વિજ્ઞાનનું કોઈ પણ ક્ષેત્ર અને વિચાર ભારતીય શિક્ષણ અને જ્ઞાનપરંપરાની ભ્રમણકક્ષામાંથી બહાર ન હતું તે સ્પષ્ટ થઈ જાય છે. ઉપરાંત દરેકેદરેક વૈજ્ઞાનિક વિચારને પ્રકૃતિ અને અધ્યાત્મના સંયોજનથી લોકભોગ્ય કરવાની પદ્ધતિ પણ આંખે ઊડીને વળગે છે જેથી કરીને સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ વૈજ્ઞાનિક સંકલ્પનાઓને સમજી શકે અને આત્મસાત્ કરી શકે. આજે આ લેખમાં ભારતના રસાયણશાસ્ત્ર, ધાતુ વિજ્ઞાન, આયુર્વેદ અને પર્યાવરણ વિજ્ઞાનમાં યોગદાન વિષે વિશેષ ચર્ચા કરીશું.
રસાયણ શાસ્ત્ર એક વિશિષ્ટ વિદ્યા
ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં રસાયણ શાસ્ત્રે હંમેશા મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવ્યું છે. રસાયણ શબ્દનો મૂળભૂત અર્થ છે `રસનું આયન' જે શરીર અને ચિત્તના શુદ્ધિકરણ માટે સક્રિય હોય છે. આ દર્શાવે છે કે, રસાયણશાસ્ત્ર માત્ર ભૌતિક પરિવર્તનો પૂરતું સીમિત નહોતું, પરંતુ આધ્યાત્મિક અને માનસિક ઉન્નતિ સાથે પણ ગાઢ રીતે સંકળાયેલું હતું.
પ્રાચીન ભારતીય રસાયણશાસ્ત્રને વિશેષ રૂપે `રસશાસ્ત્ર' તરીકે ઓળખવામાં આવે છે. આ વિધામાં ધાતુઓનું શુદ્ધિકરણ, પારા વિધા (પારાનો ઉપયોગ અને તેના ગુણધર્મો), ધાતુ પરિવર્તન (જેમ કે સામાન્ય ધાતુમાંથી સોનું બનાવવાની કલ્પના), ભસ્મકરણ (calcination), અને વિવિધ રસાયન યોગોની વિગતવાર ચર્ચા થાય છે. આ વિષયના મુખ્ય ગ્રંથોમાં નાગાર્જુનના રસરત્નાકર, રસાર્ણવ, અને રસહૃદય તંત્રનો સમાવેશ થાય છે, જે આ ક્ષેત્રના જ્ઞાનનો ભંડાર છે.
गंधकं मारयेत् प्रथमं ततः पारदं शुभम् ।
योगः स्यात् सविधानेन सिद्धः स्याद्रससिद्धिकृत् ॥
૨સાર્ણવ, અધ્યાય-૫
અર્થાત્, `પ્રથમ ગંધકનું શુદ્ધિકરણ કરવું જોઈએ, ત્યારબાદ પારદ (પારા)નું. યોગ્ય વિધાનથી આ બંનેનો યોગ કરવાથી રસસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
વિદ્વાન ડેવિડ ગોર્ડન વ્હાઇટ
(David Gordon White) પોતાના ગ્રંથ `The Alchemical Body'માં લખે છે કે, ભારતીય રસશાસ્ત્ર એ તત્ત્વશાસ્ત્ર, આયુર્વેદ, તંત્ર અને યોગશાસ્ત્રનો સંગમ છે. આ એક અનોખો દૃષ્ટિકોણ હતો, જ્યાં પારા અને ગંધકના ઉપયોગ દ્વારા આધ્યાત્મિક મુક્તિ અને શારીરિક અમરતા જેવી પરમ કલ્પનાઓનું સાધન માનવામાં આવતું. ભારતીય પરંપરામાં વિજ્ઞાન માત્ર ભૌતિક સિદ્ધિઓ પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ આધ્યાત્મિક ઉત્થાન સાથે પણ ગાઢ રીતે જોડાયેલું હતું.
