ડૉ. આંબેડકરજીએ આપેલ આ મૂળ સંવિધાનનો આત્મા એટલે આમુખ (Preamble). તેને જ્યારે બદલી દેવામાં આવ્યું ત્યારે તો ડૉ. આંબેડકરજી હયાત નહોતા. ..પરંતુ જ્યારે ડૉ. આંબેડકરજી હયાત હતા ત્યારે જ નહેરુજીએ સંવિધાનની સાથે ખેલ ખેલવાનું શરૂ કરી દીધું હતું. ૧૯૫૧થી લગાતાર આવા ખેલો ચાલ્યા, છતાં આજે ઢોંગી-દંભી તત્વો નામમાત્રનું સંવિધાન ચોપડીરૂપે હાથમાં રાખી, તેનું નામ વટાવીને મોજથી લોકોને ગુમરાહ કરી રહ્યાં છે.
સંવિધાન સાથે આ ખતરનાક ખેલ ત્યારે ખેલવામાં આવ્યો, જ્યારે ૨૬ જાન્યુ., ૧૯૫૦ - પ્રજાસત્તાક દિને અમલી થયેલ સંવિધાનની સહી પણ હજુ સૂકાઈ નહોતી.. અરે! જ્યારે વાસ્તવમાં નહેરુજીને સ્વતંત્ર દેશે ચૂંટ્યા પણ નહોતા.. જ્યારે તેમની પાસે નૈતિક રીતે કોઈ લોકતાંત્રિક સત્તા પણ નહોતી.. માત્રને માત્ર ચૂંટણી ન થાય ત્યાં સુધી તદ્દન કામચલાઉ ધોરણે સંવિધાન સમિતિને સંસદતુલ્ય માનવાની વાત હતી. ૧૯૫૧ના અંતમાં પ્રથમ ચૂંટણી થવાની જ હતી, પણ તેની રાહ જુએ તો નહેરુજી શાના! કોર્ટોએ કેટલાક હુકમ કેન્દ્રની વિરુદ્ધમાં કર્યા, તેથી ઇલાજરૂપે; પોતાને નૈતિક રીતે કોઈ લોકતાંત્રિક સત્તા નહોતી, તેમ છતાં નહેરુજીએ પહેલો કારમો પ્રહાર સંવિધાન અને તેની મારફતે ન્યાયતંત્ર પર કર્યો.
કાનૂન મંત્રી ડૉ. આંબેડકરજી, રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને સભાપતિ માવલંકર, જયપ્રકાશ નારાયણ, વિપક્ષના નેતા શ્યામાપ્રસાદ મુખર્જી જેવા અનેકોની વિરુદ્ધ, તદ્દન ઉપરવટ જઇને સંવિધાન પર નહેરુજીએ ૧૨ મે, ૧૯૫૧ના રોજ પહેલો મરણતોલ ફટકો લગાવ્યો, ત્યારે સંવિધાન લાગું થયાને પૂરું દોઢ વર્ષ પણ નહોતું થયું. આ દિવસે ન્યાયાલયોની સત્તા પર કાપ મૂકતું પરિશિષ્ટ-૯ ઘડી કાઢવામાં આવ્યું, જેના વડે મૂળભૂત નાગરિક અધિકારો પર જ નિયંત્રણ લાગું કરાયાં.
