મારી નજરે | પીડિત હિન્દુઓ હવે પાકિસ્તાનમાં આત્મહત્યા કરી રહ્યા છે

પાકિસ્તાનમાં હિન્દુઓની પીડા, ધર્માંતરણ, માનવાધિકાર ભંગ અને આત્મહત્યાની સ્થિતિ વિશે વિગતે અહેવાલ...

    ૦૭-જુલાઇ-૨૦૨૫   
કુલ દૃશ્યો |

Minorities in Pakistan gujarati
 
 
એક હૃદયદ્રાવક ઘટનાના સમાચાર ૨૯ ડિસેમ્બર, ૨૦૨૨ના દિવસે ભારતનાં વર્તમાનપત્રોમાં છપાયા હતા. સમાચાર પાકિસ્તાનના સિંધ પ્રાન્તના સિંજોરા કસબામાં રહેતી ૪૦ વર્ષની દયાબેન ભીલની કમકમાટી ઉપજાવે તેવી; કટ્ટરવાદી મુસ્લિમોએ કરેલી હત્યાના હતા. દયાબેન નામના આદીવાસી ભીલનું ગળું કટ્ટરવાદીઓએ કાપી નાંખ્યું એટલું જ નહીં પણ તેના સ્તનો પણ કાપી નાંખવામાં આવ્યાં હતાં. વધુમાં દયાબેનના શરીરની ચામડી અનેક જગાએ છોલી નાખવામાં આવી હતી. દયાબેનનું શબ એક ખેતરનાં નગ્ન હાલતમાં પડ્યું હતું. પોલીસે આ ઘટના પર પડદો પાડી દીધો પણ આંતરિક તપાસમાં જાણવા મળ્યું કે પાકિસ્તાનના કટ્ટરવાદીઓ આદીવાસી મહિલા ભીલ પર બળાત્કાર કરવા માંગતા હતા.
 
હું આ લેખ લખી રહ્યો છું તેના માત્ર ૧૦ જ દિવસ પહેલાનાં તા. ૨૧ જૂનના સમાચાર આંચકો આપે તેવા છે. સિંધ પ્રાન્તનાં શાહદાદપુરમાં એક જ પરિવારના ચાર દલિત વ્યક્તિઓનું જબરજસ્તીથી ધર્મપરિવર્તન કરવામાં આવ્યું, તેમાં ૨૨ વર્ષની જીયાબાઈ, ૨૦ વર્ષની દીયાબાઈ, ૧૬ વર્ષની દીશાબાઈ અને ૧૩ વર્ષના નાનાભાઈ હરજીતને જબરજસ્તીથી મુસલમાન બનાવવામાં આવ્યા હતા. શાળાના કોમ્પ્યુટર શિક્ષક ફરહાન અહમદે આ કામ કર્યું હતું. સંતાનોની માતાએ પત્રકારો સમક્ષ સઘળી વાત કરી હતી પણ પરિણામ શૂન્ય હતું.
 
હિન્દુ મહિલાઓનું અપહરણ કરવું તે તો ત્યાં સામાન્ય ઘટના છે. પાકિસ્તાનના મીડિયા રીપોર્ટ મુજબ ૨૦૨૧માં પંજાબ અને સિંધ પ્રાંતમાં ૪૭૪ હિન્દુ મહિલાઓનું અપહરણ કરાયું છે. ૧૩૮ મહિલાઓ પર દુષ્કર્મ આચરાયું છે. પાકિસ્તાન માનવાધિકાર આયોગ અનુસાર દર વર્ષે ૧૦૦૦થી વધુ હિન્દુ મહિલાઓનું જબરજસ્તીથી ધર્માન્તર કરાવવામાં આવે છે અને મુસ્લિમ પુરુષો સાથે પરણાવવામાં આવે છે. દિ. ૩૦ ડિસેમ્બર, ૨૦૨૨ના દિવ્ય ભાસ્કરે પાકિસ્તાનના `ડૉન' દૈનિકમાં છપાયેલા સમાચારોને સમર્થન આપ્યું હતું.
 