ધાતુવિજ્ઞાન - ધાતુઓનું જ્ઞાન અને કૌશલ્ય
પ્રાચીન ભારતીયોએ ધાતુવિજ્ઞાનના ક્ષેત્રમાં નોંધપાત્ર તકનીકી કૌશલ્ય અને વૈજ્ઞાનિક સમજણનું પ્રદર્શન કર્યું હતું. સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતત્ત્વીય ખોદકામ દરમિયાન મળી આવેલા તાંબા અને કાંસાના વિવિધ અવશેષો તેમની વિકસિત ધાતુ કર્મની કુશળતાના નક્કર પુરાવા રજૂ કરે છે. વિશેષ રૂપે, દિલ્હીમાં સ્થિત લોહ સ્તંભ, જે લગભગ સોળ શતાબ્દીઓથી ખુલ્લા વાતાવરણમાં અવિચલિત ઊભો છે અને નોંધપાત્ર કાટ પ્રતિકારકતા દર્શાવે છે, તે પ્રાચીન ભારતીય ધાતુવિજ્ઞાનની ઉત્કૃષ્ટ સિદ્ધિનું એક અજોડ ઉદાહરણ છે. આ સ્તંભના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલી ધાતુની રચના અને તેની પ્રક્રિયા આધુનિક મટીરિયલ સાયન્ટિસ્ટ માટે પણ સંશોધનનો વિષય છે. સ્તંભ પર અંકિત શિલાલેખ તે સમયના ધાતુવિદોની નિપુણતા અને તકનીકી જ્ઞાનની સાક્ષી પૂરે છે.
નાગાર્જુન (ઈ.સ. બીજી શતાબ્દી) એક પ્રખ્યાત રસાયણશાસ્ત્રી અને ધાતુવિદ્ હતા. તેમણે રસાયણશાસ્ત્રના સિદ્ધાંતો અને ધાતુઓના શુદ્ધિકરણ માટે અનેક નવી પદ્ધતિઓનો વિકાસ કર્યો હતો. સુવર્ણ, ચાંદી અને લોખંડ જેવી મૂલ્યવાન ધાતુઓ પર તેમનું કાર્ય અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેમના દ્વારા રચિત `રસ રત્નાકર' ગ્રંથ ધાતુઓના નિષ્કર્ષણ, શુદ્ધિકરણ અને વિવિધ ઉપયોગો સંબંધિત વિગતવાર માહિતીનો ભંડાર છે. આ ગ્રંથમાં પારા (મર્ક્યુરી)ના સંયોજનો અને તેના ઔષધીય ઉપયોગોનું પણ વિસ્તૃત વર્ણન જોવા મળે છે. ધાતુઓના શુદ્ધિકરણની પ્રક્રિયા સમજાવતાં એક સૂત્રમાં કહેવાયું છે
“शोधनं सर्वलोहानां मारणं गुणवर्धनम्।”
અર્થાત્, `બધી ધાતુઓનું શુદ્ધિકરણ તેમના ગુણોમાં વધારો કરે છે અને તેમને ઔષધીય ઉપયોગ માટે યોગ્ય બનાવે છે.'
આ શબ્દો પ્રાચીન ભારતીય ધાતુવિજ્ઞાનમાં ધાતુઓના શુદ્ધિકરણના મહત્ત્વને સ્પષ્ટપણે દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રાચીન ભારતમાં ધાતુઓનો ઉપયોગ માત્ર કારીગરીનાં સાધનો અને શસ્ત્રોના નિર્માણ સુધી સીમિત ન હતો, પરંતુ આયુર્વેદિક ઔષધીય પ્રણાલીમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થતો હતો. ધાતુઓને શુદ્ધ કરીને અને વિશિષ્ટ પ્રક્રિયાઓ દ્વારા રૂપાંતરિત કરીને રોગોની સારવાર માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.
પર્યાવરણ વિજ્ઞાન વૈદિક દૃષ્ટિકોણ
પર્યાવરણ વિજ્ઞાન એ કોઈ આધુનિક સંકલ્પના નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં આ વિચારધારા વૈદિક યુગથી જ ઊડે વિકસિત થયેલી છે. આપણા પ્રાચીન ગ્રંથો જેવા કે ઋગ્વેદ, અથર્વવેદ, ઉપનિષદો અને પુરાણોમાં પ્રકૃતિ સાથે માનવના સહઅસ્તિત્વની સ્પષ્ટ કલ્પનાઓ જોવા મળે છે.
