ભારતગાથા । `મિસાવાસીની જેલ ડાયરી' ભયાવહ કાળની દસ્તાવેજી પ્રક્રિયા

દેશવ્યાપી સત્યાગ્રહ થયો તેની સંપૂર્ણ વિગતો હજુ અંધારમાં અટવાયેલી છે. કોઈ પ્રદેશ એવો નહોતો કે, જ્યાં સત્યાગ્રહ થયો ન હોય.

    ૦૧-જુલાઇ-૨૦૨૫   
કુલ દૃશ્યો |

misavasi jail diary katokati in gujarati 
 
 
પોતાના પુસ્તક વિષે કશું કહેવું એ ભારે કસોટી ગણાય. `પોતાના' વિષે કહેવાનું તેમાં મોટું જોખમ રહેલું છે. પણ કેટલીકવાર કેટલાંક પુસ્તકો સમયની દીવાલ પરના હસ્તાક્ષર જેવાં હોય છે, તે શા માટે, અને કઈ રીતે લખાયાં હશે, તેની ઉત્સુકતા રહે છે. કનૈયાલાલ મુનશીની સોલંકી યુગની નવલકથાઓ પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ અને જય સોમનાથની પાછળ અનેક કથા-દંતકથા વહેતી થઈ હતી. `ગુજરાતનો નાથ કોણ'થી માંડીને `મંજરીને શા માટે લેખકે કથામાં જીવતી ના રાખી' સુધીની ચર્ચાઓ વાચકોમાં લાંબા સમય સુધી ચાલતી રહી. રમણલાલ વ. દેસાઇ અને ગુણવંતરાય એવા બીજા બે લેખકો હતા. ઝવેરચંદ મેઘાણીના `સોરઠી બહારવટિયા' વિષે તો વિદ્વાનોએ કહ્યું કે, `આ કુખ્યાત બનેલાઓના વખાણ લેખકે શા માટે કરવા જોઈએ?' ત્યારે મેઘાણીએ જવાબ આપ્યો હતો કે, `તેઓ કઈ ડાકુ કે લૂંટારા નહોતા, પોતાને થયેલા અન્યાયની સામે ખમીર અને ખુમારી સાથે નીકળેલા વીર-પુરુષો હતા, જેને બ્રિટિશરો અને કેટલાંક રજવાડાઓએ ખોટી રીતે બતાવ્યા છે. લોકજીવનમાં તેની જે વીર-છબી છે, નૈતિક આદર્શો સાથે મેદાનમાં પડ્યા છે તેની આ અભિવ્યક્તિ છે.'
 
૧૯૭૫-૭૬-૭૭નાં વર્ષોમાં કટોકટી અને પ્રિ-સેન્સરશીપ સામે લડનારા નેતા-કાર્યકર્તા-સંગઠનો વિષે કેટલાક વિદ્વાન બહાદુરો ચૂપ રહીને કટોકટીને સમર્થન આપી રહ્યા હતા, ત્યારે દેશવ્યાપી સંઘર્ષમાં ના જાણે કેટલા નાગરિકોએ ભાગ લીધો; તે સેન્સરશીપને લીધે સંપૂર્ણ વિગતો મળતી નથી, કાળના પ્રવાહમાં વિલીન થઈ ગઈ છે. નહીં તો આ એક મોટી ઐતિહાસિક ઘટના હતી જેમાં અનેકો જેલોમાં ગયા, કેટલાકે જીવ ગુમાવ્યો, ઘણા ઘાયલ થયા, ખુવાર થયા, અખબારોની અસ્મિતાને આંચ આવી, નાના અખબારો પર જપ્તી, જડતી આવી, ૧૦૦ જેટલા પત્રકારો જેલમાં ગયા, અદાલતોના ચૂકાદાઓએ એક તરફ તો ન્યાયની ગરિમા વધારી, તો બીજી તરફ સર્વોચ્ચ ન્યાયતંત્રના હેબિયસ કોર્પસ અને મૂળભૂત અધિકારોની ઢાલ બની ના શકવાના નિર્ણયે વિશ્વાસના ગઢના પાયા હલબલાવી નાખ્યા. આ ગમગીન સ્થિતિએ વિદેશોના બૌદ્ધિકોને પણ ચિંતામાં મૂકી દીધા હતા. કેટલાક ભારતીય નેતાઓ, જેમાં ગુજરાતનાં વિદ્યુત મંત્રી મકરંદ દેસાઇ સામેલ હતા, તેમણે ઈંગ્લેન્ડ-અમેરિકામાં ભારતીય સ્થિતિ-પરિસ્થિતી વિષે પ્રચાર શરૂ કર્યો, સત્યવાણીનામે પત્રિકા શરૂ કરી, દેખાવો પણ કર્યા. નોબલ સન્માનિતોને મળ્યા, અખબારોમાં તેની અપીલ આવી.
 