હિન્દુઓ પર થતા અત્યાચારોની ઘટનાઓ  
 
હિન્દુ પોતાના સામાજિક ઉત્સવ પણ ત્યાં ઉજવી શકતા નથી. કરાંચી યુનિવર્સિટીમાં કેટલાક હિન્દુ વિદ્યાર્થીઓ હોળી જેવા રંગોનો ઉત્સવ ઉજવી રહ્યા હતા, તો કટ્ટરપંથીઓને આ સહન ન થયું અને ગુલાલ છાંટતા હિન્દુ વિદ્યાર્થીઓ ઉપર હુમલા કરી દીધા, જેમાં ૧૫ હિન્દુ વિદ્યાર્થી ઘાયલ થયા. આ ઘટના ૭ માર્ચ, ૨૦૨૩ના દિને બની હતી. યુનિવર્સિટીના સિંધિ વિભાગમાં આ બનાવ બન્યો હતો. એક હિન્દુ વિદ્યાર્થીનીએ આનો વિડીયો બનાવીને ટ્વિટર પર પ્રકાશિત પણ કર્યો હતો. તોફાનીઓ જમાતે તુલ્લાના કાર્યક્રમમાં આવ્યા હતા અને તેમણે હુમલા કર્યા હતા.
 
પાકિસ્તાનના હૈદરાબાદ શહેરમાં હોળીના દિવસે એક કારમી ઘટના બની ગઈ હતી. આ શહેરમાં ધરમદેવ રાઠી નામના ચામડીના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર રહે છે. આ ડૉક્ટર હોળી ખેલીને પોતાના ઘેર આવ્યા તો તેમના પર પડેલા રંગો જોઈને હનીફ લેંઘારી નામનો તેમનો જ ડ્રાયવર ઉશ્કેરાઈ ગયો અને ૯-૩-૨૦૨૩ના રોજ પોતાના જ માલિકનું ગળું કાપી તેમની હત્યા કરી નાંખેલી.
 
પાકિસ્તાનની સીમા હૈદર નામની પરિણીત યુવતી સોશિયલ મીડિયા દ્વારા ભારતના દિલ્હી શહેરના સચીન નામના હિન્દુ યુવકના પ્રેમમાં પડી અને ત્યાંથી ભાગી દિલ્હી આવી. તેણે સચીન સાથે લગ્ન પણ કર્યું. મુસ્લિમ યુવતી હિન્દુને પરણે તે બાબતથી છંછેડાઈને પાકિસ્તાના ડાકુ રાનો શાહે જાહેરમાં હિન્દુઓ પર હુમલા કરવાની અને હિન્દુ મંદિરો તોડવાની ધમકી આપી. પરિણામે ત્યાંના હિન્દુઓ ભયભીત બની ગયેલા. અને આજે પણ અવારનવાર થતી આવી ઘટનાઓથી હિન્દુઓ ભયભીત સ્થિતિમાં જીવન જીવે છે અથવા પાકિસ્તાન છોડી ભાગી જાય છે.
 
ભાગલાના સમયે પાકિસ્તાનમાં ૪૨૮ મંદિરો હતાં. ૧૯૯૦ પછી અને વિશેષ કરીને બાબરી ઘટના બની તે સમયે અનેક મંદિરોમાં તોડફોડ થઈ. બાબરીધ્વંસ સમયે પાકિસ્તાનમાં ૧૨૦ હિન્દુ મંદિરો તોડાયાં હતાં, મૂર્તિઓ ખંડિત કરાઈ હતી. મૂર્તિના દાગીના લૂંટાયા હતા. મંદિરના ભંડારો તોડાયા હતા. હિન્દુઓના ઘરોને આગ લગાડાઈ હતી. લોરાલિયા ગામમાં એક જ હિન્દુ પરિવારના ૬ લોકોને સળગાવવામાં આવ્યા હતા. અત્યારે પાકિસ્તાનમાં ૨૨ મંદિરો બચ્યાં છે. જે મુજબ પંજાબમાં માત્ર ૪ મંદિરો, પખ્તુન્વામાં ૪, સિંધમાં ૧૧ અને બલુચિસ્તાનમાં ૩ મંદિરો છે.
 
