સ્વદેશી અપનાવો, રાષ્ટ્રને સર્વ શ્રેષ્ઠ બનાવો.. વિદેશી ચીજ-વસ્તુઓનો બહિષ્કાર કરીએ....

સ્વદેશી અપનાવો, રાષ્ટ્રને સર્વ શ્રેષ્ઠ બનાવો.. આ આપણું દાયિત્વ છે.. જે તે સમયની આપણા દેશની આંતરિક તેમજ આંતરરાષ્ટ્રીય સ્થિતિ-પરિસ્થિતિને વશ ભારતે એક દેશ તરીકે WTOનું સદસ્યપદ સ્વીકાર્યું હશે.

    ૧૮-ઓગસ્ટ-૨૦૨૫   
કુલ દૃશ્યો |

made-in-india-swadeshi-vishe-mahiti
 
 
विश्व विजय कर के दिखलावे
तब होवे प्रण पूर्ण हमारा, झंडा ऊंचा रहे हमारा
 
 
મહાભારત વખતે રણભૂમિ મધ્યે શ્રીકૃષ્ણનું સહસ્ત્ર સૂર્યોનું મહાતેજ પ્રગટ થતાંવેંત અર્જુનની મનઃસ્થિતિ બદલાઈ, તે વિષાદ ખંખેરીને વિજય માટે કૃતનિશ્ચયી બન્યો. બસ એ જ રીતે હાલના આ આર્થિક યુદ્ધના મહાભારતમાં જનતા જનાર્દનનું - વિરાટ - ૧૪૦ કરોડ જન-જનના સ્વદેશી-વ્રતનું મહાતેજ, અહંકારી, કપટી, રાક્ષસી શક્તિઓને ઘૂળ ચાટતું કરી શકે છે. મા ભારતી પ્રતિક્ષા કરી રહી છે- આપણે સૌ વ્રત ધારણ કરીએ! વિશ્વવિજય માટે આપણા પ્રણને પૂરું કરવામાં `સ્વદેશી' શક્તિ પર્યાપ્ત છે. ઑપરેશન સિંદૂર સાક્ષી છે.
 
ટેરિફ વૉર દ્વારા ભારતની અર્થવ્યવસ્થાને તબાહ કરવાની સ્થિતિ આપણી સામે છે. આપણે હવેથી જ્યારે કરિયાણું, ઘરનું રાચરચીલું, કોસ્મેટિક-શ્રૃંગાર-પરિધાન, રમકડાં, વાહનો, ઉપકરણો વગેરે તમામની ખરીદી કરીએ ત્યારે સાવધાન બનીએ. ભલેને કદાચ સ્વદેશી ચીજવસ્તુઓ નબળી ગુણવત્તા ધરાવતી હોય તો પણ દેશને સબળ બનાવવા ખાતર સ્વદેશીની જ ખરીદી કરીએ. વિદેશી ચીજ-વસ્તુઓનો બહિષ્કાર કરીએ.
 
સ્વદેશી અપનાવો, રાષ્ટ્રને સર્વ શ્રેષ્ઠ બનાવો.. આ આપણું દાયિત્વ છે.. જે તે સમયની આપણા દેશની આંતરિક તેમજ આંતરરાષ્ટ્રીય સ્થિતિ-પરિસ્થિતિને વશ ભારતે એક દેશ તરીકે WTOનું સદસ્યપદ સ્વીકાર્યું હશે. ત્યારથી દેશ અમુક આર્થિક નિયમોથી બંધાયેલો છે.. હા, પણ આપણે એક વ્યક્તિ તરીકે કોઈથી બંધાયેલા નથી. વળી આપણે માત્ર એક દેશ નથી, તેનાથી પણ આગળ વધીને આપણે એક રાષ્ટ્ર છીએ. એક રાષ્ટ્ર તરીકે, એક જન (એક સમાજ) તરીકે આપણે સદૈવ સ્વાયત્ત-સ્વતંત્ર-સ્વાવલંબી છીએ, આ જ કારણથી આપણે સનાતન છીએ. સ્વાવલંબન કહો કે આત્મનિર્ભરતા આ બંનેના મૂળમાં છે- `સ્વદેશી'.
 
