ભગવાન બુદ્ધના અવતાર શ્રદ્ધેય ૧૪મા દલાઈ લામાએ ૬ જુલાઈ, ૨૦૨૫ના રોજ ૯૦ વર્ષ પૂરાં કર્યાં. ભીની આંખે પોતાની જન્મભૂમિ તિબેટને આખરી અલવિદા કહીને મન પર પથ્થર મૂકીને ૬૬ વર્ષ પહેલાં ૩૧ માર્ચ, ૧૯૫૯ના રોજ ભારતમાં આવવું પડ્યું, આપણે એ વેદનાની કલ્પના કરી શકીએ?
કમભાગ્યે હમણાં તેઓના જન્મદિને એવી ચર્ચા નહીં ચાલી કે, તેઓને ૬૬ વર્ષ પહેલાં પોતાની પ્રિય જન્મભૂમિ ત્રિવિષ્ટપ- અપભ્રંશ તિબેટનો કેવા સંજોગોમાં ત્યાગ કરી દેવો પડ્યો? ભલે તેઓ આજે ૯૦ વર્ષ પછી પણ અડગ છે, આનંદમય અને તેજોમય છે? પણ તિબેટમાં પોતાના અનુયાયીઓ પર ચીને જે અમાનવીય ક્રૂર અત્યાચાર કરેલા છે, તેની હૃદયમાં જે પારાવાર વેદના લઈને જીવી રહ્યા છે, તે અતિ અસહ્ય છે.
વિસ્તારવાદી-સામ્યવાદી-તાનાશાહી ડાબેરી ચીને ૧૯૫૯માં તિબેટના સામૂહિક બર્બર હત્યાકાંડોને અંજામ આપ્યા અને અંતે આખા ય તિબેટ ઉપર અનધિકૃત કબજો કરી લીધો. આ આખો ઘટનાક્રમ સમગ્ર માનવજાતને કલંકિત કરનારો છે. આ હત્યાકાંડોની હૃદયદ્રાવક વેદના દલાઈ લામાની પોતાની આત્મકથામાં અશ્રુ બનીને ટપકે છે. આ મુદ્દે કોઈ કેમ ચર્ચા કરતું નથી? હા.. તેઓના અનુગામીના મુદ્દે ચર્ચાઓ જોર પકડી રહી છે. તેમાં ય પણ તેઓના અનુગામી કોણ બનશે, એ મુદ્દે નહીં, પરંતુ તેઓના અનુગામીની વરણી કોણ કરશે? તે મુદ્દે ચર્ચા તેની પરાકાષ્ઠા પર છે. આ ચર્ચાનાં કુલ ત્રણ પાસાં છે...
૧) દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ પંથ-મત-સંપ્રદાયની સર્વોચ્ચ હોય તેવી કોઈ પણ આધ્યાત્મિક વ્યક્તિ; પોતાના અનુગામી તરીકે કોને નિમવો તે પોતે જ નક્કી કરે છે, તેમાં કોઈ પ્રશ્ન જ શું કામ ઉપસ્થિત થવો જોઈએ? પોતાનો અનુગામી નક્કી કરવાનો અધિકાર દલાઈ લામાના બદલે ચીનને ક્યાંથી હોઈ શકે? શું કામ હોઈ શકે?
૨) દલાઈ લામાના અનુગામી બનનારને અનુગામી બનવાનું માન્ય હોય તો તેમાં કોઈ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા શું કામ હોવી જોઈએ? દલાઈ લામાના અનુગામી કોઈ પણ બને, તેથી કોઈ ચિંતા ચીનને શું કામ હોવી જોઈએ?
૩) કોઈ ત્રીજી વ્યક્તિએ કે સત્તાએ શા માટે ઉપરોક્ત બંને મુદ્દે વચ્ચે પડવું જોઈએ? જ્યારે તિબેટ ચીનનો અધિકૃત હિસ્સો જ નથી, વળી દલાઈ લામા જાહેર કરી ચૂક્યા છે કે, પોતાનો અનુગામી ચીનમાંથી નહીં હશે તે પછી પણ ચીને આમાં માથું મારવાની જરૂર જ કેમ ઉપસ્થિત થાય છે?
