યુવાસંવાદ | સાચો જીવનવ્યવહાર એ જ ભારતીયતા...

`સાંભળો, સાંભળો. જાગૃતિ રાખવી પડે, દેશને કોણ બગાડે છે, એ વિશે જાગૃતિ કેળવવી પડે, લોકોને જાગૃત કરવા પડે. જે લોકો ગંદકી ફેલાવતા હોય એમને ખુલ્લા પાડવા જોઈએ.

    ૦૭-જુલાઇ-૨૦૨૫   
કુલ દૃશ્યો |

Indian values and youth dialogue gujarati
 
`નમસ્તે, સર!'
 
`નમસ્તે, શ્વેતા, નમસ્તે, શૌર્ય...'
 
`શ્વેતા બહુ સમય પછી તું આવી. તારી સોસાયટીમાં થયેલી આત્મહત્યા વિશે આપણે વાત કરતા હતા, ત્યાર પછી તો હમણાં શૌર્યની એક વાત પણ સારું એવું ચિંતન માગી લે છે.'
 
`જી, સર! બંન્નેે બાબતો કોઇ રીતે સંકળાયેલી છે?'
 
`સાચી વાત, બન્ને મુદ્દા સંકળાયેલા છે. કારણ કે પેલી યુવતીની આત્મહત્યા અને પેલા પૈસાદાર લોકોની વાતો બંને ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે!'
 
`કેવી રીતે?'
 
`હું સમજાવીશ..'
 
`પ્લીઝ.. શ્વેતાએ જગ્યા આશાપૂર્વક ડોકું ધુણાવ્યું...'
 
`વાત જાણે એમ છે કે જ્યારે પણ આપણે ભારતની વાત કરીએ ત્યારે બે વાત સમજવી જોઈએ. એક તો આપણી જીવન અંગેની સમજ બીજાઓથી બહુ જુદી છે, જે લોકો ભણે છે, અથવા જીવનમાં સમૃદ્ધિ પામે છે એ લોકોને ભારતીય સંસ્કૃતિની સાચી સમજ મળતી નથી. ઘણી વખત આપણે જોઈએ છે કે, જે લોકો બહુ સમૃદ્ધ હોય છે, ધાર્મિક બહુ હોય છે, આ ધાર્મિકતાનો અર્થપૂર્વક ઉપયોગ કરીને જો એમને સમજ આપવામાં આવી હોત તો આપણે આ પ્રકારનાં વિઘ્નો ટાળી શક્યા હોત, બીજી બાબત છે દેશના વર્તમાન વિશે જાગૃતિ...'
 
`શૌર્યે હકાર કર્યો.'
 
`પહેલાં સમજીએ કે, ભારતીય તત્વજ્ઞાનમાં એવું કહેવામાં આવ્યું છે કે, મૃત્યુ એ જીવનનો અંત નથી, જીવન અને મરણના ચક્કરમાંથી છૂટવું હોય તો મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ. મોક્ષ એ જીવનની પાકી સમજ અને જીવનમાં આચાર વિચારમાં પ્રત્યેક ક્ષણે બ્રહ્મ સાથે જોડાયેલા રહેવું એવી જાગૃતિ એ જ મોક્ષ છે. તમે વિચાર કરો કે, જો પેલી યામીનીને ખબર હોત કે, હું મૃત્યુ કે અપમૃત્યુને સ્વીકારીને હું મારા જીવનનો અંત નથી આણતી, પણ સમાજમાં એક નેગેટિવ સ્પંદન ઊભા કરું છું. એવી જ રીતે પહેલા સમૃદ્ધ ધનવાનોને ખબર હોત કે, આપણા ધર્મમાં એવું કહ્યું છે કે, જ્યારે તમને ઈશ્વર અથવા સંજોગો અથવા સમાજ અથવા અર્થતંત્ર કોઈ સમૃદ્ધિ આપે ત્યારે તમને સાથે સાથે સમાજ માટેની જવાબદારી પણ આપે છે. તમે કશુંક પ્રાપ્ત કરો છો તે ઈશ્વરની કૃપા છે અને જો તમે વધુ ધાર્મિક કે આધ્યાત્મિક રીતે જાગૃત હોત તો તમને દાન આપવાની અથવા કોઈને મદદરૂપ થવાની વૃત્તિ જાગી હોત. બીજું કે પેલા સજ્જન સમૃદ્ધ વ્યક્તિને માત્ર ભૌતિક સગવડોને જ મહત્વ આપવાનું શીખવવામાં આવ્યું છે. હું એવું નથી કહેતો કે, આપણો દેશ ગંદો હોવો જોઈએ, આપણા દેશમાં વિદેશ કરતા પણ વધુ સ્વચ્છતા હોય એ ખૂબ જરૂરી છે. અને એક યાદ રાખવી જોઈએ કે આપણે શારીરિક શુચિતા અને મનની શુચિતા ઉપર બહુ જ ભાર આપીએ છીએ. આપણો દેશ છે એટલે આપણે જ ઉપાયો શોધવા જોઈએ. યુરોપ કે અમેરિકામાં કે ઓસ્ટ્રેલિયામાં જે નાગરિક ધર્મ બજાવવાની જે સંવેદનશીલતા છે, એ નાગરિકોએ પોતે કેળવેલી નાગરિકતા છે.
 
