ગણેશ ચતુર્થી । વિઘ્નહર્તા વિશ્વેશ.. સંકટમોચન શ્રીગણેશ..આમ ગણેશ ચતુર્થીનો પ્રારંભ થયો….

ગૂગલ અટકી જાય ત્યાંથી ગણેશના જ્ઞાનનો આરંભ થાય છે. એમનું સ્વરુપ પ્રભાવક અને પ્રતિકાત્મક છે. ગણેશજીનું મોટું મસ્તક દર્શાવે છે કે, માણસે સારા વિચારો કરી વધારે શીખવું જોઈએ, વધારે જ્ઞાન મેળવી ભેગું કરી વિચારોની વિશાળતા કેળવવાનું સૂચવે છે.

    ૨૬-ઓગસ્ટ-૨૦૨૫   
કુલ દૃશ્યો |

all-about-ganesh-chaturthi-gujarati
 
 
ગણેશ ઉત્સવ હવે માત્ર મહારાષ્ટ્ર પૂરતો સીમિત નથી રહ્યો. સમગ્ર ભારતમાં એની ઉજવણી થાય છે. સંકટચોથ કરનારનું સંકટ હરે છે. શિવજીએ એમની નિષ્ઠા જોઇને સર્વ દેવોમાં શ્રેષ્ઠ હોવાનું પદ આપ્યું. ગણેશસ્થાપન એટલે કોઇપણ કાર્યની સફળ થવાની બાંહેધરી. આજે શુભકાર્યના પ્રારંભના પર્યાય તરીકે શ્રીગણેશ શબ્દ રૂઢ થઇ ગયો છે. ગણેશ સિક્યુરીટી સર્વિસ હોય તો કોઈ પણ અનિષ્ઠ આપણા આંગણે ફરકી શકે નહીં. મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચનાના લેખન માટે ગણેશને વિનંતી ત્યારે ગણેશજીએ કહ્યું, મારી એક શરત રહેશે કે, હું લખવાનું પ્રારંભ કરું પછી વચ્ચે જો વિરામ આવ્યો તો હું લખવાનું બંધ કરી દઇશ. વ્યાસજીએ આ શરત મંજૂર રાખી. ભાદરવા મહિનામાં ચતુર્થીના દિને ગણેશજીએ મહાભારત લખવાનો પ્રારંભ કર્યો હતો. આ લેખનકાર્ય ૧૦ દિવસ સુધી ચાલ્યું. એક આસન પર સતત ૧૦ દિવસ સુધી બેસી રહેવાથી શરીર પર માટીના થર જામી ગયા, શરીરનું તાપમાન પણ વધી ગયું છે. ત્યારે વેદ વ્યાસજીએ ગણેશજીને સરસ્વતી નદીમાં સ્નાન કરી શરીરને શાંત કરવા કહ્યું. આમ ગણેશ ચતુર્થીનો પ્રારંભ થયો.
 
ગૂગલ અટકી જાય ત્યાંથી ગણેશના જ્ઞાનનો આરંભ થાય છે. એમનું સ્વરુપ પ્રભાવક અને પ્રતિકાત્મક છે. ગણેશજીનું મોટું મસ્તક દર્શાવે છે કે, માણસે સારા વિચારો કરી વધારે શીખવું જોઈએ, વધારે જ્ઞાન મેળવી ભેગું કરી વિચારોની વિશાળતા કેળવવાનું સૂચવે છે. માનવે જીવનમાં સંકુચિતતા છોડી વિશાળ દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ. ગણેશજીના મોટા કાન સૂચવે છે કે આપણે વધુ સાંભળીએ અને મોંઢુ નાનું રાખીએ, મતલબ ઓછું બોલીએ. બોલીએ તેના કરતા સાંભળવાથી વધુ પ્રાપ્ત થાય છે.
 
