રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુરુ તરીકે ભગવો ધ્વજ | સંઘે ભગવાનું ગુરુત્વ સ્વીકાર્યું છે...

સંઘની ૧૯૨૮થી ચાલી આવતી ગુરુપૂજનની આ આધ્યાત્મિક પરંપરા જોઈને એવો પ્રશ્ન થાય કે, ગુરુ તરીકે કોઈ વ્યક્તિને બદલે ધ્વજ કેમ? જિજ્ઞાસા સંતોષવા થોડું ઊંડાણપૂર્વક સમજીએ.

    ૧૦-જુલાઇ-૨૦૨૫
કુલ દૃશ્યો |

RSS guru dhwaj gujarati
 
 
વિશ્વનું સૌથી મોટું સ્વયંસેવી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુરુપૂર્ણિમા પર્વ પર આપણી ગુરુ-શિષ્યની પરંપરાને એક અભિનવ વિચાર સાથે આગળ ધપાવે છે. સંઘે ગુરુ તરીકે ભગવા ધ્વજને પ્રસ્થાપિત કર્યા છે. સંઘના સ્વયંસેવકો આ દિવસે ભગવા ધ્વજને પ્રણામ કરીને, સંઘકાર્ય થકી રાષ્ટ્રકાર્ય કરવા માટે ગુરુદક્ષિણા અર્પણ કરીને આત્માવલોકન કરે છે. સ્વયંસેવક અંતર્મુખ થઈ પોતાને જ પ્રશ્ન પૂછે છે કે, ગત આખું વર્ષ ગુરુ પ્રસન્ન થઈ ઉઠે તેવું કાર્ય મેં કર્યું છે કે નહિ?
 
સંઘની ૧૯૨૮થી ચાલી આવતી ગુરુપૂજનની આ આધ્યાત્મિક પરંપરા જોઈને એવો પ્રશ્ન થાય કે, ગુરુ તરીકે કોઈ વ્યક્તિને બદલે ધ્વજ કેમ? જિજ્ઞાસા સંતોષવા થોડું ઊંડાણપૂર્વક સમજીએ.
 
વાસ્તવમાં સંઘની તત્વનિષ્ઠા અને દૂરદર્શિતાનો આ મોટો પુરાવો છે. સંઘમાં થયેલા પ્રથમ ગુરુપૂજન કાર્યક્રમ પહેલાં બાલ-કિશોર સ્વયંસેવકોની એવી સહજ સ્વાભાવિક માન્યતા હતી કે, આપણો સંઘ શરૂ કરનાર ડૉ. હેડગેવારજી છે, તેથી ગુરુ તરીકે તેઓનું જ પૂજન કરવાનું હશે, પરંતુ ડૉ. હેડગેવારજીએ સ્વયંસેવકોની સામે ભગવા ધ્વજને ગુરુસ્થાને સ્થાપિત કરીને એક સુખદ આશ્ચર્ય સર્જ્યું અને એક ઉદાત્ત પરંપરા પ્રસ્થાપિત કરી. આમ કરવાનું કારણ એ હતું કે, કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી મહાન હોય તો પણ સદાસર્વદા બધા જ લોકોનું માર્ગદર્શન કરી શકતી નથી, વળી વ્યક્તિ નાશવંત છે. મનુષ્યનું સ્ખલન પણ થઈ શકે છે. પરંતુ તત્વ તો શાશ્વત છે, એના પર શ્રદ્ધા ધરાવનાર સમાજને; તત્વ પેઢીઓની પેઢીઓ સુધી માર્ગદર્શન કરી શકે છે.
 