मातृभूमिः पुत्रोऽहं पृथिव्याः ।
અથર્વવેદ ૧૨.૧.૧૨
અર્થાત્, `પૃથ્વી મારી માતા છે અને હું પૃથ્વીનો પુત્ર છું.'
આ શ્લોક માનવ અને પૃથ્વી વચ્ચેના આત્મીય સંબંધની અનુભૂતિ કરાવે છે. પૃથ્વીને માત્ર એક ગ્રહ નહીં, પરંતુ એક પોષક માતા તરીકે જોવામાં આવી છે. આ જ ભાવના વૃક્ષો પ્રત્યે પણ પ્રવર્તે છે. એક સંસ્કૃત શ્લોક કહે છે
पुत्रपुष्यफलच्छाया मूलवल्कलदारुभिः ।
धन्या महीरुहा येषां विमुखा यान्ति नार्थिनः ॥
ભાગવત પુરાણ - ૧૦.૨૨.૩૩
અર્થાત્, `ફળ, છાયા, મૂળ, છાલ અને લાકડાં આપનારા વૃક્ષો ધન્ય છે, જે ક્યારેય યાચકોને નિરાશ કરતાં નથી.'
આ શ્લોક વૃક્ષોના પરોપકારી સ્વભાવ અને માનવજીવનમાં તેમના મહત્ત્વને ઉજાગર કરે છે. વૃક્ષોને કેવળ લાકડું કે ફળ આપનાર નહીં, પણ જીવનના આધારસ્તંભ તરીકે ઓળખવામાં આવ્યાં છે.
વૈદિક સમયમાં પંચમહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશને અત્યંત પવિત્ર માનવામાં આવ્યા છે. આ તત્ત્વોને દેવી-દેવતાઓના સ્વરૂપમાં પૂજવામાં આવતાં હતાં, જે પ્રકૃતિના દરેક ધટક પ્રત્યેના આદરભાવને દર્શાવે છે. વૃક્ષો, નદીઓ, પર્વતો અને વનસંપત્તિની પૂજા એ પર્યાવરણ સંરક્ષણનું જ એક સ્વરૂપ છે, જે પ્રકૃતિ પ્રત્યેની આપણી કૃતજ્ઞતા અને સન્માન દર્શાવે છે.
यथा गौर्दोग्ध्री सुदुग्धा
स्यात् तथैव पृथिवी ।
सा नो दुहां यशो बलम् ॥
અથર્વવેદ - ૧૨.૧.૪૫
અર્થાત્, `જેમ દૂધ આપનારી ગાય સારી રીતે દૂધ આપે છે તેવી જ રીતે પૃથ્વી પણ તે (પૃથ્વી) અમને યશ અને બળ પ્રદાન કરે.'
આ શ્લોક પૃથ્વીને એક `ગાય' સમાન માને છે જે આપણને પોષણ અને સમૃદ્ધિ આપે છે. જે રીતે આપણે ગાયની સંભાળ રાખીએ છીએ જેથી તે દૂધ આપી શકે, તે જ રીતે આપણે પૃથ્વીની પણ સંભાળ રાખવી જોઇએ જેથી તે આપણને નિરંતર જીવન, શક્તિ અને સમૃદ્ધિ પ્રદાન કરતી રહે. આધુનિક સમયમાં જ્યારે પર્યાવરણીય પડકારો વધી રહ્યા છે, ત્યારે ભારતીય સંસ્કૃતિના આ પ્રાચીન સિદ્ધાંતો આપણને પ્રકૃતિ સાથે સુમેળભર્યું જીવન જીવવાની અમૂલ્ય પ્રેરણા પૂરી પાડે છે.