પહેલા હું લગ્ન કરીશ, પહેલા હું લગ્ન કરીશ. એમ કાર્તિકેય અને ગણેશ વચ્ચે વિવાદ થયો. બંનેને બોલાવી શિવ-પાર્વતીએ વાતને ટાળવા કહ્યું કે, લગ્ન બાબતે એક શરત છે કે, જે આખી પૃથ્વીની પરિક્રમા કરીને પહેલો અહીં પહોંચશે એના પ્રથમ વિવાહ કરાશે. આ વાક્ય પૂર્ણ થતાની સાથે જ શરજન્મા મહાબલી કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા માટે નીકળી પડ્યા. અગાધ બુધ્ધિસંપન્ન ગણેશ ત્યાં જ ઊભા રહી વિચારવા લાગ્યા. અચાનક એના મનમાં એક વિચાર ઝબુક્યો. બે આસન તૈયાર કર્યાં. બંને પર માતાપિતાને બેસાડ્યાં અને એમનું પૂજન કર્યું.
 
પછી શિવપાર્વતીની સાત વાર પ્રદક્ષિણા કરી અને ગણેશે કહ્યું કે, મેં પૃથ્વીની પ્રદક્ષિણા પૂર્ણ કરી છે. હવે મારા લગ્ન કરાવો. શાસ્ત્રમાં કહેવાયું છે કે, જે પુત્ર માતાપિતાની પૂજા કરી પ્રદક્ષિણા કરે એને પૃથ્વી પરિક્રમાજનીત ફળ સુલભ થાય છે. જે માતાપિતાને ઘરે રાખીને તીર્થયાત્રાએ જાય છે એને પૂર્ણ પુણ્ય પ્રાપ્ત થતું નથી. માતાપિતાનાં ચરણોમાં જ આખી દુનિયા છે.
એક અસુરે મૂષક સ્વરૂપે પરાશર ઋષિના આખા આશ્રમને કોતરી નષ્ટ કર્યો. ઋષિઓએ ગણેશજીને મદદ માટે પ્રાર્થના કરી તો ગણેશજીએ પાશ ફેંકીને મૂષકને કેદ કર્યો. મૂષક બનેલા રાક્ષસે પસ્તાવો કર્યો અને એની વિનંતીથી ઉદાર એવા ગણેશજીએ તેને પોતાના વાહન તરીકે સ્વીકાર્યો. ભૂલ સ્વીકારે તો વિઘ્નહર્તા કોઈને પણ માફ કરી દે.
 
ગણેશના ભાઈ- શ્રી કાર્તિકેય, બહેન-સંતોષી (અમુક લોકો માને છે, પ્રમાણિત કરાયેલ નથી), પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.), પુત્ર- બે ૧. શુભ ૨. લાભ છે. એમનું પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ, પ્રિય પુષ્પ- લાલ રંગનાં, પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર, અધિપતિ- જલ તત્વના, પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ છે. ગણપતિનું વાહન ઉંદર છે. વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે.
 
ગણેશ ચતુર્થીનો પ્રારંભ થઇ ચુક્યો છે. ગણેશની વહાલભરી વંદના થશે. થવી જ જોઈએ. પણ સાથે સાથે માતા-પિતાનું પૂજન પણ કરજો. એમાં ગણેશજી પણ રાજી થશે. આપણી પરંપરા માત્ર એક વિધિ નથી, એમાં જીવન જીવવાનાં રહસ્યો છુપાયેલાં છે. રોજબરોજની બોઝિલ જિંદગીને હળવીફૂલ કરે છે. બ્લેક એન્ડ વાઈટ લાઈફને કલરફૂલ કરે છે, માતાપિતાની સેવા ન કરો તો ઈશ્વર પણ તમારી પૂજા સ્વીકારતો નથી. આખી જિંદગી માતા-પિતાને ન સાચવે અને મૃત્યુ બાદ એની પાછળ બારમા-તેરમામાં બહુ મોટો ખર્ચ કરે એનો કોઈ અર્થ નહીં.
 
 

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.