અરુણોદયથી આજના શ્રેષ્ઠ ભારતના ઉદય સુધી ભગવો ધ્વજ | સનાતનકાળથી હિન્દુઓમાં ભગવો રાષ્ટ્રરક્ષાના સંઘર્ષનો ભાવ જાગૃત કરતો આવ્યો છે

ભગવા ધ્વજના સંપૂર્ણ ઇતિહાસનું અધ્યયન કરવાથી સ્પષ્ટ થાય છે કે, ભગવા રંગને હિન્દુ સમાજથી અલગ કરવો શક્ય નથી. ભગવો રંગ આપણા હિન્દુ રાષ્ટ્રની, હિન્દુ સંસ્કૃતિની, આપણા ધર્મની અને આપણા પૂર્વજોની ઓળખ છે.

    ૧૦-જુલાઇ-૨૦૨૫   
કુલ દૃશ્યો |

History of guru dhwaj gujarati
 
 
અરુણોદયથી આપણા સવારની શરૂઆત થાય છે. સૂર્યદેવ જ્યારે તેમના સાત અશ્વો પલાણીને ધરતી પર પોતાના પ્રકાશનાં પગલાં માંડવાનો પ્રારંભ કરે છે ત્યારે રથ આગળ હોય છે. એ રથની ઉપર કેસરિયો એટલે કે ભગવો ધ્વજ લહેરાતો હોય છે, એટલે આપણે એને અરુણોદય કહીએ છીએ. જેનું વેદોમાં વર્ણન છે... अरूण सन्तु केतवाः પૂર્વમાં ઊગતું અજવાળું એટલે જ તો કેસરિયાળું હોય છે. સૂર્યમાં વિદ્યમાન અગ્નિ અને વૈદિક યજ્ઞની વેદીમાંથી પ્રગટ થતો અગ્નિ પણ ભગવા રંગનો હોય છે. એટલે જ પરાપૂર્વથી આપણો દિગ્વિજયી ધ્વજ ભગવા રંગનો રહ્યો છે. પ્રાચીનકાળથી જ ભગવો ધ્વજ ફરકાવવાની પરંપરા ચાલી આવી છે. આ ધ્વજ વિધર્મીઓને પરાસ્ત કરીને વિજયી થવાની પ્રેરણા આપતો રહ્યો છે.
 
લંકા પર આક્રમણ કરતી વખતે ભગવાન શ્રી રામે રઘુવંશની ધજા હેઠળ રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. કૂર્મ અને સ્કંદપુરાણો અનુસાર રઘુવંશના ધ્વજ પર ત્રણ ત્રિજ્યાઓ અંકિત હતી, જે અગ્નિની જ્વાળાઓ સમાન હતી. તેના પર તેમના કુળદેવતા સૂર્યની ભગવી છબિ અંકિત હતી તથા તેની પૃષ્ઠભૂમિ કંકુવર્ણી હતી.
 
યુદ્ધભૂમિ માટે પ્રસ્થાન કરતા પહેલાં યોદ્ધાઓ સ્વહસ્તે પોતાના રથ પર ધ્વજ લગાવતા હતા. મહાભારત કાળમાં અર્જુને યુદ્ધભૂમિ પર જતાં પહેલાં પોતાના રથ નંદીઘોષની પરિક્રમા કરી હતી. ત્યારબાદ કવચ ધારણ કરી પોતાની ભગવા રંગની કપિધ્વજા ફરકાવી હતી, જેના પર હનુમાનજીની છબી અંકિત હતી.
 
આમ સનાતનકાળથી હિન્દુઓમાં ભગવો રાષ્ટ્રરક્ષાના સંઘર્ષનો ભાવ જાગૃત કરતો આવ્યો છે. કેટલીક ઐતિહાસિક ઘટનાઓ પર એક નજર કરીએ તો...
 
શીખોના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહે જ્યારે હિન્દુ ધર્મની રક્ષા માટે શીખ પરંપરા ઊભી કરી, આ હજારો શીખ ધર્મ યોદ્ધાઓના સૈન્યનું નેતૃત્વ કર્યું ત્યારે તેઓનો ધ્વજ પણ કેસરિયો જ હતો. આ ધ્વજ હિન્દુત્વના પુનઃ જાગરણનું પણ પ્રતીક છે. આ ધ્વજમાંથી પ્રેરણા લઈ મહારાજા રણજિતસિંહના શાસનકાળમાં શીખ ધર્મયોદ્ધાઓએ સૈનિકોએ અફઘાનિસ્તાનના કંદહાર સુધી વિજયપતાકા લહેરાવી હતી.
 
