કર્ણાટકમાં મુસ્લિમો માટે અને કૉંગ્રેસ દ્વારા ચાલતી સરકારે વિભાજનકારી નિર્ણય લીધો કે, સરકારી આવાસોમાં અલ્પસંખ્યકો માટે અનામત ૧૦ ટકાથી વધારી ૧૫ ટકા રહેશે. અહીં નોંધવા જેવી વાત એ છે કે, ગરીબો માટે સરકારી આવાસ એ કલ્યાણકારી યોજના છે. તે ગરીબો માટે હોય, નહીં કે કોઈ પંથ વિશેષ માટે. કૉંગ્રેસ જ્યારે અલ્પસંખ્યકોની વાત કરે છે ત્યારે હવે જનસંખ્યાની રીતે બહુસંખ્યક તરફ જઈ રહેલા મુસ્લિમોની જ વાત હોય છે તે બધા જ સમજે છે.
એટલે કે મુસ્લિમ ધનવાન હોય તો પણ તેને આવાસ મળી શકે તો તેનાથી ગરીબોને કેટલો મોટો અન્યાય થાય?
કૉંગ્રેસે આ અનામત વધારી તો અલ્પસંખ્યકોના નામે છે, પરંતુ તેનાથી આપોઆપ મુસ્લિમ મત બૅંકનું તુષ્ટિકરણ થઈ જાય છે કારણકે અલ્પસંખ્યકોમાં મુસ્લિમોની સંખ્યા વધુ છે.
ઉપ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારે આ અનામત વધારવાનું એવું વાહિયાત કારણ આપ્યું કે, ફ્લેટ બનીને ખાલી પડ્યા છે. અને અલ્પસંખ્યકોએ તેમને લેવા તૈયારી બતાવી છે. એટલે અનામત વધારી દીધી. તો પ્રશ્ન એ છે કે ફ્લેટ બનીને તૈયાર છે તો કોઈ લેવા તૈયાર કેમ નથી? કોઈ આવેદન કેમ નથી કરતું?
ભાજપના રાજ્ય પ્રમુખ બી. વાય. વિજયેન્દ્રએ કૉંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કર્ણાટકમાં કૉંગ્રેસે કલ્યાણકારી યોજનાઓને મત બૅંકના રાજકારણમાં ફેરવી નાખી છે. આ તુષ્ટિકરણનો અંત ક્યારે આવશે?
અહીં નોંધવા જેવી બાબત એ પણ છે કે, તાજેતરમાં કર્ણાટકમાં કથિત રીતે કૉંગ્રેસના ધારાસભ્ય બી. આર. પાટીલનો એક ઑડિયો લીક થયો હતો. તેમાં તેઓ આવાસ યોજનામાં પદ્ધતિસર લાંચના વિસ્ફોટક આક્ષેપો કરે છે. પાટીલે કહ્યું કે જે લોકો લાંચ ચૂકવે છે તેમને આવાસ ફાળવવામાં આવે છે. આ વાત સત્ય હોય (અને કૉંગ્રેસના ટ્રેક રેકૉર્ડ મુજબ આ વાત સત્ય હોવાની પૂરી શક્યતા છે) તો એનો અર્થ એ થયો કે, કૉંગ્રેસ ભલે ગરીબોની અને મુસ્લિમોની વાત કરતી હોય, પરંતુ યથાર્થમાં તે તેનાં ખિસ્સાં ભરી શકે તેવા લોકોને જ આ આવાસ ફાળવે છે. અને ગરીબો તો તેનાં ખિસ્સાં ભરી ન જ શકે.
આવું પહેલી વાર નથી કે, કૉંગ્રેસ સરકાર પંથના આધારે કોઈ લાભ આપી રહી હોય. આ પહેલાં કૉંગ્રેસે સરકારી કૉન્ટ્રાક્ટમાં મુસ્લિમોને નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ચાર ટકા આરક્ષણ આપ્યું હતું. કૉંગ્રેસે (અને પ. બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસે પણ) મુસ્લિમોને ઓબીસીમાં સમાવી આ અનામત આપી હતી.
