૨૬ જુલાઈ કારગીલ વિજયદિન નિમિત્તે
કારગીલ વિસ્તારમાં પશુઓ ચરાવતા એક ચરવાહાએ ભારતની સૈનિક ચોકીમાં દિ. ૩ મે, ૧૯૯૯ના દિને જાણ કરી કે, પાકિસ્તાની જેવા લાગતા શંકાસ્પદ આર્મીમેનોએ ભારતમાં ઘૂસણખોરી કરી છે અને આપણી ચોકીઓ ઉપર કબજો જમાવી રહ્યા છે. જો કે અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી થઈ હતી કે, શિયાળામાં બરફવર્ષાને કારણે ચોકીઓ ખાલી કરી બંને દેશના સૈનિકો પોતપોતાના દેશની સલામત જગાએ ચાલ્યા જાય. પરંતુ દગાબાજી કરવામાં માહેર એવા પાકિસ્તાની સૈનિકોએ ઉપરોક્ત સમજૂતીનો સહારો લઈ કારગીલ વિસ્તારની ભારતીય ચોકીઓ પર કબજો જમાવી તેમાં પાકિસ્તાની સૈનિકો ઠાલવી દીધા હતા. એટલું જ નહીં પાકિસ્તાની સૈનિકોએ ભારતીય ચોકીના સ્ટોરરૂમમાં પડેલા દારૂગોળાનો ખાત્મો પણ બોલાવી દીધો હતો. પ્રારંભમાં તેમની સંખ્યા ૫૦૦ જેટલી હતી, પણ મોરચાની દૃષ્ટિએ ઊંચાઈ પર આવેલી આ જગા ખૂબ જ સલામત હોવાથી પાકિસ્તાને ૫૦૦૦ જેટલા સૈનિકો અહીં તહેનાત કરી દીધા હતા.
પાકિસ્તાની સૈનિકો કસાઈની જેમ વર્ત્યા
કબજો કરેલી ચોકીઓ પર તપાસ કરવા કેપ્ટન સૌરવ કાલિયાની પાંચ સૈનિકોની ટુકડી ત્યાં ગઈ તો પાકિસ્તાની સૈનિકોએ તે તમામને પકડી બંદી બનાવી દીધા અને તેમને ૨૨ દિવસ પછી એટલે કે ૭ જૂન, ૧૯૯૯ના દિને યુદ્ધકેદીઓ છોડવાના નિયમ મુજબ પકડેલા જવાનોને જીવતા નહીં, પણ ઘાતકી રીતે તેમના છૂંદી નાખેલાં શબો ભારતને સોંપ્યાં, જ્યારે મૃત ભારતીય સૈનિકોના શબોની ઑટોપ્સી કરવામાં આવી ત્યારે જાણ થઈ કે, આપણા આ સૈનિકોને સિગારેટના અનેક ડામ દીધા હતા. તેમના કાનના પડદામાં સળિયા ભોંકી દીધા હતા, તેમની આંખો ફોડી નાંખી હતી, તેમના દાંતના જડબાનાં હાડકાં તોડી નાંખ્યાં હતાં. તેમની ખોપડીમાં ફેકચર કરી નાંખ્યાં હતાં, અને તેમના શરીરના બાકીના ભાગો પર ગોળીઓ છોડી શરીરને ચાળણી જેવાં બનાવી દીધાં હતાં. યુદ્ધની આચારસંહિતા મુજબ વર્દીવાળો સૈનિક એ યોધ્ધો છે, તેની સાથે કસાઈ જેવો વ્યવહાર ન થાય. તેમ છતાં પાકિસ્તાની સૈનિકોએ આવો ક્રૂર વ્યવહાર ભારતીય સૈનિકો સાથે કરેલો. અલબત્ત, તેનાથી સાવ ઊલટું કારગીલ યુદ્ધમાં માર્યા ગયેલા તમામ પાકિસ્તાની સૈનિકોને પૂરા સન્માન સાથે આપણા સૈન્યના વડાઓએ પાકિસ્તાનને પરત કર્યા હતા.