वंदे मातरम्‌ના ૧૫૦મી જન્મજયંતીના વર્તમાન વર્ષમાં वंदे मातरम्‌ સ્મરણપટ પર આવે એટલે બંગભંગ આંદોલન સાથે સાથે સ્વદેશીનું આંદોલન યાદ આવે, જે આપણે લાલ-બાલ-પાલના નેતૃત્વમાં લડ્યા હતા. સ્વાતંત્ર્ય પછી વિશ્વ બેંકના દબાણમાં ૧૯૬૫માં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ વિભાજન બાબતે સમજૂતી થઈ, જે રાજનૈતિક સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછીની દેશની આર્થિક પરતંત્રતાને દર્શાવે છે. આર્થિક પરતંત્રતાની આ ઘટના અને કુલ મળીને પરતંત્રતાથી ભરેલી તે વખતની કુલ માનસિકતા (ઉદા. તે સમયે ભારતમાં વિશ્વનો સર્વોચ્ચ ૯૭.૫%વાળો દેશની ઉદ્યમિતાને અવરોધતો ઇન્કમટેક્ષનો દર) જોતાં ૧૯૮૨માં `આર્થિક સ્વતંત્રતા માટેની બીજી લડાઈ' લડવી પડશે તેવું વરિષ્ઠ સંઘ-પ્રચારક દત્તોપંત ઠેંગડીજીએ આહ્વાન કર્યું. ૧૯૮૪માં ABVPના મુંબઈના અધિવેશનમાં પણ સ્વદેશી અને આર્થિક સંગ્રામની વાત થઈ. સર્વત્ર સ્વદેશી મંત્ર પુનઃ ગુંજાયમાન થવા લાગ્યો.
 
૨૨ નવેમ્બર, ૧૯૯૧ના રોજ સ્વદેશી જાગરણ મંચનો પ્રારંભ થયો. પછી તો `આર્થિક સ્વતંત્રતા માટેની બીજી લડાઈ' શબ્દપ્રયોગ અને તેના આધારે એક તાજો વિચાર દેશભરમાં ચાલ્યો. ૧ ઓગસ્ટ, ૧૯૯૧થી મનમોહનસિંહે નવી આર્થિક નીતિઓની ઘોષણા કરી. ૨૬૦૦ ટન સોનું ગીરવે મુકવાનો વારો આવ્યો. ૨૦૧૪માં નવી સરકાર આવી. આર્થિક ઉન્નતિનો ક્રમ શરૂ થયો. સ્વદેશી મૂલ્યોના આધારે ભારતની આર્થિક ગાડીએ જોરદાર ઝડપ પકડી. તાજેતરમાં પહેલગાંવમાં ટેરરિઝમથી ભારતને ડરાવવાનો પ્રયત્ન વિફળ થયો. પાકિસ્તાન, જેનાં શસ્ત્રોના ભરોસે કૂદતું હતું તે પાંગળા શસ્ત્રો બ્રહ્મોસ સામે નતમસ્તક થયાં અને વિદેશી તાકાતો હેબતાઈ ગઈ. એ તાકાતોને ભારતનો ઉપરોક્ત વિજય પચ્યો નહિ એટલે જગત જમાદારે કહેવાનું શરૂ કર્યું કે, મેં યુદ્ધવિરામ કરાવ્યો છે. આ અસત્યને ભારતે નકારી દીધું. અહંકારી શક્તિઓ રઘવાઈ થઈ. ટેરરની રણનીતિ નિષ્ફળ જતાં ટેરિફ-ટેરર શરૂ કર્યો. સ્વદેશીના જીવનમૂલ્યને હવે સામાજિક જીવનમૂલ્ય તરીકે પુનઃપ્રસ્થાપિત કરવાનો સમય પાકી ગયો છે. સ્વદેશી જીવનમૂલ્યના આધારે જન-જનની ત્યાગ-બલિદાનની ભાવના ઉત્પન્ન થાય તેવું લોકજાગરણ શરૂ કરવું એ સમયની માંગ છે. કેટલીક વિદેશી ચીજવસ્તુઓના વિકલ્પ તરીકે સ્વદેશી ચીજ-વસ્તુઓ કદાચ ઉતરતી ગુણવત્તાની પણ હોય, છતાં તેને અપનાવવી તે એક જાતનો ત્યાગ છે. આપણી મા એ આપણી મા છે, કદાચ દેખાવે સુંદર ન પણ હોય, પરંતુ માત્ર તેના જ હૈયે આપણું કલ્યાણ વસેલું હોય છે. વાસ્તવમાં તે આપણા અસ્તિત્વની ઓળખ છે, અસ્તિત્વનો આધાર છે.
 
ટેરિફના ટેરર સામે લડવા `સ્વદેશી' એક આર્થિક બ્રહ્મોસ સાબિત થવાનું છે. મળતી માહિતી અનુસાર એમેઝોનને પ્રત્યેક દિવસે ૬૦ લાખ ભારતીયો ઓર્ડર કરે છે. પ્રત્યેક ઓર્ડર પર રૂ. ૧૦૦/-ની કમાણી માનીએ તો એક વર્ષની કમાણી રૂ. ૨,૧૯,૦૦,૦૦,૦૦,૦૦૦ એમેજોનને મળતી બંધ થાય ત્યારે? આ એક ઉદાહરણ માત્ર છે જો તમામ વિદેશી કંપનીઓને આપણે ઓર્ડર આપવાના બંધ કરીએ તો?
 
બનો રાષ્ટ્રનો ધર્મ સ્વદેશી, વૈભવ મંત્ર સ્વદેશી
સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી, હો યુગધર્મ સ્વદેશી

શ્રી ભાનુભાઈ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.