રાજધાની ઇસ્લામાબાદમાં કૃષ્ણ-મંદિર બનાવવાનું શરૂ થયું ત્યારે ત્યાંના મૌલવીઓએ ફતવો જાહેર કર્યો, જેના પરિણામે મંદિરના બાંધકામ પર રોક લાગી ગઈ. કટ્ટરવાદીઓએ મંદિરનો પાયો તોડી નાંખ્યો અને મંદિરના પાયા પર ઊભા રહી બાંગ પોકારી અને નમાજ પઢી. આ દરમ્યાન ટોળામાં ઉભેલો માત્ર ચાર વર્ષનો એક છોકરો બોલી ઉઠેલો કે, `અગર મંદિર હુઆ તો હિન્દુઓ કો ચુન ચુનકર માર ડાલેંગે.' ધ્યાનમાં લો કે, માત્ર ચાર વર્ષના માસુમ મુસ્લિમ બાળકમાં કેવું હિન્દુ વિરોધી ઝનૂન છે. (૭ જુલાઈ, ૨૦૨૦ના રોજ આ દૃશ્ય ટીકટોક વિડીયોમાં પ્રસારિત પણ થયું હતું.)
 
ધર્મસ્થાનની સંહારલીલાના આ વિડિયોમાં શીખો પણ બાકાત નથી. લાહોરના નવલખા બજારમાં, પ્રસિદ્ધ ગુરુદ્વારા ભાઈ તારુસિંહનું શહીદ સ્મારક છે. ખરેખર આ સ્થાન ભાઈ તારુસિંહનું ઐતિહાસિક ગુરુદ્વારા છે જ્યાં ભાઈ તારુસિંહે સન ૧૭૪૫માં સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આમ છતાં, ગુરુદ્વારાને મસ્જિદમાં બદલવાનો પ્રયત્ન થયો. જેના બચાવ માટે ભારતને વિરોધ નોંધાવવો પડેલો.
 
પાકિસ્તાનના ખૈબર પખ્તુન્વાના ટેરી ગામમાં પ્રાચીન હિન્દુ મંદિર તથા પરમહંસ મહારાજની સમાધિ અને કૃષ્ણદ્વાર મંદિરને કટ્ટરપંથીઓ દ્વારા સળગાવવામાં આવેલાં. જોકે તેનું સમારકામ બે સપ્તાહમાં કરવાનો આદેશ આપવામાં આવેલો. પણ ૩૦ ડિસેમ્બર, ૨૦૨૦ના દિને સમારકામની પરવાનગી મળતાં જ મૌલાનાઓના આદેશથી કટ્ટરપંથી ટોળાએ મંદિર ધ્વસ્ત કરી નાંખેલું.
 
મહારાજા રણજિતસિંહ અને વીરભગતસિંહનું અપમાન
 
હિન્દુ ધર્મસ્થાનો પર થતા હુમલાઓની ઘણી બધી વિગતો લખી શકાય તેમ છે, પણ પાકિસ્તાનમાં સ્થપાયેલા બે મહાન વ્યક્તિઓના પ્રતિમાઓ જ્યારે દ્વેષપૂર્વક તોડવામા આવે ત્યારે હૃદય વલોવાઈ જાય છે. આ બે મહાપુરુષોના નામ છે - મહારાજા રણજિતસિંહ અને વીર ભગતસિંહ.
 