જ્યારે રાજસ્થાન પર મુગલોનું આક્રમણ થયું ત્યારે રાણા સાંગા અને મહારાણા પ્રતાપના નેતૃત્વમાં રાજપૂત યોદ્ધાઓએ પણ ભગવા ધ્વજને સાથે રાખી આક્રમણકારીઓને રોકવા માટે ઐતિહાસિક યુદ્ધો કર્યાં હતાં. છત્રપતિ શિવાજી અને તેમના સાથીઓ મુગલ શાસન સામે હિન્દુ પદપાદશાહીની સ્થાપના માટે ભગવા ધ્વજની છત્રછાયામાં જ નિર્ણાયક યુદ્ધ લડ્યા હતા અને જીત્યા હતા.
 
કેટલાંક અન્ય ઉદાહરણો જોઈએ તો... ૧૭મી સદીમાં બિકાનેર રજવાડાની ધજા ભગવા અને લાલ રંગની હતી. નાગપુરના ભોંસલે શાસક ભગવા ધ્વજનો ઉપયોગ કરતા હતા. મુગલરાજાઓનાં આક્રમણોને નિષ્ફળ બનાવવા માટે દક્ષિણ ભારતીય રાજ્ય વિજયનગરના રાજાઓના સૈન્ય દ્વારા પણ ભગવા ધ્વજને શૌર્ય અને બલિદાનની પ્રેરણા આપનારા ઝંડારૂપે ફરકાવવામાં આવતો હતો. મધ્યકાળમાં પ્રસિદ્ધ ભક્તિ આંદોલન અને હિન્દુ ધર્મના પુનઃજાગરણમાં પણ ભગવા રંગની પ્રેરક ભૂમિકા રહી હતી, રાજપૂતાણીઓના જાૈહરમાં પણ ભગવો ત્યાગ બનીને પ્રજ્વળ્યો હતો. ૧૮૫૭ના અંગ્રેજરાજ વિરુદ્ધના ભારતના પ્રથમ સ્વાધીનતા સંગ્રામ દરમિયાન કેસરિયા ધ્વજ નીચે જ તમામ ક્રાંતિકારીઓ એકજૂટ થયા હતા.
 
આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ સર્જેલા, `જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસૂંબીનો રંગ... હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...' ગીતમાં પણ શૌર્યનો ભગવો રંગ સૂર બનીને વહે છે.
 
ઈ.સ. ૧૯૦૫માં ભગીનિ નિવેદિતાએ એક ધ્વજ બનાવ્યો, જેના પર વજ્ર (ઇન્દ્ર દેવતાનું હથિયાર) અંકિત હતું. તેનો રંગ ગેરૂઓ - ભગવો અને પીળો હતો. ડિસેમ્બર, ૧૯૦૬ના કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં ભગીનિ નિવેદિતા દ્વારા બનાવવામાં આવેલા ધ્વજને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ અધિવેશનની અધ્યક્ષતા દાદાભાઈ નવરોજજીએ કરી હતી. ભગીનિ નિવેદિતાએ ધ્વજ, જેમાં વજ્રનું નિશાન અને બાંગ્લા ભાષામાં વંદે માતરમ્ અંકિત કરેલું હતું.
 
૧૯૩૧ની સાલમાં ભારતના રાષ્ટ્રધ્વજ વિશે વિચારણા થઈ હતી. ૨ એપ્રિલ, ૧૯૩૧માં કરાંચીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની બેઠક થઈ ત્યારે ૭ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી હતી, જેમાં (૧) સરદાર વલ્લભભાઈ પટેલ,
(૨) મૌલાના અબ્દુલ કલામ આઝાદ, (૩) માસ્ટર તારાસિંહ, (૪) પંડિત જવાહરલાલ નહેરુ, (૫) પ્રાચાર્ય ડી.બી. કાલેલકર (૬) ડૉ. એન. એસ. હાર્ડિકર અને (૭) ડૉ. બી. પટ્ટાભિ સીતારમૈયાનો સમાવેશ થતો હતો. સમિતિએ વિદેશના રાષ્ટ્રધ્વજોનો પણ અભ્યાસ કર્યો અને ભારતીય પરંપરાને પણ નજર સમક્ષ રાખી. ધ્વજ સમિતિએ દેશભરનાં મહત્ત્વનાં રાજ્યોમાંથી સુઝાવ પ્રાપ્ત કરવા માટે ત્રણ પ્રશ્નોની એક પ્રશ્નાવલી તૈયાર કરીને સર્વે કર્યો. સર્વેમાં આવેલા તારણ બાદ સમિતિએ પણ સ્પષ્ટપણે સર્વાનુમતે નિષ્કર્ષ આપ્યો હતો કે, ભારતનો રાષ્ટ્રધ્વજ વિશેષ, કલાત્મક, બિનસાંપ્રદાયિક અને એક જ રંગનો હોવો જોઈએ. એ રંગ ભારતીયોમાં સૌથી વધુ સ્વીકૃત હોવો જોઈએ અને દેશની પ્રાચીન પરંપરા સાથે મેળ ખાતો પણ હોવો જોઈએ. અને એવો માત્ર એક જ રંગ છે - ભગવો! માટે આપણો રાષ્ટ્રધ્વજ કેસરી (ભગવા) રંગનો હોવો જોઈએ.
 
