મહાભારતના યુદ્ધમાં અર્જુન અને કર્ણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. કર્ણ રથ ઉપરથી ઊતરીને રથનું પૈડું કાઢવા પ્રયત્ન કરી રહ્યા હતા. તે સમયે અર્જુને ધનુષ્ય પર બાણ ચઢાવીને રાખ્યું હતું. કર્ણે અર્જુનને કહ્યું, તમે કાયરની માફક વ્યવહાર કરશો નહીં. હથિયાર વિનાની વ્યક્તિ ઉપર પ્રહાર કરવો તમારા જેવા યોદ્ધાને શોભતું નથી. મને રથનું પૈડું કાઢવા દો, પછી હું તમારી સાથે યુદ્ધ કરીશ. થોડા સમય માટે રોકાઈ જાઓ.
આ વાત સાંભળીને શ્રીકૃષ્ણે કહ્યું કે, જ્યારે કોઈ અધર્મી વ્યક્તિ મુસીબતમાં ફસાઈ જાય છે ત્યારે તેને ધર્મની યાદ આવવા માંડે છે. જ્યારે રમતના મેદાનમાં વિશ્ર્વાસઘાત થયો ત્યારે કોઈએ ધર્મને ટેકો આપ્યો નહોતો. વનવાસ પછી પણ પાંડવો દ્વારા તેમનું રાજ્ય પાછું ન આપવું, માત્ર ૧૬ વર્ષના એકલા અભિમન્યુને ઘણા યોદ્ધાઓએ ઘેરીને મારી નાંખ્યો તે પણ ખરાબ બાબત હતી. તે સમયે કર્ણનો ધર્મ ક્યાં હતો ?
શ્રીકૃષ્ણના શબ્દો સાંભળીને કર્ણ નિરાશ થયા. શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે, ‘તમે રાહ જોયા વિના તીર ચલાવો. કર્ણને ધર્મ વિશે વાત કરવાનો કોઈ અધિકાર નથી. તેણે હંમેશાં ખોટાં કામો (અધર્મ)નો જ સાથ આપ્યો છે.’
કૃષ્ણની વાત ધ્યાનમાં લીધા પછી અર્જુને તરત જ કર્ણ પર હુમલો કર્યો. પછી શ્રીકૃષ્ણે કર્ણની દાનવીરતાની પણ પ્રશંસા કરી હતી. કર્ણે હંમેશા દુર્યોધનની અધાર્મિક પ્રવૃત્તિઓમાં મદદ કરી હતી, તેથી જ તે અર્જુનના હાથે માર્યો ગયો હતો.
આ પ્રસંગનો ભાવાર્થ એ છે કે, જો આપણે ધર્મને સાથ સહકાર આપતા નથી તો ધર્મ પણ આપણું રક્ષણ નહીં કરે. તેથી જ ખોટાં કાર્યો ટાળવાં, અન્યથા જીવનમાં સુખ ક્યારેય નહીં મળે.