ઑટીટી ઍપ છોડો, આ ટીવી શૉ પણ ઓછા નથી । ભારતમાં કોણ ઠાલવી રહ્યું છે વિકૃતિ…!!

OTT પ્લેટફોર્મ અને ટીવી ચેનલો પર અશ્લીલ શૉ અને લવ જિહાદના ષડયંત્ર આજે ચતવાની જરૂર છે. "હાઉસ એરેસ્ટ", "બિગ બોસ", "સ્પ્લિટ્સવિલા" અને અન્ય શૉના ઉદાહરણ સાથે જાણો યુવાનો પર તેનો ખતરનાક પ્રભાવ.

    ૧૭-જુલાઇ-૨૦૨૫   
કુલ દૃશ્યો |

ott-platform-and-tv-vulgar-content-gujarati
 
 
# OTT અને ટીવી શૉમાં વધતી અશ્લીલતા અને લવ જિહાદના વધતા કિસ્સા ચિંતાજકન
# બિગ બોસ જેવા રિયાલિટી શૉથી યુવાનોને મળતા અશ્લિલ વિચારો ચિંતાજનક
 
 
એજાઝ ખાનના ઑટીટી શૉ ‘હાઉસ ઍરેસ્ટ’ સામે ઍક્સ પર લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને મહારાષ્ટ્રના મહિલા આયોગે પણ તેની ગંભીર નોંધ લીધી હતી. પરંતુ ઑટીટી જ નહીં, ટીવી પર પણ રિયાલિટી શૉના નામે અશ્લીલતા અને લવજિહાદને પ્રોત્સાહન આપવામાં આવે છે.
 
થોડા સમય પહેલાં ‘ઍક્સ’ પર એજાઝ ખાનના ઑટીટી શૉ ‘હાઉસ એરેસ્ટ’ સામે તેમાં આવતી અશ્લીલતાના કારણે વિવાદ થયો. લોકોએ વિરોધ કર્યો. તેમાં લવજિહાદનો દૃષ્ટિકોણ પણ ભળ્યો કારણકે પ્રતિસ્પર્ધી યુવતીઓ હિન્દુ હતી અને સંચાલક (હૉસ્ટ) એજાઝ ખાન મુસ્લિમ. મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગે પણ કહ્યું કે જે ઍપ પર શૉ છે તે ‘ઉલ્લુ’નો વિરોધ થવો જોઈએ. પરિણામે ‘ઉલ્લુ’એ તે શૉ હટાવી લીધો.
 
કોઈ કહી શકે કે આ શૉ તો ઑટીટી ઍપ પર હતો. ઍપ પર બાળકો ન જોઈ શકે. પરંતુ આ શૉના ટુકડા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ઍક્સ સહિત બધે જ મૂકાતા હતા. અને ફેસબુક, ઇન્સ્ટા, ઍક્સ પર પણ અશ્લીલ સામગ્રીને વધુ પ્રમૉટ કરાય છે જ્યારે ગુણવત્તાવાળી, હિન્દુવાદી સામગ્રીની રીચ (પહોંચ) ઘટાડી દેવામાં આવે છે, જેથી એ જેમને જોવામાં રસ છે, જેમણે ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય કે એકાઉન્ટ ફૉલૉ કર્યું હોય તેમને પણ જોવામાં નથી આવતી.
 
આનું કારણ એક ષડયંત્ર છે. ભારતની જનતાને અશ્લીલતા તરફ વાળી દેવી, યુવા વર્ગને આમાં જ રચ્યોપચ્યો રાખવો અને પરિણીત આધેડ વર્ગને તે તરફ વાળી પરિવારને છિન્નભિન્ન કરવો. એટલે એક મોટો વર્ગ અત્યારે અશ્લીલ રીલ બનાવવામાં પડ્યો છે. આની પાછળ રાતોરાત મળતી લોકપ્રિયતા તો છે જ પરંતુ તેના કારણે કમાણી પણ થાય છે. આની શરૂઆત ટિકટૉક નામની ચીનની ઍપે કરી હતી. શરૂઆતમાં કેટલાક અનામી કલાકારો (જેમને કામ ન મળતું હોય) તેમને સામાન્ય માણસ તરીકે રજૂ કરી આવા વિડિયો બનાવડાવે. પછી જાહેરાત કરાવડાવે કે આવા વિડિયોથી અમને કમાણી થાય છે એટલે સામાન્ય જનો પણ તે માર્ગે ચાલી નીકળે.
 