કૉંગ્રેસે આ અનામતનો એમ કહીને (લૂલો) બચાવ કર્યો હતો કે, મુસ્લિમો સામાજિક-આર્થિક રીતે વંચિત હોવાથી તેમને આ અનામત આપી છે.
આમ, દલિતો અને ઓબીસીને તેમની જનસંખ્યા પ્રમાણે દેશના સંસાધનોમાં હિસ્સેદારી આપવાની વાત રાહુલ ગાંધી કરે તો છે, પરંતુ વાસ્તવમાં તેમના અધિકારો પર તરાપ મારીને પંથ મુજબ અનામત આપી દેશને વધુ એક વિભાજન તરફ લઈ જવાની ભૂમિકા તૈયાર કરે છે.
૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી નાનકડું લાલ રંગનું પુસ્તક લઈને તેને બંધારણ તરીકે રજૂ કરી બંધારણને બચાવવાની વાતો કરતા હતા. જો બંધારણની આટલી બધી જ ચિંતા હોય તો પછી મુસ્લિમોને અનામત આપી જ કેવી રીતે શકાય, કારણ કે બંધારણમાં મુસ્લિમોને અનામત આપવાની કોઈ જોગવાઈ જ નથી.
યથાર્થમાં જોઈએ તો આ દેશને વિભાજન તરફ દોરનારા ઇતિહાસનું પુનરાવર્તન જ છે. કર્ઝને (લૉર્ડ એના ઘરનો) પંથના આધારે બંગાળના ભાગલા કર્યા હતા. એ સમયે તો તે નિષ્ફળ રહ્યો.
૧૯૦૯માં મૉર્લે-મિન્ટો સુધારા થકી અંગ્રેજોએ મુસ્લિમો માટે અલગ ચૂંટણી મંડળ દાખલ કર્યાં. મોન્ટેગૂ-ચેમ્સફૉર્ડ દ્વારા ૧૯૧૯માં તેનો પુનઃ અમલ કર્યો. બાદમાં ૧૯૩૨માં બ્રિટનના વડા પ્રધાન રામસે મેકડૉનાલ્ડ દ્વારા સાંપ્રદાયિક પુરસ્કાર ઘોષિત કરાયો, જેના દ્વારા પ્રત્યેક મુસ્લિમો, બૌદ્ધો, શીખો, ભારતીય ખ્રિસ્તીઓ, એંગ્લો ભારતીયો, યુરોપિયનો, અને દલિતો માટે અલગ નિર્વાચક મંડળ બનાવવાની ઘોષણા કરવામાં આવી. આમ, ભારતને પંથ અને જાતિઓમાં વહેંચવાનું કામ અંગ્રેજોએ કર્યું હતું.
પરંતુ જ્યારે સ્વતંત્રતા પછી બંધારણ ઘડવાની વાત આવી ત્યારે ડૉ. બાબાસાહેબ આંબેડકરે પંથ આધારિત અનામતનો મુખર થઈને વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આનાથી ગુણોના બદલે અધિકાર આધારિત સમાજ નિર્માણ થશે. આ જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલે પણ સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો મક્કમ રીતે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેનાથી દેશની એકતા મજબૂત થવાના બદલે સામાજિક ખાઈ વધુ પહોળી બનશે.
એ વાત સાચી કે ૧૯૯૦માં જે મંડલ પંચની ભલામણો માનીને ઓબીસી જ્ઞાતિઓને ૨૭ ટકા અનામત આપવામાં આવી તેમાં કેટલાક મુસ્લિમ સમુદાયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો, પરંતુ આ સમુદાયો પંથના આધારે સમાવાયા નહોતા, તેમના સામાજિક-આર્થિક દરજ્જાના આધારે સમાવાયા હતા. જ્યારે કે કર્ણાટકની કૉંગ્રેસ સરકાર તો માત્ર પંથના આધારે અનામત આપવાનો કાયદો લાવી છે. એ દેશ માટે અતિ ભયાવહ છે. બાબાસાહેબ આંબેડકરજીના સંવિધાનનો દ્રોહ છે.