પાકિસ્તાનના ગુજરાનવાલામાં જન્મેલા અને પાકિસ્તાનના લાહોરના કિલ્લામાં જેમનો રાજ્યાભિષેક થયો હતો, જેમણે લાહોરને પોતાના રાજ્યની રાજધાની બનાવી હતી, અફઘાનિસ્તાનના પેશાવર શહેર સુધી જેમણે પોતાની આણ ફેલાવી હતી તેવા શીખ સામ્રાજ્યના સ્થાપક મહારાજા રણજિતસિંહની ૯ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા લાહોર શહેરમાં સ્થપાઈ હતી. અખંડ ભારત માટે ગૌરવશાળી પ્રતિક તરીકે સન્માન આપી શકાય તેવી આ પ્રતિમા હતી. છતાં પાકિસ્તાનના ધર્મજનૂનીઓએ આ મૂર્તિને ૧૭ અૉગસ્ટ ૨૦૨૧ના દિને એકવાર નહીં પણ ત્રણ-ત્રણ વાર ખંડિત કરી. એટલું જ નહીં, પણ તે ઉપરાંત મહારાજાની પ્રતિમાને તેમના ઘોડા ઉપરથી ભોંયભેગી કરતી વખતના દૃશ્યનો વિડિયો પણ પ્રસારિત કરી આ વીરપુરુષની હાંસી ઉડાડવામાં કસર રાખી ન હતી.
 
તેનાથી પણ ઘૃણાસ્પદ વ્યવહાર પાકિસ્તાનીઓએ વીર શહીદ ભગતસિંહ ચોકના નામાભિધાન સમયે કરેલો. પાકિસ્તાનના લાયલપુરની ધરતી પર જન્મેલા આ ક્રાંતિકારીએ બ્રિટિશરાજ વિરુદ્ધ ક્રાંતિ કરેલી, તેથી તેમને ફાંસીના માંચડે લટકાવી દીધેલા. તેઓ પાકિસ્તાનની ધરતી પર જન્મેલા હોવાથી લાહોરના એક ચોકનું નામ શહીદ ભગતસિંહ ચોક રાખવા નિમિત્તે જ્યારે ત્યાં પ્રયાસ થયો અને લાહોરની કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે વકીલોએ દલીલ કરેલી કે ભગતસિંહ ક્યારેય ફ્રીડમ ફાઈટર ન હતા. બ્રિટિશ પોલીસ અધિકારીની હત્યા કરવા બદલ તેમને ફાંસીએ લટકાવવામા આવેલા. માટે ભગતસિંહ સ્વાતંત્ર્ય સેનાની નહીં, પણ ત્રાસવાદી (Terrorist) હતા. અને આ દલીલને માન્ય રાખી લાહોર કોર્ટના જજ શમ્સ મહેમુદે નામાભિધાનની અરજી રદ કરી દઈ ભારતના આ સપૂતનું હાડોહાડ અપમાન કરેલું. તેનાથી વધારે અપમાન જ્યારે ૧૯૭૧માં ભારત-પાક યુદ્ધ બાંગ્લાદેશ નિમિત્તે ચાલુ થયું ત્યારે શહીદ ભગતસિંહના દાહસ્થળે આવેલા તેમના મેમોરિયલને કટ્ટરવાદીઓએ તોડવાના પ્રયાસો કરેલા અને વીર ભગતસિંહની મૂર્તિ પણ ખંડિત કરેલી.
 
પ્રત્યેક ક્ષણે હિન્દુને અપમાનિત કરવાનો પ્રયાસ ત્યાં થતો રહ્યો છે. મોગલ સમયમાં ભારતમાં હિન્દુઓ ઉપર જજિયાવેરો નાખવામાં આવેલો તે આપણને ખબર છે. જજિયાવેરો એટલે જીવતા રહેવા માટે ભરવો પડતો ટેક્સ. પણ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે, પાકિસ્તાનમાં હિન્દુ, ખ્રિસ્તી અને શીખોને જજિયાવેરો ભરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. ખીણમાં લઘુમતિ હિન્દુઓ, ખ્રિસ્તીઓ એ શીખો પર વ્યક્તિદીઠ એક વર્ષના ૧૦૦૦ રૂપિયાનો જજિયાવેરો ત્યાંની સરકારે નહીં, પણ લશ્કરે ઇસ્લામ નામના કટ્ટરવાદી જૂથે લાદ્યો હતો. આના વિરોધમાં શીખોએ સ્થળાંતર કરીને ગુરુદ્વારામાં આશરો લીધો હતો. આ ઘટના જૂન, ૨૦૦૯માં બની હતી.
 
