સ્વતંત્રતા મળી એ પહેલાની વાત છે. અંગ્રેજો પોતાને દરેક કક્ષાએ ભારતીયોથી ચડિયાતા સાબિત કરવા ભારતીયોને અપમાનિત કરવાની એકપણ તક છોડતા નહીં.
એક ભોજન સમારંભમાં અંગ્રેજોના વખાણ કરતાં એક અંગ્રેજે કહ્યું, `ઇશ્વર અમને અંગ્રેજોને ખૂબ ચાહે છે. એમણે અમારું નિર્માણ ખૂબ જ મહેનત અને પ્રેમથી કર્યું છે. એ કારણે જ અમે ગોરા અને સુંદર છીએ.'
એ સમારંભમાં ડૉ. રાધાકૃષ્ણન્ પણ ઉપસ્થિત હતા. એમને આ વાત ન ગમી. એટલે એમણે હાજર રહેલા મિત્રોને એક મજાકનો પ્રસંગ કહ્યો.
`દોસ્તો, એકવાર ઇશ્વરને રોટલી બનાવવાનું મન થયું. એમણે જે પહેલી રોટલી બનાવી તે જરા ઓછી શેકાઈ પરિણામે, અંગ્રેજોને જન્મ થયો. બીજી રોટલી કાચી ન રહે તેથી ભગવાને એને વધુ વાર શેકી અને તે બળી ગઈ. એમાંથી નિગ્રો લોકો પેદા થયા. પણ આ વખતે ભગવાન સચેત બની ગયા. તે ધ્યાનથી રોટલી શેકવા લાગ્યા. આ વખતે જે રોટલી શેકાઈ તે ન તો વધુ કાચી હતી કે ન વધુ પડતી શેકાયેલી. બરાબર શેકાયેલી હતી અને એના પરિણામ સ્વરૂપ આપણા ભારતીયોનો જન્મ થયો.'
રાધાકૃષ્ણન્ના આ જવાબથી અંગ્રેજોની બોલતી બંધ થઈ ગઈ.