દિલ્હીમાં પોલીસને ભાગે અચાનક (૧) કૂતરાંને પકડવાનું અને (૨) વિપક્ષના નેતાઓની ધરપકડ કરવાનું, એવાં બે કામ આવી ગયાં.. આ બેમાંથી કયું કામ સરળ હતું?
(૧) કૉર્ટનો આદેશ હતો તેથી રસ્તા પરનાં કૂતરાંને પોલીસ પકડી રહી હતી ત્યારે કેટલાંક લોકો કૂતરાંના પક્ષે રહીને પોલીસ સામે સંઘર્ષમાં આવી ગયેલાં.
(૨) બિહારમાં ચાલી રહેલ SIRના વિરોધમાં વિપક્ષ પણ રસ્તા પર આવી ગયેલો. ચૂંટણી પંચના કાર્યાલય જતાં પોલીસે ધરપકડ કરી. ઉપરોક્ત (૧)વાળા કામની સરખામણીમાં અહીં પોલીસને ખાસ્સી રાહત હતી, કારણ કે અહીં તેમના પક્ષે રહીને પોલીસ સામે સંઘર્ષમાં આવનારું કોઈ નહોતું!
ઉપરોક્ત ઘટનાક્રમોમાં સહજ સર્જાયેલી નિર્દોષ મજાકમાં એક કોરી છતાં નક્કર સચ્ચાઈ સપાટી પર આવી.
બિહારમાં બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓની મોટાપાયે ઘૂસણખોરી થયેલી છે. આ ઘૂસણખોરોએ પોતાના મતદાર કાર્ડ પણ બનાવી દીધેલાં. આથી ત્યાં ચૂંટણી પંચે `SIR' અંતર્ગત અભિયાન ચલાવીને લાખો મતદારોને રદ્દ કરી દીધાં. જેની આ મતબેંક હતી તેવા રાજકીય પક્ષોના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક હતું. તેથી ન્યાયાલય ગયા, પરંતુ ન્યાયાલયે `SIR'ની કામગીરીને બંધ ન થવા દીધી. તેથી હવે તેને રોકવા `મતચોરી'ના નામે હોબાળો શરૂ કર્યો. ચૂંટણીપંચ પર આરોપો લગાવી કૃત્રિમ ગરમાહટ દેખાડવા માટે કોઈ પણ હદે જવામાં વિપક્ષની વિવેકબુદ્ધિહીનતા પર ચૂંટણી પંચે હવે કડક વલણ અપનાવવું પડ્યું છે. મનઘડંત મુદ્દા ઊભા કરીને અરાજકતા ફેલાવવામાં વામપંથ કુખ્યાત છે. વામપંથી દોરીસંચારથી ચકરાવે ચઢેલી કોંગ્રેસ; ન્યાયાલય અને ચૂંટણીપંચ જેવા લોકશાહીના આધારસ્તંભો પર કાદવઉછાળ કરી રહી છે. હમણાં જ આપણી સેનાનું અપમાન કરતાં વેણ કાઢવા બદલ સર્વોચ્ચ ન્યાયાલયે જ્યારે રાહુલ ગાંધીને ગુનેગાર ઠેરવતાં કહ્યું કે, `અગર તમે સાચા ભારતીય હોત તો આવું ન કહેતા.' ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયને પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, `ન્યાયાલય એ નક્કી કરી શકતું નથી કે, સાચું ભારતીય કોણ છે', આ રીતે ન્યાયાલયનું અપમાન કરવાનું આમને કોઠે પડી ગયું છે.
તાજેતરમાં જ્યારે કોંગ્રેસ મતચોરી-મતચોરી કહીને એક ખોટો વિમર્શ ઉભો કરી રહી છે ત્યારે સોશીયલ મીડિયા તેની સામે નીચે મુજબનું દર્પણ ધરી રહ્યું છે. આ દર્પણમાં કોંગ્રેસને તેના નહેરુગાંધી પરિવારે જે મતચોરીના કાંડ કરેલા, તે જોવાનો વારો આવ્યો છે. અને આનાથી બેખબર નવી પેઢી પણ આ બધું તિકડમ જાણી રહી છે.
* પ્રથમ મતચોરીઃ પ્રથમ વડાપ્રધાને ૧૦૦%; હા, બિલકુલ ૧૦૦% મતચોરી કરેલી. સમ ખાવા પૂરતો ય એક પણ મત નહોતો મળ્યો છતાં પં. નહેરુ સરદાર પટેલના ભોગે વડાપ્રધાનપદે ચઢી ગયેલા. બીજો ભોગ બન્યા ડૉ. આંબેડકર, જેઓને બદલાની ભાવનાથી અપમાનિત કરવા માટે કપટથી હરાવવામાં આવેલા.
* દ્વિતીય મતચોરીઃ નહેરુગાંધી પરિવારનાં બીજાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તો ભ્રષ્ટાચાર (મહા મતચોરી) મુદ્દે હાઇકોર્ટે સરાજાહેર દોષી ઠેરવ્યાં, ચૂંટણી રદ્દ જાહેર કરી, ૬ વર્ષ માટે ઇન્દિરાજી ચૂંટણી નહીં લડી શકે તેવો ચૂકાદો આપ્યો, પરંતુ એ તો ત્યારે લાજવાના બદલે ગાજ્યાં અને આખા દેશ ઉપર જ કટોકટી ઠોકી બેસાડી. સડકથી લઈને સંસદ સુધી અવાજ ઉઠાવનાર સૌ નર-નારીઓ પર અમાનવીય અત્યાચારો ગુજારવામાં પાછું વળીને તેઓએ જોયું નહિ. હજારો નિર્દોષ લોકો જેલમાં સબડ્યાં, કેટલાંક તો કમોતે મર્યાં.
* તૃતીય મતચોરીઃ ઈટાલીયન સોનિયા ગાંધીએ ભારતની નાગરિકતાની અરજી રાજીવ ગાંધી સાથેના લગ્ન પછી લગભગ ૧૫ વર્ષે કરી. ૩૦ એપ્રિલ, ૧૯૮૩માં ભારતીય નાગરિકતા મળી, પરંતુ મતદારયાદીમાં નામ ચઢી ગયેલું ૧૯૮૦માં. તે ચોરી ૧૯૮૨માં પકડાઈ જતાં મતદાર યાદીમાંથી નામ હટાવવું પડેલું. આમ છતાં રીઢા ગુનેગાર તરીકે ફરીથી ચોરી કરવામાં આવી. ૧ જાન્યુઆરી, ૧૯૮૩માં ફરીથી નામ ચઢાવવામાં આવેલું.
* ચોરીઓ જ ચોરીઓઃ અગાઉ ચૂંટણીમાં ધૂપ્પલ ચલાવેલ હોય તેવાં અનેક પ્રકરણો આજે બહાર આવી રહ્યાં છે.
કોંગ્રેસને ૯૦ વાર ચૂંટણીમાં હાર અપાવનાર રાહુલ ગાંધીએ શરૂમાં EVM પર આરોપ મૂક્યા, કંઈ ઉપજ્યું નહીં, તેથી હવે સીધો ચૂંટણીપંચ પર મતચોરીનો આરોપ મૂકીને દેશની આધારભૂત બંધારણીય સંસ્થાઓ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. આમાં સહન કરવાનું કોંગ્રેસના ભાગે જ આવવાનું, કારણ કે અંતે તો આ નિમિત્તે કોંગ્રેસે આચરેલાં જથ્થાબંધ પાપો જ પ્રકાશમાં આવી રહ્યાં છે.