વિરોધીઓ, સમાચારપત્રો અને ન્યાયાલયો પર વિવિધ રીતે અંકુશ લગાવવામાં આવ્યા. દેશદ્રોહ (Sedition) નામનો શબ્દ લાગુ કરાયો. જુઓ નહેરુજીની આ સ્પષ્ટ ભૂમિકા- કોંગ્રેસની નીતિઓના ક્રિયાન્વયનમાં અગર સંવિધાન સમસ્યા હશે તો અમે સંવિધાન બદલી દઈશું. હવે નહેરુજીની નકલ જુઓ. નહેરુજીના આ કૃત્યને પગલે તાનાશાહ બનીને ઈંદિરાજીએ પણ પોતાની પાસે કોઈ લોકતાંત્રિક કે કોઈ નૈતિક સત્તા નહોતી ત્યારે દેશ માથે ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ મોડી રાત્રે કટોકટી ઝીંકી અને જાણે નહેરુજીના કૃત્યનું ૨૫મું વર્ષ ઉજવી રહ્યાં હોય તેમ ૧૯૭૬માં સંવિધાનને મૂળમાંથી બદલી નાખેલું. કટોકટીની એ રાત્રે જ ગણમાન્ય અખબારોનાં વિજ-કનેક્શન કાપી દેવામાં આવ્યાં. પ્રજાની વાચાને જ છીનવી લેવામાં આવી અને વિપક્ષને જેલોમાં ઢૂંસી દેવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે કરેલા હુકમ પ્રમાણે ઇન્દિરા ગાંધીને સંસદની કાર્યવાહીમાં ભાગ લેવાનો જ અધિકાર નહોતો, તેથી વાસ્તવમાં તો તે વડાપ્રધાન જ નહોતાં રહ્યાં, છતાંય વડાપ્રધાનની હેસિયતથી તેમણે દેશ ઉપર કટોકટી લાદી દીધેલી.
કટોકટીના અંધેર સમયમાં સંવિધાનમાં ૪૨મા સુધારાના નામે ૧૯૭૬માં સંવિધાનની હત્યા કરવામાં આવી. સંવિધાનનો મૂળભૂત ઢાંચો એટલે જ આમુખ (Preamble). કોર્ટોએ વારંવાર કહ્યું છે કે, મૂળભૂત ઢાંચામાં ફેરફાર કરવાની સત્તા કોઈનેય ક્યારેય નથી. સંવિધાન-સભામાં ગહન ચર્ચા પછી સંપૂર્ણપણે અને સ્પષ્ટપણે નકારી દેવામાં આવ્યા હતા, તે બે શબ્દો (`સેક્યુલર' અને `સોશિયાલીસ્ટ') ઇન્દિરાજીએ; સંસદમાં ચર્ચા કર્યા
વગર સંવિધાનના આત્મારૂપી આમુખ (Preamble)માં એ બે શબ્દો ભેળવ્યા. આવી ભેળસેળ કરીને આમુખ (Preamble)ને પ્રદૂષિત કરી દીધું. પોતાનો રાજનૈતિક સ્વાર્થ સાધવા માટે પોતાની ફાસીવાદી પ્રવૃત્તિને સમાજવાદી જામો પહેરાવવાનો કુટિલ દાવ; ઇન્દિરાજીએ ડૉ. આંબેડકરજીના વિચારોના, એમને બનાવેલા આમુખના ભોગે ખેલ્યો.
આમ આપણા સંવિધાનના મૂળ ઢાંચાને જ છેહ દેવામાં આવ્યો. સાથે સાથે ડૉ. આંબેડકરજીનું અપમાન કરવામાં આવ્યું, કારણ કે સંવિધાન સભાની ચર્ચા વખતે આમુખ (Preamble)માં આ બંને શબ્દો ઉમેરવા માટે જ્યારે કે. ટી. શાહે સતત રજૂઆત કરી, તેની સામે ડૉ. આંબેડકરજીએ રાષ્ટ્રના મૂળભૂત વિચારને આદર આપીને પ્રબળ વિરોધ કર્યો હતો. ડૉ. આંબેડકરજીએ પોતાના અકાટ્ય વિચારોથી અને તર્કબદ્ધ રજૂઆતથી આ બે શબ્દોને આમુખ (Preamble)માં ઉમેરાતા રોકયા હતા. તે વિચારો સાથે ખુદ નહેરુજીને પણ સહમત થવું પડ્યું હતું, અને તેઓએ પણ આ બંને શબ્દોને ધરમૂળથી નકારી દીધા હતા. ડૉ. આંબેડકરજીએ કરી દેખાડ્યું હતું તે રીતે, આ બંને શબ્દોને આમુખ (Preamble)માંથી કેવી રીતે દૂર કરવા તે કરી દેખાડવાનો સમય પાકી ગયો છે.