ટિકટૉકની વધતી લોકપ્રિયતા જોઈને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ઍક્સે પણ આવી સામગ્રીને પ્રમૉટ કરવાનું ચાલુ કર્યું. તેને ફેસબુક-ઇન્સ્ટાએ રીલ નામ આપ્યું અને યુટ્યૂબે શૉર્ટ. પરિણામે એક મોટો વર્ગ આ માર્ગે ચાલી નીકળ્યો છે. અશ્લીલ રમૂજો કરવી, અંગપ્રદર્શન થાય તેવાં વસ્ત્રો પહેરી ડાન્સ કરવો.….લોકો જાણતા નથી કે એઆઈ તો માત્ર બે જણની તસવીર નાખો તો તેમની વચ્ચે અંગત પળોનો ખોટો વિડિયો બનાવી નાખે છે તો જો તમે આવા ડાન્સવાળા વિડિયો મૂકશો તો તે બધો ડેટા એઆઈ પાસે જાય જ છે. એઆઈનું કામ તો સરળ થઈ જશે.
 
પાંચ જુલાઈના જ સમાચાર છે. આગરામાં એક એવો અપરાધ બન્યો છે જેમાં એઆઈની સહાયથી યુવતીની અશ્લીલ છબિઓ બનાવી તેને બ્લેકમેઇલ કરી અને તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો.
 
અશ્લીલતામાં જ રચ્યોપચ્યો રહેતો યુવા વર્ગ ભણવામાં પાછળ રહી જાય. ડૉક્ટર, એન્જિનિયર, ટૅક્નૉલૉજી નિષ્ણાત, વૈજ્ઞાનિક, સીએ, સીએસ, આઈએએસ ન બની શકે. અને જેનો બાળ તેમજ યુવા વર્ગ બગડ્યો તે દેશનું ભવિષ્ય અંધકારમય છે. અને જે પરિણીત આધેડ વયનો વર્ગ આના લીધે બગડે તેનાથી પરિવાર છિન્નભિન્ન થાય છે. અત્યારે પત્ની દ્વારા પ્રેમી સાથે મળી પતિની કે પતિ દ્વારા પ્રેમિકા સાથે મળી પત્નીની હત્યાના કિસ્સા વધી રહ્યા છે તેની પાછળ ક્યાંક આવા શૉ, સૉશિયલ મીડિયા પણ કારણભૂત છે જ.
 
પરંતુ ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યૂબ અને ઍક્સથી દૂર હોય અને જેઓ મોબાઇલનો ઉપયોગ માત્ર વાતચીત કરવા માટે કરે છે તેઓ પણ અશ્લીલતાથી દૂર નથી. ટીવીમાં પણ આવી જ સામગ્રી આવે છે અને ઑટીટી જેટલું જ તે ભયાવહ છે, કદાચ તેનાથી વધુ. કારણકે ટીવી પર તે આવે છે. કલર્સ, ઝી, સ્ટાર વગેરે ચેનલો પર ધારાવાહિકોમાં હવે લફરાં બતાવાય છે. કેટલીક મર્યાદામાં અંગત પળોનાં દૃશ્યો બતાવાય છે. ઍન્ડ ટીવી પર ‘ભાભીજી ઘર પર હૈ’ જેવું અશ્લીલ ધારાવાહિક આવે છે. કલર્સ ટીવી પર સોળેક વર્ષથી બિગ બૉસ શૉ આવે છે, તેમાં વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવતા અને સમાજમાં શૂન્ય પ્રદાન હોય તેવા લોકોને શોધી-શોધીને લાવવામાં આવે છે. તેમાં એક ઠગ સ્વામી ઓમને સાધુ તરીકે રજૂ કરી તેની છબિ વિકૃત માણસ તરીકે રજૂ કરાઈ હતી જેથી હિન્દુઓને લાગે કે બધા સાધુ આવા જ હોય. ઝઘડા બતાવવા, પ્રતિસ્પર્ધીઓને કૂતરા બનાવી તેમની પાસે ચાર પગે ચલાવડાવી, પ્લાસ્ટિકના નકલી હાડકાં મોઢામાં મૂકાવવા આવું બધું કરવાથી વ્યક્તિ માંસાહારી ન હોય તો પણ તે માંસાહારી બનવા પ્રેરાય, કારણકે પૈસા મળે.
 
આજકાલ એલજીબીટીક્યૂની એક નવી પ્રજાતિ નીકળી છે- ઑથેરકિન. આ લોકો પોતાની જાતને કોઈ પ્રાણી તરીકે ઓળખાવે છે. આ પ્રજાતિમાંના કેટલાક પોતાને શ્વાન કહે છે. જર્મનીમાં ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના દિને બર્લિન રેલવે મથક પર આવા લોકોનું એકત્રીકરણ થયું હતું. તેઓ પોતાને શ્વાન તરીકે ઓળખાવતા હતા. તેમની જેમ જ ચાર પગે ચાલતા, ભસતા. તેઓ પાછા જે લોકો પોતાને માણસ તરીકે ઓળખાવે તેમની સાથે રહેતા હોય. એટલે અમેરિકામાં એવું દૃશ્ય સામાન્ય છે જેમાં કોઈ યુવતી આવા શ્વાન તરીકે ઓળખાવતા યુવકને ગળામાં શ્વાનની જેમ જ પટ્ટો બાંધી લઈને મૉલમાં જાય. ઑસ્ટ્રેલિયામાં એક જણ પોતાને ડ્રેગન તરીકે ઓળખાવે છે. તે માટે તેણે જાતજાતની શસ્ત્રક્રિયા પણ કરાવી છે અને તેવો મેકઅપ પણ કરે છે.
 