બંને દેશો વચ્ચે મધુર સંબંધો સ્થાપવાના પ્રયત્નો
અલબત્ત વડાપ્રધાન નવાઝ શરીફના સમયમાં પાકિસ્તાન સાથે મીઠા સંબંધો સ્થાપવા માટે ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલબિહારી વાજપેેયી ૧૯૯૯માં બસ દ્વારા લાહોર ગયા હતા. અને તેમના પ્રવચનમાં તેમણે બંને દેશો વચ્ચે શાંતિ અને મૈત્રી સ્થપાય તેનો સંદેશ આપ્યો હતો. સામાન્ય રીતે કોઈ ભારતીય વડાપ્રધાન પાકિસ્તાનના `મિનારે પાકિસ્તાન'ની મુલાકાત લેતા નથી હોતા, કારણ કે `મિનારે પાકિસ્તાન' એવું સ્થળ છે કે જે સ્થળે ૧૯૪૦માં ૨૩ માર્ચે ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગે લાહોર પ્રસ્તાવ પસાર કરી પાકિસ્તાન નામનો અલગ મુસ્લિમ દેશ બનાવવાની માગ કરી હતી. અને Two Nation Theoryની ઘોષણા કરી હતી. તેથી મિનારે પાકિસ્તાન સાથે આવી કડવી અને ભારતને નારાજ કરે તેવી બાબત છુપાઈ હોવા છતાં અટલજી ઉદારતાથી મિનારે પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. અટલજી બોલ્યા હતા કે, `મિત્રો બદલી શકાય છે પણ પડોશી બદલી શકાતા નથી.' બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાય તે માટે લાહોર ઘોષણા પત્રક પર બંને દેશોના વડાઓ દ્વારા હસ્તાક્ષર થયા હતા. અટલજીએ ત્યાંની વીઝીટર બુકમાં લખ્યું હતું કે, `India is for united, stable and prosperous Pakistan' તે વખતે પાકિસ્તાનના એક વર્તમાનપત્રે (News મેગેઝીને) તો ત્યાં સુધી લખી નાખેલું કે, વાજપેયી જો ઇસ્લામાબાદથી ચૂંટણી લડે તો પણ જીતી જાય એટલો પ્રેમ તેમણે પાકિસ્તાનમાં સંપાદન કર્યો છે. એક વર્તમાનપત્રના તંત્રીલેખમાં તંત્રી કામરાન શફીએ `વાજપેયી' નહીં પણ `અટલજી' શબ્દનો પ્રયોગ કર્યો હતો. એક દૈનિક તો અટલજીની પાકિસ્તાન મુલાકાતને અમેરિકાના પ્રમુખ નિક્સનની ચીનની મુલાકાત સાથે પણ સરખાવી હતી.
અટલજીએ કરી યુદ્ધની ઘોષણા
પરંતુ અટલજીની આ સદ્ભાવના યાત્રા પર પાકિસ્તાને કારગીલ પર કબજો કરી પાણી ફેરવી દીધું. પાકિસ્તાને તેની આદત મુજબ જ દગાખોરી કરી અને સમજૂતીનો ભંગ કરી કારગીલ પર કબજો જમાવી દીધો. પાક. સેનાપતિ જનરલ મુશર્રફે આ આક્રમણ કરાવ્યું હતું, જેનું નામ `ઑપરેશન બદ્ર' હતું. હવે બે દેશો વચ્ચે યુદ્ધ સિવાય બીજો કોઈ માર્ગ ન હતો.