પાકિસ્તાનના પખ્તુન્વામાં હિન્દુ અને શીખોને અંતિમ ક્રિયા માટે પેશાવરથી ૧૦૦ કિલોમીટર દૂર જવાની ફરજ પડતી. તેઓ પેશાવરમાં અંતિમ સંસ્કાર કરી શકતા ન હતા. ખૂબ કાલાવાલા બાદ ૨૦૨૩માં નૌશેરા અને કોલ્હટમાં જગા આપવામાં આવી.
 
દિનેશને બદલે દાનિશ
 
દિનેશ પ્રભાશંકર કનેરિયા પાકિસ્તાની ક્રિકેટ ટીમનો અચ્છો ખેલાડી. ૨૦૦૫માં ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ દિનેશને કારણે જ જીતાઈ હતી તેવો એકરાર પાક.ના ઝડપી બોલર શોએબ અખ્તરે કરેલો, છતાં પાકિસ્તાનના કોઈ ક્રિકેટર તેની સાથે એક ટેબલ પર જમવા બેસતા નહીં. એટલું જ નહીં, પાક. ક્રિકેટરોના દબાણને કારણે દિનેશને પોતાનું નામ દાનિશ રાખવું પડેલું. કારણ કે દાનિશ ઇસ્લામિક નામ લાગે છે. એકવાર તો એવી ઘટના બનેલી કે, બકરી ઈદના દિવસે બકરો ન મળવાથી સિંધમાં કેટલાક તોફાનીઓએ ત્રણ ગરીબ હિન્દુઓને હલાલ કરી નાંખ્યાની ઘટના પણ ચર્ચાયેલી.
 
પ્રેમચંદજીના કોફિન પર`કાફિર' લખાયું
 
તાજેતરમાં ગુજરાત - અમદાવાદમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટના જેવી જ દુર્ઘટના અૉગસ્ટ, ૨૦૧૦માં પાકિસ્તાનમાં બનેલી. ઇસ્લામાબાદથી એક વિમાન કરાંચી જઈ રહ્યું હતું. ખરાબ હવામાનને કારણે વિમાન પહાડોમાં તૂટી પડેલું. જેમાં ૧૫૨ યાત્રિકોનાં કરુણ મૃત્યુ થયેલાં. મૃત યાત્રિકોનાં શબોનાં કૉફીન તેમના પરિવારજનોને સોંપાતાં હતાં. આ દુર્ઘટનામાં ત્યાંના લોકપ્રિય હિન્દુ નેતા પ્રેમચંદજીનું પણ મૃત્યુ થયેલું. જ્યારે કૉફીન સોંપાતાં હતાં ત્યારે કૉફીનો પર મૃતકોનાં નામ લખાતા હતા. પણ હિન્દુ નેતા પ્રેમચંદજીના કૉફીન પર `કાફિર' શબ્દ લખાયો હતો. `કાફિર' શબ્દ પણ કાળા અક્ષરે લખાયા હતા. શું હિન્દુ હોવાના કારણે પ્રેમચંદજી કાફિર બની ગયા? તો કાલીમાતા મંદિરના મહંત અને આદરપાત્ર હિન્દુ નેતા લક્કીચંદ ગરજી જેઓ ૮૨ વર્ષના વૃદ્ધ હતા, તેમનું ડિસેમ્બર ૨૦૧૧માં અપહરણ કરાયેલું. દુર્ભાગ્યે તેઓ આજે પણ લાપતા છે. ૨૦૧૦ના મે માસના માત્ર ૬ દિવસોમાં જ ૫૭થી વધુ હિન્દુઓને મુસ્લિમ બનવું પડ્યું. આ તમામ પંથ પરિવર્તિત લોકો સિયાલકોટના હતા. કટ્ટરવાદીઓના ત્રાસથી બચવા તથા રોજગારી મેળવવા અને પોતાની સંપત્તિ બચાવવા તેઓને મુસ્લિમ બનવું પડેલું. આ સમાચાર ૩૦ મે, ૨૦૧૦ના `સંદેશ'માં પણ છપાયા હતા.
 
