તંત્રીસ્થાનેથી । કટ્ટરતા અને હિંસા અંગે ભ્રમણા-દ્વિધા-મૌન ક્યાં સુધી?

`Religion"નો અનુવાદ `મઝહબ" કરીએ તો કંઈ ખોટું નહીં, આ બંને શબ્દો નખશિખ સેમેટિક છે. સેમેટિક હોવું એટલે કટ્ટરતાપૂર્વક એકમાં જ માનવું, એટલે કે Onlyવાળા હોવું!

    ૨૬-ઓગસ્ટ-૨૦૨૫   
કુલ દૃશ્યો |
 
edit-option-seventh-day-school
 
 
`ધર્મ' સમાવેશી છે, માટે ધર્મનો અનુવાદ અગર Religion કરીએ તો તે પૂર્ણ રીતે ભૂલભરેલો હોઈ ધર્મની મૂળભૂત વિભાવના જ ભ્રમણાગ્રસ્ત બને છે. ભારતીય વાંગ્મયમાં પ્રચલિત `બલિદાન' શબ્દનો અનુવાદ `કુરબાન' ન હોઈ શકે! ધર્મનિરપેક્ષતા કે પંથનિરપેક્ષતા, આ બંનેમાંથી સાચું શું? જુઓને, આ દ્વિધામાં પણ દેશ આખો ભ્રમિત છે.
 
વિવિધ ભિન્ન-ભિન્ન માર્ગે પણ.. (Also..) ઈશ્વરને પામી શકાય, તેવું માને તે હિન્દુ. આવો Alsoવાળો વિચાર આવતાંની સાથે વેદકાળની આ પ્રાર્થના યાદ આવે- ‘आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:’ (આખા વિશ્વમાંથી અમને શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત થાઓ). મિથ્યા રાષ્ટ્રવાદી કટ્ટરતા છોડીને શ્રેષ્ઠ વિચારો માત્ર ન મારા દેશમાં જ નહીં, પરંતુ આખા વિશ્વમાં સર્વત્ર છે, તેવી અહંશૂન્યતા સાથેની પ્રાર્થના ઈશ્વરને કરી શકવાની વિશાળતા હોય ત્યારે જ આવી દિવ્ય વિચારથી તરબોળ પ્રાર્થના મનમાં સ્ફૂરી શકે. આ પ્રાર્થનાનું ઉચ્ચારણ કરીને ભારતના ઋષિએ આપણા સર્વસમાવેશીપણાની વિલક્ષણતાનો પરિચય પ્રગટ કરેલો છે. માત્ર (Only) મારું જ સાચું છે, તેવું માનનારા સંકૂચિત લોકો આતંકવાદ સિવાય કશું જ આપી શકે નહીં. ગત લગભગ ૧૦૦૦ વર્ષની ગુલામીના સમયનો Onlyવાળો આતંકી ચિત્કાર આજે પણ ઈતિહાસનાં પાનાં ભરીને ખૂની ચિતારરૂપે ભર્યો પડ્યો છે.
જો પંથ-સંપ્રદાય માત્રને માત્ર ટીલાં-ટપકાં; એટલે કે `બાહ્ય દેખાવ'વાળા ક્રિયાકાંડકેન્દ્રિત થઇ જાય તો તે પોતાનું ગુરુત્વ ગુમાવી દે છે, ત્યારે અજ્ઞાનીઓ પર તે કથિત પંથ-સંપ્રદાયો પોતાની પકડ જમાવી દે છે, જો કે એવા પંથ-સંપ્રદાય; ધર્મવિહિન બની ગયેલા હોઈ; અંતે મૂળ હેતુથી ફંટાઈને નાશ પામે છે.
 
`Religion'નો અનુવાદ `મઝહબ' કરીએ તો કંઈ ખોટું નહીં, આ બંને શબ્દો નખશિખ સેમેટિક છે. સેમેટિક હોવું એટલે કટ્ટરતાપૂર્વક એકમાં જ માનવું, એટલે કે Onlyવાળા હોવું! તેથી એ જોવું રહ્યું કે, `Alsoવાળા પંથ-સંપ્રદાયો'; `Onlyવાળા Religion'નો રોલ ભજવવા ન બેસી જાય. Alsoવાળા બની રહેવા માટે સતત ચિંતન-મનન-મંથન સહિતનો સત્સંગ અતિ આવશ્યક છે.
 
વિચારોનું તળાવ સંભવ નથી. વિચારોની તો વહેતી નિર્મળ ધારા જ હોય. તળાવના બંધિયાર પાણીની દુર્ગંધ ક્યારેક અસહ્ય બની જતી હોય છે. કોઈ પણ પુસ્તક જ્યારે લખાય ત્યારે તેમાં તે વખતની સ્થિતિ અને સ્થળ-પરિસ્થિતિ વગેરે વગેરે નજરની સામે રહેતી હોય છે, પરંતુ સંસાર તો પરિવર્તનશીલ છે. તેથી જેમ જેમ.. સમય પસાર થતો જાય તેમ તેમ.. કોઈપણ પુસ્તકને કાળબાહ્ય (આઉટડેટેડ) થતું કોઈ જ રોકી શકતું નથી.
 
તો પછી યુગો-યુગો સુધી કાળબાહ્ય થાય જ નહીં, એવું પુસ્તક બનાવવું શક્ય છે? હા, શક્ય છે. અરે! ઉપલબ્ધ પણ છે. ઉદા. ઈશોપનિષદ. જરૂર છે ઋષિમુનિઓએ કરેલા ગૂઢ-સૂક્ષ્મ-ગહન વિચારને ઠીક રીતે સમજવાની. ક્યારેય પણ કાળબાહ્ય ન થાય તેવા આપણા જ્ઞાનના ભંડારમાં સનાતન ધર્મનું સ્વરૂપ જોવા મળે છે, જે સમયની થપાટોથી પર છે. સ્થાનનિરપેક્ષ હોઈ વૈશ્વિક છે. સર્વત્ર સમાનપણે સત્ય છે. આ જ્ઞાન-વિજ્ઞાનના આધારે મૂળભૂત રીતે ધર્મનાં બે સ્વરૂપોનો બને છે. એક શાશ્વત ધર્મનું સ્વરૂપ અને બીજું યુગધર્મનું સ્વરૂપ...
 
નામ પ્રમાણે `શાશ્વત ધર્મ' એટલે એવો ધર્મ જે શાશ્વત (સનાતન) હોય. આ ધર્મના સ્વરૂપવાળાં સત્યો, જે સમયનિરપેક્ષ હોવાનાં, જેમાં ગમે તેટલા યુગ પસાર થાય તો પણ કોઈ જ ફેરફાર જરૂરી જણાય જ નહીં. ઉદા. માનવીની ઉન્નતિ માટે ૫ (પાંચ) યમ અને ૫ (પાંચ) નિયમ, આ દશ બાબતો સનાતન છે.
 
`યુગધર્મ' એટલે માત્ર જે તે યુગ (કે યુગના કોઈક હિસ્સા) પૂરતો મર્યાદિત સમય માટેનો ધર્મ. આ ધર્મના સ્વરૂપવાળાં સત્યો, જે સમયસાપેક્ષ હોવાનાં, જેમાં યુગ કે તેનો ચોક્કસ હિસ્સો પૂરો થાય ત્યારે તેમાં ફેરફાર કરવો અનિવાર્ય બની જાય. અગાઉનાં સત્ય હતાં તે બધાં સત્યો કાળબાહ્ય (Irrelevant) બની જાય. મુગલોના હરમનો હિસ્સો ન બનવું પડે તે માટે જૌહર; એ જે તે યુગનો યુગધર્મ હતો. જૌહર આજે કાળબાહ્ય છે. વૈશ્વિક વૈમનસ્યતાની વચ્ચે વર્તમાનીય યુગધર્મ છે- `સ્વદેશી'. સ્વદેશી આપણી રાષ્ટ્રીય સંકલ્પના બની રહે!
 
અહિંસા એક ઉચ્ચ માનવીય મૂલ્ય છે. હિંસાને મુદ્દે દેશ આખો દ્વિધામાં છે. હમણાં કટ્ટરતાનો ભોગ સેવન્થ-ડે શાળાનો એક તેજસ્વી વિદ્યાર્થી બન્યો. તે કુરબાન થઈ ગયો. તેની કુરબાની થઈ કે તેની હત્યા થઈ? આનો જવાબ શું? શું ન્યાયશાસ્ત્રી - ન્યાયવિદો આ મુદ્દે નિર્ભય બની, મૌન તોડીને અહિંસાને વ્યાખ્યાયિત કરવાના કામમાં લાગી શકે???
 

શ્રી ભાનુભાઈ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.