સાંપ્રત । ઇરાન પર ઇઝરાયેલ આક્રમણ મુસ્લિમ એકતાની પોલ ખુલ્લી પડી ગઈ

ઇરાન પર ઇઝરાયેલના આક્રમણથી મુસ્લિમ દેશોની અને મુસ્લિમ સમાજની એકતાની પોલ ખુલ્લી પડી ગઈ છે. દુઃખની વાત એ છે કે ભારતના શિયાઓને ઇતિહાસબોધ નથી અને તેઓ પણ સુન્નીઓની સાથે પેલેસ્ટાઇન બચાવોના ઘોંઘાટમાં જોડાઈ જાય છે.

    ૦૧-જુલાઇ-૨૦૨૫   
કુલ દૃશ્યો |

iran israel news in gujarati
 
 
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે આમ તો ગયા વર્ષે પણ છમકલાં થયાં હતાં. પરંતુ ૧૩ જૂનથી બંને વચ્ચે ભીષણ સંગ્રામ છેડાયો છે. ઇરાન પરમાણુ બૉમ્બ બનાવી રહ્યું છે તેવા આક્ષેપથી ઇઝરાયેલે ઑપરેશન રાઇઝિંગ લાયન શરૂ કરી ઇઝરાયેલે ઇરાનનાં પરમાણુ સંયંત્રોનો નાશ કર્યો છે, તેના ૨૦ વરિષ્ઠ કમાન્ડરોને મારી નાખ્યા, જેમાં ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સના વડા હુસૈન સલામીનો સમાવેશ થાય છે. સાથે પરમાણુ વૈજ્ઞાનિકોને પણ મારી નાખ્યા છે. સામા પક્ષે ઇરાન પણ ભીષણ પ્રહાર કરી ઇઝરાયેલની હૉસ્પિટલને લક્ષ્ય બનાવી રહ્યું છે.
 
ઇરાન એ મુસ્લિમ દેશ છે. અને મુસ્લિમો યહૂદીઓને ઘૃણા કરે છે. ઇઝરાયેલ યહૂદીઓનો દેશ છે. યહૂદીઓ પહેલાં ઇઝરાયેલમાં વસતા જ હતા, પરંતુ આરબોના આક્રમણ પછી તેમને ત્યાંથી ભાગવું પડ્યું. એ પછી તેઓ જ્યાં ગયા ત્યાં તેમને ઘૃણાનો સામનો કરવો પડ્યો કારણ કે ખ્રિસ્તીઓ પણ તેમને પસંદ કરતા નથી. યહૂદીઓ પ્રત્યેની ઘૃણાને એન્ટી સેમિટિઝમ (Antisemitism) કહે છે. જર્મનીમાં તો અતિ રાષ્ટ્રવાદના કારણે તેમને નરસંહારનો સામનો કરવો પડ્યો. ઇવન, સૉવિયેત સંઘ જેવા સામ્યવાદી દેશમાં પણ તેમનું ઉત્પીડન થયું. યહૂદીઓની જર્નલ ક્લેરિયનમાં લખાયું છે કે, ભારતમાં યહૂદીઓ ઈશુના જન્મ પહેલાંથી રહે છે. તેમના ઘર આંગણે તેમનું ઉત્પીડન થયું એટલે તેઓ સમુદ્ર માર્ગે કેરળ આવ્યા હતા. ભારતમાં યહૂદીઓ ફૂલ્યા-ફાલ્યા અને અનેક ક્ષેત્રે આગળ વધ્યા છે.
 
૭ ઑક્ટોબર, ૨૦૨૩ના દિને પેલેસ્ટાઇન સમર્થક ત્રાસવાદી મુસ્લિમ સંગઠન હમાસે ઇઝરાયેલ પર ત્રાસવાદી આક્રમણ કર્યું. ખૂબ બર્બર અત્યાચારો કર્યા. સ્ત્રીઓને વાળથી પકડી ખેંચી, તેમના પર સામૂહિક બળાત્કાર કર્યા, તેમને ગોળી મારી અને બાળકોને નિર્મમ સર તન સે જુદા રીતે મારી નાખ્યાં... આ બધાં અત્યાચારો શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. પરંતુ તેની સામે ભારતના વિપક્ષો, મુસ્લિમ સમાજ અને સેક્યુલર બુદ્ધુજીવીઓનો રોષ ન દેખાયો. જ્યારે ઇઝરાયેલે વળતો ઉત્તર આપવાનું ચાલુ કર્યું ત્યારે તેમની હમાસ ચમચાગીરી દેખાવા લાગી અને સડકથી લઈ સંસદ સુધી રોકકળ મચાવી મુકવામાં આવી.
સંસદના સત્રમાં ભાગ લેવા જતી વખતે પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક બેગ લટકાવી હતી તેના પર પેલેસ્ટાઇન લખાયેલું હતું.
 