ભારતમાં ભૂગર્ભ પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતી. દરેક પરદેશની તેની ભાષાઓમાં પત્રિકાઓ અને પુસ્તિકાઓ પ્રકાશિત થઈ રહી, તે જ કટોકટીના વિરોધનો અંદાજ મેળવવાનું એક માત્ર માધ્યમ હતું. કારણ કે વર્તમાનપત્રો પર સરકારની, પોલીસની અને સેન્સરની ગીધ નજર રહી. સમાચારો પર અંધારપટ માટે એક પછી એક સેન્સર આદેશ અને `ગાઈડલાઇન્સ'નો મજબૂત પંજો હતો. કે.આર. મલકાણી જેવા તંત્રીને તો પહેલાજ દિવસે મિસા હેઠળ પકડી લેવામાં આવ્યા. કુલદીપ નાયર, વીરેન્દ્ર કપૂર વગેરેનો પણ વારો આવ્યો. સંઘવિચારને લઈને ચાલતાં અને કેટલાંક લોહીયાવાદી નાનાં અખબારોને માટે તો જપ્તી, જડતી, મિસા અને ડી.આઈ.આરના રસ્તા લેવાયા. ઇન્ડિયન એક્સપ્રેસના રામનાથ ગોએન્કા વિચાર સ્વાતંત્ર્યના આગ્રહી હતા, તેમના પુત્ર અને અખબારના ટ્રસ્ટી ભગવાનદાસ પર એવું દબાણ આવ્યું કે, હૃદયરોગના હુમલામાં અવસાન થયું. જેટલા વિદેશી અખબારોના સંવાદદાતાઓ ભારતમાં હતા તેઓ કટોકટીવિરોધી સમાચારો મોકલતા હતા, તેમને પોતાને દેશ પાછા મોકલી દેવાયા, માન્યતાપત્રો રદ કરવામાં આવ્યાં. જો વિદેશી પત્રકારોની આવી હાલત હોય તો પછી ભારતીય અખબારો પર કેવો ભય રહે? હિમ્મત, ઓપીનીયન, સાધના, ભૂમિપુત્ર વગેરે સાપ્તાહિકોએ આવો અનુભવ લઈને પણ વિરોધનો અવાજ ચાલુ રાખ્યો. પરિણામે લોકો આ નાનાં અખબારોને વધુ પસંદ કરતા હતા. તેની સાથે ભૂગર્ભ પત્રિકાઓએ રંગ રાખ્યો. જેલોમાં પણ તેનું સમૂહ પઠન થતું હતું!
 
દેશવ્યાપી સત્યાગ્રહ થયો તેની સંપૂર્ણ વિગતો હજુ અંધારમાં અટવાયેલી છે. કોઈ પ્રદેશ એવો નહોતો કે, જ્યાં સત્યાગ્રહ થયો ન હોય. પંજાબમાં તો અકાલી દળે લગાતાર ભાગ ભજવ્યો. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, કેરલ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ .. કોઈ બાકી ના રહ્યાં. મુખ્યત્વે તેમાં યુવા સ્વયંસેવકોએ ભાગ લીધો, જેથી જેલો ભરાઈ ગઈ. ક્યાંક તો તંબુઓ ઊભા કરવા પડ્યા.
 
જેલોમાં ત્રાસની ઘટનાઓ ઓછી નથી. સ્નેહલતા રેડ્ડી જેવી ઉત્તમ અભિનેત્રીને બેંગલુરુ જેલમાં એવી રીતે રાખવામાં આવી કે, તેનો દમનો રોગ વધી ગયો, હૃદય નબળું પડ્યું, આંખે અંધારાં આવ્યાં. બેહોશ અવસ્થા ભોગવી પણ ક્રૂર જેલ-સત્તાવાળાઓએ તેના ઉપચાર માટે ઉપેક્ષા રાખી, બહારની સરકારી હોસ્પીટલમાં મોક્લવાની માગણીને અમાન્ય કરી. જેલના તદ્દન રેઢિયાળ ડોકટરોએ તો બિમારી વધારી. જ્યારે જેલ સત્તાવાળાઓને લાગ્યું કે, સ્નેહલતા મૃત્યુની પથારી પર છે ત્યારે, જેલમાં મોત પામે તો હાહાકાર થશે એવા ભયથી પેરોલ પર છોડી અને પાંચમા દિવસે તો આંખો મિચી લીધી. ચીકમંગલૂર લોકસભા ચૂટણી લડવા માટે ઇન્દિરા ગાંધી આવ્યાં ત્યારે સ્નેહલતા અને ટી. પી. રામરેડ્ડીની પુત્રી નંદના એક બેનર સાથે રસ્તા પર ઊભાં હતાં. તેમાં લખ્યું હતુ `મારી માતાની હત્યા કોણે કરી?'
 
