રાષ્ટ્રગીત શું છે? શા માટે છે? એ વિશે કર્મયોગી શ્રી અરવિંદે એક દિવસ વિચારો પ્રગટ કરતાં કહ્યું કે, `રાષ્ટ્રગીત રાષ્ટ્રીય માનવ તથા સામાજિક માનવને પ્રકટ કરવા લાયક હોવું જોઈએ. રાષ્ટ્રની અસ્મિતાને પ્રજામાં જાગ્રત કરવાની ક્ષમતા એમાં હોવી જોઈએ કારણ કે, દેશની ભાવના અને ચેતનાનો પ્રકાશ એમાં સમાયેલો હોય છે.
એ રાષ્ટ્રીય દાર્શનિક અનુસાર - રાષ્ટ્ર વિના રાષ્ટ્રગીતનું અસ્તિત્વ નથી. રાષ્ટ્રનો અર્થ વ્યક્તિઓનો સંગમ નથી. રાષ્ટ્રનો અર્થ માટી અને પહાડ એટલો જ નથી. એ બધાંથી પરનું એક અસ્તિત્વ છે. ભારતના નકશામાં જોવા મળતો વિસ્તૃત ભૂપ્રદેશ એનું મૂળ આવરણ માત્ર છે. સૂક્ષ્મ તથા બીજસ્વરૂપ રીતરિવાજમાં પોતાની સાંસ્કૃતિક વિશેષતાઓ પ્રકટ કરીને પરસ્પરમાં વહેંચી લઈને જીવન વ્યતીત કરનારા કરોડો લોકો એ રાષ્ટ્રના ઘટકો છે. આપણી અંદર એ સમષ્ટિની શક્તિ હંમેશા સ્પંદિત થાય છે. રાષ્ટ્રગીત એ સચ્ચાઈને પૂર્ણપણે વ્યક્ત કરનારું હોવું જોઈએ.'
એટલું કહીને શ્રી અરવિંદે મારી વાત શરૂ કરી. મારા નામની ભલામણ કરીને મારી ઐતિહાસિક ભૂમિકાનું મૂલ્યાંકન કર્યું. ભારતની આઝાદી માટે થયેલા સંપૂર્ણ સંગ્રામ પાછળનું ચાલક બળ હતું વંદે માતરમ્. આપણા રાષ્ટ્રભક્તોના મનમાં એણે પીડા જાગ્રત કરી, એમના મનમાં જોશ પેદા કર્યો. એમના અધરો પર મંત્ર પ્રસ્ફુટિત કર્યો, પ્રાર્થના જગવી. તે પહેલાં તો દેશ પોતાના ગૌરવની ફીકી પડી ગયેલી છાયામાં સંકોચાઈ ગયો હતો. ભય અને લાચારી હતી. વિદેશોથી અહીં આવીને દેશને પોતાના કબજામાં કરી લેનારા લોકોનું આડંબર અને પરાક્રમ જોઈને અહીંના લોકો ભયભીત થઈ ગયા હતા. `સ્વ'ને શોધી કાઢવાનો પ્રયાસ નિષ્ફળ થઈ રહ્યો હતો. પશ્ચિમના અનુકરણમાં નકામો થઈ ગયો હતો, અથવા પ્રતિરોધની રૂઢિવાદિતામાં સંકોચાઈ ગયો હતો. આપણા માટે આપણા રાષ્ટ્રીય અસ્તિત્વનો મર્મ અજ્ઞાત હતો. એ જ વખતે કોઈનું વિશેષ ધ્યાન ખેંચાયું નહોતું એવા એક પુસ્તકના માધ્યમ દ્વારા વંદે માતરમ્ બહાર આવ્યું. રાષ્ટ્રબોધના અવ્યક્ત વાતાવરણમાં એણે તોફાન મચાવ્યું. એનાથી પ્રકાશ પ્રાપ્ત થયો. બધું વ્યક્ત થવા લાગ્યું. રાષ્ટ્રભક્તોએ એને ગાઈને લડાઈ કરી અને વીરગતિ પ્રાપ્ત કરી. એ આધુનિક ભારત દ્વારા કરાયેલો વીરોચિત ઉદઘોષ છે. સ્વાતંત્ર્યને આવવા માટેનો માર્ગ મોકળો કરનારો એ મંત્રનાદ હતો. એ પ્રકારના એક તારણહાર ગીતને રાષ્ટ્રગીતની પદવીથી દૂર રાખવું એ આપણને નવો જન્મ આપનારી વિશિષ્ટ શક્તિ પ્રત્યે અન્યાય જ છે. મને લાગ્યું કે, અરવિંદ મારો તારણહાર છે.
