થાઇલેન્ડ-કંબોડિયા વચ્ચે શિવ મંદિરને લઈને શેના માટે ચાલી રહ્યો છે વિવાદ? જાણો ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેના સરહદી વિસ્તારમાં આવેલ શિવ મંદિરનો ઐતિહાસિક વિવાદ આજે ફરીથી તીવ્ર બન્યો છે. જાણો ખમેર સામ્રાજ્યના શૈવ મંદિરો, તેમનો ભારત સાથેનો સાંસ્કૃતિક સંબંધ, યુનેસ્કો તથા આંતરરાષ્ટ્રીય વિવાદનું કારણ...

    ૨૮-જુલાઇ-૨૦૨૫
કુલ દૃશ્યો |

thailand-cambodia-mandir-vishe-mahiti
 
 
 
- થાઇલેન્ડ કંબોડિયા શિવ મંદિર વિવાદ વિશે માહિતી,
- પ્રાચીન ખમેર શિવ મંદિરનો ઈતિહાસ અને વિવાદ,
- પ્રીહ વિહિયર મંદિર અને તા મુએન થોમનું રાજકીય મહત્ત્વ
- પ્રીહ વિહિયર અને તા મુએન થોમ: શિવ મંદિર જે બન્યું છે આંતરરાષ્ટ્રીય વિવાદનું કેન્દ્ર
 
 
છેલ્લા કેટલાક દિવસોથી થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદો પર સંવેદનશીલ કાર્યવાહી ચાલી રહી છે. ત્યાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયેલી છે. પરંતુ જે મુદ્દા પર આ યુદ્ધ ની સ્થિતિ સર્જાઈ છે. તે છે હિંદુ મંદિર. આ બંન્ને દેશની સીમા પર એક શિવ મંદિર આવેલું છે. બંન્ને દેશો તે મંદિરને લઈને વિવાદ કરી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપ ત્યાં વિવાદ સર્જાયો છે.
 
શું છે મંદિર વિવાદ?
 
બંન્ને દેશો વચ્ચે પ્રીહ વિહિયર અને તા મુએન થોમ મંદિરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પ્રીહ વિહાર અને તા મુએન થોમ મંદિરો શિવને સમર્પિત છે.. તા મુએન થોમ મંદિર બંન્ને દેશોની સરહદના એ ભાગમાં આવે છે જે અંગે યોગ્ય રીતે કંઈ જ નક્કી નથી. આ મંદિર તે સ્થળે આવેલું છે જેના પર બંન્ને દેશ પોત પોતાનો દાવો કરી રહ્યા છે. કંબોડિયા દાવો કરી રહ્યું છે કે આ તેનો ઐતિહાસિક ભાગ છે, કારણ કે તે ખમેર સામ્રાજ્યના સમયમાં બન્યું હતુ. જ્યારે થાઈલેન્ડ દાવો કરે છે કે મંદિર કંબોડિયાનું હોઈ શકે છે, પરંતુ મંદિરની ચારે તરફ રહેલ જમીન પર તેનો દાવો છે. બંન્ને દેશની સેનાઓ આ મંદિરની આસપાસ પેટ્રોલીંગ કરે છે. આ મંદિર પર વિવાદ થવાનું કારણ એ છે કે કંબોડિયાની સેના અનુસાર થાઈ સૈનિકોએ સરહદ નજીક તા મુઅન મંદિર પાસે આગળ વધ્યા અને તેની ચારે તરફ કાંટાળા તાર લગાવ્યા. ત્યાર પછી થાઈ સૈનિકોએ ડ્રોન હુમલો અને હવાઈ ફાયરીંગ કરી.
 
બંન્ને દેશો વચ્ચે ચાલી રહેલ આ વિવાદ સો વર્ષથી પણ જૂનો છે. જ્યારે ફ્રાંસના આધિપત્ય બાદ કંબોડિયાની સીમાઓ નક્કી કરવામાં આવી હતી.
 
ખમેર સામ્રાજ્ય | કંબોડિયાનું શક્તિશાળી અને પ્રભાવશાળી સામ્રાજ્ય
 
ખમેર રાજવંશ એ કંબોડિયાનું શક્તિશાળી અને પ્રભાવશાળી સામ્રાજ્ય હતુ. જેનો શાસનકાળ 9મી થી 15મી સદી સુધીનો રહ્યો હતો. તેણે કંબોડિયા ઉપરાંત લાઓસ, થાઈલેન્ડ અને વિયેતનામના ઘણા ભાગ પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યુ હતુ.
ખમેર સામ્રાજ્ય તેના શાસનકાળામાં મંદિરો અને રસ્તાઓના બાંધકામ માટે ખૂબ જ પ્રશંસા પામ્યું છે.
 
ખમેર સામ્રાજ્યએ દક્ષિણ ભારતના પલ્લવ રાજવંશથી પ્રભાવિત થઈ શૈવ અને વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો હતો. જેના દૂરના દેશો સાથે સમુદ્રી સંબંધ હતા. આ મંદિર પરથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે પ્રાચીન સમયમાં તેમની સાથે ભારતના સાંસ્કૃતિક અને વેપારી સંબંધો હતા.
 