વિવિધ જેલોમાં અપૂરતી સારવારને લીધે, માનસિક આઘાતોના કારણે, ખોટા નિદાનને કારણે મરનારાઓની સંખ્યા ૧૦૦થી વધુ હતી. તેમના નામો પણ મળે છે. પ્રદેશ પ્રમાણે ગણતરી કરવામાં આવે તો આસામમાં બે, ગુજરાતમાં બે, હરિયાણામાં ત્રણ, હિમાચલ પ્રદેશમાં એક, કર્ણાટકમાં ત્રણ, કેરળમાં બે, મધ્યપ્રદેશમાં તેર, મહારાષ્ટ્રમાં અગિયાર, પંજાબમાં બે, ઉત્તર પ્રદેશમાં ત્રણ, પશ્ચિમ બંગાળમાં અગિયાર અને ચંડીગઢમાં એક એવા નામો પણ મળે છે. તે તમામની વિગતો `મિસાવાસીની જેલ ડાયરી'માં આપી છે. તેનાં ઉદાહરણ કંપારી નિપજાવે તેવાં છે. આસામનો રવીન્દ્ર કાલિતા હાથકડી સાથે મૃત્યુ પામ્યો હતો. ઉત્તર પ્રદેશના સત્યવ્રતને તેણે આંખો મીંચી ત્યારે સારવાર માટે પેરોલ મળી. અલીગઢ જેલમાં દોલતરામ પર એવી મારપીટ થઈ કે તેનું મૃત્યુ નીપજયું. ચેતરામ લોધી બરેલીની જેલમાં હતા. અસહ્ય ત્રાસને લીધે જાતે બળીને આત્મવિલોપન કર્યું. મહાબલરામને પેરોલ પર છોડયો ત્યારે તેની તમામ મિલકત જપ્ત કરી લીધેલી, આ જોઈ તેના આઘાતમાં મોત થયું. રાજન અને વિજયન કેરળમાં પોલીસે ગૂમ કરી દીધા, તે મળ્યા જ નહિ. શક્ય હતું કે તેમનું એન્કાઉન્ટર થયું હોય.
 
ગુજરાતમાં ૫૩૨ અટકાયતી હતા. જુનાગઢ, વડોદરા, જામનગર, રાજકોટ, ભૂજ, સાબરમતી, અમરેલી, મહેસાણા, સુરત અને ભાવનગર જેલોમાં આ અટકાયતી હતા. વિજય રૂપાણી સહિત કેશુભાઈ પટેલ, અરવિંદ મણિયાર, સૂર્યકાંત આચાર્ય, નગીનદાસ શાહ, હરિસિંહજી ગોહિલ, પ્રવીણભાઈ મણિયાર, રમણલાલ જોશી, દત્તાત્રેય ચિરન્દાસ, કાશીરામ રાણા, ચંદ્રકાંત દરુ, બાબુભાઇ જશભાઈ પટેલ, બાબુભાઇ ઓઝા, ચીમનભાઈ શુક્લ, યશવંતભાઈ ભટ્ટ, વસંત પરીખ, મનુભાઈ પટેલ, પી. ચિદમ્બરમ, ઇન્દુભાઈ જાની, અનંતભાઈ દવે... અને બીજા ઘણા હવે આપણી વચ્ચે નથી રહ્યા. જેલોની બહાર જેમણે મહત્વનું પ્રદાન કર્યું , માર્ગદર્શન આપ્યું તે લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબ, કેશવરાવ દેશમુખ, નાથાલાલ જગડા, વસંતરાવ ગજેન્દ્રગડકર, મકરંદ દેસાઇ, અંજલિબહેન પંડ્યા, વગેરે (અહીં માત્ર ગુજરાતનાં નામ લીધાં છે) વગેરે પણ દિવંગત થયા.
 
આ અને આવા પ્રવાહો, ઘટનાઓ ગુજરાત અને દેશવ્યાપી બની હતી જેને બંધારણીય લોકતંત્રના ઈતિહાસની તવારીખ તરીકે નિહાળવી જોઈએ એવું મનમાં થયું, તેમાથી આ પુસ્તકનો જન્મ થયો. આમ તો કટોકટી વિષે ઘણાં પુસ્તકો લખાયાં છે, ૨૦૦ જેટલાં આ પુસ્તકો અને જસ્ટિસ શાહ તપાસ પંચનો અહેવાલ તત્કાલિન કલંકિત સત્તાવાદનો પરિચય આપે છે. જોન ઓલિવર પેરીને તત્કાલિન કાવ્યોનું સંપાદન `વોઈસિસ ઓફ ઈમરજન્સી' નામે કર્યું છે. હેંડર્સનનું એક પુસ્તક `એક્ષ્પેરિમેંટ ઓફ અનટ્રુથ' નામે છે. જેપીની જેલ ડાયરી ત્યાંના કમિશ્નરે લખી છે. આપણે ત્યાં કટોકટી વિષેનું પ્રથમ પુસ્તક નરેન્દ્રભાઈ મોદીનું છે, `સંઘર્ષમાં ગુજરાત' મિસાવાસ્યમ પછી, આ ઘટનાના ૫૦ વર્ષે મિસાવાસીની જેલ ડાયરી નવી યુવા પેઢીને અર્પણ કરી છે.

વિષ્ણુ પંડયા

લેખક રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. સાધના સાપ્તાહિકના પૂર્વ તંત્રીશ્રી છે. ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ ચેરમેન છે. રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા ૪૦ વર્ષોથી સક્રિય છે. ૨૦૧૭માં તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ મળ્યો છે.