અરવિંદે કહ્યું હતું કે, દેશની માગ અનુસાર નવો રાગ પ્રદાન કરવા માટે આ દેશમાં પ્રતિભા અને મૌલિકતા સુલભ છે. અરવિંદના એ કથનનું સમર્થન કરી રહ્યા હતા પુણેના સંગીતજ્ઞ માસ્ટર કૃષ્ણરાવ ફૂલમ્બ્રિકર. વીતેલી સદીના અંતમાં એમનો જન્મ થયો હતો. એમને માટે હું એક નશો હતી. મને રાગ પ્રાપ્ત નથી, રાગ નિષિદ્ધ છે એમ કહીને લોકોએ જ્યારે બૂમરાણ કરી મૂકી ત્યારે તેઓ રાગના શોધક બની ગયા. એ જ દિવસથી એમણે મારે માટે યોગ્ય રાગ શોધવાનું તપ શરૂ કરી દીધું. અંતે એ તપસ્યાનું ફળ મળ્યું. નવા રાગનો જન્મ થયો. તેઓ પ્રભાત ફિલ્મમાં જઈને નિર્દેશક વી. શાંતારામને મળ્યા. રેકોર્ડિંગ થઈ ગયું. કૃષ્ણરાવના આનંદની કોઈ સીમા ન રહી. એમણે અચ્યુતરાવ પટવર્ધન, એન. વી. ગાડગીળ, શંકરરાવ દેવ, બી. જી. ખેર વગેરે લોકનેતાઓને ગીત ગાઈને સંભળાવ્યું. એમના પૈકી જ કોઈના સૂચન અનુસાર રાષ્ટ્રીય રાગ નામ આપવામાં આવ્યું. એ સમૂહગાન માટે યોગ્ય રાગ હતો.
કૃષ્ણરાવ ચૂપ ન બેઠા. એમનું ધ્યાન કદમ-બ-કદમ આગળ વધનારા પથસંચલન માટે યોગ્ય રાગ શોધવામાં હતું. તેઓ પોલીસના પરેડ મેદાનમાં ગયા. ૫૩ વર્ષની ઉંમરે એમણે દોઢ મહિનો `માર્ચ પાસ્ટ'નો અભ્યાસ કર્યો. સેનાની આદરસૂચક ધીમી ચાલ અનુસાર એક રાગની એમણે રચના કરી. નેતાઓના સહયોગથી પરેડ મેદાનમાં એનું પરીક્ષણ કરવામાં આવ્યું. બધાને એ સારું લાગ્યું. પ્રભાત ફિલ્મ્સે એનું પણ રેકોર્ડિંગ કરી દીધું. પછી એમણે રાગ અને તાલનું એ સમયની સર્વશ્રેષ્ઠ ગ્રામોફોન કંપની પાસે રેકોર્ડિંગ કરાવ્યું. પછી લોકો એને વંદે માતરમ્ કૃષ્ણરાવ કહેવા લાગ્યા.