અસદુદ્દીન ઓવૈસીએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં જીત્યા પછી લોકસભામાં શપથ લેતી વખતે જય પેલેસ્ટાઇનનું સૂત્ર પોકાર્યું હતું. કેરળમાં તો સત્તાધારી સીપીઆઈ(એમ), ભારતીય મુસ્લિમ લીગ, સહિત અનેક પક્ષોએ પેલેસ્ટાઇનના સમર્થનમાં અને ઇઝરાયેલના આક્રમણના વિરોધમાં વિશાળ સરઘસો કાઢ્યાં હતાં. કૉંગ્રેસે પણ ઇઝરાયેલના આક્રમણનો વિરોધ કરતું નિવેદન આપ્યું હતું. પરંતુ આ હમાસપ્રેમી લોબીનો વિરોધાભાસ જુઓ. ૧૩ જૂનથી ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ભીષણ સંગ્રામ ચાલી રહ્યો છે. અને ભારતના ડાબેરીઓ અને મુસ્લિમ સમાજના લોકો ઇરાનના સમર્થનમાં કૂદ્યા નથી. શું ઇરાન મુસ્લિમ દેશ નથી?
સમજવા જેવું એ છે કે પાકિસ્તાને પણ થોડુંક સમર્થન ઇરાનને આપ્યું, પરંતુ તે પછી પાકિસ્તાનના સેનાધ્યક્ષ અસીમ મુનિર અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે રોંઢો કરી આવ્યા પછી પાકિસ્તાને ઇરાનને સમર્થન આપવાના મુદ્દે ફેરવી તોળ્યું છે. મુનિરે તો ટ્રમ્પને નૉબેલનો શાંતિપુરસ્કાર મળવો જોઈએ તેવું હાસ્યાસ્પદ નિવેદન કર્યું છે. તુર્કી, સાઉદી અરેબિયા, યુએઇ, કુવૈત, કતાર, મલયેશિયા જેવા દેશો પણ ઇરાનના મુદ્દે એકંદરે મૌન છે. તુર્કીના રિકેપ તય્યીપ ઍર્દૉગન મુસ્લિમ દેશોના વડા થવા નીકળ્યા છે અને ભારતે ઑપરેશન સિંદૂર કર્યું ત્યારે પાકિસ્તાન માટે જહાજથી માંડીને બીજી સહાય કરી હતી. આ ઍર્દૉગન પણ ઇરાનના મુદ્દે મોઢામાં મગ ભરીને બેઠા છે. (આમ તો તેઓ માંસાહારી હોય એટલે મગના બદલે માંસાહારી ચીજની ઉપમા આપવી જોઈએ.)
 
