સાહસ, શૌર્ય અને બલિદાનનું અમર યુદ્ધ - સારાગઢીનું યુદ્ધ

12 Sep 2025 11:45:13

fact-about-battle-of-saragarhi-gujarati-
 

૧૨ સપ્ટેમ્બર નિમિત્તે સાહસ, શૌર્ય અને બલિદાનનું અમર યુદ્ધ - સારાગઢીનું યુદ્ધ

 
ભારતના શીખ જવાનો તેની વીરતા અને બહાદુરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. મહારાજા રણજિતસિંહે બનાવેલો સારાગઢી કિલ્લાનો સંદેશા વ્યવહાર માટે ઉપયોગ થતો હતો. વર્તમાન સમયમાં પાકિસ્તાનની ઉત્તર પશ્ચિમ સીમા પર આવેલા સારાગઢી ખાતે ૧૨ સપ્ટેમ્બર, ૧૮૯૭ના રોજ શીખ રેજિમેન્ટની ૨૧ સૈનિકોની જાંબાજ ટુકડી લગભગ દસ હજારથી પણ વધારે અફઘાની અને ઔરકજાઈ લડાકુઓનો સામનો કરીને જીવનના છેલ્લા શ્વાસ સુધી લડ્યા હતા. બહાદુર જવાનોની વીરતા અને શૌર્યની કથા ઇતિહાસમાં અમર થઈ ગઈ છે.
 
શીખોના સામ્રાજ્ય પછી અંગ્રેજ ભારતીય સેનાએ સારાગઢીને એક મધ્યમવર્ગીય સંદેશાવ્યવહાર ચોકી બનાવી હતી, જેમાં હેલિયોગ્રાફના આધારે સૂર્યના પ્રકાશને દર્પણથી પરાવર્તિત કરીને સંદેશાઓ મોકલવામાં આવતા હતા. સારાગઢી લોકહાર્ટ અને ગુલિસ્તાન ફોર્ટનું રક્ષણ કરવા માટેની મહત્વની ચોકી હતી. અહીં સંદેશાવ્યવહારનો ટાવર હતો.
 
એક દિવસ ટુકડી કમાન્ડર ઈશરસિંહે પોતાની ચોકી પર લાગેલા દૂરબીનથી જોયું તો અફઘાન પઠાણોની લાંબી કતારો આ તરફ આવી રહી હતી. સિપાહી ગુરમુખસિંહે ટાવર પર ચઢીને હેલિયોગ્રાફ સેટ કરીને ૩૬મી શીખ રેજિમેન્ટના કમાન્ડર હોટનને સંદેશો મોકલાવ્યો કે, 'દુશ્મન મુખ્ય દરવાજા તરફ આગળ વધી રહ્યા છે. અહીં બીજી ટુકડીઓની આવશ્યકતા છે.” કર્નલ હૉટને સૈનિકો મોકલવાના પ્રયાસો કર્યા, પરંતુ અફઘાન પઠાણોએ લોકહાર્ટ અને સારાગઢી વચ્ચેનો માર્ગ બંધ કરી દીધો હતો. ફોર્ટ લોકહાર્ટ પરથી સંદેશો આવ્યો કે, 'આગળ વધવા માટે અસમર્થ ગુરમુખસિંહે આ સંદેશો ઈશરસિંહને આપ્યો. ઈશરસિંહે પોતાના ર૧ સાથીદારો સાથે ચર્ચા કરી કે, કિલ્લાનો કબજો કરવામાં આવે કે, આ ચોકી છોડી દેવામાં આવે?
બધાએ કિલ્લાનો કબજો ગમે તે ભોગે સાચવવાની નેમ લીધી. યુનિટના સૌથી બહાદુર અને અનુભવી ઇશરસિંહ આ વિસ્તારની ભૂગોળ અને પઠાણોની લડવાની ક્ષમતા સારી રીતે જાણતા હતા. પઠાણ સેના હુમલો કરવા માટે આગળ વધી. હવાલદાર ઈશરસિંહના ઈશારા પર એક સિપાહીએ બ્યૂગલ વગાડી યુદ્ધઘોષ કર્યો. શીખ સૈનિકો બે પંક્તિમાં ગોઠવાઈ ગયા. એક પંક્તિ બેઠી હતી. બીજી પંક્તિ ઊભી. ઈશરસિંહે ફાયરનો ઓર્ડર આપ્યો એટલે સિપાહીની બંદૂકોમાંથી ગોળીઓ છૂટવા લાગી. પઠાણ સેના માત્ર રપ૦ મીટર દૂર હતી. પઠાણોની આગલી હરોળના બધા સિપાહી ગોળીઓથી વીંધાઈ ગયા.
 