ડૉ. હેડગેવારજીના સમયથી જ એટલે કે શરૂઆતથી જ સ્વયંસેવક વ્યક્તિપૂજક બનતો અટકી ગયો. તેની યાત્રા તત્વ તરફ જ આગળ વધતી રહી. વળી અહીં તો તત્વ તરીકે ભગવો ધ્વજ હતો, તેથી ભારતની પ્રાચીન પંરપરાઓ, ગૌરવશાળી વારસો, શ્રેષ્ઠતમ પૂર્વજો અને શ્રદ્ધાકેન્દ્રો પ્રત્યે સ્વયંસેવકનો સહજ નાતો અભિન્નપણે જોડાતો ગયો. તત્વની ગુરુ તરીકે ઉપાસના એ કોઈ સંઘે આપેલો નવો વિચાર નથી. ૧) પવિત્ર ગુરુગ્રંથ સાહેબ, ૨) ગુરુ દત્તાત્રેયના ચોવીસ ગુરુ અને આવાં તો અનેક ઉદાહરણો આપણે ત્યાં મળી આવે છે, જ્યાં ગુરુસ્થાને તત્વોની ઉપાસના કરવામાં આવતી હતી, તેવું જોઈ શકીએ છીએ.
એવું સમજવું પણ ખોટું છે કે, વ્યક્તિ ગુરુ હોય એ યોગ્ય નથી. મહાન વ્યક્તિઓને ગુરુ બનાવવાની આપણી પરંપરા સનાતનકાળથી ચાલી આવે છે. અને ભારતભૂમિ પર એનાં અનેક સિદ્ધ થયેલાં પ્રેરક ઉદાહરણો પણ છે. તે ઉદાહરણો જોઈશું તો એ ગુરુઓના શિષ્યોની સંખ્યા મોટાભાગે મર્યાદિત રહેતી. પરંતુ સંઘ તો સંપૂર્ણ સમાજને હિન્દુત્વની પુનર્દિક્ષા આપવા માંગતો હતો, તેથી તેણે પ્રથમથી જ `તત્વ'ને ગુરુપદે સ્થાપિત કર્યા. આ નિષ્કલંક પરમ તત્વના કારણે ૧૦૦ વર્ષ તરફ આગળ ધપી રહેલા સંઘનું નિષ્કલંક સ્વરૂપ આપણી સામે છે.
  