 
પ્રીહ વિહિયર મંદિર | વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો
 
આ મંદિર થાઈલેન્ડ કંબોડિયા સરહદની ડાંગરેક પર્વતમાળાના શિખર પર બનેલું છે. આ મંદિરનું નિર્માણ 9મી અને 12મી સદીની વચ્ચે અલગ અલગ ખમેર શાસકો દ્વારા તૈયાર કરાવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ મળે છે. મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરમાં ભગવાન શિવ, વિષ્ણુ, બ્રહ્મા અપ્સરા ઉપરાંત કેટલાક પૌરાણિક પ્રસંગો કોતરેલા જોઈ શકાય છે. આ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ સ્થાપિત હતુ. પરંતુ હાલ તે ગાયબ છે. મંદિરને કંબોડિયા પોતાના રાષ્ટ્રનું ગૌરવ માને છે.
પ્રીહ વિહિયર મંદિર ઉત્તરથી દક્ષિણ તરફ 800મી સુધી ફેલાયેલું છે. આ મંદિરની દિવાલો પર અદ્ભૂત કોતરણી કામ કરવામાં આવ્યું છે.મંદિરની બાહ્ય દિવાલો પર પૌરાણિક પ્રસંગો જેવા કે સમુદ્ર મંથન,નંદી પર બિરાજમાન શિવ અને ગરુડ પર બિરાજમાન વિષ્ણુની કલાકૃતિઓ જોઈ શકાય છે.આ કલાકૃતિ પર કરવામાં આવેલ કોતરણી કામ એટલું ઝીણવટ ભર્યુ છે કે તે કોઈને પણ પોતાની તરફ આકર્ષે છે. તેને વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો માનવામાં આવે છે.
 

thailand-cambodia-mandir-vishe-mahiti 
 
 
તા મુએન થોમ મંદિર । ગર્ભગૃહમાં કુદરતી પથ્થરની શિલાને જ શિવલિંગમ
 
 
કંબોડિયા અને થોઈલેન્ડની સરહદ પર આવેલ આ મંદિર પરિસરમાં ત્રણ મંદિરો આવેલા છે. જેમાં પ્રસાત તા મોઅન થોમ,પ્રસાત તા મુ એન અને ત્રીજુ છે પ્રસાત તા મુએન તોટનો સમાવેશ થાય છે. પરંતુ આ ત્રણેય મંદિરોમાંથી પ્રસાત તા મુએન થોમ સૌથી જૂનું અને પ્રાચીન મંદિર છે.પ્રસાત તા મુએન થોમ એટલે કે ખમેરમાં તેનો અર્થ થાય છે દાદાજી મુર્ગેનું મહાન મંદિર , ‘પ્રસાત તા મુએન તોટ’ એટલે કે ‘દાદાજી ચિકન’નું નાનું મંદિર તેવો થાય છે.
 
કંબોડીયા અને થાઈલેન્ડની સરહદીય સીમા પર આવેલ પ્રસાત તા મુએન થોમ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ પ્રાચીન મંદિર 1000 વર્ષ જૂનું છે. મંદિરની વાત કરીએ તો તે થાઈલેન્ડ કંબોડિયા સરહદ પર આવેલ ડાંગરેક પર્વતમાળા પર સ્થિત છે.આ તે જગ્યા છે જે અંગે બંન્ને દેશો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
 
આ મંદિરનું નિર્માણ 11મી સદીમાં કંબોડિયાના ખમેર સામ્રાજ્યના રાજા ઉદયાદિત્ય વર્મન બીજાએ કરાવ્યું હતું. ડાંગરેક પર્વત પર એક ખૂબ જ સંવેદનશીલ સરહદ પર આવેલ આ મંદિર કંબોડિયાં અંગકોરવાટ અને થાઈલેન્ડમાં ફિમાઈને જોડનાર પ્રાચીન ખમેર રાજમાર્ગ પર સ્થિત છે.
 
આ મંદિરની બનાવટમાં ભારતીય દ્રવિડિયન શૈલી ની ઝલક જોઈ શકાય છે. મંદિરને જોતા તે પુષ્પાકાર જેવું લાગે છે. મંદિરમાં રહેલ પ્રવેશદ્વાર ભારતીય શૈલીની યાદ અપાવે છે. મંદિરને બહારની તરફથી જોતા તેના પર ઝીણવટ ભર્યુ કોતરણી કામ કરવામા આવ્યું છે. તેમજ મંદિરની બંન્ને બાજુએ દેવતાઓની મૂર્તિઓ જોઈ શકાય છે. આ મંદિર કાળા બલુઓ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. આ મંદિરની વિશેષતા તેનું ગર્ભગૃહ છે. ગર્ભગૃહમાં કુદરતી પથ્થરની શિલાને જ શિવલિંગમ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે.
 