પઠાણોએ કિલ્લાને ચારેબાજુથી ઘેરીને હુમલો કર્યો. ઈશરસિંહે જોરથી યુદ્ધઘોષ કર્યો. ‘જો બોલે સો નિહાલ, સતશ્રી અકાલ' બધા સિપાહીઓના ગોળીબારથી પઠાણોને એક વાર ફરીથી દૂર ખદેડી દીધા. એકબાજુ માત્ર ૨૧ શીખ સૈનિકો અને સામે વિશાળ ફોજ. શીખ સિપાહીઓ પાસે હવે દારૂગોળો પણ ખૂટવા આવ્યો હતો. પરંતુ તેમની બહાદુરી અજોડ હતી. પઠાણોના હુમલામાં એક પછી એક એમ ૧૦ શીખ સિપાહીઓ શહીદ થઈ ગયા. છતાં પણ હિંમત હાર્યા નહીં. સવારે નવ વાગ્યાથી લઈને બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પઠાણોએ સાત વખત હુમલા કર્યા. બધા હુમલાઓને શીખોએ ખાળી દીધા. પઠાણોએ પીછેહઠ કરવી પડી. વધારે દારૂગોળા માટે લોકહાર્ટ બટાલિયનને ગુરુમુખસિંહે સંદેશો મોકલ્યો, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં, કારણ કે પઠાણોએ ફરીથી હુમલો શરૂ કરી દીધો હતો. તેમણે હવે નવો નુસખો અજમાવ્યો. સારાગઢી કિલ્લાની આસપાસ ઝાડીઓમાં આગ લગાવી દીધી. ચારે બાજુ ધુમાડાનાં વાદળો છવાઈ ગયાં.
 
શીખ સિપાહીઓ દુશ્મનોને જોઈ શકતા નહોતા. હવે માત્ર ૧૦ સિપાહી બચ્યા હતા. ઈશરસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમણે બાકી બચેલા સિપાહીઓને અંદરની દીવાલ તરફ પાછળ જવા આદેશ કર્યો. અને બે સિપાહીઓને કહ્યું કે, તેમને ખેંચીને દીવાલની તિરાડ પાસે લાવે જેથી તે બહારનું દૃશ્ય જોઈ શકે. શીખ સિપાહી પાસે ગોલાબારૂદ ખતમ થઈ ગયા. પઠાણોએ એ કિલ્લામાં પ્રવેશ કર્યો ત્યારે માત્ર પાંચ શીખ બચ્યા હતા. છતાં પણ તેમણે હાર ન માની. પોતાની બંદૂકો તાકીને રક્ષણાત્મક દીવાલ બનાવી દીધી.
 
કિલ્લાની અંદર સામી છાતીએ આરપારની લડાઈ શરૂ થઈ. શીખ સિપાહીઓએ સિંહની જેમ ગર્જના કરી અનેક પઠાણોને મોતને ઘાટ ઉતાર્યા. બપોરે સાડા ત્રણ વાગે સિપાહી ગુરુમુખસિંહે સંદેશ મોકલ્યો કે કિલ્લાનું મુખ્ય દ્વાર તૂટી ગયું છે. મને લડાઈમાં સામેલ થવા ટાવર પરથી નીચે ઊતરવાની અનુમતિ આપો. ગુરુમુખસિંહ એકલો પઠાણ સેના સામે ઝઝૂમી રહ્યો હતો. ૧૯ વર્ષના આ નવલોહિયા યુવાને ૨૦થી પણ વધારે પઠાણોને તલવારથી રહેંસી નાખ્યા અને અંતે તેમનું પણ બલિદાન થયું. આ મહાભિષણ યુદ્ધમાં ૪૮૦૦ લોકો માર્યા ગયા હતા.
 
ઇતિહાસમાં અમર થઈ ગયેલા આ યુદ્ધની સ્મૃતિમાં ૧૨ સપ્ટેમ્બરના રોજ સારાગઢી દિવસ મનાવવામાં આવે છે. આ શૌર્યસભર ઘટના આધારિત ફિલ્મ 'કેસરી' પાંચ વર્ષ પહેલાં રજૂ થઈ હતી.
Powered By Sangraha 9.0