જુઓ, આ વર્ષ રાષ્ટીય સ્વયંસેવક સંઘની શતાબ્દીનું વર્ષ છે, તો સંઘમાં જોડાઈ જાવ. સંઘ તમને એક સારા ભારતીય થવાની તાલીમ આપશે. પહેલાં તો આપણે જે બીજા દેશ માટે ગૌરવ અનુભવીએ છીએ એવું જ ગૌરવ આપણા દેશ માટે પણ અનુભવીએ એવું વાતાવરણ આપણે જાતે જ નિર્માણ કરવું જોઈએ. જો કોઈ મોલમાં કે સોસાયટીમાં, કૉલેજમાં કે જાહેર સ્થળો પર ગંદકી કરે તો એ વખતે આપણે જ દબાણપૂર્વક કહેવું જોઈએ કે, આવું કરી શકાય નહીં. તમે આવી નાગરિક તરીકેની ફરજ બજાવતા હોવ ત્યારે તમને રાજ્ય સરકારની કોઈપણ એજન્સી તમને ચોક્કસ મદદ કરશે જ! નાગરિક ધર્મ સારી રીતે બજાવવો એ દરેક નાગરિકનું અગત્યનું કર્તવ્ય છે. બીજું સમૃદ્ધ ભાઈને કેવી રીતે ભગવદ ગીતા ભણાવવી જોઈએ, જેથી જ એને ખ્યાલ આવે કે આ જગતમાં જે શ્રેષ્ઠ ચિંતન થયું છે એ આપણી પાસે છે. આ દેશ એક જ એવો છે, જે દેશ બ્રહ્મવિદ્યાને શ્રેષ્ઠવિદ્યા ગણે છે, અને શરીરને એક માધ્યમ ગણે છે. સ્ત્રીઓને આપણે ખૂબ મહત્વ આપીએ છીએ, સ્ત્રીઓને આપણે પૂજ્ય ગણીએ છીએ. આવી કેટલીક પાયાની સમજણ જો કેળવવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે, આપણો દેશ આવા શ્રેષ્ઠ ચિંતનનો દેશ છે અને આપણે એના વારસો છીએ.'
 
`જી, મહોદય.. આપે સરસ વાત કરી!'
 
`આપણે એવું માનીએ છીએ
 
કે દરેક કણેકણમાં ઈશ્વર છે અને વૃક્ષમાં, વેલમાં, વનસ્પતિમાં, આકાશમાં,
 
બધા જ પદાર્થોમાં સઘળે ઈશ્વરનું સ્વરૂપ વિલસે છે.'
 
`પરંતુ...??'
 
`સાંભળો, સાંભળો. જાગૃતિ રાખવી પડે, દેશને કોણ બગાડે છે, એ વિશે જાગૃતિ કેળવવી પડે, લોકોને જાગૃત કરવા પડે. જે લોકો ગંદકી ફેલાવતા હોય એમને ખુલ્લા પાડવા જોઈએ. જે લોકો સ્ત્રીઓનું અપમાન કરતા હોય એમને શરમ આવે એવું વાતાવરણ ઉભું કરવું જોઈએ. કેટલાક લોકો જે ભારત માટે ગૌરવ અનુભવતા નથી એનું કારણ કે એમને ભારત વિશે સાચી માહિતી નથી, સાચું જ્ઞાન નથી, સાચો જીવનવ્યવહાર નથી. વાસ્તવમાં સાચો જીવનવ્યવહાર એ જ ભારતીયતા છે.'

ભાગ્યેશ જહા

ગુજરાતી રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં એક સમયે સૌથી વરિષ્ઠ અધિકારી એવા ભાગ્યેશ જહા એક ઉત્તમ કવિ અને નિબંધકાર છે. તેમનું સંસ્કૃત ભાષા અંગેની સમજ અને જ્ઞાન પણ સરાહનીય છે.તે એક સમયે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.