ઘણાં વર્ષોથી કૃષ્ણરાવ આકાશવાણીના સિતારા હતા. શ્રોતાઓ માટે તેઓ ચિરપરિચિત હતા. એમ છતાં આકાશવાણી પરથી નવા રાગમાં રજૂઆત કરવા માટે નિર્દેશક બુખારીએ અનુમતિ ન આપી. એક વાર એની સાથે સમાનતા ધરાવતા રાગમાં મારી પ્રસ્તુતિ કરવા લાગ્યા ત્યારે બુખારીએ માઇક્રોફોન બંધ કરી દીધું. પોતાના સ્વાભિમાનને ઠેસ પહોંચતાં કૃષ્ણરાવે આકાશવાણી છોડી દીધું. `ભૂખે મરી જઈશ પણ આકાશવાણીમાં ફરીથી કાર્યક્રમ નહીં કરું' કહીને તેઓ ચાલ્યા ગયા. નિર્દેશક સાહેબ ખુશ થઈ ગયા. અંતે રાષ્ટ્રીય નેતાઓએ દખલ દીધી. તેઓ એ અપમાન સહન કરી શકતા નહોતા. એ વખતે પુણે આકાશવાણી પરથી `સારે જહાઁ સે અચ્છા'નું પ્રસારણ ચાલુ રહ્યું હતું. એના કવિ ઇકબાલે એ દરમિયાન જર્મની જઈને ઇસ્લામનું શિક્ષણ લીધું. ત્યાંથી પાછા ફરીને ઝીણા સાહેબના પક્ષમાં સામેલ થયા અને ગીતમાં આ રીતે ફેરફાર કર્યો, મુસ્લિમ હૈ હમ, વતન હૈ, સારા જહાઁ હમારાં...' જી. બી. માવળંકર કૃષ્ણરાવને સરદાર પટેલ સામે લઈ ગયા. વધુ સમય વીત્યો નહોતો. કૃષ્ણરાવને પુણે આકાશવાણી પરથી નિમંત્રણ મળ્યું, આકાશવાણીમાં વંદે માતરમ્ ગાવા માટે તમને આમંત્રિત કરતાં અમને ખુશી થાય છે.' નિર્દેશક સાહેબે એમનું સ્વાગત કરતાં કહ્યું, અંતે તમારો વિજય થયો. ધન્યવાદ.
રાષ્ટ્રગીતનો પ્રશ્ન ઉગ્ર બન્યો અને મારામાં રાગ સંબંધિત ઊણપનો આરોપ થયો ત્યારે કૃષ્ણરાવ દિલ્હી પહોંચ્યા. તકલીફ વેઠીને પ્રધાનમંત્રી નહેરુને મળ્યા. એમની સમક્ષ સૈનિક રાગમાં મારી પ્રસ્તુતિ કરી. નહેરુજીને સાથે બેઠેલા જનરલ કરિઅપ્પા બેંડના પ્રમુખ લાજપતસિંહ પાસે બેંડમાં એની રજૂઆત કરાવી. બેંડના પ્રમુખના મોંએથી `બેસ્ટ' (BEST) `સરસ' એવો શબ્દ નીકળી પડ્યો. કૃષ્ણરાવ આનંદપૂર્વક સરદાર પટેલ, રાજેન્દ્રપ્રસાદ, રાજાજી, માવળંકર, મહાવીર ત્યાગી, એસ. એન. સિંહા વગેરેને મળ્યા અને ગીત સંભળાવ્યું. રાજેન્દ્ર પ્રસાદની પ્રતિક્રિયા હતી, બ્યુટિફુલ. એમના પ્રયત્નથી બ્રિટિશ એડ કમાંડર સી. આર. ગાર્ડનસાહેબે સંચલન રાગ બ્રિટિશ બેંડમાં લઈ લીધો. એમ કરવા માટે એક કારણ પણ હતું. બ્રિટિશ બેન્ડની અનુમતિ વગર નેતૃત્વ નવા રાગને સ્વીકાર નહીં કરે. એ પગથિયું પણ સર કર્યું. ગાર્ડનસાહેબે કહ્યું, જન ગણ મનમાં જોવા ન મળતી એક પ્રકારની ગંભીરતા આમાં છે. અવરોધો હજુ પણ હતા. નેતાઓની દખલ છતાં ઈશ્વરની કૃપાથી બધા અવરોધો પાર કરીને છેવટે પ્રધાનમંત્રીના સૂચનથી કૃષ્ણરાવ સંસદમાં પહોંચ્યા. બંધારણ સભાના સભ્યો સમક્ષ ગીત અને રાગ બન્ને અલગ અલગ રીતે રજૂ કર્યા. બધાને પસંદ પડ્યા. બધા સભ્યોએ ગાયકની પ્રશંસા કરી. શુભાન્ત સર્વમ્ શુભમ્ કહીને આનંદ અનુભવ્યો.