ઉપરોક્ત ત્રીજા મુદ્દે ત્રાહિત પક્ષ તરીકે એક રાજકીય સત્તા તરીકે ચીન દખલ દઈ રહ્યું છે. નથી એની ધરતી, નથી એનો પંથ અને નથી એની શ્રદ્ધા, છતાં પોતાના નિયંત્રણમાં હોય તેવા કોઈ વ્યક્તિને આખા વૈશ્વિક બોદ્ધ પંથ અને તિબેટ પર થોપીને મૂળભૂત રીતે ભારતમાં જન્મેલા બોદ્ધ પંથને ખલાસ કરી દેવાનો કારસો ચીન રચી રહ્યું છે.
આ મુદ્દે થોડી ભારતને લગતી વાત કરી લઈએ. તિબેટ ભારત અને ચીન વચ્ચેનો બફર દેશ હતો. પરંતુ ચીને તિબેટ પર કબજો જમાવતાં ચીન હવે સીધું ભારતના દ્વારે આવી ગયું. તિબેટનું એક બફર દેશ બની રહેવું, એ કુલ મળીને સામરિક વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ અગત્યનું હતું, પરંતુ કમનસીબે નહેરુજી તિબેટના મુદ્દે સંપૂર્ણ નિષ્ક્રિય રહ્યા. સમાજવાદથી ભ્રમિત નહેરુજીએ હિન્દી-ચીની ભાઈ-ભાઈનો રાગ આલાપે રાખ્યો. રશિયા પોતાના ઘર આંગણે યુક્રેનના નામે નાટોને, ઈઝરાયેલ પોતાના ઘર આંગણે ગાઝાના નામે ઈસ્લામિક આતંકવાદને સાંખી ન શકે, તે રીતે નહેરુજીએ વિચારવું જોઈતું હતું, પરંતુ આખા વિશ્વને આ મુદ્દે જાગૃત કરવાને બદલે એક ખૂણે ભરાઈ રહેવાની તેઓની નિષ્ક્રિયતાથી આજે દેશને અને માનવતાને તેનાં માઠાં પરિણામ ભોગવવાં પડી રહ્યાં છે. આવો ભૂલભરેલો ભૂતકાળ સ્વાતંત્ર્ય પહેલાં જન્મેલા નેતૃત્વ વખતેનો છે! સ્વાતંત્ર્ય પછી જન્મેલા નેતૃત્વ હેઠળ 'ઑપરેશન સિંદૂર' વખતે ભારતે એકલા હાથે માત્ર આતંકવાદ (પાકિસ્તાન)નો સામનો નથી કર્યો, બલ્કે સાથોસાથ વામપંથી સરમુખત્યારશાહીના સ્યુડો સમાજવાદ (ચીન)નો અને ઈસ્લામિક કટ્ટરવાદ (તૂર્કિયે)નો, એમ ત્રણેયનો એક સાથે સફળતાપૂર્વક સામનો કરીને વિજયી થયું છે. હા.. અને તેથી જ દલાઈ લામા ભારતમાં સુરક્ષિત છે. ભવિષ્યમાં પણ તેઓએ ઈચ્છેલ વ્યક્તિ જ તેઓના અનુગામી બનશે, આવા સત્યનું ઉચ્ચારણ સાર્થકતામાં પરિણમે તે માટે સર્વ સત્યોનું સમ્યક્ પાલન જરૂરી છે, કારણ કે સત્યનું અસ્તિત્વ સમગ્રમાં જ સ્થાપિત હોય છે. સિલેક્ટિવ હોવું એ સત્યને માન્ય નથી. સત્યમેવ જયતે…