હિન્દુરાષ્ટ્રની જ્ઞાનપરંપરાને આગળ વધારતી ગુરુ-શિષ્ય પરંપરા

10 Jul 2025 12:20:46

gurupurnima vishe mahiti,  
 
 
ગુરુપૂર્ણિમા નિમિત્તે વિશેષ
 
અષાઢી પૂનમ એટલે ગુરુપૂર્ણિમા. ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ જ દિવસે વ્યાસમુનિનો જન્મ થયો હતો, જે મહર્ષિ વેદવ્યાસ તરીકે જાણીતા છે. મહર્ષિ વેદવ્યાસે વેદોનું સંકલન કર્યું હતું અને ૧૮ પુરાણો અને ઉપપુરાણોની રચના કરી હતી. ભગવાન વ્યાસે આપણા ૠષિઓની અત્ર-તત્ર વિખરાયેલી જ્ઞાન-નીધિ અને તેમના અનુભવોને સંકલિત કરીને એને સમાજભોગ્ય બનાવ્યા હતા. પાંચમા વેદનું બહુમાન મેળવનાર મહાભારત ગ્રંથની રચના પણ મહર્ષિ વેદવ્યાસે આ જ દિવસે પૂર્ણ કરી હતી અને વિશ્વના સુપ્રસિદ્ધ આર્ષગ્રંથ બ્રહ્મસૂત્રનું લેખન પણ આ જ દિવસે શરૂ કર્યું હતું. ત્યારે એક ગુરુ તરીકે દેવતાઓ દ્વારા વેદવ્યાસજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારથી જ વ્યાસપૂર્ણિમા મનાવવાની પરંપરાનો પ્રારંભ થયો હતો.
 
ભારતીય પરંપરામાં ગુરુપૂર્ણિમાનું આગવું મહત્ત્વ છે. ગુરુ પ્રાપ્ત કરવો એ વ્યક્તિનું અતિ આવશ્યક કર્તવ્ય મનાયું છે. ગુરુત્વની એટલે કે શ્રેષ્ઠત્વની પૂજા કરવી અને માર્ગદર્શન પ્રાપ્ત કરવું, એ ભારતીય જીવનમાં પરમ સૌભાગ્ય મનાય છે. આપણે ત્યાં સનાતનકાળથી ગુરુ-શિષ્ય પરંપરા ચાલી આવી છે. આ પરંપરા; વિશ્વને આપણી એક શ્રેષ્ઠ દેણ છે.
 
શાસ્ત્રોમાં `ગુ'નો અર્થ `અંધકાર કે અજ્ઞાન' અને `રુ'નો અર્થ `દૂર કરનાર' કરવામાં આવ્યો છે. આ બંને અક્ષરો મળીને શબ્દ બન્યો છે `ગુરુ'. એટલે કે અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાનરૂપી પ્રકાશથી દૂર કરનાર ગુરુ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ, અજ્ઞાનનું નિવારણ કરી સાચા ધર્મનો માર્ગ બતાવે એ ગુરુ. એટલે જ આપણે ત્યાં કહેવાયું છે કે, अज्ञान तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया ।
 
વળી, આપણે ત્યાં નાના બાળકને પણ એક શ્લોક મોઢે હોય છે કે,
 
गुरु र्ब्रह्मा गुरु र्विष्णु , गुरु देवो महेश्वरः,
गुरुः साक्षात्‌ परब्रह्म , तस्मै श्री गुरुवे नमः
 
ભારતમાં ગુરુને બ્રહ્મા કહેવામાં આવ્યા છે, કારણ તે શિષ્યનું ઘડતર કરે છે, નવજન્મ આપે છે. ગુરુને વિષ્ણુ પણ કહેવાયા છે, કારણ તે જ્ઞાનના શિક્ષણ થકી શિષ્યની રક્ષા કરે છે. ગુરુને સાક્ષાત્ મહેશ્વર પણ કહેવાયા છે, કારણ કે તે શિષ્યના તમામ દોષોનો સંહાર કરે છેે. આપણે ત્યાં પિતાનો વારસદાર પુત્ર હોય છે. એ પિતાના કુળની પરંપરાઓનું નિર્વહન કરે છે, એ રીતે ધર્મનું નિર્વહન કરવા માટે ગુરુના જ્ઞાનનો વારસદાર શિષ્ય હોય છે. ભારતભૂમિ પર કેટલાય એવા શિષ્યો થઈ ગયા જેમણે ગુરુની પરંપરાને વધારે ઊજળી બનાવી. શ્રી રામના ગુરુ વસિષ્ઠ, શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપનિ, અર્જુનના ગુરુ દ્રોણાચાર્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ વગેરે. વેદવ્યાસ, ભારદ્વાજ, અત્રિ, કણ્વ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, સાંદીપનિ, ચાણક્યથી માંડી વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, તુકારામ, જ્ઞાનેશ્વર જેવા અનેક ગુરુઓથી આપણી ભૂમિ સમર્થ સિદ્ધ થયેલી છે. આપણી સંસ્કૃતિમાં આવા પૂજનીય ગુરુઓની એક આખી પરંપરા રહી છે. હિન્દુસ્થાનની જ્ઞાનપરંપરાનો વારસો ગુરુ-શિષ્યની આ પરંપરાથી આગળ વધતો આવ્યો છે. ગુરુ તો એ છે જે સાક્ષાત્‌ ઈશ્વર સાથે પણ તમારો ભેટો કરાવી શકે છે. એટલે જ તો કહેવાયું છે કે,
 
गुरु गोविंद दोनों खड़े, काको लागूं पाय ।
बलिहारी गुरु आपकी, गोविंद दियो बताय ।।
 
આમ ગુરુત્વની, શ્રેષ્ઠત્વની પૂજા કરવી અને તેને ચરણે સર્વસ્વ સમર્પણની અભિલાષા રાખવી એ ભારતીય પરંપરાની વિશેષતા છે. ગુરુપૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ગુરુ પ્રત્યે અહોભાવ પ્રગટ કરી, કૃતજ્ઞ બની તેમને વંદે છે. પોતાના જીવનને ઉજ્જ્વળ બનાવવા માટે તેમનો ઋણસ્વીકાર કરે છે અને છેલ્લે આત્માવલોકન કરે છે!
 
Powered By Sangraha 9.0