જોખી દીધું અને બશીર અહમદના એક ઉર્દૂ ગીતને વંદે માતરમ્ની પહેલાં ગાવાની અનુમતિ આપી. અહીં મજાની વાત એ હતી કે તમિળ મુસલમાનો પૈકી એક પણ સભ્ય ઉર્દૂ જાણતો નહોતો, એ લોકો તો તમિળભાષી હતા. એમ છતાં અધ્યક્ષની અનુમતિથી ૧૯૩૮ જાન્યુઆરી ૨૬ સુધી એ ચાલુ રહ્યું. ઉર્દૂ ગીત પછી મુસ્લિમ સભ્યો વંદે માતરમ્નો વિરોધ કરીને સભા છોડીને જતા રહેતા હતા. અધ્યક્ષ સાબામૂર્તિ ફરી નતમસ્તક થઈ ગયા. બીજા દિવસથી સભામાં કુરાનનું પારાયણ તથા એક અંગ્રેજી પ્રાર્થના શરૂ કરી દેવામાં આવ્યાં.
 
છેવટે ૧ માર્ચથી મુખ્યમંત્રી શ્રી રાજગોપાલાચારીની વિશેષ વિનંતીથી અનુકૂળ સમજૂતી સધાય ત્યાં સુધી વંદે માતરમ્ ગાવાનું બંધ કરી દેવામાં આવ્યું. રાજાજીએ કહ્યું, `આપણા કેટલાક મિત્રોને સતત અસંતુષ્ટ રહેતા જોઈને હાલ તુરંત આપણે આ રાષ્ટગાન દ્વારા પ્રાપ્ત થનારા આનંદ અને ભાવાવેગને પોતે જ છોડી દઈએ છીએ. વંદે માતરમ્ના પવિત્ર પદ તથા દિવ્ય રાગ દ્વારા જાગ્રત ઉદાત્ત ભાવનાઓનો સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેનારા સૌને અનુભવ થયેલો છે. કેટલાક લોકો એ જાણતા નહીં હોય કે એની પાછળની ત્યાગભાવના કેટલી ઊંચી છે. એ નિર્ણય દ્વારા એ ગેરસમજ ફેલાશે કે દૃઢ નિશ્ચયના અભાવ અને ડરને કારણે એમ કરવામાં આવ્યું છે. પરંતુ રાષ્ટીય એકતા અને સમન્વયનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એ પ્રકારની રાષ્ટીય નીતિ અથવા પગલું જરૂરી છે. આપણે ગેરસમજનો શિકાર ન બનીએ. આપણે આશા રાખીએ કે થોડા સમયમાં દ્વેષની આગ બુઝાઈ જશે.' આ પ્રકારનાં ભાષણો સાંભળવાથી યાદ આવે છે ભગવાન કૃષ્ણનું વચન અર્જુન, તું પ્રજ્ઞાવાદ કરે છે એ પ્રજ્ઞાવાદે જ ચાર-પાંચ વર્ષ પછી રાજાજીને પાકિસ્તાનવાદના સમર્થક બનાવી દીધા.
 
***
 
સાવરકરના અમદાવાદના શબ્દોને સાચા સાબિત કરીને વાત આગળ વધી. જેટલું મળ્યું એનાથી સમાધાન ન માનતાં ઝીણાએ ૧૭ માર્ચ, ૧૯૮૩ના દિવસે પોતાની ૧૪ માગણીઓ જવાહરલાલ નેહરુ સમક્ષ પ્રસ્તુત કરી. એમાં મુસલમાનોને ગોવધની આઝાદી, વંદે માતરમ્...નો ત્યાગ વગેરે મુખ્ય હતી. પોતાના જીવન પરિવેશ, વિદેશી શિક્ષણ વગેરેને કારણે માત્ર કહેવા પૂરતા હિંદુ રહેલા નેહરુ માટે ગોવધની બાબતમાં કોઈ પણ પ્રકારની ભાવાત્મકતાનો પ્રશ્ન નહોતો. મારી બાબતે તેઓ સમજૂતી માટે તૈયાર હતા, પરંતુ ભાવનાશૂન્ય નહોતા. ત્રણ અઠવાડિયાં પછી એમણે ઝીણાને જવાબ આપતાં લખ્યું, યાદ કરો કે, કોંગ્રેસે ક્યારેય ઔપચારિક રીતે એક રાષ્ટગીતનો સ્વીકાર કર્યો નથી. પરંતુ વંદે માતરમ્ છેલ્લાં ત્રીસ વર્ષોથી ભારતની રાષ્ટીયતાનું અભિન્ન અંગ બની ગયું છે. ત્યાગ તથા ભાવનાઓ સાથે જોડાયેલી અનેક ઘટનાઓએ એની આસપાસ જન્મ લીધો છે.
 