આયુર્વેદઃ આરોગ્યનું વિજ્ઞાન અને જીવન જીવવાની કળા
આયુર્વેદ એ પ્રાચીન ભારતની એક વિશિષ્ટ તબીબી પદ્ધતિ છે, જે ફક્ત રોગોને મટાડવા પર જ નહીં, પરંતુ સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવવાના મૂળભૂત સિદ્ધાંતો પર પણ કેન્દ્રિત છે. ચરકસંહિતા અને સુશ્રુતસંહિતા એ આયુર્વેદના બે આધારસ્તંભ અને સૌથી અધિકૃત ગ્રંથો છે. ચરકસંહિતામાં દવાઓ, રોગોનું નિદાન અને તેમની વ્યાપક સારવાર વિશે માહિતીનો ભંડાર છે, જ્યારે સુશ્રુતસંહિતા શલ્યચિકિત્સાની અત્યંત જટિલ પદ્ધતિઓનું વિસ્તૃત વર્ણન કરે છે. સુશ્રુતસંહિતામાં વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયાઓ અને તેમાં વપરાતાં ચોક્કસ તબીબી સાધનોનું પણ ઝીણવટભર્યું વર્ણન જોવા મળે છે. તબીબી વિજ્ઞાનના મહત્ત્વને પ્રતિપાદિત કરતા તેઓ નોંધે છે
शरीरं व्याधिग्रस्तं चिकित्साशास्त्रेण स्वस्थं क्रियते ।
અર્થાત્ , `રોગોથી ઘેરાયેલા શરીરને ચિકિત્સા શાસ્ત્ર દ્વારા સ્વસ્થ કરવામાં આવે છે.' આ કથન તબીબી જ્ઞાનની ઉપચારાત્મક શક્તિ પર ભાર મૂકે છે.
આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતોમાં શરીરની પ્રકૃતિ અને વ્યક્તિગત બંધારણનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ એક વિશિષ્ટ પ્રકૃતિ સાથે જન્મે છે, જે ત્રણ દોષો વાયુ, પિત્ત અને કફના સંયોજનથી બનેલી હોય છે. આ દોષોનું સંતુલન જ સારા સ્વાસ્થ્યની ચાવી છે. આ સંદર્ભમાં એક શ્લોક પ્રચલિત છે
समदोषः समाग्निश्च समधातुमलक्रियः ।
प्रसन्नात्मेन्द्रियमनाः स्वस्थ इत्यभिधीयते ।।
ચરકસંહિતા, સૂત્રસ્થાન,
અધ્યાય ૯, શ્લોક ૪
અર્થાત્ , `જેના દોષો (વાયુ, પિત્ત, કફ) સંતુલિત હોય, પાચન અગ્નિ સમાન હોય, ધાતુઓ (શરીરના બંધારક તત્ત્વો) અને મળની ક્રિયાઓ યોગ્ય હોય અને જેનાં આત્મા, ઇન્દ્રિયો અને મન પ્રસન્ન હોય, તે સ્વસ્થ કહેવાય છે.' આ શ્લોક આયુર્વેદમાં સ્વાસ્થ્યની સર્વગ્રાહી વ્યાખ્યા છે.
આધુનિક વિજ્ઞાન પણ હવે શરીર અને મનના આંતરિક જોડાણ અને સ્વાસ્થ્ય પર તેની નોંધપાત્ર અસરને સ્વીકારી રહ્યું છે. આયુર્વેદમાં ઉપયોગમાં લેવાતી અનેક જડીબુટ્ટીઓ અને ખનિજોના ઔષધીય ગુણો આધુનિક વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા પણ પ્રમાણિત થયા છે, જે પ્રાચીન જ્ઞાનની વૈજ્ઞાનિક માન્યતાને સમર્થન આપે છે. આયુર્વેદ માત્ર રોગોની સારવાર સુધી જ સીમિત નથી, પરંતુ તે યોગ્ય આહાર, સંતુલિત જીવનશૈલી અને માનસિક સુખાકારી પર પણ વિશેષ ભાર મૂકે છે, જે આધુનિક `હોલિસ્ટિક હેલ્થકેર' (સર્વાંગી સ્વાસ્થ્યસંભાળ)ના ખ્યાલ સાથે સુસંગત છે. આયુર્વેદનું સંપૂર્ણ ધ્યાન વ્યક્તિને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ રાખવા પર કેન્દ્રિત છે, જે તંદુરસ્ત સમાજના નિર્માણ માટે એક અમૂલ્ય વારસો છે.
- કુલદીપ લુહાણા