૩ મે, ૧૯૯૯થી `ઑપરેશન કારગીલ' યુદ્ધ શરૂ થયું અને ૨૬ જુલાઈ, ૧૯૯૯ સુધી આ યુદ્ધ ચાલ્યું. આ સમગ્ર યુદ્ધનો ક્રમ આ પ્રમાણે હતો. (૧) ૩ મે, ૧૯૯૯ના દિવસે પાકિસ્તાનની ઘુસણખોરીના સમાચાર મળ્યા. (૨) ૨૬ મેના દિને ભારતીય એરફોર્સે ફાયરીંગ શરૂ કર્યું. (૩) ૧૩ જૂનના દિને દ્રાસના તોતોલિંગ પોઇન્ટને આપણે જીતું લીધું. (૪) ૪ જુલાઈના દિને ૧૧ કલાકનો જંગ ચાલ્યો, જેના અંતે ભારતીય સેનાએ ટાઈગર હીલ પર કબજો કરી લીધો. (૫) ૫ જુલાઈના દિને ભારતીય સેનાએ દ્રાસ સેકટર કે જેના પર પાક. ટુકડીએ કબજો કરી લીધો હતો તે પરત મેળવી લીધું. (૬) ૭ જુલાઈના દિને ભારતીય સેનાએ બટાલિક સેકટર જીતી લીધું. (૭) ૧૪ જુલાઈના દિને `ઑપરેશન વિજય'ને સફળ જાહેર કર્યું. પાકિસ્તાને હાર કબૂલી લીધી હતી તેથી ૨૬ જુલાઈને `વિજયદિન' તરીકે ઉજવવાની અટલ સરકારે ઘોષણા કરી.
ત્રણેય પાંખનું અભૂતપૂર્વ સાહસ અને વિજય
અલબત્ત, આ યુદ્ધ ઉત્તમ પ્રકારની સામરિક વ્યૂહરચના મુજબ લડવામાં આવ્યું હતું. આ યુદ્ધ જીતવા સેનાનાં ત્રણેય દળો સક્રિય હતાં. (૧) ભારતનું જમીનદળ `ઑપરેશન વિજય' હેઠળ લડી રહ્યું હતું. (૨) હવાઈદળ `સફેદ સાગર'ના નામે લડી રહ્યું હતું અને આપણું નૌકાદળ `ઑપરેશન તલવાર' હેઠળ લડી રહ્યું હતું. આમ ત્રણેય દિશામાંથી પાકિસ્તાની સેના પર દબાણ વધાર્યું હતું. નૌકાદળનાં ૩૦ જેટલાં લડાયક જહાજોએ કરાંચી બંદરથી માત્ર ૨૪ કિલોમીટર દૂર લાંગરી પાકિસ્તાનની જળસેનાને દબાણ હેઠળ લઈ લીધી હતી. વધુમાં પાકિસ્તાનના દરિયામાં લાંગરેલા આપણાં યુદ્ધ જહાજોને કારણે ખાડીના મુસ્લિમ દેશોમાંથી મળનારી મદદ પણ બંધ થઈ. ભારતીય સેનાની આ વ્યૂહરચનાને કારણે પાકિસ્તાનના લશ્કરને કારગીલ બોર્ડર પરથી હટાવી કરાંચી બંદર વિસ્તારમાં રક્ષા માટે મોકલવું પડ્યું હતું. (૩) આવી જ વ્યૂહરચના ભારતીય હવાઈદળે યોજી હતી. કારગીલ વિસ્તાર ખૂબ જ ઊંચાઈ પર હોવાને કારણે મેદાન પરથી લડવું ભૂમિસેના માટે ઘણું અઘરું હતું. આવા સમયે હવાઈદળે બતાવેલી હિંમતને કારણે આપણા પાયદળને ખૂબ મદદ મળી હતી. એક દૃષ્ટાંત નોંધવું જરૂરી છે. હવાઈદળના હેલીકોપ્ટર પાઇલોટ ઉત્પલ દત્તાએ પોતાનું હેલિકોપ્ટર ૨૬,૪૦૦ ફૂટની ઊંચાઈએ ઉડાડી ભારે હિંમતવાન કારવાઈ કરી આપણા પાયદળને ખૂબ મદદ કરી હતી. આમ ત્રણેય બાજુએથી કરેલા આક્રમણને કારણે પાકિસ્તાનની સેના પરાજિત થવા માંડેલી અને ભારતીય દળોએ એક પછી એક સેકટરો પર કબજો જમાવી પાકિસ્તાની સેનાને ભગાડી ભારતનો ત્રિરંગો લહેરાવી `ઑપરેશન વિજય'ને સફળ બનાવ્યું હતું.
