પાથેય | જ્ઞાનનું મહત્ત્વ । વધુ વિગત નીચે કોમેન્ટસ બોક્સમા…

28 Jul 2025 12:09:20

pathey bodhkatha javeri
 
 
એક ઝવેરીના અવસાન બાદ તેનો પરિવાર આર્થિક સંકટમાં સપડાયો. સમય એવો આવ્યો કે પરિવારને બે ટંક ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા. એક દિવસ પેલા ઝવેરીની વિધવા પત્નીએ પોતાની પાસે નીલમનો એક હાર હતો તે આપતાં કહ્યું, બેટા, આ હાર તારા કાકાને ત્યાં વેચી આવ. તેનાથી કેટલાક દિવસો તો ટૂંકા થશે ! ઝવેરીનો દીકરો હાર લઈ તેના કાકાની દુકાને ગયો. તેના કાકાએ હારને બરોબર તપાસીને કહ્યું, ‘બેટા, તારી માને કહેજે કે હાલ બજારમાં મંદી ચાલે છે. થોડો સમય રોકાઈ જાય પછી વેચશો તો કાંઈક ઊપજશે અને હા, તું કાલથી મારી દુકાન પર બેસવા આવી જજે.’ ઝવેરીનો દીકરો રોજ તેના કાકાની દુકાને જવા લાગ્યો અને હીરા, ઝવેરાતની પરખ કરવાનું શીખવા લાગ્યો.
 
જોતજોતામાં તો તે આ કળામાં પાવરધો બની ગયો. દૂર દૂરથી લોકો તેની પાસે પોતાના હીરા પરખાવવા આવવા લાગ્યા. એક દિવસ તેના કાકાએ તેને તેની મા પાસેના નીલમના હારની યાદ અપાવતાં કહ્યું, હવે બજાર બરોબર જામ્યું છે, તું એ હાર લેતો આવ. તેની સારી કિંમત ઊપજશે. તેને વેચી તું અલગથી ધંધો કરજે.
 
ઝવેરીના પુત્રે ઘરે જઈ તે હાર જોયો તો તેણે જાણ્યું કે હાર તો નકલી છે. તે હાર મૂકી દુકાન પર પાછો ગયો. કાકાએ પૂછતાં જણાવ્યું કે, હારનું કાંઈ જ મૂલ્ય નથી. કારણ કે તે નકલી છે.
 
ત્યારે તેના કાકાએ તેના ખભા પર હાથ મૂકતાં કહ્યું કે, બેટા, એ તો હું પહેલેથી જ જાણતો હતો, પરંતુ જો હું તને તે વખતે એમ કહેત તો કદાચ તને મારા ઇરાદા પર શંકા જાત, પરંતુ આજે તું ખુદ જ્ઞાની બની ગયો છે. તેથી તું ખુદ નક્કી કરી શકે છે કે શું અસલી અને શું નકલી છે. કારણ કે કોઈપણ વસ્તુની સાચી પરખ ત્યારે જ શક્ય છે જ્યારે તે બાબતે પૂર્ણ જ્ઞાન મેળવવામાં આવે અને આ વાત સંસારની તમામ બાબતો પર લાગુ પડે છે.
 
 
Powered By Sangraha 9.0