રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત રવિવારે (૨૭ જુલાઈ) કેરળના કોચીમાં 'શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ' દ્વારા આયોજિત એક શિક્ષણ પરિષદમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે હવે આપણે “સોને કી ચિડિયા” બનવાની જરૂર નથી, પરંતુ હવે આપણે "સિંહ" બનવાનું છે. તેમણે કહ્યું કે શિક્ષણનો હેતુ ફક્ત નોકરી મેળવવાનો નહી, પરંતુ આત્મનિર્ભર અને સક્ષમ બનાવવાનો છે, જેથી આપણે દરેક પરિસ્થિતિનો સામનો સ્વયં કરી શકીએ.
ભારતનું ભાષાંતર ન કરવું જોઈએ
મોહનજીએ જણાવ્યું કે ભારત એક વ્યક્તિવાચક સંજ્ઞા છે. તેનું ભાષાંતર ન કરવું જોઈએ. જો ભારતનું ભાષાંતર કરવામાં આવે તો તે તેની ઓળખ અને વિશ્વમાં ભારત નામનો જે આદર છે તે ગુમાવી દેશે. ઈન્ડિયા ભારત છે, આ સાચું છે, પરંતુ ભારત ભારત છે. જ્યારે આપણે ભારત વિશે વાત કરીએ છીએ કે તેના વિશે લખીએ છીએ, ત્યારે આપણે તેનું આ સ્વરૂપ જાળવી રાખવું જોઇએ. ભારતની ઓળખનું સન્માન થવું જોઈએ. જ્યારે તમે તમારી ઓળખ ગુમાવો છો, પછી ભલે તમારી પાસે ગમે તેટલા ગુણો હોય, તમને આ દુનિયામાં સમ્માન અને સુરક્ષા મળતી નથી. આ મૂળભૂત સિદ્ધાંત છે.
શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આત્મનિર્ભર બનાવવાનો હોવો જોઈએ
મોહનજી ભાગવતે કહ્યું કે ભારતીય પૌરાણિક શિક્ષણ પ્રણાલી લોકોને બીજા માટે જીવવાની અને બલિદાન આપવાની ભાવના વિકસાવવામાં મદદ કરે છે. શિક્ષણનો હેતુ ફક્ત નોકરી મેળવવો જ નથી, પરંતુ આત્મનિર્ભર અને સક્ષમ બનાવવાનો છે જેથી આપણે દરેક પરિસ્થિતિનો સામનો સ્વયં કરી શકીએ. જો કોઈ વસ્તુ વ્યક્તિને સ્વાર્થી બનાવે છે તો તે શિક્ષણ નથી.