પોણા ત્રણ મહિના સુધી આ યુદ્ધ ચાલ્યું હતું, જેમાં ભારતીય સૈન્યના ૫૨૭ સૈનિકો શહીદ થયા હતા અને ૯૦૦ ઘાયલ થયા હતા, જ્યારે પાકિસ્તાનના આશરે ૭૦૦ કરતાં વધારે સૈનિકોએ જાન ગુમાવ્યા હતા. કેપ્ટન વિક્રમ બત્રાને પરમવીર ચક્ર એનાયત થયેલું. મહિલા ફ્લાઇંગ ઑફિસર ગુંજન સકસેનાએ ૧૮ હજાર ફુટની ઊંચાઈએથી ઘાયલોને લાવવાની અભૂતપૂર્વ કામગીરી બજાવી હતી. આ યુદ્ધમાં ૧૧ વીર સૈનિકોને `મહાવીર ચક્ર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતના વીરોએ શહીદી વહોરી
આ યુદ્ધમાં ગુજરાતના ૧૨ વીર સૈનિકો લડતાં લડતાં શહીદ થયા હતા. આ વીર શહીદોએ ઉચ્ચારેલા શબ્દો અત્યંત હૃદયસ્પર્શી હતા. કારગીલ યુદ્ધમાં ગુજરાતના રમેશ જોગલ લડતી વખતે શહીદ થયેલા જ્યારે શહીદ રમેશનો મૃતદેહ વતનમાં અંતિમક્રિયા માટે લાવવામાં આવ્યો ત્યારે રમેશના ભાઈ મુકેશ જોગલે મકક્મ મને કહ્યું કે, `મારા ભાઈ રમેશ પછી હું માતૃભૂમિ માટે લશ્કરમાં જવાન બનવા તૈયાર છું.' આ યુદ્ધમાં ગુજરાતના દિનેશ વાઘેલા પણ શહીદ થયા હતા. યુદ્ધ સમયે મોરચા પર તેઓ ઘાયલ થયા ત્યારે લોહીલુહાણ થયેલા દિનેશ બોલી ઉઠ્યા કે, હવે મારો પ્રાણ છોડીશ તો સરહદ પર લડતાં લડતાં જ છોડીશ. ગુજરાતના શહીદ મુકેશ રાઠોડના શબ્દો તો હૈયાં હચમચાવી દે તેવા હતાં. યુધ્ધના મોરચે લડતાં લડતાં ઘાયલ થયેલા મુકેશ રાઠોડ બોલી ઉઠેલા કે, `હું એવું મરીશ કે જેથી બધા મને યાદ કરશે.' આ મુકેશ રાઠોડ ૫૧૪૦ પૉઇન્ટને કબજે કરવા જતી વખતે દુશ્મનોની ગોલાબારીમાં જખમી થયા હતા.
પાકિસ્તાનની ભેદી ચાલ
હવે આપણને પ્રશ્ન થાય કે, કારગીલ જેવા પર્વતીય પ્રદેશને કબજે કરવામાં પાકિસ્તાનને શા માટે રસ હતો? તો તેના ઉત્તરમાં આપણને ચોંકાવી દે તેવી બાબત રહેલી છે. દુનિયાના ખતરનાક આતંકી નેતા ઓસામા-બિન-લાદેનને છુપાવવા માટે પાકિસ્તાન કારગીલને સુરક્ષિત જગા તરીકે કબજે કરવા માગતું હતું. લાદેન પ્રારંભમાં સુદાનમાં છુપાયો હતો ત્યારબાદ તે અફઘાનિસ્તાન, ઇરાક અને ચેચેન્યામાં છુપાયા બાદ તે સુરક્ષિત જગા શોધતો હતો. લાદેને ૧૯૯૬ અને ૧૯૯૮માં એન્ટી અમેરિકા ફતવાઓ બહાર પાડ્યા હતા. તે અમેરિકા સામે સમગ્ર મુસ્લિમજગતને લડાવવા માગતો હતો. આથી અમેરિકા લાદેનને શોધતું હતું. થોડો સમય લાદેન પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાં છુપાયો હતો. પણ પાકિસ્તાન અમેરિકા સાથેના સંબંધો બગડે તે ઇચ્છતું ન હતું. તેથી ભારતીય પર્વતીય વિસ્તાર પર કબજો કરી તેમાં લાદેનને છુપાવવાની યોજના પાકિસ્તાને બનાવી હતી. બીજી અત્યંત મહત્વની બાબત એ પણ હતી કે, કારગીલ વિસ્તાર કબજે કરવાની સૈનિકી યોજના પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની બિલકુલ જાણ બહાર લશ્કરના વડા મુશર્રફે ઘડી હતી. મુશર્રફની ભેદી ચાલ પછીથી પ્રગટ થઈ.