મંદિરનું પ્રવેશદ્વારા દક્ષિણામુખી છે, જે ખમેર પરંપરા કરતા અલગ છે. ખમેર સામ્રાજ્યના મંદિરોના નિર્માણની વાત કરીએ તો તેમાં પ્રવેશ દ્વાર મોટા ભાગે પૂર્વ દિશા તરફ જોવા મળે છે. આ મંદિરે બંન્ને દેશોમાંથી જઈ શકાય છે. પરંતુ મંદિરની રચના જોઈએ તો તેનો વિશાળ પ્રવેશદ્વાર અને પહોળી સીડીઓ કંબોડિયા તરફ ઉતરે છે. આ મંદિરમાં અંદાજે 800 જેટલી સીડીઓ છે. મંદિરમાં એક ગોળાકાર કોરિડોર પણ છે જે બલુઆ પથ્થર અને લેટરાઈટથી બનેલું છે. મંદિરની જમણી બાજુ પુસ્તકાલય છે. તેની ચારે બાજુની દિવાલો લેટરાઈટથી બનેલી છે.

thailand-cambodia-mandir-vishe-mahiti 
 
આ મંદિરથી થોડા અંતરે એક હોસ્પીટલ, એક વિશ્રામ ગૃહ આવેલા છે. ખમેર સામ્રાજ્યના સુવર્ણકાળમાં બનેલ આ મંદિર પ્રાચીન ખમેર રાજમાર્ગ પર મહત્વપૂર્ણ પડાવના રૂપમાં કાર્યરત હતા. જો કે આ મંદિરો હાલ ખંડેર સ્થિતિમાં જોઈ શકાય છે.
જો મંદિરની ઝીણવટ પૂર્વ ચકાસણી કરીએ તો આ મંદિરોની ડિઝાઈન અને મૂર્તિ વિજ્ઞાન ભારતીય હિંદુ પરંપરા સાથે જોડાયેલ છે. જે સદીઓ પહેલા વેપાર અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન દ્વારા દક્ષિણ-પૂર્વ એશિયામાં પહોંચી હોવાનું માનવામાં આવે છે.
 
ત્યાં સુધી આ મંદિરમાં શિવની પૂજા અર્ચના થતી હતી.... 
 
બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી લખનઉના ઈતિહાસકાર ડૉ.સુશીલ પાંડેય અનુસાર પ્રસાત તા મોઅન થોમ મંદિરને સ્થાનિક રીતે શિખેશ્વર કે ભદ્રેશ્વર નામથી ઓળખવામાં આવ્યા છે અને જે ખમેર રાજાએ આ મંદિર બનાવ્યું છે તેના મૂળ ભારતના જ છે. જો મંદિરની વાત કરીએ તો મંદિરમાં ફક્ત ભગવાન શિવ જ નહીં પરંતુ તેની દિવાલો પર ઘણી લોકકથાઓની સાથે અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણને પણ કોતરવામાં આવ્યા છે. ડૉ સુશીલ પાંડેય અનુસાર ખમેર શાસનકાળને આ મંદિરનો સુવર્ણકાળ કહી શકાય. તે સમયમાં આ શિવ મંદિરનું ખૂબ વધુ મહત્વ હતુ. તે સમયે આ મંદિરને સરકારી ગ્રાન્ટ મળતી હતી. જેના કારણે તે હંમેશા સુવ્યવસ્થિત રહ્યા. પરંતુ ખામેર સામ્રાજ્યના અંત પછી આ મંદિરની સ્થિતિ કથળવા લાગી. આ મંદિરને મળતી સરકારી સહાય બંધ થઈ ગઈ. તેમજ સમય જતા આ મંદિરમાં સામાજિક અને ધાર્મિક ઉજવણીઓ પણ બંધ થઈ ગઈ. જ્યાં સુધી ખમેર સામ્રાજ્યનું વર્ચસ્વ હતુ. ત્યાં સુધી આ મંદિરમાં શિવની પૂજા અર્ચના થતી હતી. ખમેર સામ્રાજ્યએ તેના શાસનકાળમાં હિંદુ મંદિરોનું નિર્માણ કરાવ્યું છે . જેમાં શિવ મંદિરો ઉપરાંત વૈષ્ણવ મંદિરનો પણ સમાવેશ થાય છે. 2008માં આ મંદિરને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
 
હાલના તનાવ ભર્યા વાતાવરણના કારણે બંને દેશો તરફથી આવતા સહેલાણીઓને મુલાકાત માટે પરવાનગી લઈને જવાની સલાહ આપવામા આવે છે. તે સાથે જ પોતાનું ઓળખપત્ર પણ સાથે રાખવાનું કહેવામાં આવે છે.
 
ભારત બહારના દેશોમાં આવેલ પ્રાચીન મંદિરો આપણા માટે એક ગૌરવની વાત છે. પરંતુ આશા રાખીએ કે ત્યાં ચાલી રહેલ તનાવપૂર્ણ સ્થિતિનો જલ્દી અંત આવે.
 
 
- મોનાલી ગજ્જર 
(લેખક, ઈતિહાસની વિદ્યાર્થી)