એ વખતે ઝંડા સાથે ચરખો રાખવાનું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ એ પછી રાજકીય કારણોસર ભગવો ધ્વજ સ્વીકૃત ના થયો.(એ કારણો જાણવા માટે આપણે ભારતનો સાચો ઇતિહાસ સમજવો પડે તેમ છે.) હાલના આપણા ત્રિરંગામાં ભગવો રંગ પોતાના સ્થાન ઉપર રહીને પોતાનાં તમામ મૂલ્યો-આદર્શો-સિદ્ધાંતોનું જતન કરી રહ્યો છે. ક્યારેક સિંદૂરની તાકાત બનીને સંપૂર્ણ વૈશ્વિક આકાશમાં છવાઈ જાય છે.
 
ભગવો રંગ અને ભગવો ધ્વજ હિન્દુત્વનો વાહક રહ્યો છે અને આજે પણ છે એ સર્વવિદિત છે. ભારતનાં મઠ મંદિરો પર ભગવો ધ્વજ લહેરાવવામાં આવે છે, કારણ કે તે ધર્મનો રંગ છે, તે જ્ઞાનને વધારે છે અને આધ્યાત્મિકતાનો પ્રસાર કરે છે. આપણા પૂર્વજો ભગવા ધ્વજ સમક્ષ નતમસ્તક થતા આવ્યા છે. વર્તમાન પેઢી પણ તે સારી રીતે સમજે છે.
 
ભગવા ધ્વજના સંપૂર્ણ ઇતિહાસનું અધ્યયન કરવાથી સ્પષ્ટ થાય છે કે, ભગવા રંગને હિન્દુ સમાજથી અલગ કરવો શક્ય નથી. ભગવો રંગ આપણા હિન્દુ રાષ્ટ્રની, હિન્દુ સંસ્કૃતિની, આપણા ધર્મની અને આપણા પૂર્વજોની ઓળખ છે. ભગવો ધ્વજ હિન્દુ સમાજ અને હિન્દુ રાષ્ટ્રનું સહજ અને સ્વાભાવિક પ્રતીક છે. આ ધ્વજ હિન્દુ સમાજના સતત સંઘર્ષો અને વિજયોનો સાક્ષી રહ્યો છે.
 
પરાપૂર્વથી ભગવાન સૂર્યનારાયણ યજ્ઞ સંસ્કૃતિના પ્રેરક મનાયા. તેમના જ પ્રતીક તરીકે અગ્નિપૂજા વિકસી અને તે જ યજ્ઞજ્વાળાઓના પ્રતીક તરીકે ભગવો આપણી હિન્દુ સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો બની ગયો છે. રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ, જીવનમૂલ્યો, સજ્જનોના રક્ષણ અને દુર્જનોના નિયમન માટે શ્રેષ્ઠતમ બલિદાનો આપનારા અને અપ્રતિમ માનવીય શૌર્ય પ્રગટ કરનારા આપણા વીરોએ એટલે જ ભગવા ધ્વજને ગુરુસ્થાન આપ્યું છે. આમ અરુણોદયથી આજના શ્રેષ્ઠ ભારતના ઉદય સુધી ભગવો ધ્વજ આપણા રક્તમાં રહ્યો છે. એટલે જ કવિઓએ તેનું વર્ણન કરતાં લખ્યું છે કે,
 
उद्यत्‌ विभाकर: समस्तिमिरापहर्ता,
संख्ये हुतात्महुतशोणितशोण वर्ण:
त्यागस्य केतनमुदीर्ण हुताशनाची,
विश्वे सदाविजयते भगवाध्वजम्‌
 
(અર્થાત્- ઉદય થતો સૂર્ય સંપૂર્ણ અંધકારને મિટાવી દે છે, તે જ પ્રકારે અસંખ્ય બલિદાની આત્માઓના રક્તથી લાલ થયેલ ભગવો ધ્વજ ત્યાગનું પ્રતીક બનીને પ્રજ્વલિત અગ્નિની જેમ ઊંચે ઊઠી રહ્યો છે. આવો આ ભગવો ધ્વજ સદા વિશ્વમાં વિજયી રહે!)
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો પણ આ `ભગવા'એ વિકસાવેલ મૂલ્યો-આદર્શો-સિદ્ધાંતોનું સંરક્ષણ કરવા અને તેને માટે સર્વસ્વનું બલિદાન આપવા પ્રતિબદ્ધ છે. અને તેથી જ ભગવા રંગનું આ વૈદિક, પૌરાણિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક માહાત્મ્ય જોઈ-પારખીને તેમણે હિન્દુ રાષ્ટ્રની ઓળખ સમા ભગવા ધ્વજને ગુરુપદે સ્થાપિત કર્યો છે.
 
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે આપણા ગુરુને કોટિ કોટિ વંદન છે!
 
 
આ વીડિઓ તમને ગમશે... 
 
 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.