કારગીલની હાર પછીનું પાકિસ્તાન
કારગીલ યુદ્ધ પૂરું થતાં જ દિ. ૧૨ ઓક્ટોબર, ૧૯૯૯ના દિવસે જ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની સરકાર વિરુદ્ધ જનરલ મુશર્રફની આગેવાની નીચે લશ્કરી બળવો થયો. કારગીલ યુદ્ધની હાર પછી માત્ર ત્રણ જ મહિના બાદ આ ઘટના બની જેમાં વડાપ્રધાન નવાઝ શરીફની ધરપકડ કરવામાં આવી. જનરલ મુશર્રફે તમામ સત્તાઓ પોતાના હાથમાં લઈ લીધી. તેણે સૌથી પહેલાં ત્યાંના દૂરદર્શન પર ઘેરો ઘાલી તેને પોતાના કબજામાં લઈ લીધું. દિ. ૧૫-૧૦-૧૯૯૯ના દિને લશ્કરી શાસને દેશમાં કટોકટી જાહેર કરી. જનરલ મુશર્રફે દેશનું બંધારણ સસ્પેન્ડ કરી દીધું, ત્યાંની ધારાસભાઓ અને સંસદ સીલ કરી દીધાં અને સુપ્રિમ કોર્ટ પર અંકુશ લાદી દીધો. આ સાથે રાજ્યોની વિધાનસભાઓને પણ સસ્પેન્ડ કરી દીધી. આમ કારગીલ હાર પછીના પાકિસ્તાનમાં લોકતંત્ર સમાપ્ત થયું.
કારગીલ હાર પછી બીજી એક નાનકડી પણ પાકિસ્તાન માટે નામોશીભરી ઘટના બની. જેના પડઘા વિશ્વમાં પડ્યા. ઘટના આ પ્રમાણે બની. પાકિસ્તાનમાં લશ્કરી શાસન સ્થપાયા બાદ નવાઝ શરીફની ધરપકડ થઈ. નવાઝ શરીફના જીવન સામે ભારે ખતરો ઊભો થયો હતો. સત્તાના નશામાં ચકચૂર મુશર્રફ નવાઝ શરીફને મારી પણ નાખે તેવી શક્યતાઓ ઊભી થઈ ગઈ. તેથી અત્યંત ગભરાઈને નવાઝ શરીફના પુત્ર હસન શરીફે દિ. ૨૫ ઓક્ટોબર, ૧૯૯૯ના દિને ભારતના વડાપ્રધાન અટલજીને એક લાગણીસભર પત્ર પાઠવેલો. જેમાં હસને કાકલૂદી ભરી ભાષામાં લખ્યું હતું કે, `માન. અટલજી, મહેરબાની કરીને મારા પિતાને બચાવો અને મારા દેશમાં લોકતંત્ર સ્થાપવામાં મદદ કરો. હારેલા પાકિસ્તાનના લોકો હવે સુરક્ષા માટે ભારતને વિનંતી કરવા લાગેલા!'
કોંગ્રેસે કારગીલ વિજયદિનની ઉજવણી બંધ કરી
આમ, ગૌરવવંતો કારગીલ વિજય પ્રાપ્ત થયા પછી પ્રત્યેક ૨૬ જુલાઈના દિવસે `કારગીલ વિજયદિન' તરીકે સંપૂર્ણ દેશમાં ઉજવવાની પરંપરા ચાલુ થઈ. આ પરંપરા ૨૦૦૪ સુધી ચાલી, પરંતુ ૨૦૦૪માં કેન્દ્રમાં ડૉ. મનમોહન સિંહની કોંગ્રેસની સરકાર સત્તાસ્થાને આવતાં જ `કારગીલ વિજયદિન' ઉજવવાનું બંધ થયું.