એ બધા જ જાણે છે કે, લોકમાનસ મને અનુકૂળ હતું. સભાના સભ્યો પણ એ જાણતા હતા. પરંતુ થવાકાળ કાંઈક જુદું જ હતું. ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે સવારે ૧૧ વાગે સભાની બેઠક શરૂ થઈ. બાબુ રાજેન્દ્રપ્રસાદ એના અધ્યક્ષ હતા. એમણે ઊભા થઈને વક્તવ્ય આપ્યું, `હવે ચર્ચા કરવા માટે એક વિષય બાકી છે. રાષ્ટ્રગીતના પ્રશ્નની ચર્ચા કરીને એક ઠરાવ પસાર કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ ઠરાવ પસાર કરીને ઔપચારિક રીતે નિર્ણય લેવાને બદલે રાષ્ટ્રગાન વિશે એક વક્તવ્ય આપવું મને વધુ યોગ્ય જણાયું. એટલે હું બોલવા માટે ઊભો થયો છું. યોગ્ય પ્રસંગે સરકાર દ્વારા કરવામાં આવતાં સંશોધનોને લાગુ કરવાની ફરજ પડવાથી `જન ગણ મન' નામથી ઓળખાતી સંગીત અને શબ્દોના મિશ્રણવાળી કૃતિ ભારતનું રાષ્ટ્રગીત રહેશે. ભારતના સ્વતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા ભજવનારું `વંદે માતરમ્' એના જેટલું જ આદરણીય છે અને એને સમાન સ્થાન મળી રહેશે.
સમય વીતતો ગયો. આમ થવા માટે જવાબદાર કોણ હતું એ સ્પષ્ટ થઈ ગયું. મહાકવિ રવીન્દ્રનાથ ઠાકુરની શતાબ્દી સ્મરણિકાની પ્રસ્તાવનામાં ભારતના લોકતંત્રના શિલ્પી પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ લખ્યું, મારી અંતિમ મુલાકાત વખતે મેં એમને નવા ભારત માટે એક રાષ્ટ્રગીતની રચના કરવાની વિનંતી કરી. એનો એમણે સ્વીકાર કર્યો. એ વખતે મારા મનમાં આજનું રાષ્ટ્રગીત જન ગણ મન નહોતું. એ પછી એમનું મૃત્યુ થયું. થોડાં વર્ષો પછી આઝાદી મળતાં જન ગણ મનનો રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર થયો ત્યારે મને ખૂબ આનંદ થયો. એ નિર્ણય માટે જવાબદાર હું હતો એ વાતનો મને સંતોષ છે.
હું શું કહું? સત્ય જ સત્યનું વકીલ અને સાક્ષી બંને છે.
***
જન ગણ મન રાષ્ટ્રગીત બની ગયું. મારું પણ એ રાષ્ટ્રગીત બની ગયું. હું એનો નમ્રતાપૂર્વક આદર કરું છું. અનુશાસન અથવા લોકતંત્રની મર્યાદાથી ઉપર ઊઠીને રાષ્ટ્રધર્મને નામે હું એનો આદર કરું છું. દેશવાસીઓને પણ મારી એ જ વિનંતી છે. જન ગણ મનની નિંદા દેશની નિંદા છે. જે રીતે રાષ્ટ્રીય ધ્વજમાં રાષ્ટ્રનું દર્શન થાય છે એ જ રીતે રાષ્ટ્રગીતમાં પણ રાષ્ટ્રનું દર્શન થવું જોઈએ. એ જ રાષ્ટ્રીય વ્યવહાર છે.
રાષ્ટ્રગીતના કવિનો પણ હું ખૂબ આદર કરું છું. મારા શૈશવમાં જ જેણે મને રાગબદ્ધ કરી દીધી એમનું પણ હું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું. કોણ જાણે એમની કેટલી કવિતાઓનો પ્રભાવ મારા પર રહ્યો હશે.