સ્વયંસેવકનું ગુરુપૂજન
 
સર્વસામાન્ય વ્યક્તિ જ્યારે ગુરુપૂજન કરે છે ત્યારે તેના વિચારો, તેની આકાંક્ષાઓ અતિ સીમિત હોય છે. પોતાનું અને પોતાના પરિવારનું સર્વમંગલ થાય, સન્માર્ગે ચાલીને જીવનનાં સામાન્ય સુખ પ્રાપ્ત થાય અને સામાન્ય કર્તવ્યો પોતે નિર્વિઘ્ને પૂર્ણ કરી શકે, તે આકાંક્ષાએ તે ગુરુપૂજન કરે છે. આ બધી આકાંક્ષાઓમાં તેના જીવનનું ઈતિશ્રી આવી જાય છે. આ સામાન્ય સુખોની કલ્પના વ્યક્તિશઃ જુદી જુદી રહેતી હોય છે. ગુરુકૃપાથી એ આકાંક્ષાઓ પૂર્ણ થઈ જશે એ વિશ્વાસ તેનામાં ગુરુપૂજનની પ્રેરણા ઉત્પન્ન કરે છે. સ્વાભાવિક રીતે જ આ હેતુથી ગુરુની પસંદગી માણસને કોઈ ને કોઈ `સંત, સત્પુરુષ, વિદ્વાન અથવા સમર્થ મહાપુરુષ તરફ દોરી જાય છે, અને જ્યાં તેની શ્રદ્ધા બેસે છે ત્યાં તે પોતાની શ્રદ્ધા સ્થાપિત કરીને પોતાની શક્તિ-ભક્તિ અનુસાર ગુરુદક્ષિણા સ્વરૂપે કાંઈક અર્પણ કરે છે, પરંતુ છેવટે તો આ બધું વ્યક્તિગત આકાંક્ષાઓની પૂર્તિ માટે હોય છે.
પરંતુ ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ સંપૂર્ણ સંકલ્પનાને એક નવીન આયામ-ઊંચાઈ-ઊંડાણ આપ્યાં છે. ખરા અર્થમાં કહીએ તો આ સંકલ્પનાને સંઘે ખરો અર્થ આપ્યો છે. સંઘનો સ્વયંસેવક જ્યારે ગુરુપૂજન કરે છે ત્યારે પોતે રાષ્ટ્રના એક અભિન્ન અંગ તરીકે તે આ કાર્ય કરે છે. આ પૂજન કરતી વખતે તે કોઈના પતિ, પુત્ર, પિતા કે માલિકની ભૂમિકામાં નથી હોતો, પણ હિંદુરાષ્ટ્રના એક અવિભાજ્ય ઘટકની ભૂમિકામાં હોય છે. ‘हिन्दु राष्ट्राङ्गभूता वयं‌ યાદ કરી આ રાષ્ટ્રના અવિભાજ્ય ઘટક તરીકે તે રાષ્ટ્રીય આકાંક્ષાઓની પૂર્તિ માટે અને રાષ્ટ્રના સંરક્ષણ અને સંવર્ધનનું સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે ગુરુપૂજન કરે છે. અને એ વખતે તે ‘महामङ्गले पुण्यभूमे त्वदर्थे पतत्वेष कायो नमस्ते नमस्ते ॥‌’યાદ કરીને સર્વસ્વાર્પણના પોતાના સંકલ્પનું પુનઃસ્મરણ કરે છે. તેનું ગુરુપૂજન કોઈ વ્યક્તિ તરીકે વ્યક્તિગત આકાંક્ષાઓની પૂર્તિની ઇચ્છાથી નથી થતું, પણ આ રાષ્ટ્રના અવિભાજ્ય ઘટક તરીકે રાષ્ટ્રીય આકાંક્ષાઓની પૂર્તિનું સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે થતું હોય છે.
 
આપણું અધ્યાત્મ નરથી નારાયણ તરફ ગતિ કરાવે છે. સંઘમાં સ્વયંસેવક; વ્યક્તિ મટીને પોતે રાષ્ટ્રનું અંગ હોવાની અનુભૂતિ કરતો થાય છે. તાજતેરમાં પ્લેનક્રેશ પછી સ્વયંસેવકોએ, જ્યાં તાલિમબદ્ધ અધિકારી સ્ટાફ પણ સહજતાથી કામ ન કરી શકે ત્યાં સફળતાપૂર્વક કામ કર્યું, તેની પાછળનું રહસ્ય આ જ છે. સંઘની પ્રક્રિયા મનુષ્યનિર્માણની છે. તેમાં સૌથી પ્રથમ આવશ્યક્તા વિનમ્રતાની છે. સંઘનો સ્વયંસેવક અનુભવે છે કે, મારા ગુરુ ભગવો ધ્વજ છે. તેથી તે સદૈવ ભગવાની નીચે, ભારતની નીચે, સંંસ્કૃતિની નીચે, ધર્મની નીચે રહે છે. આ નીચે રહેવાનો ભાવ સ્વયંસેવકને વિનમ્ર બનાવે છે.
 
સંઘની નિત્ય પ્રાર્થનામાં સ્વયંસેવક આ ધ્યેયને આ શબ્દોમાં યાદ કરે છે કે, ‘परं वैभवं नेतुमेतत्‌ स्वराष्ट्रम्‌’ (અર્થાત્‌ અમારા આ રાષ્ટ્રને પરં વૈભવના શિખરે લઈ જવું છે.) અને આ ધ્યેયને પામવા તે ગુરુની પાસે જ્ઞાનના પ્રકાશની માગણી કરે છે અને સંગઠનશક્તિની અનુભૂતિની ઇચ્છા ધરાવે છે.
 