પરંતુ રાજીવ ચંદ્રશેખર નામના સાંસદે આ પ્રશ્ન ફરી ઉખેડ્યો. તેમણે રાજ્યસભામાં પ્રશ્ન ઉઠાવ્યો કે, કારગીલ વિજય દિનની ઉજવણી કેમ બંધ કરવામાં આવી? `કોંગ્રેસના સાંસદ રાશિદ અલ્વિ આપણા દિલ દુભવે તેવો ઉત્તર આપતાં બોલેલા કે, કારગીલ દિવસમાં ઉજવવા જેવું કંઈ જ નથી.' (Kargil is not a thing to be celebrated) અરે! આ તે કેવો ધૃષ્ટતાપૂર્વકનો ઉત્તર ગણાય! આ યુદ્ધમાં કેવા નોંધપાત્ર મુદ્દાઓ નોંધાયા છે, તેની તેમને ખબર છે ખરી? આ રહ્યા તે મુદ્દાઓ..
- સંરક્ષણ નિષ્ણાતો માને છે કે, બીજા વિશ્વયુદ્ધ પછી કારગીલ એવું એક માત્ર યુદ્ધ હતું, જેમાં દુશ્મન સેના પર ૨ લાખ ૫૦ હજાર શેલ બોમ્બનો ઉપયોગ થયો હતો.
- ૧૮૦૦૦ ફૂટની ઊંચાઈએ લડાયેલું આ સૌથી અઘરું યુદ્ધ ભારતે જીત્યું.
- ૧૯૭૧ના બાંગ્લાદેશ યુદ્ધ પછી ભારતની આ સૌથી મોટી સૈનિકી કાર્યવાહી હતી.
- ભારતમાં બનાવેલાં સ્વદેશી રોકેટ `પિનાક' તેના પરિક્ષણમાં અત્યંત સફળ સાબિત થયાં હતાં.
- પોણા ત્રણ મહિના સુધી ચાલેલું આ દુષ્કર યુદ્ધ ભારતે જીત્યું હતું.
અને આ એવું યુદ્ધ હતું જે જીતાયા પછી દુશ્મન દેશની આખી સરકાર જ ગબડી પડી હતી. આમ છતાં સાંસદ રાશિદ અલ્વી કહે છે કે `કારગીલ યુદ્ધમાં ઉજવવા જેવું કંઈ નથી.'
શ્રીમાન રાશિદ અલ્વિને યાદ કરાવવું જરૂરી છે કે, પાકિસ્તાને ૧૯૬૫ના યુદ્ધ સમયે આપણા દ્વારકાનગર પર યુદ્ધ જહાજ `બાબર' દ્વારા બોંબમારો કર્યો હતો, પણ દ્વારિકાના પવિત્ર જગદમંદિરની કાંકરી પણ ખેરવી શક્યું ન હતું. તેમ છતાં પાકિસ્તાને ૮ સપ્ટેમ્બરના દિવસને તેમણે `વિજયદિન' તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરેલી. જ્યારે કારગીલ યુદ્ધમાં તો ભારતે પાકિસ્તાનના છક્કા છોડાવી દીધેલા છતાં રાશિદજી કહે છે કે, Kargil is not a thing to be celebrated.
ભારત દેશના સંસદભવનમાં બિરાજમાન આ બૌદ્ધિક પંગુઓ આ પવિત્ર મંદિરને લાંછન લગાડી રહ્યા છે. એક બાજુ મા ભારતી કારગીલના શહીદો પર આશીર્વચનો વરસાવતી દેખાય છે. તો બીજી બાજુ `એમાં કંઈ ઉજવવા જેવું નથી' એવું કહેનાર પર પશ્ચાતાપનાં આંસુ પણ વહાવતી દેખાય છે.
આપણે તો એટલું જ કહીએ કે, ભગવાન તેમને સદબુદ્ધિ આપે. અસ્તુ.
***