એટલે ‘બિગ બૉસ’ના ઉપરોક્ત કાર્યથી વ્યક્તિને પ્રાણી બનવાની દુષ્પ્રેરણા મળે. આપણે માણસને એમ કહેતા હોઈએ છીએ કે માણસ થા, પરંતુ અહીં તો આ લોકો ભારતીય સમાજને પ્રાણી બનાવવા માગે છે. કહેવાનો અર્થ એ છે કે વિદેશની આવી ગટર સંસ્કૃતિ (ખરેખર તો વિકૃતિ)ને ભારતમાં ઠાલવવાનું માધ્યમ છે આવો બિગ બૉસ જેવો શૉ. આ બિગ બૉસે રાખી સાવંતને પ્લેટફૉર્મ આપ્યું. તેણે પૉર્ન અભિનેત્રી સન્ની લિયોનીને ભારતમાં લાવી. (સન્ની લિયોની વિદેશી નથી, તે ભારતીય વંશની છે, તેનું મૂળ નામ કરણજીત કૌર વોહરા છે અને શીખ પરિવારની છે.) અને પછી તમે ઇકૉ સિસ્ટમ જુઓ. એ સન્ની લિયોનીને હિન્દુ વિરોધી મહેશ ભટ્ટે પોતાની અશ્લીલ ફિલ્મ ‘જિસ્મ ૨’માં સ્થાન આપ્યું અને પછી હિન્દુ વિરોધી ધારાવાહિકો બનાવનાર એકતા કપૂરે પોતાની ‘રાગિણી એમએમએસ ૨’ ફિલ્મમાં લીધી. આ રીતે સન્ની લિયોનીને એક પછી એક ફિલ્મ મળતી થઈ ગઈ. અને સન્ની લિયોની માટે મીડિયાએ પણ એવી ધારણા ઊભી કરી દીધી કે પૉર્ન ફિલ્મોમાં કામ કરવામાં વાંધો શું છે?
 
તે પછી આ ઉલ્લુ ઍપ વગેરે પર પૉર્ન વેબ શ્રેણીઓ ચાલુ થઈ ગઈ. એ જાણીને આઘાત લાગશે કે તેમાં કામ કરતી હિરલ રાદડિયા, નેહલ વડોલિયા, અંકિતા દવે વગેરે ગુજરાતી અભિનેત્રીઓ છે. અને આ લોકોના પાછા ઇન્ટરવ્યૂ પણ ઠાવકી વાત કરતા સૌરભ દ્વિવેદીના ‘લાલભાઈ ટૉપ’ વગેરે પર થાય છે અને તેમને કોઈ કામ નહોતું મળતું, તેમને કામ મેળવવા કેટલો સંઘર્ષ કરવો પડ્યો વગેરે દયા ઉપજે તેવી વાતો બોલાવડાવી તેમને સન્માનજનક બનાવવા પ્રયાસ થઈ રહ્યો છે.
 
ટીવી પર ફરી પાછા ફરીએ તો આ સન્ની લિયોનીનો એમ ટીવી પર એક શૉ આવે છે ‘સ્પ્લિટ્સવિલા’. સન્ની લિયોની તેનું સંચાલન કરે છે. આ શૉમાં કેટલીક યુવતીઓ અને યુવાનો હોય છે. તેઓ પોતાના સાથી શોધે છે. તેઓ જીવનભર સુખદુઃખમાં સાથે રહેવા સાથી નથી શોધતાં, પરંતુ હરવાફરવા માટે, ભોગ ભોગવવા માટે સાથી શોધે છે જેને અમેરિકી ભાષામાં ડેટિંગ કહે છે. આ માટે યુવતીઓને અને યુવાનોને કેટલાંક કાર્યો આપવામાં આવે છે. તેમાં ચુંબનથી માંડીને અંગત પળો બતાવાય છે.
એક એપિસૉડમાં ‘કિસ કિસ કો’ કાર્ય આપવામાં આવ્યું હતું હતું. તેમાં બે કપ્તાન હોય. તેમણે પોતાની ટીમમાંથી એક-એક જણને પસંદ કરવાના. એટલે બે યુવતી અને એક યુવક સામસામે આવે અને યુવતીઓએ યુવકને નિશ્ચિત સમયમાં જેટલા બને તેટલાં વધુ ચુંબન કરવાનાં. અને આ બધાં અપરિણિત હોય છે. આનાથી સમાજમાં શું સંદેશો જાય છે? આ બધું સામાન્ય છે. પરંતુ આનાથી આગળ જઈને આમાં લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ વગેરે દર્શાવી ભારતનો યુવા વર્ગ ન હોય તોય તેને એલજીબીટીક્યૂ બનવા પ્રેરવામાં આવે છે.
 