જનતા માટે વાંછિત ગીતનું નિર્માણ શક્ય નથી, બહારથી જબરદસ્તી કોઈ ગીત લાદવાનું પણ શક્ય નથી. દેશની જનતાની ભાવનામાંથી આ પ્રકારનાં ગીતોનો જન્મ થાય છે. હવે ત્રીસથી પણ વધુ વર્ષો વીતી ગયાં છે. અત્યાર સુધીમાં કોઈએ પણ વંદે માતરમ્ને ધાર્મિક મહત્ત્વનું ગીત માન્યું નથી. ભારતની પ્રશંસા કરનારા બધા લોકોએ રાષ્ટગાન તરીકે એને માન્ય રાખ્યું છે. જ્યાં સુધી મારી જાણકારી છે, બ્રિટિશ સરકારે રાજકીય કારણો સિવાય એની સામે કોઈ વિરોધ દર્શાવ્યો નથી. એમ છતાં વિરોધનું જોર વધી જતાં કોંગ્રેસે એ બાબતે ગંભીર ચર્ચા કરી છે અને નિર્ણય લઈ લીધો છે કે ગીતના રૂપક અલંકારમાં રચાયેલાં કેટલાંક ચરણો રાષ્ટીય મંચ પર પ્રસ્તુત ન કરાય. કોંગ્રેસની કાર્યકારિણી દ્વારા ભલામણ કરાયેલાં બે ચરણોમાં વાંધાજનક શબ્દ કે શૈલી નથી એમ છતાં એની પ્રત્યે વિરોધની ભાવના અદ્ભૂત છે. કેટલાક લોકો માટે એ ગીત વધુ આત્મીય રહેશે. કેટલાંક લોકો માટે કોઈ બીજું ગીત સારું હશે. બધાને પોતપોતાનું સ્વાતંત્ર્ય છે. પરંતુ અનેક વર્ષોથી જનમાનસ પર પ્રભાવ ધરાવતા અમૂલ્ય ગીતને છોડી દેવા માટે વિવશ કરવા એ બિનજરૂરી રીતે માનસિક પીડાનું કારણ બની જશે. એ રાષ્ટીય આંદોલન માટે હાનિકારક રહેશે. રાષ્ટીય સંગઠન અને એકતા માટે એ અનુકૂળ પ્રવૃત્તિ નહિ રહે.
 
ઝીણાએ ગાંધીજીને એક ધાર્મિક નેતા તરીકે જોયા હતા. પંડિત નેહરુને એ સ્વરૂપે નહોતા જોયા. બન્નેની માનસિકતા તેઓ સારી રીતે જાણતા હતા. મારી દૃષ્ટિએ બન્ને લાંબા સમય સુધી પરતંત્રતાનો અનુભવ કરી રહેલા હિંદુસમાજના પ્રતિનિધિ હતા. લાંચ આપનાર પાસેથી તક જોઈને વારંવાર લાંચ લેનારા પોલીસવાળાની કુશળતાથી ઝીણાએ કામ કર્યું. એક વર્ષ પણ વીત્યું નહોતું. પીરપુરના નવાબ પાસેથી એક રીપોર્ટ તૈયાર કરાવડાવીને એના આધાર પર આરોપ મૂકવામાં આવ્યા. એમાં પહેલો હતો કોંગ્રેસ વંદે માતરમ્ ગાય છે. પછી જૂની વાતો ફરી દોહરાવી. ગાંધીજી કંટાળી ગયા. એમણે હરિજન પત્રિકામાં લખ્યું, `બંગાળ વિભાજનના દિવસોમાં `વંદે માતરમ્' હિંદુ તથા મુસલમાનોનું સંગ્રામ ગીત હતું. કોઈએ એ બાબતે ચિંતા કરી નહોતી કે કોણે, ક્યાં લખ્યું છે અને કોણે પ્રકાશિત કર્યું છે. બાળપણમાં હું આનંદમઠ અથવા એના લેખક વિશે કશું જ જાણતો નહોતો. એમ છતાં વંદે માતરમે મને આકર્ષિત કર્યો હતો. એ ગીત સાંભળીને હું પુલકિત થતો હતો. મને એમ ક્યારેય ન જણાયું કે એ એક હિંદુ ગીત છે અથવા હિંદુઓ માટે લખાયેલું છે. એ દુર્ભાગ્યની વાત છે કે સમય જ ખરાબ આવી ગયો છે. આ કળિયુગ છે અહીં સોનું પણ લોખંડ બની જાય છે. એવા ખરાબ સમયમાં અસલી સોનાને બજારમાં લાવીને લોખંડ તરીકે વેચવું એ મૂર્ખતા છે. મિશ્ર સંમેલનમાં `વંદે માતરમ્'ની બાબતે ઝઘડો કરવા માટેની તક હું નહીં આપું. એને દૂર કરવાથી પણ એનું મહત્ત્વ ઓછું થતું નથી. એ ગીત કરોડો લોકોનાં હૃદયોમાં અભિષિક્ત છે. જ્યાં સુધી રાષ્ટ રહેશે ત્યાં સુધી ધ્વજ અને ગીત પણ રહેશે.
  