પરંતુ મારો રાષ્ટ્રધર્મ અહીં સમાપ્ત નથી થતો. દેશનું વાસ્તવિક ચિત્ર રજૂ કરવું એ ધર્મનો ભાગ છે. ભૂલો સુધારીને સાચા માર્ગે સુંદર ભવિષ્ય તરફ આગળ વધવા માટે એ જરૂરી છે. કાણાં પડેલા વાસણનું સમારકામ કરવાથી કોઈને લાભ નથી થતો. એનો ઉપયોગ કરનારો ભૂલથાપ ખાશે. કોઈ વિશેષ ઉદ્દેશ સાથે ઇતિહાસને મરોડવો અથવા સીધો કરવો એ એક પ્રકારે `મગજની સફાઈ' (બ્રેઈનવૉશ)-જૂના વિચારો છોડાવીને નવા ગ્રહણ કરાવવા જેવું છે. એ લાંબો સમય ટકશે નહીં. પોતાના પુત્રને નૈષ્ઠિક બ્રહ્મચારી બનાવવા માટે મહિલાઓ વગરની દુનિયામાં મોકલીને, એમાં પરાજિત થયેલા વિભાંડક મુનિની કથા અહીં યાદ કરવા જેવી છે.
વિજ્ઞાનની જેમ ઇતિહાસ કોઈનો આદર નથી કરતો. નિંદા પણ નથી કરતો. બે વત્તા બે ચાર જ થાય. ૨ અને ૨ સાથે રહેવાથી બાવીસ થાય. એ જ દૃષ્ટિકોણથી જન ગણ મનનો ઇતિહાસ મારા ઇતિહાસની સાથે જ દેશની જનતાએ જાણવો જોઈએ. ડિસેમ્બર ૧૯૧૧થી જાન્યુઆરી ૧૯૫૦ સુધી જન ગણ મનનો પૂર્વાશ્રમ છે. જન્મતિથિ બરાબર યાદ નથી. નિષ્ક્રમણ સંસ્કાર અથવા સૂર્યદર્શન ૨૭ ડિસેમ્બરના દિવસે થયું. કોંગ્રેસ અધિવેશનનો બીજો દિવસ. એ જ દિવસની વાતથી આપણે શરૂ કરીએ.
બંગાળ વિભાજનની વાત કરતી વખતે મેં જે કહ્યું હતું એનું ફરી એકવાર પુનરાવર્તન કરવાનું છે. ભારતીય યુવકોના આંદોલનનો આવેગ તથા ક્રાંતિની પ્રવૃત્તિઓની તીવ્રતા જોતાં બ્રિટિશ રાજ્યના રાજનેતાઓએ ૧૯૧૧માં બંગાળનું વિભાજન રદ કરવાનો નિર્ણય કર્યો હતો. બ્રિટિશ પાર્લામેન્ટની એ ઘોષણાથી અહીંના મવાળપંથી અંગ્રેજભક્તો ખુશ થયા. એથી પણ વધીને ભારતની પ્રજાના કલ્યાણની ભાળ મેળવવા માટે રાજેશ્વર પોતે પધારી રહ્યા હતા. એ ખબરનો આનંદ એની ચરમસીમાએ પહોંચ્યો. સમ્રાટ જ્યોર્જ પાંચમાનો `તાજ' ધારણ કરવાનો સમારંભ ભારતમાં થાય એવો પણ વિચાર થયો. પરંતુ કેન્ટરબરીના રાષ્ટ્રીય ચર્ચના વિરોધને કારણે એમ બન્યું નહીં. યોજના અનુસાર દિલ્હી દરબાર ભરાયો. જ્યોર્જ પંચમે વિભાજન રદ કરી દીધું. બે નવાં રાજ્યો ઓરિસ્સા તથા આસામની રચના વિશે પણ જાહેરાત કરી. એ પણ જૂના, બંગાળનું વિભાજન જ હતું. એમ છતાં પોતાનો `સોનાર બાંગ્લા' ફરીથી એક થઈ જવાથી મારા બંગાળી મિત્રોએ સંતોષ અનુભવ્યો. એના લીધે તત્કાલીન કોંગ્રેસનેતાઓ સંતુષ્ટ થયા.
***
(ક્રમશઃ)