 
 
 
 
 
સમર્પણ
 
ગુરુપૂજનની સાથે જોડાયેલો શબ્દ છે સમર્પણ. આ શબ્દ પણ એક વિશેષ અર્થ ધરાવે છે. એક સામાજિક સંગઠન તરીકે સંઘે નિર્માણ કરેલી આ અભૂતપૂર્વ વ્યવસ્થા છે. સંગઠનશાસ્ત્રનો મર્મ સમજનારા પૂ. ડૉક્ટરજીએ સ્થાપિત કરેલી આ એક અભિનવ વ્યવસ્થા છે અને તે વ્યવસ્થાએ સંઘને આત્મનિર્ભરતા અને તેને કારણે આવતી નિર્ભયતા પ્રદાન કરી છે. સ્વયંસેવક સંઘનો અવિભાજ્ય ઘટક હોવાથી પોતાના સહજ કર્તવ્યના પાલનરૂપે પરમ પવિત્ર ભગવા ધ્વજ સમક્ષ પોતાનું સમર્પણ રજૂ કરે છે. આ સમર્પણ માત્ર ધનનું નથી હોતું, તેમાં તન-મન-જીવન પણ સમર્પિત કરવાનો સંકલ્પ જોડાયેલો હોય છે. આ સમર્પણ એ કોઈ દાન નથી, કારણ કે દાનમાં તો આપનાર અને લેનાર બંને હોય છે. જ્યારે અહીં તો આવો કોઈ ભેદ નથી. ગુરુના શ્રીચરણોમાં મુકાતા આ સમર્પણ પાછળનો ભાવ સર્વસ્વાર્પણનો છે. તેથી જેમ સામાન્ય રીતે કહેવાતું હોય છે કે યથાશક્તિ દાન કરો કે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી મુજબનું દાન કરો, પરંતુ સંઘમાં તેવું કહેવામાં આવે છે કે, સંપૂર્ણ શક્તિ લગાવીને સમર્પણ કરો.
 
પોતાનાં સર્વસ્વનું સમર્પણ કરી દેવાની ભાવના ધીરેધીરે બળવત્તર થતી જાય છે. સ્વયંસેવકો પોતાનું જીવન સંઘમાં લગાવી દે છેે અને પ્રચારક તરીકેનો કઠિન રસ્તો, મોહમાયામુક્ત રસ્તો પસંદ કરે છે. ગૃહસ્થી કાર્યકર્તાઓમાં પણ `રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના દૃઢ બનતી જાય છે. આ બધું રાષ્ટ્ર માટે સમર્પણ કરવાના સતત સંસ્કારથી શક્ય બને છે. રોજની શાખામાં પણ પ્રાર્થનાના અંતિમ શબ્દો `ભારત માતા કી જય,' સ્વયંસેવકોની `રાષ્ટ્ર પ્રથમ'ની ભાવનાને દિન-પ્રતિદિન સશક્ત બનાવે છે. ગુરુના મહિમાનું આ પર્વ છે. સંઘે ભગવાનું ગુરુત્વ સ્વીકાર્યું છે. આ ગુરુત્વને કારણે સંઘનું એક સર્જનાત્મક, સંગઠનાત્મક, ગુણાત્મક, ભાવનાત્મક, વિધેયાત્મક ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન થયું છે. આ બળનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર રાષ્ટ્રનું પુનર્નિર્માણ કરવા માટેનો છે.
 
રાષ્ટ્રના પુનર્નિર્માણ પછીનું રાષ્ટ્ર કેવું હશે? સંઘ વિચાર પ્રમાણે આ એવું રાષ્ટ્ર હશે, જેનો પ્રત્યેક વ્યક્તિ ‘वसुधैव कुटुम्बकम्‌’ને ચરિતાર્થ કરવા માટે તત્પર હશે.
 
 
- તેજસ પટેલ