અલબત્ત હિન્દુઓ પાકિસ્તાન પ્રત્યે આદરભાવ અને પ્રેમ બતાવવામાં પાછા પડ્યા ન હતા. હિન્દુઓ પ્રત્યે વિશ્વાસ ઊભો કરવા માટે સિંધમાં એક પ્રયોગ કરવામા આવેલો. સિંધની હિન્દુ કાઉન્સિલે દિનાંક ૧૪-૧૧-૨૦૧૧ના દિને સમૂહલગ્નનો કાર્યક્રમ કરેલો. આ લગ્ન સમારંભમાં હિન્દુઓએ પાકિસ્તાન પ્રત્યેની નિષ્ઠા જાહેર કરતાં કહેલું કે, `અમે પાકિસ્તાનને સમૃદ્ધ રાષ્ટ્ર જોવા માગીએ છીએ.' હિન્દુઓએ આવા સામાજિક પ્રસંગોમાં પોતાની પાકિસ્તાન પ્રત્યેની પ્રતિબદ્ધતા સામૂહિક રીતે ઘોષિત કરી હતી, છતાં પણ હિન્દુઓને પાકિસ્તાનમાંથી ભાગવું પડી રહ્યું છે.
 
ધારાસભ્ય રામસિંહ ભાગ્યા
 
પાકિસ્તાનના સિંધ પ્રાન્તના હિન્દુ ધારાસભ્ય રામસિંહ સોઢીએ પાકિસ્તાન છોડી ભારત ભાગી આવવું પડ્યું છે. તેમને સતત કટ્ટરપંથીઓની ધમકી મળતી હતી અને પોલીસ તેમનો બચાવ કરી શકતી ન હતી, તેથી તેઓ ૨૦૧૧માં ભારત ભાગી આવ્યા અને ભારતમાંથી તેમણે પોતાનું ધારાસભ્ય તરીકેનું રાજીનામું પાકિસ્તાનની સરકારને મોકલી આપ્યું હતું. જે મંજૂર પણ થઈ ગયું હતું. રામસિંહ PPPના ઘટક પક્ષના સભ્ય હતા. (દિ. ૩૦-૧-૨૦૧૧)
 
મૃત્યુ પસંદ કરતા આ હિન્દુઓ
 
આવી ઘટનાઓથી ડરીને કચ્છની સરહદને અડીને આવેલા પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ, દલિતો, આદીવાસીઓ આત્મહત્યા કરવા તરફ વળ્યા છે. આવી આત્મહત્યાઓની ઘટનાઓના સમાચાર પાકિસ્તાનમાં બહોળો ફેલાવો ધરાવતા `ડૉન' દૈનિકમાં પણ છપાયા હતા. આ સમાચાર મુજબ સન-૨૦૨૨માં વિશેષ કરીને કોળી, દલિત, મેઘવાલ, આદીવાસી તથા ગરીબ હિન્દુઓ ત્રાસીને આત્મહત્યા કરવા તરફ વળ્યા હતા. ૨૦૨૨માં પ્રગટ થયેલા સમાચાર મુજબ ૧૨૬ હિન્દુઓએ આત્મહત્યા કરી હતી. જેમાં ૫૬ પુરુષો અને ૭૦ મહિલાઓ હતાં. આનાથીય વધારે કંપાવી નાખે તેવા સમાચાર એ હતા કે ૧૨૬ મૃતકોમાંથી ૫૦ લોકો ૧૫-૨૦ વર્ષના (નવલોહિયા તરુણો હતા), જેમને હવે પાકિસ્તાનમાં પોતાનું ભવિષ્ય ડરામણું અને નિરાશાજનક દેખાતું હતું. અને ૬૩ લોકો એવા હતા, જેઓ પોતાના કુટુંબનો એક માત્ર આધાર હતા. એનો અર્થ એમ થયો કે, ઉગતી યુવાન પેઢીને પોતાના પર થતા ત્રાસને કારણે જીવવા કરતાં મૃત્યુ વધારે પસંદ હતું.
 