મહાત્મા ગાંધીની ચતુર નીતિ પર મને આશ્ચર્ય થયું. એક તરફ આભ જેટલી મારી પ્રશંસા કરે છે અને મારા વિશિષ્ટ ગુણોની વાતો કરે છે તો બીજી બાજુ મને બહાર લાવીને કરોડો લોકોની હૃદયપેટીમાં બંધ કરીને સંતોષનો અનુભવ કરવા માટે આહ્વાન કરે છે. નીતિ નિર્ધારકોએ એને ખોટી પ્રશંસા કહી છે. વાસ્તવમાં અહીં રાષ્ટીય પ્રતિબદ્ધતા પાછળ ધકેલાઈ ગઈ અને રાજકીય ચતુર નીતિ સામે આવી. મને માનસિક દુઃખ થયું. એ પીડાએ જૂની વાતોની યાદ અપાવી. સત્યાન્વેષણમાંથી પસાર થઈને આગળ વધેલા એ મહાત્માએ જ વર્ષો પહેલાં કહ્યું હતું, `વંદે માતરમ્ને રાષ્ટગીત બનાવવાનું છે, એ ગીતે રાષ્ટીય ભાવના જાગ્રત કરી છે. કવિએ એમાં ભારતમાતાનું યશોગાન કર્યું છે.' ૫ જાન્યુઆરી, ૧૯૨૭ના દિવસે કોમિલ્લામાં એ જ ભારતરત્ને આહ્વાન કર્યું હતું કે ભારતના દરેક સ્થાન પર વંદે માતરમ્ પ્રસ્તુત કરવાનું છે. ૧૯૨૪ સુધી પોતાના પત્રવ્યવહારના અંતમાં એમણે વંદે માતરમ્ લખ્યું હતું. એમણે એ પરંપરા કેમ છોડી દીધી? ઘણી વાર મેં એ વિશે વિચાર્યું છે, એનો સ્પષ્ટ જવાબ આજ સુધી મને મળ્યો નથી. ૧૯૨૩માં કાકીનાડામાં મારા નામે થયેલા વિવાદો મને હજુ યાદ છે.
 
***
 
જવાહરલાલ નહેરુ તથા મહાત્મા ગાંધીના કથનમાં એક સચ્ચાઈ છે. ઔપચારિક રીતે અથવા કોઈ ઠરાવ પસાર કરીને કોઈએ મારો સ્વીકાર કર્યો નહોતો. મારામાં રહેલા ગુણોનો અનુભવ કરીને મારા દેશવાસીઓએ પ્રદેશ અથવા ભાષાની દીવાલો પાર કરીને મારો સ્વીકાર કરી લીધો છે. માતૃભૂમિની સેવા માટે હું એમની સાથે થઈ અને જનમાનસના હૃદયભાવની બાહ્યધ્વનિ બની ગઈ. બાપુના કહેવા અનુસાર એ રીતે હું હૃદયાભિષિક્ત થઈ ગઈ. કોઈ પેટીમાં બંધ કરીને મૂકી રાખવા માટે શું હું કોઈ જડ જવાહર છું? નવરત્ન હોય કે સોનું; એ જડ છે. આત્મા નથી. મારામાં વિચાર, ભાવના, સિદ્ધાંત, આદર્શ બધું જ અરૂપ છે, પરંતુ સચેતન છે. અરૂપ વીજળી જે રીતે યોગ્ય વાહકમાંથી પસાર થઈને પ્રકાશ પાથરે છે એ જ રીતે હું પણ પ્રકટ થઈશ. માનવહૃદયના ભાવશૂન્ય મંત્ર કે સંગીત તરીકે નહીં, પરંતુ ભાવાત્મક તાલ સાથે હું પ્રકટ થઈ જઈશ. એનો પ્રયત્ન કર્યો છે ઓમકારનાથ ઠાકુરે.
 
પંડિત ઓમકારનાથ ઠાકુર વિશ્વપ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતના વિદ્વાન છે. વિષ્ણુ દિગંબર પલુસ્કરના ગંધર્વ વિદ્યાલયનું સર્જન છે. સંગીતની સાથે જ જીવનમૂલ્યો માટે સમર્પિત એમણે ૧૯૩૫માં અબ્દુલ ગફ્ફાર નગરમાં આયોજિત કોંગ્રેસ અધિવેશનમાં ગુરુપરંપરાને સાર્થક કરતા કાફી રાગમાં મારી પ્રસ્તુતિ કરી હતી. બે વર્ષ પછી ૧૯૩૭માં હરિપુરાના કોંગ્રેસ અધિવેશનમાં ફરીથી એમને આમંત્રણ મળ્યું. એક સંદેશવાહક સાથે સંદેશો મોકલાવ્યો કે `હું આવીશ તો સંપૂર્ણ ગીત ગાઈશ.' નહીં તો નહીં ગાઉં. રાજનીતિની રમતથી દૂર રહેનારા ઓમકારનાથ જેવા અન્ય અનેક લોકો આ ભારતવર્ષમાં છે એ બાબત જ મને આનંદ આપનારી છે.'
 
***
 
(ક્રમશઃ)
Powered By Sangraha 9.0