ભારત જ્યારે પાકિસ્તાન પર આક્રમણની અગાઉ વાત પણ કરતું ત્યારે (પાકિસ્તાન પ્રેમી હોવાના કારણે) કૉંગ્રેસના નેતાઓથી માંડીને બુદ્ધુજીવી કલમઘસુઓ અને કહેવાતા સંરક્ષણ નિષ્ણાતો ભારતની જનતાને બે ડર દેખાડતા ૧. પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રો ૨. મુસ્લિમ દેશો પાકિસ્તાનના સમર્થનમાં યુદ્ધમાં ઝંપલાવશે. આ બંને સંભાવના ઑપરેશન સિંદૂરમાં કપોળકલ્પિત સાબિત થઈ. મુસ્લિમ દેશોની એકતા આભાસી મૃગજળ જેવી છે. આ એકતા ઇરાન પર આક્રમણ સમયે અને ચીનમાં ઉઈઘુર મુસ્લિમો પર અત્યાચારો થાય છે ત્યારે ખોખલી દેખાઈ આવે છે. ચીનમાં ઉઈઘુર મુસ્લિમોની નસબંધી કરાવી દેવામાં આવે છે, જેથી તેમની જનસંખ્યા વધે નહીં, રમઝાનમાં ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે. ભારતમાં તૈમૂર જેવા અત્યાચારી આક્રાંતાઓનાં નામ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન રાખી શકે છે પરંતુ ચીનમાં સદ્દામ હુસૈન, ઓસામા બિન લાદેન કટ્ટરવાદી/ત્રાસવાદી મુસ્લિમોનાં નામ પરથી (ભલે તેમણે ચીનનું કંઈ બગાડ્યું ન હોય) મુસ્લિમો તેમનાં નવજાત બાળકોનાં નામ રાખી શકતા નથી. ચીનમાં ઇમામોને જાહેરમાં નચાવાય છે. પરંતુ પાકિસ્તાન અને ભારતના વિપક્ષો, મુસ્લિમ સમાજ અને કલમઘસુઓ આ બધા મુદ્દે કંઈ બોલતા નથી. કૉંગ્રેસનું તો આમેય ચીનના સામ્યવાદી પક્ષ સીસીપી સાથે એમઓયૂ છે. આવું જ ઇરાન બાબતે છે.
 
ચીન અંગે તો સમજ્યા કે મહાસત્તા છે, પાકિસ્તાન તેનો ખંડણી દેશ છે એટલે તેની સામે તે ન બોલે. અને પાકિસ્તાનની જ રાહ પર ચાલતા ભારતના વિપક્ષો, અસદુદ્દીન ઓવૈસીનો મિમ પક્ષ, કલમઘસુઓ કંઈ ન બોલે, પણ ઇરાન બાબતે કેમ કોઈ કંઈ બોલતું નથી?
 
યથાર્થમાં અહીં વાત એ છે કે ઇરાન એ શિયા બહુલ દેશ છે. મુસ્લિમોમાં પણ પ્રબળ જાતિવાદ છે, પણ તેની કોઈ વાત નથી કરતું. ઇસ્લામનો પ્રારંભ થયા પછી મોહમ્મદ પયગંબરના અવસાન પછી જ બે પેટા પંથ પડી ગયા હતા- સુન્ની અને શિયા. ઇસ્લામ જગત પર શાસન કરનારને ખલીફા કહેવાય છે. મોહમ્મદ પયગંબરના અવસાન પછી ખલીફાની ગાદી માટે બે સમૂહો વચ્ચે સંઘર્ષ થયો. એક સમૂહ (સુન્ની) માનતો હતો કે મોહમ્મદ પયગંબરના વંશજો અથવા સહાયક જ આ ગાદી પર બેસી શકે. આ સમૂહ મોહમ્મદ પયગંબરના સહાયક અબુ બક્ર ખલીફા બને તેની તરફેણમાં હતો. બીજો સમૂહ (શિયા) માનતો હતો કે મોહમ્મદ પયગંબરના પિતરાઈ ભાઈ જે તેમના જમાઈ પણ હતા હઝરત અલી તે ખલીફા બનવાને પાત્ર છે. પરંતુ અબુ બક્રએ કહ્યું કે ખલીફા તો માત્ર કુરૈશ જાતિનો મુસ્લિમ જ બની શકે છે. આમ કહી તેમણે કુરૈશ જાતિના ઉમર ફારુક અને અબુ ઉબૈદાનાં નામ ખલીફા માટે આપ્યા, પરંતુ આ બંનેએ અબુ બક્રને સમર્થન આપ્યું.
 