પંથના આધારે અનામતને સર્વોચ્ચ ન્યાયાલયે ફગાવી દીધી છે. ૨૦૨૪માં પ. બંગાળમાં ઓબીસીની અંદર મુસ્લિમોને અનામત આપવાના મમતા બેનર્જી સરકારના નિર્ણયને કોલકાતા ઉચ્ચ ન્યાયાલયે ફગાવી દીધો હતો. તેને સર્વોચ્ચમાં પડકારવામાં આવ્યો ત્યારે સર્વોચ્ચે પણ કહ્યું હતું, અનામત પંથના આધારે ન હોઈ શકે.
અર્થાત્ સરકારી ઠેકામાં કે પછી સરકારી આવાસોમાં અલ્પસંખ્યકોને પંથના આધારે અનામત આપવાનું કૉંગ્રેસનું પગલું માત્ર બંધારણનું વિરોધી નથી, સર્વોચ્ચના ચુકાદાનો તિરસ્કાર કરનારું છે.
કૉંગ્રેસે મુસ્લિમ તુષ્ટિકરણ કરવામાં કોઈ ખામી રાખી નથી. વંદે માતરમ્ અધૂરું સ્વીકાર્યું. પંથોના રંગોવાળો રાષ્ટ્રધ્વજ નક્કી કર્યો. મઝહબના નામે મુસ્લિમોને અલગ દેશ આપ્યો. તેનાથી સંતોષ ન થયો તો લગ્ન, છૂટાછેડા, વારસા વગેરે માટે હિન્દુઓના કાયદા સુધાર્યા, પરંતુ મુસ્લિમોના નહીં. સ્વતંત્રતા પછી સમગ્ર દેશમાં ગોહત્યા પર પ્રતિબંધનો મત હોવા છતાં ગોહત્યા પર પ્રતિબંધ ન મૂક્યો અને સ્વામી કરપાત્રીજી મહારાજના નેતૃત્વમાં સંસદ સામે સાધુ-સંતો અને ગોભક્તો આંદોલન કરી રહ્યા હતા ત્યારે ગોળીબાર કરી અનેકોના જીવ લીધા.
સ્વતંત્રતા પછી જમ્મુ-કાશ્મીરને કલમ ૩૭૦ આપી અલગ દેશ જેવી સ્થિતિ આપી, જેના લીધે હિન્દુઓને-દલિતોને મોટા પાયે અન્યાય થયો. હિન્દુ વિદ્યાર્થીઓને શાળાઓમાં પંથ આધારિત શિક્ષણ ન આપી શકાય, પરંતુ મુસ્લિમોને મદરેસામાં આવું શિક્ષણ આપવાની છૂટ! પાછી મદરસાઓને સરકારી ગ્રાન્ટ પણ મળે!
હજયાત્રા પર મુસ્લિમોને સબસિડી આપી. શાહબાનો નામનાં વૃદ્ધાને તેમના પતિએ તલાક આપ્યા તો સર્વોચ્ચ ન્યાયાલયે તેમને ભરણપોષણ આપવા કહ્યું. તો કટ્ટર મુસ્લિમોને પ્રસન્ન કરવા વડા પ્રધાન રાજીવ ગાંધીએ કાયદામાં સુધારો કરી સર્વોચ્ચનો ચુકાદો ફેરવી તોળ્યો. નરસિંહરાવ વડા પ્રધાન હતા ત્યારે પૂજાસ્થાન અધિનિયમ લાવીને ૧૯૪૭માં જે સ્થિતિ હતી તે યથાવત્ રહેશે તેમ નક્કી કરી દીધું, જેથી દેશના હિન્દુ આસ્થાનાં સ્થાનો પર મંદિર તોડીને બનાવાયેલી મસ્જિદો હિન્દુઓને ન સોંપી શકાય. અને સાથોસાથ વક્ફ બૉર્ડનો અધિનિયમ પણ લાવ્યા. આ અધિનિયમ સોનિયા ગાંધીના પડદા પાછળના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં વધુ મુસ્લિમ તરફી બન્યો. કોઈ સરકારી કે હિન્દુ/ખ્રિસ્તી/મુસ્લિમેતર અન્ય પંથના લોકોની ભૂમિને વક્ફ જાહેર કરી દેવામાં આવે તો તેની સામે ન્યાયાલયમાં નહીં, પણ વક્ફ ટ્રિબ્યૂનલ (જે પણ મુસ્લિમોની જ બનેલી હોય)માં જ અપીલ કરી શકાય.
વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહે કહ્યું હતું કે, દેશનાં સંસાધનો પર સૌથી પહેલો અધિકાર મુસ્લિમોનો છે. આ ઉપરાંત સાંપ્રદાયિક હિંસા વિધેયક લાવ્યા હતા જેમાં મુસ્લિમો હિંસા કરે તો પણ તેના માટે ઉત્તરદાયી હિન્દુ જ ઠરે. કૉંગ્રેસે સદા કટ્ટરવાદી મુસ્લિમોને પ્રસન્ન કર્યા જ્યારે રાષ્ટ્રવાદી મુસ્લિમોનો વિરોધ કર્યો. ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમનો વિરોધ કર્યો હતો.
આ બધું છતાં શું મુસ્લિમોની સ્થિતિ કૉંગ્રેસ રાજમાં સુધરી? ૫૫ વર્ષ કૉંગ્રેસનું શાસન રહ્યું. યુપીએ સરકારે બનાવેલી સચ્ચર સમિતિના તારણમાં શું આવ્યું? એ જ કે મુસ્લિમોની સ્થિતિ સારી નથી. તો આટલાં વર્ષમાં મુસ્લિમોની આટ-આટલી તરફેણ કરી લગભગ ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવી નાખ્યું હોવા છતાં મુસ્લિમોની સ્થિતિ ખરાબ કેમ રહી? મુસ્લિમો અશિક્ષિત અથવા અલ્પ શિક્ષિત કેમ રહ્યા? મુસ્લિમોની સામાજિક સ્થિતિ ખરાબ કેમ રહી? મુસ્લિમો ગરીબ કેમ રહ્યા? સચર સમિતિના અહેવાલ પછી વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે એમ કહ્યું કે, દેશનાં સંસાધનો પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે.
જો મુસ્લિમોને ખરેખર આગળ અને ઊંચા લાવવા હોય, દેશને ઊંચો લાવવો હોય તો કૉંગ્રેસે મુસ્લિમોને ઉપયોગી શિક્ષણ આપવા, કટ્ટરવાદથી મુક્ત કરવા, માટે પગલાં લીધાં હોત. તેમનામાંથી જે રાષ્ટ્રીય પ્રવાહમાં નથી તેમને રાષ્ટ્રીય પ્રવાહમાં લાવવા કટ્ટરવાદીઓની કુર્નિશ બજાવવાના બદલે રાષ્ટ્રવાદી મુસ્લિમોને આગળ કર્યા હોત. ઓસામા બિન લાદેન જેવા ખૂંખાર આંતરરાષ્ટ્રીય ત્રાસવાદીને દિગ્વિજયસિંહ ઓસામાજી અને હાફીઝ સઈદ જેવા ખૂંખાર ત્રાસવાદીને હાફીઝ સાહબ ન કહેત. બાટલા હાઉસના ઍન્કાઉન્ટરમાં બલિદાન પામેલા પોલીસ અધિકારી મોહનચંદ શર્માના બદલે માર્યા ગયેલા ત્રાસવાદીઓના મૃત્યુ પર સોનિયા ગાંધી આંસુ ન વહાવત.
અનામત, હજયાત્રા, સંસાધનો પર અધિકાર.. કૉંગ્રેસનાં આ બધાં પગલાં બતાવે છે કે, કૉંગ્રેસને ભલે દલિતો, સવર્ણો, ઓબીસી, આદિવાસીઓ, ખ્રિસ્તીઓ મત આપતા હોય, પરંતુ યથાર્થમાં કૉંગ્રેસ સરકારો માત્ર મુસ્લિમો માટે જ ચાલતી સરકારો છે.