ત્રાસદાયક પરિસ્થિતિ તો આગળ ચાલે છે. આ વિસ્તારમાં રોજે રોજ યુવકો ભેદી રીતે ગુમ થઈ જતા હતા અને અત્યારે પણ ગુમ થઈ રહ્યા છે, પણ આવી ઘટનાઓ સામે કોઈ અવાજ ઉઠાવે તો તેમને જેલભેગા કરી દેવામાં આવે છે. વાચક મિત્રોને જણાવવાનું કે, ઉપરોક્ત સમાચારો ૩ જાન્યુઆરી, ૨૦૨૩ના દિવ્ય ભાસ્કરમાં પણ છપાયા હતા.
 
એક વધુ ચોંકાવનાર સમાચાર એ છે કે, કચ્છની સરહદને અડીને આવેલા પાકિસ્તાનના હિન્દુઓ ત્રાસીને આત્મહત્યા કરી રહ્યા છે. સન ૨૦૨૨માં આ પ્રદેશોમાં ૧૦૦થી પણ વધારે થુરી હિન્દુઓએ આત્મહત્યા કરી છે.
 
પાકિસ્તાનમાં સરહદ પર રહેતા આદીવાસી, દલિત અને ગરીબ હિન્દુઓ પર ગુજારાતા ત્રાસના સમાચાર ભારતના વર્તમાનપત્રોમાં પણ છપાયા હતા. સમાચાર મુજબ ૨૨ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ અટારી બોર્ડર પર ૫૦ પાકિસ્તાની ભીલ જેમાં ૧૮ પુરુષો, ૧૮ મહિલાઓ અને ૧૪ બાળકો હતા. તેઓ જોધપુર જવા માટે રવાના થયા. પણ માર્ગ ભુલી જવાથી તેઓ પોતાના વાહનો સાથે બજ્જુ નામના પ્રતિબંધિત વિસ્તારમાં જઈ ચઢ્યા. સીમારક્ષકોએ તેમને આગળ વધતા અટકાવ્યા. તેમની પાસે પાકિસ્તાની નાગરિકના અને પાંચ વર્ષના ધાર્મિક વિઝાના કાર્ડ પણ હતા. સીમા રક્ષકોએ કડક પૂછપરછ કરી તો આ લોકોએ પાકિસ્તાનમાં અનુભવાતી તેમની વેદના રડતાં રડતાં વર્ણવી. તેમની ટોળીના મુખ્ય માણસે પાકિસ્તાનમાં તેમના પર થતા અત્યાચારોની વ્યથા-કથા વર્ણવતાં બોલેલા કે, `હવે અમારે પાકિસ્તાન નથી જવું, મરી જઈએ તો પણ નહીં. મરીશું તો અહીં જ મરીશું.'
 
ભારતમાં આશરો મળે તે માટે કાલાવાલા કરતા અને જીવવાને બદલે મૃત્યુ પસંદ કરતા આપણા આ લાચાર બંધુઓ માટે આપણી પાસે શો ઉત્તર છે?
 
***
 
(લેખકશ્રી `સાધના'ના ટ્રસ્ટી છે.)

શ્રી સુરેશભાઈ ગાંધી

  • શ્રી સુરેશભાઈ ગાંધી વર્ષ ૨૦૦૮થી સાધનાના ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે.
  • મૂળ વતન વડાલી, જિલ્લો - સાબરકાંઠા, ૨૦૦૨થી કર્ણાવતીમાં નિવાસ.
  • જન્મ તારીખ - ૨૬-૦૬-૧૯૪૨
  • ૧૯૬૯થી સંઘના સ્વયંસેવક છે.
  • અભ્યાસ - એમ.એ, બી.એડ, ડીટીસી.
  • નિવૃત આચાર્ય - ૨૦૦૦
સંઘમાં જિલ્લા કાર્યવાહ, વિભાગ કાર્યવાહ અને છેલ્લે પ્રાંત બૌધિક પ્રમુખની જવાબદારી નીભાવી. ઉપરાંત તેઓ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે.