કવર સ્ટોરી । ઝારખંડ સરકારની મેલી મુરાદ અટલજીની બાદબાકી, મતાંતરણનાં મધર... ટેરેસાને માથે ચડાવ્યાં

સમગ્ર જીવન હિન્દુઓનું ધર્માંતરણ કરનારા મધર ટેરેસાને ઝારખંડ સરકાર હજુ પણ સંત અને સેવામૂર્તિ તરીકે પ્રસ્થાપિત કરવાનું ષડયંત્ર કરીને, માત્ર તુષ્ટિકરણની રાજનીતિ રમી રહી છે.

    ૨૭-ઓગસ્ટ-૨૦૨૫   
કુલ દૃશ્યો |

mother-teresa
 

તુષ્ટિકરણ માટે બદનામ ઝારખંડની હેમંત સોરેન સરકારે અટલ મોહલ્લા ક્લિનિકનું નામ બદલીને વિવાદિત કથિત ઈસાઈ સંત મધર ટેરેસાના નામ પર `મધર ટેરેસા એડ્વાન્સ્ડ હેલ્થ ક્લિનિક' કરી દીધું છે. ઝારખંડ સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ નામ મધર ટેરેસા દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અપાતી સ્વાસ્થ્ય-સેવાઓ બદલ આપવામાં આવ્યું છે. પરંતુ મધર ટેરેસા દ્વારા સંચાલિત મિશનરીઝ ઑફ ચેરિટી દ્વારા ચલાવાતાં હેલ્થ ક્લિનિકોમાં સ્વાસ્થ્યને નામે દર્દીઓ પર કેવા અમાનવીય અત્યાચારો થતા હતા તેની પોલ પૂર્વેમાં તેમની સાથે કામ કરી ચૂકેલા લોકોએ જ ખોલી નાંખી છે. પ્રસ્તુત છે આ અંગે છણાવટ આ મુખપૃષ્ઠ વાર્તામાં...
 
૧૯૧૦માં ૨૬ ઓગસ્ટના રોજ તત્કાલીન ઓટોમન સામ્રાજ્યના આલ્બેનિયાના સ્કાપ્ટઝે શહેરના એક રૂઢિચુસ્ત ઈસાઈ પરિવારમાં એક બાળકીનો જન્મ થયો. નામ રાખવામાં આવ્યુ ગોંઝા બોયાઝિઝુ. બાળપણથી જ રૂઢિચુસ્ત ઈસાઈ પરિવાર અને વાતાવરણમાં ઉછરવાના કારણે કિશોરવયની થતાં થતાં આ બાળકીને ઈસાઈયતનું એવું તો ઝનૂન ચડ્યું કે, સમગ્ર વિશ્વને ઈસા મસીહના શરણમાં લાવવાનાં સ્વપ્નો જોવા લાગી અને મિશનને પાર પાડવા કેથલિક નનની દીક્ષા લઈ પ્રથમ આયર્લેન્ડ અને ત્યારબાદ ભારતમાં કલકત્તામાં આજીવન માટે સ્થાયી થઈ. કથિત સેવા અને શુશ્રૂષાના ઓથા હેઠળ મતાંતરણની એક પ્રકારે એવી તો ક્રુસેડ ચલાવી જેની પીડા આજ દિન સુધી સમગ્ર ભારત ભોગવી રહ્યું છે. આ ઈસાઈ નનનું નામ છે મધર ટેરેસા. જેને આપણે મેકોલોવાદી શિક્ષણપદ્ધતિના પાપે સેવામૂર્તિ - ગરીબોની બેલી મધર ટેરેસા તરીકે ઓળખીએ છીએ. કહેવાતા ઉદારવાદી સેક્યુલર રાજકીય પક્ષોની નાસમજી કહો કે પછી તેઓના પાપે કહો, ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા ભારતના મહામાનવોને અવગણી તેમના કરતાં પણ પહેલાં આ મહિલાને ભારતરત્ન જેવા સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યાં હતાં. (ટ્રમ્પને નોબલ પારિતોષિક મેળવવાની કેવી તલપ જાગી છે, એની આપણને ખબર છે ને !)
દેશમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર કે, જેઓએ ભારતને તેનું બંધારણ આપ્યું હતું. દેશના પીડિતો, શોષિતોને તેમના હક્કો અને સ્વમાન અપાવ્યું હતું, તેમની ધરાર અવગણના કરી એક વિદેશી મહિલા જેના પર મતાંતરણના આરોપો લાગેલા હતા. તેમને ભારતરત્ન આપી તત્કાલિન સરકારે એક રીતે ડૉ. બાબાસાહેબનું જ નહિ દેશના વંચિતવર્ગનું પણ હળાહળ અપમાન કર્યું હતું. કોંગ્રેસ અને તેની સમાન વિચારધારાવાળા પક્ષો દ્વારા રાષ્ટ્રીય વિચારધારાને વરેલા મહાપુરુષોને આ અન્યાય આજે પણ ચાલુ છે. તેનું તાજું જ ઉદાહરણ ઝારખંડમાં કોંગ્રેસ ગઠબંધનવાળી ઝારખંડ મુક્તિ મોર્ચાની સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય છે.
 

mother-teresa 
 
ઝારખંડની હેમંત સોરેન અને કોંગ્રેસ ગઠબંધનવાળી સરકાર દ્વારા અટલ મોહલ્લા ક્લિનિકનું નામ બદલી વિવાદિત ઇસાઈ સંત મધર ટેરેસા એડ્વાન્સ હેલ્થ ક્લિનિક કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, અટલ મોહલ્લા ક્લિનિક પ્રાથમિક સ્વાસ્થ્ય સુવિધા કેન્દ્ર છે, જે રાજ્યના ગરીબ લોકેોને નિઃશુલ્ક અને વ્યાપક સ્વાસ્થ્ય-સેવાઓ પ્રદાન કરતું હતું. આશ્ચર્યજનક રીતે કોઈપણ માંગણી વગર, કોઈપણ કારણ વગર અને કોઈપણ તર્ક આપ્યા વગર ઝારખંડની હેમંત સોરેન સરકાર દ્વારા અટલ મોહલ્લા ક્લિનિકનું નામ બદલી મધર ટેરેસાના નામ પર કરી દેવાયું છે. સ્પષ્ટરૂપે આની પાછળ મતબેંકની રાજનીતિ જ છે, કારણ કે ઝારખંડમાં પ્રત્યેક ચૂંટણીઓ દરમિયાન ઈસાઈ મતબેંક એ ખૂબ જ મહત્ત્વનું ફેક્ટર બને છે. અને ઝારખંડ સરકાર અત્યારથી જ જાતિગત તુષ્ટિકરણનો આ પાક વાવી રહી છે, જેથી ચૂંટણીઓ દરમિયાન તેને મબલખ પ્રમાણમાં લણી શકાય. ઝારખંડ સરકારના આ નિર્ણય બાદ સ્વાભાવિક રીતે જ તેનો વિરોધ તો થવાનો જ. સ્વાભિમાની નાગરિકો ઝારખંડ સરકારને પ્રશ્નો કરી રહ્યા છે કે, શ્રી અટલ બિહારી વાજપેયીજીએ જ ઝારખંડને અલગ રાજ્ય બનાવી ઝારખંડના નિર્માણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું, પરંતુ મધર ટેરેસાનું ઝારખંડમાં એવું તે શું યોગદાન હતું? આખરે આ નામ બદલવાની જરૂર કેમ પડી? શું આ નામ બદલીને સરકાર સારવાર લેનારાઓને વધારાની સુવિધાઓ આપવાની છે? આ નામાંતરણ કેમ એવા કથિત ઈસાઈ સંત મધર ટેરેસાના નામ પર કરવામાં આવ્યું છે, જેમના પર હજારો લાખો બિનઈસાઈઓનું મતાંતરણ કરવાના આરોપો છે. ઇલાજના નામે લાખો લોકોને રિબાવી રિબાવી મારી નાખવાના આરોપ છે. જેમની ઉપર મરતા માણસોને પણ છેતરી ઈસાઈ મતમાં મતાંતરિત કરી દેવાના આરોપ છે. જી હા, આ વાંચી ઘણા બધા લોકોને આશ્ચર્ય થશે કે, મધર ટેરેસા અને વિવાદ! અને આવું થવું સ્વાભાવિક પણ છે, કારણ કે, આપણી આખી પેઢીને શાળામાંથી જ રટાવવામાંં આવતું રહ્યું છે કે, મધર ટેરેસા એટલે `સેવાની મૂર્તિ', પરંતુ હકીકત કંઈક અલગ અને રૂંવાડાં ઊભાં કરી દે તેવી છે. સેવાના નામે આ વિદેશી મહિલાએ ભારતમાં આવી મતાંતરણ અને અત્યાચારોનો કેવો કહેર વર્તાવ્યો હતો અને કેવી રીતે ષડયંત્રપૂર્વક પોતાને સેવામૂર્તિ સ્થાપિત કરી દીધા હતાં તેનો પર્દાફાશ તેમની સાથે જ કામ કરી ચૂકેલાં તેમના જ અનેક દેશી-વિદેશી સમર્થકો દ્વારા કરવામાં આવ્યો છે.
મધર ટેરેસા કરુણાની મૂર્તિ?
 

mother-teresa 
 
મિશનરી ઑફ ચેરિટીના સંસ્થાપક મધર ટેરેસાનો અતીત દાગભર્યો રહ્યો છે. આ સંસ્થાની સેવા કરવાની પ્રણાલી અને તેની હકીકત અંગે અનેક દેશી-વિદેશી લેખકો દ્વારા ખૂબ બધું લખવામાં આવ્યું છે. આવા જ એક બ્રિટિશ-અમેરિકી લેખક ક્રિસ્ટોફર હિચેન્સે મધર ટેરેસા પર `મિશનરી પોઝિશનઃ ટેરેસા ઈન થિયરી એન્ડ પ્રેક્ટિસ' નામનું પુસ્તક લખ્યું છે. તેઓ તે પુસ્તકમાં લખે છે કે, સમગ્ર વિશ્વનાં માધ્યમોના એક વર્ગવિશેષ દ્વારા મહિમામંડિત કરાયેલ મધર ટેરેસાનાં ૬૦૦ મિશન કાર્યરત છે. આમાંનાં કેટલાંક મિશનમાં રાખવામાં આવેલા રોગીઓ-દર્દીઓ અંગે ચિકિત્સકોએ અનેક ચોંકાવનારાં વક્તવ્યો આપ્યાં છે. અને આ મિશનોને મોતના ઠેકાણાં સમાન ગણાવ્યાં છે. તેઓએ અહીં ગંદકી, અપર્યાપ્ત ભોજન અને દર્દનિવારક દવાઓની અનુપસ્થિતિ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. પુસ્તકમાં લેખક ક્રિસ્ટોફર હિંચેન્સ લખે છે કે, `આવી દારુણ પરિસ્થિતિઓનું કારણ પૂછવા પર મધર ટેરેસાનો જવાબ હતો કે, ગરીબો-પીડિતો દ્વારા પોતાના નસીબનો સ્વીકાર કરતા જોવામાં, જિસસની જેમ કષ્ટ સહન કરતાં જોવામાં એક પ્રકારનું સૌંદર્ય છે. આ લોકોના કષ્ટથી વિશ્વને ઘણું બધું મળે છે.' પરંતુ આ ઢોંગને ઉઘાડો પાડતાં લેખક લખે છે કે, જ્યારે મધર ટેરેસા સ્વયં બીમાર પડતાં ત્યારે તેઓએ પોતાના પર એ પોતાના જ સિદ્ધાંતો લાગુ પાડતાં ન હતા. તેઓએ ન તો પોતાના દ્વારા સંચાલિત હોસ્પિટલોને પોતાના ઇલાજ કરવાને લાયક સમજતા કે ન તો જિસસવાળી પીડા સહન કરતાં, ઊલટાનું તેઓ તો પોતાના ઇલાજ માટે અમેરિકાની કેલિફોર્નિયા સ્થિત સ્કૉટિસ ક્લિનિક એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનમાં સારવાર લેવા માટે પહોંચી જતાં હતાં.
 
માત્ર સંસ્થામાં સારવાર કરાવવા આવતાં ગરીબ દર્દીઓ સાથે જ નહિ, સંસ્થામાં સેવા આપતા લોકો સાથે પણ ત્યાં કેવાં અત્યાચારો થતાં તે અંગે તેમની સંસ્થામાં કામ કરી ચૂકેલાં અનેક લોકોએ ખુલાસા કર્યા છે. ઉલ્લેખનીય છે કે, મહોલ્લા ક્લિનિકમાં અટલજીના બદલે, સેવાના નામે લોકો પર અત્યાચાર કરનારા મધર ટેરેસાનું નામ મૂકીને ઝારખંડ સરકારે અટલજીનું જ નહીં સમગ્ર દેશનું અપમાન કર્યું છે.
 

mother-teresa 
 
સંસ્થામાં સેવા આપતી નનોની આપવીતી
 
મધર ટેરેસાના મિશનમાં કામ કરી ચૂકેલાં કૉલેટ લિવરમોર નામની એક ઓસ્ટ્રેલિયાઈ નને પોતાના મધર ટેરેસાની સેવા પરના મોહભંગ અને પીડાઓ પર `હોપ એન્ડયોર્સ' નામનું એક પુસ્તક લખ્યું છે. પુસ્તકમાં પોતાના ૧૧ વર્ષના અનુભવ અંગે વાત કરતાં કૉલેટ કહે છે કે, ત્યાં તંત્ર યોગ્ય કે અયોગ્યને બદલે હુકમ પર ચાલતું હતું. નનોને આદેશ કરતાં મધર ટેરેસા ઈસાઈ વાઙ્મયનાં ઉદાહરણો આપતાં હતાં, તેઓ કહેતા દાસો (ગુલામો)ને તેમના માલિકની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પછી તે ભલે ગમે તેટલો કર્કશ અને દુરુહ હોય. (પીટર ૨-૮-૨૩)
 
The Turning - The Sister who left નામના એક પોડકાસ્ટમાં પણ મધર ટેરેસાની આવી જ વિવાદસ્પદ બાજુને ઉજાગર કરવામાં આવી છે. આમાં એક એવી મહિલાની વાત છે, જે પોતાના સમાજની ધાર્મિક વ્યવસ્થામાંથી બહાર નીકળવા માંગે છે અને મધર ટેરેસાની મિશનરીમાં ફસાઈ જાય છે. આ પોડકાસ્ટમાં બતાવવામાં આવ્યું છે કે, ત્યાં નનોને દર્દીઓ અને બાળકોને સ્પર્શવાની પણ મનાઈ હતી. નનો કોઈની સાથે દોસ્તી પણ નહોતી કરી શકતી. આ નનોને પોતાના પર જ કોરડા વરસાવવાના નિર્દેશ આપવામાં આવતા. તેમને કાંટાદાર સાંકળ પહેરવા મજબૂર કરાતી હતી. જેથી તે જિસસને શૂળી પર ચડતા સમયે થયેલી પીડાને અનુભવી શકે. એટલું જ નહિ નનો દાયકામાં માત્ર એક જ વખત તેમના પરિવારોને મળવા જઈ શકતી. નનોની ભરતી કરાયા બાદ તેમના વાળને કાપી બાળી નાખવામાં આવતા.
 

mother-teresa 
 
મિશન ઑફ ચેરિટીમાં કામ કરી ચૂકેલા ડૉ. અનુરૂપ ચેટર્જી પોતાના પુસ્તક મધર ટેરેસા - ધ ફાઈનલ વર્ડિક્ટમાં લખે છે કે, મિશનરીઓ દ્વારા સંચાલિત એ હૉસ્પિટલોમાં આદિમ ચિકિત્સા પદ્ધતિઓ અપનાવવામાં આવતી હતી. સાદગીના નામે દર્દીઓ પર જૂની હાઈપોડર્મિક સોયોનો ઉપયોગ કરવામાં આવતો. દર્દીઓએ એકબીજાની સામે જ શૌચ કરવા માટે મજબૂર કરવામાં આવતા. દર્દીઓને દવાઓ આપવામાં આવે તો પણ ૧૦-૧૦ વર્ષ પહેલાં એક્સ્પાયર થઈ ગયેલી દવાઓ આપવામાં આવતી. મળથી ખરડાયેલા કાંબળાઓ અને વાસણોને એક સાથે એક જ સિંકમાં ધોવામાં આવતા. (શું ઝારખંડ સરકાર ઝારખંડના ગરીબ જનજાતિ સમાજને એવી દયનીય પરિસ્થિતિમાં સબડતા જોવા માગે છે?)
 
મધર ટેરેસાની સંસ્થા દ્વારા એવો દાવો કરવામાં આવતો હતો કે, તેઓ કલકત્તામાં દરરોજ હજારો ગરીબોને ભોજન પૂરું પાડે છે પરંતુ એ વાત પણ મોટું જૂઠાણું છે. હકીકતમાં સંસ્થાના રસોઈઘરમાં એક દિવસમાં માત્ર ૩૦૦ લોકોનું જ ભોજન બનતું હતું. અને એ ભોજન પણ એ જ લોકોને આપવામાં આવતું હતું, જેમણે ઈસાઈ મતને અપનાવી લીધો હોય.
 
પોતાના પુસ્તકમાં ડૉ. અરુણ ચેટર્જી લખે છે કે, મિશનરીઝ ઑફ ચેરિટીએ ભારતમાં હજારો ગરીબ મા-બાપની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો. મિશનરીઝ ઑફ ચેરીટી ત્યારે જ ગરીબ બીમાર બાળકોને મદદ માટે તૈયાર થતી હતી જ્યારે તેમનાં મા-બાપ એક ફોર્મ ભરવા તૈયાર થઈ જતાં હતાં. જેમાં લખેલું રહેતું કે, તેઓ એ બાળકો પર પોતાનો દાવો છોડી રહ્યાં છે. અને તેમને મધરની સંસ્થાને સોંપે છે. આમ મજબૂર માતા-પિતા બાળકોને ઇલાજની મજબૂરીમાં મિશનમાં છોડી ચાલ્યાં જતાં. ત્યાર બાદ તેમને પોતાના બાળકોને મળવા પણ દેવામાં આવતાં ન હતાં. અને તે બાળકોનું બ્રેઇનવૉશ કરી તેમને કટ્ટર ઈસાઈ બનાવવામાં આવતાં. કટ્ટર ઇસાઇ એવા મધર ટેરેસાએ બાળકોને પણ ધર્માંતરિત કરવામાં બાકી રાખ્યા નહોતા ત્યારે, ઝારખંડ સરકાર અટલ ક્લિનિકનું નામ બદલીને મધર ટેરેસા ક્લિનિક કરીને શું સાબિત કરવા માંગે છે?
 
કેનેડાના શોધાર્થીઓનું રૂંવાડાં ઊભાં કરતું સંશોધન
 
૨૦૧૩માં સાર્જ લેરવી અને જૈનેવીબ કેનાર્ડ (યુનિવર્સિટી ઑફ મોન્ટ્રિયલ્સ ડિપાર્ટમેન્ટ ઑફ સાયકો એજ્યુકેશન એ કેરોલ સેનેચલ ઑફ ધ યુનિવર્સિટી ઓફ ઓટાવા) દ્વારા મધર ટેરેસાના જીવન પર આધારિત ૫૦૨ દસ્તાવેજોનું અધ્યયન કર્યું હતું. આ અધ્યયન બાદ તેમનો નિષ્કર્ષ હતો કે, તેઓ વિશ્વના નિષ્ઠુર તાનાશાહો તરફથી સન્માન અને દાન ગ્રહણ કરતાં રહ્યાં. કરોડો રૂપિયા આવતા રહ્યા પરંતુ બેંક ખાતાં ગુપ્ત રાખવામાં આવ્યાં. લૈરવી પ્રશ્ન ઉઠાવે છે કે, ગરીબમાં ગરીબ આદમીના નામે આવેલા કરોડો ડૉલર આખરે ગયા ક્યાં?
 
હવે પ્રશ્ન એ થાય કે આટલા બધા વિવાદો છતાં ટેરેસા માતૃત્વની મૂર્તિ તરીકે કેવી રીતે પ્રચલિત થઈ ગયાં. આ અંગે લૈરવી અને કેનાર્ડ કહે છે કે, ૧૯૬૮માં લંડનમાં ટેરેસાની મુલાકાત રૂઢિવાદી કેથલિક પત્રકાર મેલ્કમ મગરિઝ સાથે થઈ. મગરિઝે ટેરેસાને માસ-મીડિયાની શક્તિ અને ઉપયોગ અંગે સમજાવ્યું. અને આમ મધર ટેરેસાને કેન્દ્રમાં રાખી એક પ્રચાર ફિલ્મ બનાવવામાં આવી, જેને ચમત્કારોનું પ્રથમ ફોટોગ્રાફિક પ્રમાણ તરીકે પ્રચારિત કરી મધર ટેરેસાના સમર્થનમાં હવા બનાવવામાં આવી. ત્યારબાદ ટેરેસા એક ચમત્કારિક સંત તરીકે પુરસ્કાર અને સન્માન મેળવતાં સમગ્ર વિશ્વમાં ફરી વળ્યાં. તેમને સેવાનો નોબલ પણ મળી ગયો. ધીરે ધીરે ટેરેસાની ચારેય તરફ એવું આભામંડળ ગઢી દેવામાં આવ્યું કે, તેમની વિરુદ્ધ કોઈપણ પ્રકારના પ્રશ્નો ઉઠાવવા વર્જિત થઈ ગયું.
 
વાચક મિત્રોને જણાવી દઈએ કે જે મધર ટેરેસા ભારતના ગરીબોને નામે વિશ્વભરમાં ફરી ફરી અઢળક ભંડોળ અને પોતાને નોબલ શાંતિ પુરસ્કાર અપાવ્યો હતો તે મધરે ભારતીય સંસ્કૃતિની પ્રશંસામાં ક્યારેય એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. કે નથી એક કાર્ય એવું કર્યું કે જેનાથી ભારતીય સંસ્કૃતિ કે ભારતના સામાન્ય નાગરિકને ગર્વ થાય, તેમની સરખામણીમાં ભારતીય રાજકારણને નવો વળાંક અને વિકલ્પ આપનાર અટલ બિહારી વાજપેયીનું જીવન જ તેમનો સંદેશ છે. તેમની રાજકીય કારકીર્દિ હોય કે વ્યક્તિગત જીવન સંપૂર્ણ બેદાગ રહ્યું છે. અટલ બિહારી વાજપેયીજી ભારતીય રાજકારણના એક માત્ર એવા નેતા હતા. જેમને ચાર અલગ અલગ રાજ્યોમાંથી ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. અટલ બિહારી વાજપેયીએ લોકસભામાં ઉત્તરપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું હતું એટલે કે સમગ્ર દેશમાં તેઓ સર્વસ્વીકૃત હતાં. ત્યારે અટલ બિહારી વાજપેયીજીને મોરારજી દેસાઈની આગેવાની હેઠળની જનતા પાર્ટી સરકારમાં ૧૯૭૭-૧૯૭૯ દરમિયાન પ્રથમ વખતે જ વિદેશમંત્રી તરીકેની તક મળી. તેમને પ્રથમ અવસરે જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને હિન્દીમાં સંબોધિત કરી ભારતના `સ્વ'ને વિશ્વસ્તરે ગાજતું કરી દીધું હતું.
 

mother-teresa 
 
હું તટસ્થ નથી કારણ કે, હું એક ઈસાઈ છું
 
મધર ટેરેસાના આદેશ પર લગભગ એક દાયકો એમની સંસ્થામાં કામ કરનારા સુશાન સિંહ નામના સ્વયંસેવક મધર ટેરેસાની સેવા અને મતાંતરણ અંગે સ્ફોટક માહિતી આપતાં કહે છે કે, મધર ટેરેસા દ્વારા નનોને મરણપથારીએ પડેલા વ્યક્તિ પાસે મોકલવામાં આવતી હતી. નનોને શીખવવામાં આવતું હતું કે, કેવી રીતે, ગુપ્ત રીતે તેને બાપતિસ્મા આપવી. નનો દ્વારા મરણપથારીએ પડેલા વ્યક્તિને જઈ પૂછવામાં આવતું કે, શું તે સ્વર્ગમાં જવા ઇચ્છે છે? સ્વાભાવિક રીતે જ મરણપથારીએ પડેલ વ્યક્તિ `હા' જ પાડવાનો અને તેના સકારાત્મક જવાબનો અર્થ બાપતિસ્મા માટે સહમતિ હતો. ત્યારબાદ નનને એવો દેખાડો કરવાનો હતો કે તે માત્ર ભીના કપડાથી વ્યક્તિના માથાને ઠંડું કરી રહી છે. બલ્કે વાસ્તવમાં તે બાપતિસ્મા આપતી હતી અને ધીરે ધીરે તેની વિધિના શબ્દો બોલતી હતી. આમ મરણપથારીએ પડેલા હિન્દુ-મુસ્લિમોને બાપતિસ્મા આપી દેવામાં આવતી.
 
સુશાન સિંહની આ વાતો ૧૯૯૫માં ક્રિસ્ટોફર હિચેન્સ દ્વારા લિખિત પુસ્તક મિશનરી પોઝિશન - મધર ટેરેસા એન્ડ પ્રેક્ટિસમાં પ્રકાશિત થઈ છે. ૧૯૯૨માં મધર ટેરેસાએ ખુદ સ્વીકાર્યું હતું કે, તેઓએ મૃત્યુશૈયા પર પડેલા ૨૯૦૦૦ લોકોનું ઇસાઈ મતમાં મતાંતરણ કરાવ્યું હતું. મધર ટેરેસા કેટલાં કટ્ટર ઈસાઈ હતાં એ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, ૧૯૮૩માં એક હિન્દી પત્રિકા દ્વારા લેવાયેલ એક મુલાકાતમાં જ્યારે પૂછવામાં આવ્યું કે, `એક ઈસાઈ મિશનરી હોવાના નાતે શું આપ એક ગરીબ ઈસાઈ અને અને અન્ય ગરીબ (ગેરઇસાઈ) બાબતે ખુદને તટસ્થ રાખી શકો છો?' ત્યારે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેઓએ કહ્યું હતું કે `હું તટસ્થ નથી' કારણ કે, હું એક ઈસાઈ છું અને મારી પાસે મારો ધર્મ છે. આ જ સાક્ષાત્કારમાં જ્યારે મધર ટેરેસાને પૂછવામાં આવ્યું કે, પોતાની ખગોળશાસ્ત્રીય શોધોને કારણે મધ્યયુગીન ચર્ચ દ્વારા પ્રતાડિત કરાયેલા વૈજ્ઞાનિક ગેલેલિયો અને ચર્ચમાંથી તે કોનો પક્ષ લેશે? ત્યારે પણ તેમણે એક જ ઝાટકે કહી દીધું હતું કે, `ચર્ચ'.
 
મોરારજી દેસાઈને આપ્યો હતો શ્રાપ
 
૧૯૭૯માં સંસદ સદસ્ય શ્રી ઓમપ્રકાશ ત્યાગીએ લોકસભામાં ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક પ્રસ્તુત કર્યું હતું, જેમાં છળ-કપટ, ભય તેમજ પ્રલોભન દ્વારા કોઈપણ પ્રકારના મતાંતરણને અપરાધ જાહેર કરવાની જોગવાઈ હતી. તેના વિરોધમાં ૨૬ માર્ચ, ૧૯૭૯માં મધર ટેરેસાએ તત્કાલીન પ્રધાનમંત્રી મોરારજી દેસાઈને એક પત્ર લખ્યો હતો. જે કોઈપણ ભારતીય માટે ચોંકાવનારો હતો. પત્રમાં મધર ટેરેસા લખે છે કે, હું નિશ્ચિત રૂપે ઈસાના નામે જ સેવા કરી રહી છું. લોકોને ઈસાઈ બનાવવા પર કોઈ પ્રતિબંધ લગાવાય છે તો અમે તેને ક્યારેય સહન નહીં કરીએ. એટલું જ નહીં મધર ટેરેસાએ મોરારજી દેસાઈ પર વ્યક્તિગત આક્ષેપ કરતાં લખ્યું હતું કે, તમે ઘણા જ વૃદ્ધ થઈ ચૂક્યા છો. થોડાક જ સમયમાં મરી જશો ત્યારે ઈશ્વરને એ વાતનો જવાબ આપવો પડશે કે તે ઈસાઈયતના પ્રચાર પર પ્રતિબંધ કેમ લગાવ્યો? તેઓએ મોરારજી દેસાઈને નરકમાં જવાનો શાપ પણ આપ્યો હતો.
 
ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઈને મરવાનો શાપ આપનાર અને બીજા વડાપ્રધાન અટલજીના સ્થાને જેમનું નામ મુકાયું છે તેવા મધર ટેરેસાના નામે ઝારખંડમાં ક્લિનિક શરૂ થાય તેનાથી મોટી વિડંબણા શું હોઈ શકે?
 
સંતની પદવી સામે પણ સવાલ
 
રોમન કેથેલિક ચર્ચ જ્યારે કોઈ મિશનરીને સંત ઘોષિત કરે છે, તો તેની એક વિશેષ પ્રક્રિયા હોય છે, જેનો એક મુખ્ય ભાગ છે તે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા કોઈ ચમત્કાર ટેરેસાના મૃત્યુ બાદ પોપ દ્વારા તેમને સંતની ઉપાધિ આપવામાં આવી, પરંતુ આમાં પણ મોટું કૌભાંડ થયું હોવાના વિવાદ છે. કારણ કે મોનિકા બસરા નામની એક બંગાળી મહિલા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તેના ઘરમાં લગાવવામાં આવેલ મધર ટેરેસાની તસવીરમાંથી પ્રકાશનાં કિરણો નીકળ્યાં અને તેના પેટની કેન્સરની ગાંઠ ઠીક થઈ ગઈ. આ દાવાની ખરાઈ કર્યા વગર જ પોપ દ્વારા મધર ટેરેસાને સંતની ઉપાધિ આપી દેવામાં આવી હતી, પરંતુ હકીકત શું છે? મોનિકા બસરાની ચિકિત્સક ડૉ. રંજન મુસ્તફી મુજબ મોનિકા બસરાને કેન્સર હતું જ નહીં. તે તો ટીબીની દર્દી હતી અને મેં તેનો બાકાયદા ઇલાજ કર્યો છે ત્યારે પ્રશ્ન એ થાય કે, આવા દાવા બાદ વેટિકને ડૉ. રંજન સાથે વાત કરી? દુર્ભાગ્યે આપણા માધ્યમો દ્વારા આ વિષયો પર ક્યારેય પ્રશ્ન નથી ઉઠાવાયા કે કથિત તર્કવાદીઓએ આવા દાવા પર ક્યારેય પ્રશ્ન ઉઠાવ્યો નથી.
 
સમગ્ર જીવન હિન્દુઓનું ધર્માંતરણ કરનારા મધર ટેરેસાને ઝારખંડ સરકાર હજુ પણ સંત અને સેવામૂર્તિ તરીકે પ્રસ્થાપિત કરવાનું ષડયંત્ર કરીને, માત્ર તુષ્ટિકરણની રાજનીતિ રમી રહી છે.
 
આદર્શ અટલજી
 
આમ એક તરફ મધર ટેરેસાના ભારત આગમન બાદથી જ તેમનું જીવન અને કાર્ય સતત વિવાદમાં રહ્યું છે, તેની સામે અટલ બિહારી વાજપેયી દ્વારા ભારતમાં આપવામાં આવેલ યોગદાનથી સૌ કોઈ પરિચિત છે. તેમના પ્રભાવશાળી નેતૃત્વથી તેઓએ અનેક ક્ષેત્રે ક્રાંતિ લાવી દીધી હતી. વાજપેયી સરકારના કાર્યકાળ દરમ્યાન દેશમાં ટેલિકોમ ક્રાંતિ આવી. વિદેશ સંચાર નિગમ લિમિટેડના એકહથ્થુ શાસનનો અંત આવ્યો. વાજપેયી સરકારે દેશમાં સૌ પ્રથમ વખત ૨૦૦૧માં સર્વ શિક્ષણ અભિયાનની શરૂઆત કરી, જે હેઠળ ૬થી ૧૪ વર્ષના બાળક માટે પ્રાથમિક શિક્ષણ મફત કરી દેવાયું હતું. અનેક બાળકો આ યોજના પછી શાળાએ જતાં થયા હતા. અટલજીના કાર્યકાળ દરમ્યાન જેટલી પણ કુદરતી આફતો જેવી કે ભૂકંપ, દુષ્કાળ, યુદ્ધ, ઓઇલ ક્રાયસિસ આવી અને અર્થતંત્ર હચમચી ગયું, પરંતુ અટલજીએ દેશમાં ૮ ટકાનો જીડીપી દર જાળવી રાખ્યો અને ફુગાવાના દરમાં ૪ ટકાનો સુધારો જોવા મળ્યો. આ તેમના ઉત્તમ વહીવટની નિશાની હતી. અટલજીએ ૨૦૦૦માં પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાની શરૂઆત કરી અને દેશના અનેક ગામો સુધી પરિવહન સુવિધા પહોંચાડી. તેમણે પોતાના કાર્યકાળમાં બે મહત્વકાંક્ષી યોજના હેઠળ દેશના ચેન્નાઈ, કલકત્તા, દિલ્હી અને મુંબઈને જોડવામાં આવ્યા.
 
પોખરણમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતે ૧૯૯૮માં બે દિવસ દરમ્યાન કુલ પાંચ પરમાણું શસ્ત્રોનું પરીક્ષણ કરીને પરમાણુ સત્તા હોવાનો દુનિયાને અહેસાસ કરાવ્યો. ભારતે પ્રથમ પ્રયાસે જ ચંદ્ર ઉપર મિશન મોકલવામાં સફળતા મેળવી હતી. લાઇન ઓફ કન્ટ્રોલ ઉપર પાકિસ્તાની સૈન્ય દ્વારા સતત સીઝ ફાયર થતું હતું. કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓની ઘૂસણખોરી વધી હતી, તે વખતે અટલજીએ પાકિસ્તાન સાથે આરપારની લડાઈ લડીને પાકિસ્તાનને ઘૂંટણીયે પાડયું હતું અને વિશ્વને ભારતની અસલી તાકાતનો પરચો બતાવ્યો હતો. એટલું જ નહિ, કવિહૃદયી અટલજીના જીવનની એક એક પળ ભારતમાતાના ચરણોમાં સમર્પિત હતી. ૧૯૯૨ તેમને પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ૨૦૧૫માં તેમને ભારત રત્નની ઉપાધિથી નવાજવામાં આવ્યા હતા.
 
અટલજીના આદર્શો અને વક્તવ્યો કેટલાય કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ બની ગયા. દેશની પ્રજા તેમને પ્રખર રાષ્ટ્રપુરુષ અજાતશત્રુ અને દીર્ઘબુધ્ધિશાળી સેવક માનતી હતી. તેઓ વિકાસનું વટવૃક્ષ ગણાય છે. જીવનપર્યંત તેમણે ભારતને ઉચ્ચ સ્થાન પર લઇ જવાનો, વિશ્વમાં સમ્માનિત કરવાનો અથાગ પ્રયત્ન કર્યો. વાજપેયીજીએ કેન્દ્રીયમંત્રી, વિરોધ પક્ષના નેતા, વડાપ્રધાનના પદે રહી ગરીમાસભર ગૌરવશાળી ભૂમિકા ભજવી હતી.
 
આ ઈસાઈ તુષ્ટિકરણી નીતિ છે...
 
વિચાર તો કરો, ક્યાં રાષ્ટ્રભક્ત અટલજી અને ક્યાં મતાંતરણ કરાવનારા મધર ટેરેસા? એક અણી શુદ્ધ સ્વદેશી અને એક નખશિખ વિદેશી. એક વિરોધીઓ માટે પણ અજાતશત્રુ તો એકના પર તેની જ સાથે કામ કરી ચૂકેલા તેના જ સાથીઓ દ્વારા ગંભીર આક્ષેપો લગાવાયા છે. એકે આ દેશના `સ્વ' સ્વાભિમાનને વિશ્વ સમક્ષ મૂક્યું છે અને રાષ્ટ્રહિત સાથે ક્યારેય કોઈ સમાધાન કર્યું નથી, તો એકે આ દેશની ગરીબીને આગળ ધરી વિશ્વભરમાંથી લખલૂંટ સંપત્તિ એકત્રિત કરીને આ જ દેશની સંસ્કૃતિ-સભ્યતા પર પ્રહાર કરી તેનો ઉપયોગ મતાંતરણ માટે કર્યો છે. પરંતુ તેમ છતાં ઇસાઈ તુષ્ટિકરણની નીતિને કારણે ઝારખંડ સરકારે અટલજીનું નામ હટાવવાનું દુષ્કૃત્ય કર્યું છે. ખરેખર તો આ પ્રકારે દેશના મહાનુભાવોના નામો બદલી શકાતા નથી. આ એક તુષ્ટિકરણ કરવાની ચાલાકી છે.
 
ઈસાઈ તુષ્ટીકરણની નીતિ પર ચાલતી ઝારખંડની સરકાર વૉટબેંક માટે થઈને કેવા પ્રકારના હથકંડા અપનાવી રહી છે તેની પરાકાષ્ઠા એટલે અટલજીનું નામ `આઉટ' અને મધર ટેરેસાનું નામ `ઈન'. કોઈપણ જાતની ગુણવત્તા (મેરિટ)નો આધાર લીધા વિના આજે પણ દેશમાં કટ્ટરવાદી તત્ત્વોની મતાંતરણ કરાવનારાઓની વાહવાહી કરવામાં આવે છે. દેશના જાગૃત નાગરિકોએ આવા અહિતકારી તત્ત્વોને ઓળખીને એને જાકારો આપવાની જરૂર છે. તો જ આપણું `સ્વ' ખરા અર્થમાં ઉજાગર થશે.
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…