અબુ બક્ર ખલીફા તો બન્યા, પરંતુ તેમની હત્યા થઈ ગઈ. તે પછી આવેલા ઉમર અને ઉસ્માનની પણ હત્યા થઈ ગઈ. છેવટે ચોથા ખલીફા હઝરત અલી બન્યા. પરંતુ હઝરત અલીનીય હત્યા થઈ ગઈ. તે પછી તેમના દીકરા હસન અને હુસૈનને ખલીફાનું પદ મળે તેમ હતું, પરંતુ વિશ્વ પ્રસિદ્ધ કરબલાની લડાઈમાં હસન અને હુસૈનની પરિવાર સહિત હત્યા કરી દેવાઈ. આ હઝરત અલી, હસન અને હુસૈનના સમર્થકો એટલે શિયા મુસ્લિમો અને તેના વિરોધીઓ એટલે સુન્ની મુસ્લિમો. શિયાઓ મુહર્રમનો શોક આ કરબલાની લડાઈમાં હસન અને હુસૈન, જે મોહમ્મદના દૌહિત્ર હતા, તેમની હત્યાની કરુણ સ્મૃતિમાં પાળે છે.
સમગ્ર વિશ્વમાં ૯૦ ટકા મુસ્લિમ જનસંખ્યા સુન્ની છે અને દસ ટકા જ શિયા છે. સાઉદી અરેબિયા, તુર્કી, યુએઇ, ઇજિપ્ત, સીરિયા, જૉર્ડન, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે મોટા ભાગના દેશો સુન્ની બહુલ દેશો છે. એટલે ત્યાં સુન્નીઓનું જ ચાલે છે.
 
કાયદા પણ સુન્ની તરફી જ છે. શિયાઓ પર ત્યાં અત્યાચારો થાય છે; જેમ કે સાઉદી અરેબિયામાં શિયાઓને સરકારી નોકરી મળતી નથી. એટલું જ નહીં, ૨૦૧૪ના રાજવી આદેશમાં, શિયા અને સૂફી મુસ્લિમોને તેમની પંથીય પ્રવૃત્તિઓને નાસ્તિક ગણાવી જો તે કરતા શિયા અને સૂફીઓ પકડાય તો તેમને ૨૦ વર્ષ સુધીનો કારાવાસ થઈ શકે. શિયાઓની બહુમતી કેવળ ઇરાન, લેબેનોન, બહરૈન અને યમનમાં છે.
 
અને એટલે જ તુર્કિયે, સાઉદી અરેબિયા, યુએઇ, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે ઇસ્લામિક દેશોને ખરેખર તો સુન્ની દેશો કહેવા જોઈએ. ઇરાન વગેરે દેશોને શિયા દેશો કહેવા જોઈએ. ઔરંગઝેબે માત્ર હિન્દુઓ પર જ અત્યાચાર નહોતો કર્યો. તેણે શિયાઓના મુહર્રમના સરઘસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કાશ્મીરમાં ત્રાસવાદ ચરમ પર હતો ત્યારે સુન્ની મુસ્લિમ ત્રાસવાદીઓએ શિયાઓ પર પણ અત્યાચાર કર્યા હતા. પાકિસ્તાનના સૈનિક શાસક ઝિયા ઉલ હકનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું ત્યારે કાશ્મીરમાં હિન્દુઓ સાથે શિયાઓ સામે પણ સુન્નીઓએ હિંસા કરી હતી. એટલે જ અનુચ્છેદ ૩૭૦ દૂર થઈ તે પછી હિન્દુઓ, શીખો સાથે શિયાઓને પણ સ્વતંત્રતા મળી છે. ૨૦૨૩માં ૩૩ વર્ષ પછી શિયાઓ મુહર્રમના તાજિયા કાઢી શક્યા હતા.
 
આમ, ઇરાન પર ઇઝરાયેલના આક્રમણથી મુસ્લિમ દેશોની અને મુસ્લિમ સમાજની એકતાની પોલ ખુલ્લી પડી ગઈ છે. દુઃખની વાત એ છે કે ભારતના શિયાઓને ઇતિહાસબોધ નથી અને તેઓ પણ સુન્નીઓની સાથે પેલેસ્ટાઇન બચાવોના ઘોંઘાટમાં જોડાઈ જાય છે. ભારતમાં મૌલવીઓ અને ઇમામો દ્વારા ઇસ્લામ ખતરે મેં હૈના અપાતા ઉશ્કેરણીજનક ગાનમાં આવી જાય છે. સીએએ હોય કે વક્ફ બૉર્ડ, તેને મુસ્લિમ વિરોધી માની લે છે.
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…