આ શૉમાં પણ લવજિહાદને પ્રોત્સાહન અપાય છે. ગયા વર્ષે ‘સ્પ્લિટ્સવિલા’ની સ્પર્ધક નાયેરા આહુજાએ આક્ષેપ કર્યો હતો કે અરબાઝ પટેલે તેની સાથે (શૉમાં) ચક્કર ચલાવ્યું ત્યારે તેની લિઝા બિન્દ્રા સાથેની સગાઈ છુપાવી હતી. અરબાઝને સ્ત્રીઓની લાગણી સાથે રમત રમતા આવડે છે. તેણે અરબાઝને ‘અનેક પત્નીઓનો પતિ’ કહ્યો હતો. અરબાઝ પટેલે સ્પર્ધક કશિશ કપૂર સામે અશ્લીલ ટીપ્પણી કરી હતી જેનાથી કશિશ કપૂર ખૂબ દુઃખી થઈ ગઈ હતી. અરબાઝને ક્ષમા માગવી પડી હતી.
 
આવા શૉમાં વિજેતાઓને લાખો રૂપિયા પુરસ્કાર મળે છે. તે પછી ફિલ્મ, જાહેરખબર, મૉડેલિંગ મળવાની સંભાવના ઊભી થાય છે. આથી કૉલેજમાંથી પાસ થયેલા યુવાન-યુવતીઓ આ શૉમાં ભાગ લેવા ઉમટી પડે છે, આવા શૉમાં ભાગ લેનારા બધા યુવાન-યુવતીઓને ફિલ્મો, જાહેરખબર, મૉડેલિંગ વગેરે ન પણ મળે ત્યારે તેઓ ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે.
એક સમય હતો કે યુવતીઓ પોતાનું ચારિત્ર્ય બચાવવા જૌહર કરતી હતી. ફિલ્મોમાં પણ શિયળ બચાવવા હીરોની બહેનને કે હિરોઇનને આત્મહત્યા કરતી અથવા અપરાધીની હત્યા કરતી બતાવવામાં આવતી હતી પરંતુ આજે આ ફિલ્મો, રિયાલિટી શૉએ ચારિત્ર્યને પણ વેચી શકાય તેવી જણસ બનાવી દીધી છે.
 
કલર્સ ચેનલ પર ‘લાફ્ટર શૅફ’માં સેલિબ્રિટી યુગલો વચ્ચે વાનગી બનાવવાની સ્પર્ધા હોય છે. એક તરફ, ૮૦ કરોડ ગરીબોને કેન્દ્ર સરકાર નિઃશુલ્ક રાશન પૂરું પાડે છે ત્યારે આ સેલિબ્રિટી યુગલો આવી રસોઈ બનાવી જનતાના નિ:સાસા વહોરે છે કારણકે બધાની વાનગી કંઈ સ્વાદવાળી ન હોય. તે પછી ફેંકી દેવાનું ને. અને આ શૉમાં જે યુગલ છે તેમાંથી કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ પરણેલાં છે. બાકી પરણેલાં નથી. દા. ત. સ્ટેન્ડ અપ કૉમેડિયન સુદેશ લહેરી પરણેલાં છે, પરંતુ તેમની સાથે નિયા શર્મા નામની અભિનેત્રી છે. અને આ શૉમાં નિયા હોય કે કાશ્મીરા, ખૂબ જ અંગપ્રદર્શક કપડાં પહેરવામાં આવે છે. દ્વિઅર્થી મજાક કરવામાં આવે છે.
 
કલર્સ અને એમટીવી બંને હવે અંબાણી પરિવારના સ્વામીત્વની છે અને મૂકેશ અંબાણી-નીતા અંબાણી હિન્દુ સંસ્કૃતિ અને કળાને અદ્ભુત પ્રોત્સાહન આપે છે. નીતાબેન તો માતાની સ્તુતિ પર સુંદર ભારતીય નૃત્ય પણ કરે છે. અનંત અંબાણીના લગ્નમાં મૂકેશભાઈએ સુંદર રીતે ‘વિવાહ સંસ્કાર’નું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. ત્યારે તેમની ચેનલો અને જિયોસ્ટાર ઍપ પર આવા શૉ આવતા હોય તો તેમનું ધ્યાન કોઈએ દોરવાની આવશ્યકતા છે.
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…